કચ્છ, નરેન્દ્ર મોદી અને તેમની ૯૪ વિઝિટ્સ

22 December, 2020 02:38 PM IST  |  Kutch | Mavji Maheshwari

કચ્છ, નરેન્દ્ર મોદી અને તેમની ૯૪ વિઝિટ્સ

કચ્છની રાજકીય હકીકત એ છે કે કચ્છનો વિકાસ કરવામાં અને કચ્છને વિશ્વકક્ષાએ ગાજતું કરવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો સિંહફાળો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ૮૯ વખત અને વડા પ્રધાન તરીકે ૧૫ તારીખે તેમના પ્રિય પ્રદેશની પાંચમી મુલાકાત લીધી હતી. બન્નીની વેરાન ભૂમિને જાગતી કરી દેનાર નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની કડકડતી ઠંડીમાં કચ્છ માટે અતિ મહત્ત્વના ત્રણ પ્રકલ્પનો શિલાન્યાસ કર્યો. જેમાં અતિ મહત્ત્વનો પ્રોજેક્ટ એનર્જી હાઈબ્રીડ પાર્કનો છે. ૭૨,૬૦૦ હેક્ટરમાં ઊભા થનાર ગ્રીન એનર્જી પાર્કની સાથે સાથે વૉટર ડિસેલીશન અને ઑટોમેટેડ મિલ્ક પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો. જોકે કૉન્ગ્રેસે રાબેતા મુજબ એનર્જી હાઈબ્રીડ પાર્કને ફાળવાયેલી જમીન વિશે સવાલો ઊઠવા માંડયા છે. તેમ છતાં કચ્છ માટે આ ત્રણેય પ્રોજેક્ટ અતિ મહત્ત્વના પુરવાર થશે તેમાં શંકા નથી.

કચ્છ ગુજરાતનો જ નહીં, આખાય ભારતનો વિલક્ષણ અને જરા હટકે પ્રદેશ છે. વિસ્તારની દષ્ટિએ ભારતના સૌથી મોટા જિલ્લાનો દરજ્જો ભલે કચ્છ પાસે હોય, પરંતુ એ હકીકત નકારી ન શકાય કે આઝાદી પછીના પાંચ અને ગુજરાતની રચના પછીના ચાર દાયકા દરમ્યાન કચ્છની સમસ્યાઓ પણ તેના વિસ્તાર જેવડી વિશાળ હતી. એ પણ હકીકત છે કે કૉન્ગ્રેસના શાસન દરમ્યાન આ જિલ્લાની મુશ્કેલીઓ અને કચ્છમાં રહેલી વિકાસની શક્યતાઓ પર પણ કોઈએ વિચાર કર્યો નહીં. ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું શાસન આવ્યા પછી કચ્છના વિકાસના દ્વાર ખૂલ્યા એમ કહીએ તો કશું ખોટું નથી. એની શરૂઆત ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સદ્ગત કેશુભાઈ પટેલે કરી હતી. તેમણે કચ્છના બહુચર્ચિત અને લોકપ્રિય બનેલા રણોત્સવની શરૂઆત કરી. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નાના પાયે કરાયેલી શરૂઆતને ૨૦૦૧માં ગુજરાતના મુખ્ય પ્રધાનપદે મોદી આવ્યા પછી રણોત્સવને આધુનિક અને વ્યાવસાયિક સ્વરૂપ અપાયું. યોગાનુયોગ ભૂકંપ પછી કચ્છને બેઠો કરવા ભારતરત્ન ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાંચ વર્ષ માટે કચ્છમાં ટૅક્સ હોલીડેની જાહેરાત કરી એ કચ્છને થયેલા રાજકીય અન્યાયનું સાટું વાળી દેતી ઘટના હતી. ટૅક્સ હોલીડે જાહેર થતાંની સાથે જ આખાય ભારત અને વિદેશમાંથી પણ ઔદ્યોગિક એકમોએ કચ્છની વાટ પકડી. તે પછીના એક દાયકામાં કચ્છનું સ્વરૂપ જ બદલાઈ ગયું. જોકે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ શક્ય બન્યો તેનું મુખ્ય કારણ કચ્છ પાસે હજારો એકરની સરકારી જમીન હતી. ઉપરાંત એટલી જ રણ વિસ્તારની જમીન હતી. નરેન્દ્ર મોદીની વાઇબ્રન્ટ સમિટ સંકલ્પના કચ્છ માટે કાયાકલ્પ સાબિત થઈ. અત્યારે કચ્છને કોઈ રણપ્રદેશ કહે તો વીસમી સદીમાં જીવે છે એમ જ કહેવું પડે. અદાણી પોર્ટ, અદાણી પાવર પ્રોજેક્ટ, તાતા પાવર પ્રોજેક્ટ, જે.પી. સિમેન્ટ, સાંઘી સિમેન્ટ, સૂર્યા પાઇપ્સ, જિંદાલ પાઇપ્સ, વેલસ્પન ગ્રુપ, માન ઇન્ડસ્ટ્રી જેવા મોટા ઔદ્યોગિક એકમો કચ્છમાં સ્થપાયા, એ ઉપરાંત નાની મોટી અનેક ફૅકટરીઓ કચ્છમાં ધમધમે છે.  પવન ઊર્જા માટે આદર્શ ગણવાયેલા કચ્છમાં ચોમેર પવનચક્કીઓ ઊભી થઈ ગઈ. ઉદ્યોગગૃહોને  કારણે સામાન્ય પ્રજાને રોજગારી તો મળી જ, સાથોસાથ અનેક વ્યવસાયો ઊભા કરવાની તક મળી. ઉપરાંત કચ્છમાં ઝડપભેર આધુનિક સુવિધાઓ ઊભી થઈ ગઈ. તબીબી, શિક્ષણ, માર્ગ, સંચાર વ્યવસ્થાનું મજબૂત માળખું ઊભું થઈ ગયું. આ બધું જ ઔદ્યોગિક વિકાસને આભારી છે અને ઔદ્યોગિક વિકાસ પાછળ ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન તરીકે કામ કરતા નરેન્દ્ર મોદીને આભારી છે. જોકે સત્તામાં રહેલા બીજેપીનો મુખ્ય વિપક્ષ કૉન્ગ્રેસ કચ્છમાં સ્થપાયેલા ઔદ્યોગિકીરણને કારણે તથા નુકસાનને આગળ ધરે છે. હા, ઉદ્યોગોએ કચ્છના પર્યાવરણ અને પરંપરાગત કસબ અને ખેતીને નુકસાન કર્યું છે એની ના નહીં, પરંતુ ‘રંધાય ત્યાં થોડું દાઝે પણ ખરું’ એ ન્યાયે નુકસાનના હિસાબે કચ્છને ઘણું મળ્યું છે.

આંકડા નોંધનાર કોઈને રસ પડે એટલી કચ્છની મુલાકાતો નરેન્દ્ર મોદીએ લીધી છે. આમ તો તેઓ જ્યારે હોદ્દા પર નહોતા ત્યારથી તેમને કચ્છનું આકર્ષણ હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે તેમનો કચ્છપ્રેમ ઊડીને આંખે વળગે તેવો છે. તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ૮૯ વખત કચ્છની સત્તાવાર મુલાકાત લીધી છે અને વડા પ્રધાન બન્યાના છ વર્ષમાં ૧૫ ડિસેમ્બરની તેમની છઠ્ઠી મુલાકાત હતી. કોઈ વડા પ્રધાને કચ્છ જિલ્લાની પાંચ મુલાકાત લીધી હોય તેવું બન્યું નથી. હજુ તેમની બીજી ટર્મનાં સાડા ત્રણ વર્ષ તો બાકી પડ્યાં છે. ગત ૧૫ ડિસેમ્બરના રોજ ધોરડો ખાતે આવેલા વડા પ્રધાન શ્રી મોદીએ કચ્છ માટે મહત્ત્વના સાબિત થનારા ત્રણ પ્રોજેક્ટસનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો. જેમાં કચ્છના રણમાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક ઉપરાંત માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ પાસે આકાર લેનારા દરિયાના ખારાં પાણીને મીઠું બનાવતા વૉટર ડિસેલિનેશન પ્લાન્ટ અને ભચાઉ અને અંજાર વચ્ચે સરહદ ડેરીના મિલ્ક ચીલિંગ પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો.  આ ત્રણેય પ્લાન્ટની ઉપયોગિતા વિશે તેમણે બહુ મોટો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ ૧૫ ડિસેમ્બરના જેનો શિલાન્યાસ કર્યો એ દુનિયાનો સૌથી મોટો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ કચ્છના ખાવડા નજીક સ્થપાશે અને જેનાથી ૩૦,૦૦૦ મેગા-વોટ વીજળી ઉત્પાદન કરી શકાશે. કચ્છના મોટા રણમાં ૫૦,૦૦૦થી વધારે હેક્ટર જમીન ૪૦ વર્ષ માટે એનર્જી પાર્કના ડેવલપર્સને આપવામાં આવી છે. ડેવલપર્સે પહેલા ત્રણ વર્ષમાં ૫૦ ટકા અને તે પછીનાં બે વર્ષમાં ૧૦૦ ટકા ક્ષમતા પૂર્ણ કરવાની રહેશે. ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર કુલ ૫૦ ગીગા-વોટની ક્ષમતા ધરાવતા અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપશે. ગ્રીન એનર્જીમાં આ એક મોટી છલાંગ છે. જોકે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્લાન્ટના કારણે આ અગાઉ સ્થપાયેલા થર્મલ પાવર પ્લાન્ટના અસ્તિત્વ સામે ભય સર્જાશે. તાતા પાવરના મેનેજિંગ ડિરેકટર પ્રવીર સિંહા માને છે કે  ભારત માટે કોલસા ઉદ્યોગ હવે અસ્ત પામી રહ્યો છે. કોલસા ઉદ્યોગો હજુ બીજાં ૨૫ વર્ષ ટકશે. તાતા પાવર કંપની હવે કોલસા આધારિત નવાં મથક નહીં બનાવે. આ ઉદ્યોગગૃહ માને છે કે ૨૦૫૦ સુધીમાં ભારત કોલસા આધારિત વીજળીથી મુક્ત થઈ જશે. માંડવી તાલુકાના ગુંદિયાલી પાસે ધ્રબુડીના દરિયાકિનારે ૮૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારા વૉટર ડિસેલિનેશન એકમ દ્વારા રોજનું ૧૦ કરોડ લીટર પાણી શુદ્ધ થશે. આ પ્લાન્ટ ૨૦૨૩ના શરૂઆતના મહિનાઓમાં કાર્યરત થઈ જશે. આ પ્લાન્ટ દ્વારા માંડવી, મુંદ્રા તાલુકાના ૩૦૦ ગામડાંને શુદ્ધ પેયજળ પ્રાપ્ત થશે. આ બે તાલુકાને નર્મદાની નહેર દ્વારા અપાતાં પાણી ઉપર આધારિત નહીં રહેવું પડે.

કચ્છમાં જે ત્રીજો પ્લાન્ટ સ્થપાશે તે અંજાર અને ભચાઉ વચ્ચે હશે. આ પ્લાન્ટ સરહદ ડેરીનો આધુનિક પ્લાન્ટ છે. સરહદ ડેરી અને કિસાન વિકાસ યોજનાનું આ સંયુક્ત સાહસ છે. ૧૨૯ કરોડના ખર્ચે કાર્યરત થનાર આ પ્લાન્ટ મિલ્ક પેકેજિંગ અને પ્રોસેસિંગ પ્રોજેક્ટથી બે લાખ લીટર દૂધની ક્ષમતા વધશે. આ પ્લાન્ટ સંપૂર્ણ સ્વયંચલિત હશે. આ ત્રણેય પ્રોજેક્ટ પ્રથમ નજરે કચ્છને રોજગારી અને સુવિધાઓમાં વધારો કરનારા લાગી રહ્યા છે, પરંતુ હજુ શરૂઆત છે. એ ઉદ્યોગોને કારણે સ્થાનિક કચ્છી માડૂને કેટલો ફાયદો થશે તે આવનારો સમય જ કહેશે. જોકે વડા પ્રધાન મોદીની આ મુલાકાત વખતે કેટલાક ફેરફાર નજરે ચડ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ વાર ડિજિટલ બોર્ડમાં સંસ્કૃત ભાષાનો પણ ઉપયોગ કરાયો હતો. સંસ્કૃત દિવસ નિમિત્તે વડા પ્રધાન મોદીએ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. તેના પગલે સૌપ્રથમ વાર સંસ્કૃત સહિત ચાર ભાષામાં બોર્ડ રજૂ થયું હતું. તેઓ આ મુલાકાત વખતે સ્થાનિક મહિલાઓ ઉપરાંત ખેડૂતોને પણ મળ્યાં હતાં. તેમણે ખેડૂતો સાથે દસ મિનિટ વાત કરી હતી. પ્રસાર માધ્યમોએ દેખાડેલા સિખ ખેડૂતોની મોદી સાથેની વાતચીતના અનેક સૂચિતાર્થ નીકળી શકે તેમ છે.

columnists mavji maheshwari kutch