ષડયંત્ર આ કોણે રચ્યું છે?

26 June, 2022 01:14 PM IST  |  Mumbai | Hiten Anandpara

ઉપદ્રવીઓનાં નામ બદલાતાં રહે, ઉપદ્રવ ચાલુ રહે.

પ્રતીકાત્મક તસવીર

વાસ્તે મારો સાલેકુ. તંત્રી-પત્રકાર હસમુખ ગાંધીનું આ વાક્ય અવારનવાર સામે આવીને ઊભું રહે છે. ઉપદ્રવીઓનાં નામ બદલાતાં રહે, ઉપદ્રવ ચાલુ રહે.

લશ્કરે સૂચવેલા અગ્નિપથ સુધારા સામે વિવિધ રાજ્યોમાં હિંસાનું તાંડવ ખેલાયું. સૈન્ય દ્વારા વિશદ અભ્યાસ પછી અગ્નિપથ યોજના ઘડવામાં આવી છે. આપણે વિરોધ કરી શકીએ, સુધારા સૂચવી શકીએ; પણ હિંસા કરવાનો આપણને અધિકાર નથી. ડૉ. સેજલ દેસાઈ લખે છે...
જોયું, અસર બહુ હોય છે નફરત ભરેલા ઝેરમાં
ફેલાઈ ગઈ હિંસા નજીવાં કારણોસર શ્હેરમાં
મેદાન ખાલીખમ થયું બંદૂકના એક ગીતથી
બાકી, અમે તો બાગમાં રમતા હતા સૌ લહેરમાં

શહેરે-શહેરે ઊગતા માસ્ટરમાઇન્ડ હિંસાને અંજામ આપતા જોવા મળે. જાહેર સંપત્તિનું ધનોતપનોત કાઢવામાં આવે. દાદાગીરી ને પરદાદાગીરી કરી ટ્રેનો રોકવામાં આવે, સળગાવવામાં આવે. આવા તોફાનીઓને ભારતી ગડાની વાત નહીં સમજાય...
આ છળની વાત છે કે મૃગજળની વાત છે?
નજર નથી ચઢ્યું પણ અટકળની વાત છે
વિખરાઈ જાવ, હિંસામાં ક્યાં વજૂદ છે?
આ તો બધીયે આગળપાછળની વાત છે

પ્રત્યેક હિંસાની આગળપાછળ પૂરું આયોજન હોય છે. પથ્થરો અને પેટ્રોલ બૉમ્બ કંઈ આકાશમાંથી વરસતા નથી. ગોઠવણ કરી આવી સામગ્રી જમા કરી રાખવામાં આવે. યુવાનોને ઉશ્કેરવા લૉબી કાર્યરત હોય. પૈસા હવાલા મારફત આવે અને એનું ચબરાક વિતરણ થાય. ધર્મના નામે ધારેલું અને ધારદાર કરવાની મોડસ ઑપરેન્ડી બધાને ખબર છે, પણ એને આગોતરી રોકી શકાતી નથી. મીતા ગોર મેવાડા ભટકેલી યુવાશક્તિને તરાશે છે...
લાંછન લગાડે છે એ ગાંધી ને બુદ્ધ ઉપર
ગીતા, કુરાન છોડી પથ્થરને આશરે છે
વહેતી હતી જ્યાં દૂધની ત્યાં રક્તની વહે છે
જળ એ નદીનું પીને યુવાની ઊછરે છે

અગ્નિપથ સુધારાઓ અને રાહુલ ગાંધીની ઈડી તપાસને કારણે ઠેર-ઠેર પ્રદર્શનો થયાં અને હિંસા ફાટી નીકળી. પ્રત્યેક ચૂંટણીએ ચોટ ખાતી કૉન્ગ્રેસનાં કરતૂતો રસ્તા પર ઊતરી આવ્યાં. રેણુકા ચૌધરીએ પોલીસનો કૉલર ઝાલીને રેણુકાગીરી કરી અને નેટ્ટા ડિસોઝા પોલીસ પર થૂંકી. સીએએ વિરોધ, કિસાન આંદોલન વગેરેના સંદર્ભમાં હિમાદ્રિ આચાર્ય દવેની વાત સમજવા જેવી છે...
કોઈ આંદોલનજીવી ને કોઈ છે ગાદીજીવી
ખુરશીની લાલસાનો રોગ બસ ચોમેર છે
મૂંગાં છાપાં, અંધ કૅમેરાય હા જી હા ભરે
નહીં બતાવે કે, અસલમાં ક્યાં ને શું અંધેર છે!

મીડિયાની પ્રશંસા પણ થાય છે ને માછલાં પણ ધોવાય છે. મીડિયામાં પણ બે પ્રકાર છે : એક દેશ જુએ છે ને બીજું દ્વેષ જુએ છે. પ્રસારમાધ્યમનું કામ આયનો ધરવાનું છે, આયના પર ધૂળ પાથરવાનું કે આયનો તોડવાનું નહીં. એનું કામ સવાલો પૂછવાનું અને સત્યને પ્રગટ કરવાનું છે. દીપક ઝાલા અદ્વૈત વેધક સવાલો પૂછે છે...
હાથમાં પથ્થર ધરી, ષડયંત્ર આ કોણે રચ્યું છે?
ને અરાજકતાથી ખદબદ તંત્ર આ કોણે રચ્યું છે?
સૌ અહિંસા, સત્ય, કરુણા, સાદગીનો માર્ગ ભૂલ્યા
રાગ-દ્વેષે વાગતું વાજિંત્ર આ કોણે રચ્યું છે?

આ જમાનો ટૂલ કિટનો છે. કયા શહેરમાં, ક્યારે, કયા આધારે, કઈ રીતે તોફાનો કરાવવાં એની બ્લુપ્રિન્ટ ઘડાયેલી તૈયાર હોય. જૂની ટોળકીઓ નવા ચહેરાઓને આગળ કરીને કારસ્તાન રચે. સંજય રાવના શેર સાંભળીને કેટલાક ખેપાની અને લેભાગુ નેતાઓના ચહેરા તમારી આંખમાં ભોંકાશે...
મળી છે તક તો એનો ફાયદો પૂરો ઉઠાવીએ
બસો, ટ્રેનોને બાળી, થોડા પથ્થર પણ મરાવીએ
ચમકવાનો સમાચારોમાં આ પણ એક રસ્તો છે
કરી તોફાન ને હિંસા પછી ફોટા પડાવીએ

ક્યા બાત હૈ
અહીં ચારે તરફ એવું મને તોફાન લાગે છે
બધું આ જોઈને પણ શાંત જો ભગવાન લાગે છે
કરી શકતા નથી કોઈ કશું પણ એટલે દોસ્તો 
મને તો સૌનું ભટકાયું અહીંયાં ધ્યાન લાગે છે
જિજ્ઞેશ ક્રિસ્ટી સંગત

હિંસાનો મારો ચાલે છે દુનિયામાં જે
કાપો-મારોના કાને ગુંજે ભણકારા
જાગે ઝાંપો, રાહે બેઠી સ્વપ્નિલ આંખો
મા, બહેન, વહુ, બેટીમાં જાગે ભણકારા
ભારતી વોરા સ્વરા 

રોટલો શેકે બધા હિંસાભરી આ આગમાં 
આંખ પર પાટા લગાવી, લો અમે પાગલ થયા
આગમાં કૂદી પડ્યા સમજ્યું નહીં, જાણ્યું નહીં
જોમમાં કીધી સવારી, લો અમે પાગલ થયા 
કમલેશ શુક્લ  

એને વશમાં રાખવાની દે કળા
સાંપડ્યા છે શબ્દ તોફાની મને
તારું સર્જન આવું? તું કેવો હશે?
એક કેવળ એ જ હૈરાની મને 
રિષભ મહેતા

columnists hiten anandpara