નૅશનલિટી બિકતી હૈ, બોલો ખરીદોગે...

05 January, 2020 04:49 PM IST  |  Mumbai Desk | rashmin shah

નૅશનલિટી બિકતી હૈ, બોલો ખરીદોગે...

સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને લીધે નાગરિકતાનો મુદ્દો જ્યારે દેશભરમાં વિવાદનો મુદ્દો બન્યો છે ત્યારે એ દેશો વિશે પણ જાણવું જોઈએ જે દેશમાં આર્થિક સહાય કરવાથી કે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી નૅશનલિટી મળે છે. આવા દેશોની યાદીમાં બ્રિટનથી માંડીને ન્યુ ઝીલૅન્ડ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે તો સાથોસાથ નૅશનલિટી વેચવાનું કામ કરતા દેશોમાં કૅરિબિયન આઇલૅન્ડ અને પેરુ જેવા અલ્પવિકસિત દેશોનો પણ સમાવેશ છે

વેચાતી નૅશનલિટીનો મુદ્દો આમ તો દરેક કૌભાંડ સમયે બહાર આવતો હોય છે અને એ સમયે એકધારી ચર્ચા થતી હોય છે. આઇપીએલના જનક લલિત મોદી દેશ છોડીને ફરાર થઈ ગયા એ પછી નૅશનલિટી વેચાતી ખરીદી શકાય એ વાત લાઇમલાઇટમાં આવી હતી જે ત્યાર પછી ગીતાંજલિ ડાયમન્ડના મેહુલ ચોકસી અને તેના ભાણેજ નીરવ મોદી સમયે ફરીથી એ જ વિષય ખૂલ્યો. આ વખતે આ વિષય ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ સાથે ફરી સિનેમાસ્કોપ થયો છે. ભારત બહારના કોઈ નાગરિકને નાગરિકત્વ આપવા રાજી નથી. કહો કે તેમની ખરાઈ કર્યા વિના નૅશનલિટી આપવા માટે તૈયાર નથી, પણ એની સામે ઇન્ડિયામાં ઑલમોસ્ટ ૮૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને ઍન્ટિગામાં નાગરિકતા મેળવી લેનારા મેહુલ ચોકસીએ ૧.૩ કરોડના ખર્ચે આ ઍન્ટિગાની નૅશનલિટી લીધી છે. ચોકસીએ કૅરિબિયન દેશ ઍન્ટિગાના પાસપોર્ટ માટે ૧.૩ કરોડ રૂપિયા ચૂકવ્યા, જેના બદલામાં તેને આઝાદી મળી.
જો તમારા ખિસ્સામાં પૈસા ખદબદતા હોય તો ઍન્ટિગા જેવા અનેક કૅરિબિયન દેશોની નાગરિકતા તમે ખરીદી શકો છો. આ નાગરિકતા ખરીદનારાઓમાં બે પ્રકારના લોકો હોય છે. એક તો જેમને ખાતરી છે કે તેણે કરેલા કાંડ એક દિવસ ફૂટવાના છે અને તેણે જેલમાં જવાનો વારો આવી શકે છે. આ પ્રકારના લોકોમાં મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યાથી માંડીને લલિત મોદી જેવા લોકોનો સમાવેશ છે તો બીજા એ પ્રકારના લોકો છે જેઓ પોતાની પાછળની જિંદગી, નિવૃત્તિની લાઇફ સુખ-શાંતિથી જીવવા માગે છે. નૅશનલિટી અપાવવાનું કામ કરતી મુંબઈની એક એજન્સી ઑફ ધ રેકૉર્ડ કહે છે કે બીજા પ્રકારના લોકોનું પ્રમાણ હવે વધ્યું છે. આ બીજા પ્રકારમાં મૅક્સિમમ લોકો મુંબઈ, દિલ્હી જેવા પૉલ્યુટેડ મેટ્રો સિટીના છે અને અતિશય શ્રીમંતાઈ ધરાવે છે. અત્યારે તેમનું કામ બધું ઇન્ડિયામાં છે એટલે તેઓ અહીં રહે છે, પણ રીટાયરમેન્ટ પછી તેઓ ઇન્ડિયામાં રહેવા તૈયાર નથી. તેમને શાંતિ સાથે પૉલ્યુશન-ફ્રી દેશમાં જઈને રહેવું છે. આ જ એજન્સીના કહેવા મુજબ ૧૦૦ કરોડથી વધારેની મિલકત ધરાવતો દરેક પાંચમો માણસે ઇન્ડિયા કાં તો અત્યારે બીજા કોઈ દેશની નૅશનલિટી લઈ લીધી છે અને કાં તો એ નૅશનલિટી લેવાની વેતરણમાં છે અને એ બાબતની તપાસ કરી રહ્યો છે. એ વાત પણ એટલી જ સાચી છે કે આ પ્રકારે બીજા દેશની નાગરિકતા ખરીદવા માગતા લોકોની પહેલી પસંદગી એવા દેશો તરફ જે દેશના નિયમોમાં એવું કહેવામાં નથી આવ્યું કે તમારે તમારો ઓરિજિનલ પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. મતલબ કે તમે તમારી ભારતીય નાગરિકતા અકબંધ રાખી શકો અને એની સાથોસાથ તમે બીજા દેશની નાગરિકતા પણ રાખી શકો.
નૅશનલિટીનો એક સીધો, સાદો અને સરળ નિયમ છે કે તમે જ્યાં જન્મ્યા હો ત્યાંનું નાગરિકત્વ તમને મળે. આ નિયમ ભારતમાં લાગુ પડ્યો છે. કૉમન અમેન્ડમેન્ટ ઍક્ટ પછી આ નિયમ બળવત્તર રીતે અમલમાં મૂકવામાં આવ્યો છે કે જો તમે ભારતમાં જન્મ્યા નથી, ભારતનું નાગરિકત્વ તમારું નથી અને જો તમે ભારતીય પાસપોર્ટ ધરાવતા નથી તો તમને આ દેશમાં રહીને અહીંની નાગરિકતા ભોગવવાનો કોઈ અધિકાર નથી. આ સીધી અને સરળ વાત વેચાઈ રહેલી નાગરિકતા સાથે લાગુ નથી પડતી. તમે ભલે જે-તે દેશમાં પેદા ન થયા હો, ત્યાં રહેતા હો કે ન રહેતા હો એનાથી એ દેશના નાગરિકતાના કાયદા સાથે કશું લાગતુંવળગતું નથી. જો તમે એ દેશોની સરકારના ડેવલપમેન્ટ ફન્ડમાં ઇન્વેસ્ટ કરવા રાજી હો, જો તમે એ દેશમાં ડિરેક્ટલી રોકાણકાર બની રહ્યા હો તો એના બદલામાં તમને એ દેશની નાગરિકતા મળી જશે. અફકોર્સ, એને માટે તમારે થોડા મહિનાઓની રાહ જોવી પડે એવું બની શકે, પણ બીજા કોઈ નિયમ સાથે તેમને નિસ્બત નથી.
નાગરિકતા વેચી રહેલા દેશોની જ વાત કરીએ તો સૌથી પહેલાં તમારે ઍન્ટિગા અને બર્મુડાને સમજી લેવા જોઈએ. જો તમને ઇચ્છા હોય કે તમે મેહુલ ચોકસીના ઍન્ટિગાના પાડોશી બનો તો તમારે ઍન્ટિગા નૅશનલ ડેવલપમેન્ટ ફન્ડમાં ૨૦ મિલ્યન ડૉલર જમા કરાવવા પડશે. આ ૨૦ મિલ્યન ડૉલર એટલે અંદાજે સવા કરોડ રૂપિયા થયા. ધારો કે તમારે ડેવલપમેન્ટ ફન્ડમાં પૈસા નથી આપવા તો તમારે ઍન્ટિગાના કોઈ પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં ૪૦ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે અઢી કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે, જે ઇન્વેસ્ટમેન્ટ પાંચ વર્ષ સુધી લૉક-ઇનમાં એટલે કે વેચી ન શકાય એવું રહેશે. આ સિવાયનો ત્રીજો પણ એક રસ્તો છે. તમે ઍન્ટિગાના કોઈ પણ બિઝનેસમાં ૧પ૦ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૧૦ કરોડનું રોકાણ કરીને બિઝનેસ-પાર્ટનર બનો તો પણ તમને ત્યાંની નૅશનલિટી મળી જશે. આ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ૧૦ વર્ષ સુધી તમે પાછું લઈ નથી શકતા. ફાયદો એટલો કે તમે જેવું ઇન્વેસ્ટમેન્ટ કરો કે તરત જ તમને બીજા જ દિવસે નૅશનલિટી આપી દેવામાં આવે. ઍન્ટિગાની નૅશનલિટી પછી એ દેશના પાસપોર્ટ પર તમે સવાસોથી વધારે દેશમાં વિઝા વિના સફર કરી શકો છો. એ પહેલો ઍડ્વાન્ટેજ અને બીજો ઍડ્વાન્ટેજ આ પ્રકારે લીધેલી નૅશનલિટી પછી તમને ત્યાંના સ્થાનિક ટૅક્સમાં પણ ૫૦ ટકા જેટલી રાહત મળે.
ઍન્ટિગાની વાતમાં ગુજરાતીઓને ઓછો રસ પડે પણ વાત જો વાત થાઇલૅન્ડની આવે તો મોટા ભાગના ગુજરાતીઓને જલસો પડી જાય. મનમાં ફટાકડા ફોડાવી દે એવા થાઇલૅન્ડમાં પણ નૅશનલિટી મળી શકે છે. થાઇલૅન્ડમાં પાંચ વર્ષના રેસિડન્ટ-વિઝા જોઈતા હોય તો તમારે પાંચ લાખ થાઇબાથ ચૂકવવા પડશે, જેમાં તમને બે વ્યક્તિને વિઝા મળશે. આ પાંચ વર્ષ દરમ્યાન તમે અમુક પ્રકારના બિઝનેસ સિવાય બીજા બિઝનેસ પણ કરી શકો છો, પણ એ બિઝનેસમાં તમારે થાઇલૅન્ડના લોકલ પાર્ટનરને સાથે રાખવો પડશે. પાંચથી માંડીને વીસ વર્ષની નાગરિકતા તમને અહીં મળે છે અને એની સાથે તમને લોકલ પાસપોર્ટ પણ મળે છે, જે પાસપોર્ટ પર તમે જગતના ૪૦થી વધારે દેશોમાં ફરી પણ શકો છો. થાઇલૅન્ડની નાગરિકતા ખરીદવામાં એક તકલીફ એ છે કે તમે થાઇલૅન્ડથી જ બીજી કોઈ કન્ટ્રીમાં સીધા સેટલ થવા માગતા હો તો એ તમે નહીં કરી શકો. તમારે એ માટે થાઇલૅન્ડની નૅશનલિટી પાછી કરવી પડે છે. થાઇલૅન્ડની નાગરિકતા ખરીદવામાં અત્યારે સૌથી વધારે જો કોઈ રસ લઈ રહ્યું હોય તો એ રશિયન છે. આપણા ઇન્ડિયને નાગરિકતા ખરીદવા માટે પાંચ લાખ બાથ ચૂકવવા ન પડે એનો રસ્તો કાઢી લીધો છે. થાઇલૅન્ડમાં બિઝનેસ શરૂ કરીને લોકલ પાર્ટનરને સાથે રાખીને થાઇલૅન્ડમાં રહેવાની પરમિશન લેવાનો જે હક છે એ હક આપણા ઇન્ડિયન મેળવી રહ્યા છે. આ રીતે રહેવા મળે તો તમને અમુક હક નથી મળતા, પણ એ હક એ પ્રકારના છે જેનો લાભ ન લીધો હોય તો કોઈ ફરક પણ નથી પડતો.
થાઇલૅન્ડ કે ઍન્ટિગા સિવાય પણ અનેક દેશો એવા છે જે દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નાગરિકતા મેળવી શકાય છે. કૅરિબિયન આઇલૅન્ડની જ વાત કરીએ તો ત્યાંનો જ એક દેશ છે, ડોમિનિકા. અહીં પણ પાસપોર્ટ મેળવવો સરળ છે. આ દેશનો નાગરિક બનવા માટે તમારે ત્યાં જવું કે રહેવું જરૂરી નથી. તમારે ડોમિનિકા ગવર્નમેન્ટ ફન્ડમાં ૧૦ મિલ્યન ડૉલર એટલે અંદાજે ૭૦ લાખ ચૂકવવાના અને કાં તો ત્યાંની રિયલ એસ્ટેટમાં ૨૦ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે સવા કરોડનું રોકાણ કરવાનું.
સેન્ટ કિટ્સ ઍન્ડ નેવિસ પણ આવો જ દેશ છે. અહીં તમને એક કરોડમાં નાગરિકતા મળે છે. આ દેશના પાસપોર્ટ પર તમે ૧૫૦ જેટલા દેશમાં વિઝા વગર યાત્રા કરી શકો છો. એક આડવાત, જે દેશના નાગરિકોને વિઝા વિના મૅક્સિમમ દેશ આવવા દે છે એ દેશની નાગરિકતા ખરીદવામાં વધારે ને વધારે લોકોને રસ હોય છે. આ એક કારણ છે જેને લીધે ભારત કે પાકિસ્તાન કે શ્રીલંકા જેવા દેશોની નાગરિકતામાં જગતને રસ નથી પડી રહ્યો. સેન્ટ લુસિયામાં તમને માત્ર એક લાખ ડૉલર એટલે કે ૭૦ લાખ રૂપિયામાં નૅશનલિટી મળે છે. સેન્ટ લુસિયાની એક ખાસિયત એ પણ છે કે એણે જગતના જૂજ દેશો સાથે ટ્રીટી સાઇન કરી છે, જેને લીધે બીજા દેશોમાં ગુનો કરીને આવેલા આરોપીઓને સોંપવાનો પ્રશ્ન નથી આવતો. મેક્સિકન માફિયાઓ માટે સેન્ટ લુસિયા સ્વર્ગ સમાન છે, પણ હા, સેન્ટ લુસિયામાં કોઈ ખોટું કામ ચલાવી લેવામાં નથી આવતું. આ જ કારણે સેન્ટ લુસિયા હજી સુધી ગુનાખોરીમાં છાપરે નથી ચડી.
નાગરિકતા આપવાની બાબતમાં બ્રિટન, અમેરિકા, કૅનેડા કે ન્યુ ઝીલૅન્ડ જેવા દેશો પણ પાછળ નથી. જોકે એ નાગરિકતા માટેના જે નિયમ છે એ નિયમોમાં કડકાઈ ભારોભાર હોય છે. ન્યુ ઝીલૅન્ડ આજે પણ નાગરિકતાની બાબતમાં સૌથી વધારે કડક રહ્યું છે. જો તમારે ન્યુ ઝીલૅન્ડની નાગરિકતા જોઈતી હોય તો તમારે ન્યુ ઝીલૅન્ડમાં ૧૦ મિલ્યન ડૉલરનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહે છે. ત્રણ વર્ષમાં જો તમે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ન્યુ ઝીલૅન્ડની નાગરિકતા મળે છે, જેને માટેના કોઈ નિયમ નથી. તમને અંગ્રેજી ન આવડતું હોય તો પણ ચાલે અને તમે ૭૨ વર્ષના બાપા કે ૧૨ વર્ષના ટીનેજર હો તો વાંધો નહીં, પણ હા, તમારે ન્યુ ઝીલૅન્ડ આવ્યાના ૩૬ મહિનામાં એટલે કે ૩ વર્ષમાં બીજા દેશની નાગરિકતા સરેન્ડર કરી દેવાની અને ન્યુ ઝીલૅન્ડ ઇમિગ્રેશન ઑફિસમાં ઑફિશ્યલ લેટર જમા કરાવી દેવાનો. જ્યાં સુધી તમે બે નાગરિકતા ધરાવતા હો ત્યાં સુધી તમારે માટેના ન્યુ ઝીલૅન્ડના ટૅક્સ-સ્લૅબ જુદા એટલે કે સ્થાનિક નાગરિક કરતાં વધારે હોય, જે બીજા દેશની નાગરિકતા છોડ્યા પછી સામાન્ય ન્યુ ઝીલૅન્ડવાસી જેવા થઈ જાય. બ્રિટન પણ આ નિયમોમાં સ્ટ્રિક્ટ છે અને અમેરિકા, કૅનેડાએ આ પ્રકારને આપવામાં આવતી નાગરિકતામાં મુસ્લિમ અને આઇરિશ પ્રજા જેવી ૭ પ્રજા પર બૅન મૂક્યો છે.
નૅશનલિટી માટે મદદ કરતી મુંબઈની એક એજન્સીના કહેવા મુજબ જેણે પણ ક્ષમતા બહાર બિઝનેસ વધાર્યો છે અને મૉર્ગેજ કરતાં પણ વધારે ફન્ડ લીધું છે એ બધા ઉપર કહ્યા એ પ્રકારના દેશોની નાગરિકતા મેળવવા તૈયાર છે. ખાસ કરીને એ દેશો વધારે ડિમાન્ડમાં છે જે દેશો તેમની નાગરિકતા મેળવવા માટે ઓરિજિનલ દેશની નાગરિકતા છોડવાની શરત નથી મૂકતા કે પછી એની કોઈ જાહેરાત તેણે મીડિયામાં કરવાની હોતી નથી. એને લીધે માર્ગ મોકળો થઈ જાય છે અને નૅશનલિટી વેચનારાને મોંમાગ્યા દામ પણ મળી જાય છે.

કયા દેશની નાગરિકતામાં રસ વધારે પડે છે?
ખાસ કરીને એવા દેશોની નાગરિકતામાં જે દેશોના આરોપી કે ગુનેગારોને ભારતને સોંપવાની કોઈ શરત રાખવામાં ન આવી હોય. આમ તો મોટા ભાગના દેશોએ આરોપી પાછા કરવાની શરત પેપર પર સ્વીકારી હોય છે, પણ એ સ્વીકારવાની સાથોસાથ એમાં છટકબારીઓ પણ શોધી રાખી હોય છે, જેના આધારે નાગરિકતા ખરીદનારાઓને પાછો આપવાનો પ્રશ્ન નથી આવતો. જ્યાંથી જાકારો ન મળે એવા દેશની નાગરિકતા ખરીદવામાં સૌથી વધારે રસ લેવાતો હોય છે.

columnists weekend guide Rashmin Shah