નવરાત્રી પ્રેરણા: ગ્રામ્ય વિસ્તારના લોકોની દરેક સમસ્યાનું નિરાકરણ લાવતાં વૉટર ચેમ્પિયન નીતાબેન

30 September, 2022 05:25 PM IST  |  Ahmedabad | Nirali Kalani

`વૉટર ચેમ્પિયન` તરીકે  નીતાબેન પટેલની. જેઓ છેલ્લા 20 વર્ષથી ગામડાંઓમાં પાણીની સમસ્યાના નિવારણ માટે લડી રહ્યાં છે. તેમની મહેનત અને પંચાયત તથા સંસ્થાઓના સપોર્ટથી હવે અનેક ગામોમાં પાણીની સમસ્યાનો હલ આવ્યો છે.

વૉટર ચેમ્પિયન તરીકે ઓળખાતાં નીતાબહેન લડી રહ્યાં છે ગામડાંઓના લોકો માટે

નવરાત્રીનો તહેવાર એટલે મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર, નવરાત્રી એટલે આસ્થાનું પ્રતિક, નવરાત્રી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ, નવરાત્રી એટલે સાહસ, શક્તિ અને પ્રેરણાની ગાથા, મા આદ્યાશક્તિના તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે અને આજે પાંચમું નોરતું છે. આ પાવન અવસર પર આપણે જાણીશું દેવી સમાન એવી મહિલાઓની ગાથા જેમણે સાહસ, શક્તિ અને પ્રેરણા બની જીંદગીને એક અવસર બનાવ્યો છે. આ મહિલાઓનું સાહસ અને હિમત આપણને ખરા અર્થમાં મહિલાઓની શક્તિથી અવગત કરાવે છે. તો ચાલે જાણીએ આ મહિલાઓની કહાની જે સાહસ શક્તિ અને પ્રેરણા છે બની... 

વોટર ચેમ્પિયન નીતાબેન પટેલ

આજે આપણે વાત કરીશું `વોટર ચેમ્પિયન` તરીકે ઓળખાતાં નીતાબેન પટેલની. જેઓ છેલ્લા 20 વર્ષથી ગામડાંઓમાં પાણીની સમસ્યાના નિવારણ માટે લડી રહ્યાં છે. તેમની મહેનત અને પંચાયત તથા સંસ્થાઓના સપોર્ટથી હવે અનેક ગામોમાં પાણીની સમસ્યાનો હલ આવ્યો છે. હાલમાં તેઓ ડાંગ જિલ્લામાં આગાખાન સંસ્થા સાથે જોડાયેલા અને ડાંગ જિલ્લાના અનેક ગામોમાં પાણીની અછત સામે લડી જળ સંચાલન કરે છે, સાથે સાથે મહિલા સશક્તિકરણમાં પણ તેમનું અનેરું યોગદાન છે. 

ક્યારથી અને કેવી રીતે કરી શરૂઆત

નીતાબેનનો જન્મ નવસારીના ખુબ નબળાં પરિવારમાં થયો હતો. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં 42 વર્ષીય નીતાબેને જણાવ્યું હતું કે, `હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મેં અનેક એવી પરિસ્થિતિઓ જોઈ છે જ્યાં લોકોને પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ લડવું પડે છે, સાથે સાથે આર્થિક સમસ્યા તો ખરી જ. મારા પરિવારનું સ્થળાંતર થતું હોવાથી મેં મારા મામાને ઘરે રહીને અભ્યાસ કર્યો. શરૂઆતમાં હું મારા અને મારા પરિવારના વિકાસ માટે જ વિચારતી હતી. પરંતુ જેમ જેમ આગળ ભણતી ગઈ તેમ મને મારા વિસ્તારના આસપાસના લોકોની સમસ્યા માટે લડવાની ભાવના જાગી. આ વિચાર મને ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન આવ્યો અને હું ગાંધી વિચાર સાથે લોકોની સેવા કરવા માટે આગળ વધી.`

જમણી બાજુ નીતાબેન

આ અભ્યાસ દરમિયાન નીતાબેન આગાખાન સપોર્ટ રૂરલ પ્રોગ્રામ ઈન્ડિયામાં જોડાયા હતાં. જેમાં ગામડાંઓ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓના વિકાસના કામો થાય છે. 2002માં નીતાબેને ભરૂચ જિલ્લાના ગામ્યવિસ્તારથી શરૂઆત કરી, જ્યાં તેઓ ગ્રામવાસીઓને સંગઠિત કરી કુદરતી સંપત્તિ જમીન અને પાણી સંબંધિત પ્રશ્નો સાંભળતા અને તેમનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો કરતાં. સામાજીક કાર્યકતા તરીકે તેઓ ગ્રામ સંગઠન બનાવતા હતાં. જેમાં પુરૂષો અને મહિલાઓને સામલ કરી જમીન સંરક્ષણ, પશુપાલન અને પાણીની સમસ્યા અને તેના હલ માટે ચર્ચા કરવામાં આવતી હતી. જેમાં ખાસ કરીને મહિલાઓને પીવાનાં પાણી સંબંધિત અઢળક મુશ્કેલીઓ પડતી હતી. આ જાણીને કંબોડિયા ગ્રામ પંચાયત સાથે મળીને નીતાબેને પાણી સમિતિની રચના કરી ઘર ઘર પીવાનું પાણી પહોંચાડ્યું.   

આ સાથે નીતાબેને પાણી સંગ્રહ પર ભાર મુકવાનું શરૂ કર્યુ. જેથી પીવાનાં પાણીની સમસ્યા અને ખેતીની સમસ્યા હલ થઈ શકે. 10 વર્ષ ભરૂચ જિલ્લામાં કામ કર્યા બાદ 2013માં નીતાબેન ડાંગ તરફ વળ્યા અને ત્યાંના લોકોને સાંભળવાનું શરૂ કર્યુ. સાથે સાથે લોકોને પીવાનાં પાણીની સમસ્યા ઉભી ન થાય તે માટે પાણીના સંગ્રહ કરવા પથ્થર પાળા બાંધવા, તલાવડી અને ખેત તલાવડી બનાવવાનું કામ કરે છે. નીતાબેને જળ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે, જેણે આ જિલ્લાઓના 51 ગામોના 30,000 થી વધુ રહેવાસીઓ અને ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલા કેટલાક ગામોના જીવનને સારી અસર કરી છે.

મહિલાઓની સમસ્યા સાંભળતાં નીતાબેન

ડાંગ, નર્મદા અને ભરૂચ ગુજરાતના છ આર્થિક રીતે પછાત જિલ્લાઓ હેઠળ આવે છે. આ જિલ્લાઓના આદિવાસી વિસ્તારોમાં પાણીના બહેતર વ્યવસ્થાપન પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેના કારણે ઘણા ગામોમાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. બહેતર જળ વ્યવસ્થાપનની આ પહેલ પાછળ નીતા પટેલનો હાથ છે, જેમના 20 વર્ષના લાંબા પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. નીતા હવે `વોટર ચેમ્પિયન` તરીકે ઓળખાય છે. 

navsari gujarat news