નવરાત્રી સાહસ: ` Age Not Cage` અડધી સદી વટાવ્યાં બાદ પણ પૂરું કર્યુ મોડલિંગનું સપનું

28 September, 2022 10:52 AM IST  |  Mumbai | Nirali Kalani

ગુજરાતમાં જન્મેલા ગીતાએ સાહસ સાથે દુનિયાની પરવાહ કર્યા વિના 50 વર્ષે મોડલિંગની શરૂઆત કરી. મોડલિંગમાં પણ તેમણે લોન્જરી મોડલ બનવાનું પસંદ કર્યું. તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હતી.

મુંબઈના ગીતા 50 વર્ષે બન્યા ભારતના પ્રથમ મેચ્યોર મોડલ

નવરાત્રીનો તહેવાર એટલે મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર, નવરાત્રી એટલે આસ્થાનું પ્રતિક, નવરાત્રી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ, નવરાત્રી એટલે સાહસ, શક્તિ અને પ્રેરણાની ગાથા, મા આદ્યાશક્તિના તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે અને આજે ત્રીજુ નોરતું છે. આ પાવન અવસર પર આપણે જાણીશું દેવી સમાન એવી મહિલાઓની ગાથા જેમણે સાહસ, શક્તિ અને પ્રેરણા બની જીંદગીને એક અવસર બનાવ્યો છે. આ મહિલાઓનું સાહસ અને હિમત આપણને ખરા અર્થમાં મહિલાઓની શક્તિથી અવગત કરાવે છે. તો ચાલે જાણીએ આ મહિલાઓની કહાની જે સાહસ શક્તિ અને પ્રેરણા છે બની... 

ચેન્જ મેકર ગીતા

આજે આપણે વાત કરીશું મુંબઈના એક એવા મહિલાની જે પોતાને ચેન્જ મેકર ગણાવે છે. સામાન્ય રીતે વધતી ઉંમર સાથે મહિલાઓ તમામ કામમાંથી નિવૃત્તિ લેવાનું પસંદ કરે છે. પરંતુ મુંબઈના ગુજરાતી ફેશન મોડલ ગીતા ઉંમરને ગોળી મારી સપના જોવામાં અને તેના પુરા કરવામાં માને છે. 50 વર્ષે મોડલ બનવાનું સપનું પૂરું કરનાર ગીતાના સાહસની ચોતરફ સરાહના થઈ રહી છે. 

ગુજરાતમાં જન્મેલા ગીતાએ સાહસ સાથે દુનિયાની પરવાહ કર્યા વિના 50 વર્ષે મોડલિંગની શરૂઆત કરી. મોડલિંગમાં પણ તેમણે લોન્જરી મોડલ બનવાનું પસંદ કર્યું. તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ` હું બાળપણથી જ મોડલ બનવા ઈચ્છતી હતી. પરંતુ તે સમયે રસ્તો ચિંધવા માટે કોઈ હતું નહીં. મને પોતે પણ આ ક્ષેત્ર વિશે વધારે સમજ નહોતી. મેં મારી રીતે અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તે સફળ રહ્યાં નહોતા. ઘરના સભ્યોની શું પ્રતિક્રિયા હશે એ જાણતી ન હોવાથી તેમની સાથે પણ મેં મારુ આ સપનું શેર નહોતું કર્યુ. બાદમાં અભ્યાસ પુર્ણ કર્યો અને હું ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરવા લાગી ગઈ. જો કે બાદમાં મેં તે નોકરી છોડીને શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી.`

આ પણ વાંચો: નવરાત્રી પ્રેરણા: દત્તકપુત્ર લઈ સાસુએ પુત્રવધુનો સંસાર ફરી માંડ્યો, જાણો રાજકોટનો આ કિસ્સો

સપનું પુરું કરવાની જાગી ઘેલછા

ગીતા હાલમાં મુંબઈમાં રહે છે, પરંતુ તેમનો ઉછેર અને અભ્યાસ અમદાવાદમાં જ થયો હતો. ગીતાએ પોતાની વાત આગળ ધપાવતાં કહ્યું કે ` ભલે હું સપનાને સાઈડમાં મુકી નોકરીમાં લાગી ગઈ હતી, પરંતુ હર્દયમાં મારું સપનું હજી જીવંત હતું. ક્યાંક ને ક્યાંક એ સપનાને પુરું કરવાની ઘેલછા મારી અંદર દબાઈને બેઠી હતી.` વર્ષો વિતતાં ગયા કામ થતું ગયું અને અંદર છુપાઈને બેઠેલું સપનું પણ જાણે મજબુત થતું ગયું. એવામાં વર્ષ 2019માં ગીતા એક બ્યૂટી ઈવેન્ટમાં ભાગ લેવાની તક મળી. એનું નામ હતું ઈન્ડિયા બ્રેની બ્યૂટી, જેમાં તેમને બેસ્ટ કેટવોક અને ફર્સ્ટ રનરઅપનું ટાઇટલ મળ્યું. ત્યાર બાદ ગીતાએ અન્ય એક ઈવેન્ટમાં ભાગ લીધો અને આમ, તેમનો આત્મવિશ્વાસ વધ્યો. તેમને લાગ્યું કે હું મારું ટીનેજનું સપનું પુરુ કરી શકું છું. પછી તો શું?! ગીતાએ પોતાની પ્રોફાઈલ બનાવી અને લાગી ગયા સપનાને મહેનતરૂપી પાંખ આપવામાં. 

`એજ નોટ કેજ` કેમ્પેન શરૂ કર્યુ

આ કડીમાં ગીતાએ આગળ કહ્યું કે ` મેં ઇન્સ્ટાગ્રામમાં પણ મારી પ્રોફાઇલ બનાવી અને ધીરે ધીરે ફોટોગ્રાફર અને નાના સ્ટાર્ટ અપ્સ તરફથી મને ઑફર મળવાનું શરૂ થયું. જેમ હું માનું છું કે સપનાંને ક્યારેય એક્સપાયરી ડેટ હોતી નથી, એ સાર્થક થતું દેખાયું.` ગીતાએ પહેલું પ્રોફેશનલ શૂટ દિલ્હીના એક ફોટોગ્રાફર સાથે કર્યું. એવામાં અમુક ઘટનાઓ એવી બની કે તેમને એક કેમ્પન શરૂ કરવું પડ્યું. એક વખત ગીતાને વેસ્ટર્ન લેબલની ઈન્કવાયરી આવી અને તેમણે પ્રોફાઈલ શેર કરી. પરંતુ પ્રોફાઈલ ચેક કર્યા બાદ તેમની ઉંમર 50 વર્ષ હોવાની જાણ થતાં કંપનીએ રસ દાખવ્યો નહીં. આવા એક બે અનુભવો થયા બાદ ગીતાએ `એજ નોટ કેજ` (#agenotcage)કેમ્પન શરૂ કર્યુ. જેનો તેમને ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો. આ કેમ્પેનને બ્રાઝિલિયન મોડલ અને અભિનેતા આદિલ હુસૈનનો પણ સપોર્ટ મળ્યો. 

એજ નોટ કેજ લોન્જરી એ તેમનું લેબલ છે અને તેમના કેમ્પેનનો જ એક ભાગ છે. ગીતાએ કેટલીક લોન્જરી બ્રાન્ડસને અપીલ કરી છે કે તેમની એડવર્ટાઇઝિંગમાં મેચ્યોર એટલે કે 40 પ્લસ મોડલને લોન્ચ કરવામાં આવે. ગીતા હિંમત હારવામાં નથી માનતા, તેથી તેમણે પોતાનું લોન્જરી શૂટ કરાવ્યું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યુ. અને હવે બધા તેમને લોન્જરી મોડલ માને છે અને એમાં તેમને કોઈ વાંધો નથી. ગીતાએ અમુક ફોટોગ્રાફર સાથે કામ કર્યું છે. આ ઉપરાંત ઝિવામે, સ્વરા સાડી, વિંક લેબલ, સ્ટાઈલ નુક , ધ આયુર્વેદ કંપની સાથે કોલાબરેશન વર્ક કર્યું છે. 

ગીતાનું માનવું છે કે ઈનરવેર તો બધા પહેરતા જ હોય છે. લોન્જરી એ જરૂરિયાત છે. તો એમા શરમ શેની? દુનિયા ડિજિટલ બની રહી છે. તો લોન્જરી બ્રાન્ડસમાં પણ દરેક ઉંમરની મોડલ કેમ ન હોય? ગુજરાતીમાં કહેવત છે ને `ઘરડી ઘોડીને લાલ લગામ` આનો ઉપયોગ મહિલાઓ મહિલાઓ માટે જ કરતી હોય છે. જેને કારણે વધતી ઉંમર સાથે કંઈક નવું કરવામાં મહિલાઓ ખચકાટ અનુભવતી હોય છે અથવા તો કોઈના કોઈ કારણસર પોતાના સપનાને મારી દેતી હોય છે. પરંતુ ગીતાએ પોતાનું સપનું પુરૂં કરી સાબિત કર્યુ છે કે સપનાની કોઈ એક્સપાયરી ડેટ નથી. તમે કોઈ પણ ઉંમરે તમારું સપનું પૂરું કરી શકો છે. 

આ પણ વાંચો: નવરાત્રી પ્રેરણા: શારીરિક વિકલાંગતા મનોબળ અને જુસ્સાને વિકલાંગ નથી કરી શકતી

nirali kalani navratri mumbai news mumbai fashion