નવરાત્રી પ્રેરણા: આ ગુજરાતી 87 વર્ષીય ડૉક્ટર અને સ્પોર્ટ્સ મહિલા છે `લેડી મિલિંદ સોમણ `

03 October, 2022 12:00 PM IST  |  Vadodara | Nirali Kalani

સ્પોટ્સ વિમન તરીકે દરેક મહિલાઓ માટે પ્રેરણાદાયી એવા 87 વર્ષીય ભગવતી ઓઝાની. જેમણે 60 વર્ષની ઉમંર પછી પણ દોડ, સ્વિમિંગ અને સાયકલિંગ જેવી સ્પર્ધામાં ભાગ લીધો અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ આશરે 80 જેટલા મેડલ્સ જીત્યાં છે.

87 વર્ષે પણ ભગવતી ઓઝાની શક્તિ અને એનર્જી છે ભરપૂર

નવરાત્રીનો તહેવાર એટલે મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર, નવરાત્રી એટલે આસ્થાનું પ્રતિક, નવરાત્રી એટલે અંધકારનો અંત અને પ્રકાશનો પ્રારંભ, નવરાત્રી એટલે સાહસ, શક્તિ અને પ્રેરણાની ગાથા, મા આદ્યાશક્તિના તહેવારનો આરંભ થઈ ચૂક્યો છે અને આજે આઠમું નોરતું છે. આ પાવન અવસર પર આપણે જાણીશું દેવી સમાન એવી મહિલાઓની ગાથા જેમણે સાહસ, શક્તિ અને પ્રેરણા બની જીંદગીને એક અવસર બનાવ્યો છે. આ મહિલાઓનું સાહસ અને હિમત આપણને ખરા અર્થમાં મહિલાઓની શક્તિથી અવગત કરાવે છે. તો ચાલે જાણીએ આ મહિલાઓની કહાની જે સાહસ, શક્તિ અને પ્રેરણા છે બની... 

આજે આપણે વાત કરીશું ગાયનેકોલોજિસ્ટ તો ખરા જ પણ સ્પોટ્સ વિમન તરીકે દરેક મહિલાઓ માટે પ્રેરણાદાયી એવા 87 વર્ષીય ભગવતી ઓઝાની. જેમણે 60 વર્ષની ઉમંર પછી પણ દોડ, સ્વિમિંગ અને સાયકલિંગ જેવી સ્પર્ધામાં ભાગ લીધો અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ આશરે 80 જેટલા મેડલ્સ જીત્યાં છે. તેમજ વર્ષ 2016માં ભગવતી ઓઝાને રાષ્ટ્રપતિના હસ્તે વરિષ્ઠ નાગરિક એવોડથી નવાજવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત તે વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. 

મુળ મોરબીના અને હાલ વડોદરામાં રહેતા ભગવતી ઓઝાની પ્રેરણા તેમના દાદા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, " બાળપણથી જ મારા દાદા મને શાળામાં અને કૉલેજમાં તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને નવું નવું શીખવા પ્રેરિત કરતાં હતાં. હું હંમેશા મારા દાદાએ આપેલા સિદ્ધાંતો સાથે આગળ વધી છું. જે પણ કાર્ય સાથે જોડાઉ તેને પ્રમાણિક પણ કરું છું, પછી તે મારુ તબીબીનું કામ હોય કે સ્પોટ્સનું. મારો જન્મ રૂઢિચુસ્ત વિસ્તારમાં થયો હતો, પરંતુ મારા પરિવારે ક્યારેય મારા પર રૂઢિચુસ્તતા થોપી નથી. તેમણે મારી દરેક ઈચ્છાને પુરી કરવા મને સપોર્ટ કર્યો છે, ખાસ કરીને મારી માતાએ.` 

વ્યવસાયે ભગવતી ઓઝા ગાયનેકોલોજિસ્ટ છે. જ્યારે મહિલાઓ બધું કામ છોડી નિવૃત્ત થવાની વાત કરતી હોય એવા સમયે તેમણે 60 વર્ષની ઉંમર પછી સ્પોટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યુ. સૌપ્રથમ તેમણે ગોવામાં ફાસ્ટ વૉકમાં અનિશ્ચિત રીતે ભાગ લીધો અને તેમાં ગોલ્ડ મેડલ જીત્યા. હકિકતમાં, થયું એવું હતું કે ભગવતી ઓઝા આ ફાસ્ટ વૉકની સ્પર્ધા જોવા ગયા હતા. ત્યાં જઈને ખબર પડી કે સ્પર્ધામાં કોઈ પણ ભાગ લઈ શકે છે. આ જાણ થતાં જ તેઓ મેદાનમાં ઉતરી ગયા અને સિદ્ધિ હાંસિલ કરી. આમ, પ્રથમ રમતે જ ભગવતી ઓઝાનો ઉત્સાહ વધારી દીધો હતો. ત્યારથી લઈ અત્યાર સુધીમાં તે સ્વિમિંગ, સાયક્લિંગ અને રનિંગ જેવી 500 કરતાં પણ વધારે સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યા છે. 

એંસીની ઉંમર વટાવ્યા બાદ શોટ્સ પહેરી રનિંગ, સ્વિમિંગ અને સાયક્લિંગ કરવા પર લોકોની ટિપ્પણી ન સાંભળવી પડે તેવું તો બને નહીં. ભગવતી ઓઝાને પણ સંબંધીઓના ટોણાં સાંભળવા પડતા હતા. આટલી મોટી ઉંમરે શું આવા કપડાં પહેરી કાંઈ રમતમાં ભાગ લેવાતો હશે, આવું તેમને અનેક વાર સાંભળવું પડ્યું હતું. આ સંદર્ભે વાત કરતાં ભગવતી ઓઝાએ જણાવ્યું કે "હું કોઈનું સાંભળતી નથી, હું ફક્ત મારા દિલનું સાંભળું છે. એ જ કહે એ તે તરફ પગલા માંડુ છે. મને સમાજની પરવાહ નથી, મારે જે કરવું હોય છે તે હું કરીને જ ઝંપુ છું."

ભગવતી ઓઝા

ભગવતી ઓઝા ગરબાના પણ ખુબ જ શોખીન છે. જેટલી અનર્જી સાથે તે રમતમાં ભાગ લે છે તેટલી જ એનર્જી અને ઉત્સાહ સાથે ગરબાની રમઝટ બોલાવવામાં પણ તે માહિર છે. પોતાની લાઈફસ્ટાઈલ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ` હું પુરતી ઊંઘ લઉં છું, વહેલું સુવું અને વહેલું ઉઠવું એ મારો પહેલો નિયમ છે. સવારે ઉઠીને વોર્મઅપ કરીને હું સાયક્લિંગ અથવા રનિંગ કરુ છું. હું ખુબ જ સિમ્પલ રીતે મારું જીવન જીવું છું. ડાયટમાં દુધનો ભરપુર ઉપયોગ કરું છું, અને સિઝનલ ફળોનું સેવન કરું છું.`

રાજેન્દ્ર ત્રિવેદી સાથે ગરબા રમતાં ભગવતી ઓઝા

છેલ્લા 20 વર્ષથી તેઓ સ્પોર્ટ્સ એન્ડ એન્ડવેચરમાં પરોવાયેલા છે. કચ્છથી કોચીના 2500 કિમી સહિત તેમને કુલ 15 હજાર કિમી સાયક્લિંગ કર્યુ છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તેમને કુલ 80 એવોર્ડ મળ્યાં છે. સૌથી મહત્વની વાત કે વર્ષ 2000થી તેમણે બાઈક અને કારનો ઉપયોગ ટાળીને સાયકલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે. તે તેના બહારના દરેક માટે સાયકલનો ઉપયોગ કરે છે. ભગવતી ઓઝાનું સ્વાસ્થ્ય અને જીવનશૈલી તો મિલિંદ સોમણને પણ ટક્કર આપે તેવી છે. 

આ પણ વાંચોઃનવરાત્રી સાહસ: ` Age Not Cage` અડધી સદી વટાવ્યાં બાદ પણ પૂરું કર્યુ મોડલિંગનું સપનું

nirali kalani navratri vadodara gujarat news