12 October, 2026 03:53 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એક સોશ્યલ ઇવેન્ટમાં એક સન્નારીને મેં પૂછ્યું, ‘તમે નવરાત્રિમાં ઉપવાસ કરો છો?’
‘પહેલાં તો નહોતી કરતી, પરંતુ આ વર્ષે કરીશ. એ બહાને ડાયટ પણ થઈ જશે. આમ પણ નવરાત્રિમાં બહાર ખાવા-પીવાનું ખૂબ વધી જાય છે.’
‘હા, તમે તો નવેનવ દિવસ જતાં હશો ગરબા રમવા?’
તેમણે કહ્યું, ‘હા, ગરબા તો રમવા જ પડેને! ૯ દિવસ મસ્ત કાર્ડિયો થઈ જાય. મજા કરતાં-કરતાં વજન ઓછું કરવાનો મોકો મળે. ઉપવાસને કારણે હેલ્ધી ઈટિંગ થાય અને ગરબાને કારણે આપણો ટાર્ગેટ પણ અચીવ થાય.’
આ પ્રકારનો સંવાદ તમે તમારી આસપાસના લોકો પાસેથી સાંભળ્યો જ હશે. નવરાત્રિ દરમ્યાન નહીં તો શ્રાવણ માસ દરમ્યાન, અધિક માસ દરમ્યાન કે એકાદશી નિમિત્તે પણ લોકો આવું બોલતા સંભળાય છે. થોડાં વર્ષો પહેલાં ઉપવાસ કરવા એ નાનાં બાળકો માટે કલ્ચરનો ભાગ હતો. ઘણાં ઘરોમાં આજે પણ એ કલ્ચર જળવાઈ રહ્યું છે. અમે નાના હતા ત્યારે ઉપવાસ કરવા એ સમાજમાં એટલું નૉર્મલ હતું કે બધા કરતા હોય એટલે આપણે કરવાના.
ક્યારેક તમે પૂછી લો કે શું કામ કરવાના? તો કંઈક આવો જવાબ મળે કે સોમવાર મહાદેવ માટે, ગુરુવાર વિદ્યા માટે, શુક્રવાર લક્ષ્મીજી માટે અને શનિવાર કે મંગળવાર હનુમાનજી માટે. કોઈ ચોક્કસ ભગવાનની કૃપા આપણા પર વરસે એટલે આ જુદા-જુદા ઉપવાસ કરવાના. એ સમયે કોઈ કહે કે મારે ઉપવાસ છે તો તમે ઉપવાસ શું કામ કરો છો એવો પ્રશ્ન કોઈ કોઈને પૂછતું નહીં, ફક્ત શ્રદ્ધાથી માની લેતું કે તેમને શ્રદ્ધા હશે એટલે કરતા હશે. વળી ક્યારેક એવું પણ સાંભળવા મળતું કે ઉપવાસ તેમને ફળ્યા. એટલે કૃપા વરસતી દેખાય પણ ખરી એ મને સમજાયું. જૈનો માટે તો તપનો મહિમા જ જુદો! બાએ નાનપણથી સમજાવ્યું હતું કે આપણે ઉપવાસ આત્માની શુદ્ધિ માટે કરીએ, એનાથી કર્મની નિર્જરા થાય એટલે કે કર્મોનો નાશ થાય. જીવનમાં સ્વનિયંત્રણ પણ તમે શીખો જે જરૂરી છે. વર્ષીતપ અને સિદ્ધિ તપ જેવાં મહાન તપને ઊજવાતાં પણ અમે ખૂબ જોયાં.
આ એ સમય હતો જ્યારે લોકો દરેક વાતમાં ‘આવું કેમ?’ એ પૂછતા નહીં, ‘આવું છે’ એમ સ્વીકારી લેતા. એ પછી સમય આવ્યો દરેક વાતમાં લૉજિક શોધવાનો. ખાસ કરીને ધાર્મિક બાબતોમાં અને ક્રિયાકાંડમાં લોકો આવું કેમ અને આનો શું અર્થ એની તપાસ ખૂબ કરવા લાગ્યા. એ એક રીતે ખૂબ જ સુંદર વાત હતી કે તમે જે કંઈ પણ કરો એમાં કોઈ આંધળૂકિયાં નથી, તમે જે કરો છો એ સમજી-વિચારીને કરો છો. આમ આપણી મહાન સંસ્કૃતિ કેટલી હદે વૈજ્ઞાનિક છે અને દરેક કન્સેપ્ટ કેટલો ગૂઢ છે એ વાતો પ્રચલિત થઈ.
એક પત્રકાર તરીકે મારો દૃષ્ટિકોણ એવો હોય કે તાર્કિક અને વૈજ્ઞાનિક અપ્રોચ આપણે સમાજમાં સ્થાપિત કરીએ જેનાથી લોકોનો અભિગમ બદલાય. કરવા ખાતર કોઈ ન કરે, સમજીને કરે. નવરાત્રિની જ વાત કરું તો આ સમયે ઉપવાસ કેમ કરવામાં આવે છે? ઉપવાસમાં ખવાતા ખોરાકનું શું મહત્ત્વ છે? એ કેટલો હેલ્ધી છે? શરીરને એનાથી કેટલા ફાયદા થાય છે? આ વિષયો પર ‘મિડ-ડે’માં અમે દર વર્ષે લખીએ છીએ, આ વર્ષે પણ લખીશું. લોકોને સમજાવીએ કે ઋતુ બદલાય ત્યારે ઉપવાસ શરીરને લાભ કરે છે, જઠરાગ્નિ મંદ પડી જાય ત્યારે હળવો ખોરાક જ સારો એટલે નવરાત્રિમાં ઉપવાસના ઘણા ફાયદા છે. આવી કેટલીયે વિગતો અમે ઘણાં વર્ષોથી લખીએ છીએ જેથી નવી પેઢી પણ હોંશથી આપણા જૂના સંસ્કારોને સ્વીકારે.
આ પ્રકારની જાગૃતિ પછી તો એટલી વધી ગઈ છે કે જે લોકો પહેલાં ઉપવાસ નહોતા કરતા તેઓ આજે કરવા લાગ્યા છે. ઉપવાસ હેલ્ધી છે, એનાથી શરીર સારું રહે છે એ વાત સાચી; પણ ઉપવાસ કરવા માટે આ એક સીમિત દૃષ્ટિકોણ છે. ઉપવાસ શારીરિક જરૂરિયાતોથી ઉપર જઈને તમને આત્માની નજીક લઈ જાય છે, ઇન્દ્રિયો પર કાબૂ લાવીને તમારી આત્મિક શક્તિને પ્રબળ બનાવે છે. ગરબા રમવા એટલે જવું કે એ બેસ્ટ વર્ક-આઉટ છે કે ગરબા એટલે રમવા કે બે કિલો વજન ઊતરે તો એ આશય કેટલો મર્યાદિત છે! ગરબા એટલે રમવા જોઈએ કે એ રમતાં-રમતાં આદ્યશક્તિની આરાધના થઈ શકે જેના થકી તમે એ પરમશક્તિની જ્યોતને તમારી અંદર અનુભવી શકો.
નવરાત્રિના ઉપવાસ અને ગરબા પાછળ ફક્ત હેલ્ધી રહેવાનો અભિગમ જ્યારે આપણે અપનાવીએ ત્યારે એના આત્મિક અનુભવ પર આપણે ધ્યાન આપતા નથી. ગરબાનું કમર્શિયલાઇઝેશન થવાથી આજે એ આપણા માટે કૉમ્પિટિશન, ટ્રેન્ડ, કપડાંની ઝાકઝમાળ, ફ્રી પાસની મારામારી અને મિત્રો સાથેની મજા બની ગયા છે. હું સ્વીકારું છું કે એના પણ લાભ છે, પણ એ લાભ લેવામાં માતાજીની આરાધનાનું સત્ત્વ ક્યાંક ચુકાઈ ન જાય એ જોવું રહ્યું. આ સત્ત્વ એ બે કિલો વજનનો ટાર્ગેટ કે બેસ્ટ ડાન્સરનો વિનિંગ તાજ કે પછી ગરબા ગ્રાઉન્ડમાં થતા નેટવર્કિંગ કરતાં ઘણા અંશે મૂલ્યવાન છે.
હું જન્મી ત્યારથી જ ગરબા કરું છું. રાજકોટમાં અમારે ત્યાં એ સમયે શેરી ગરબા હતા. અમે એને ગરબી કહેતા. આજે પણ એ પરંપરા ઘણી જગ્યાએ જળવાઈ છે. દોઢ મહિના પહેલાં ગરબીની પ્રૅક્ટિસ શરૂ થઈ જતી. લગભગ ૧૦-૧૨ વર્ષની ઉંમરે એક દિવસ ગરબા લેતી વખતે સ્ટેજ પર હું એવી ખોવાઈ ગઈ હતી કે મને મારી આજુબાજુ કોઈ છે એ જ ખબર નહોતી. ફક્ત મ્યુઝિક સંભળાઈ રહ્યું હતું અને હું નાચી રહી હતી. હું એટલી તલ્લીન થઈ ગયેલી કે સ્ટેજ પર ક્યારે ચડી-ક્યારે ઊતરી, શું સ્ટેપ્સ કર્યાં જાણે કશું જ ખબર નથી. એ દિવસે ગરબામાં મને પહેલો નંબર મળ્યો હતો. મને એ ઇનામની કશી જ પડી નહોતી કારણ કે એનાથી મોટું કંઈક મારી પાસે હતું. હું દોડીને મમ્મી પાસે ગઈ અને મારો અનુભવ મેં તેને કહ્યો. તે ફક્ત હસી અને કહ્યું કે દરરોજ તું ગરબા રમે છે, પણ આજે સાચા ગરબા થયા! માતાજીની કૃપા કહેવાય આને. મેં તેને પૂછ્યું કે પણ સાચા ગરબા કરાય કઈ રીતે? ત્યારે મમ્મીએ કહ્યું હતું કે બેટા, એ કરાય નહીં, એ થઈ જાય. એ સમયથી મારા માટે ગરબા કરવાનો હેતુ બીજો કોઈ જ નથી. બસ, માતાજીની કૃપા મેળવવાનો છે જેના થકી એવો અનુભવ થાય કે એમાં તમે લીન થઈ શકો. આનાથી મોટો હેતુ શું હોઈ શકે?