‘નમક હરામ’, ‘મિલી’ અને વસંત કાનેટકર

10 May, 2021 01:57 PM IST  |  Mumbai | Sanjay Goradia

અનેક હૃદયસ્પર્શી નાટકો આપનારા આ લેખકનાં નાટકો પરથી હૃષીકેશ મુખરજીએ આવી અદ્ભુત ફિલ્મો બનાવી, પણ તેમને ફિલ્મમાં ક્રેડિટ નહોતી આપવામાં આવી, જે ખરેખર દુઃખની વાત કહેવાય

‘નમક હરામ’, ‘મિલી’ અને વસંત કાનેટકર

‘નેક્સ્ટ યર ભી હમ નયા નાટક લે કે અમેરિકા જાએંગે.’
‘મા રિટાયર હોતી હૈ’ના શો ઇન્ડિયામાં કરવા માટે જયાજી તૈયાર થયાં એ તો અમારા માટે સુખદ આંચકો હતો જ, પણ એનાથી પણ મોટો આંચકો તો ત્યારે લાગ્યો જ્યારે જયાજીએ ફરીથી નાટક કરવાની તૈયારી દર્શાવતાં અમને કહ્યું, ‘આવતા વર્ષે નવું નાટક લઈને આપણે અમેરિકા જઈએ.’
જયાજીએ આ વાત કહી ત્યાં સુધીમાં મારો અને રમેશ તલવારનો તેમની સાથે ઘરોબો થઈ ગયો હતો, તો જયાજીનો પણ અમારા પર વિશ્વાસ બેસી ગયો હતો, દિગ્દર્શક તરીકે રમેશજી પર અને પ્રોડ્યુસર તરીકે મારા પર. ઘરોબાની વાત કરું તો અમારો એ ઘરોબો આજે પણ યથાવત્ છે. તેમના ઘરે દરેક સારા પ્રસંગે આમંત્રણ અને માઠા પ્રસંગે કહેણ આવે જ આવે. દિવાળીની પાર્ટી હોય કે હોળી-ધુળેટીની પાર્ટી કે પછી બચ્ચનસાહેબના જન્મદિવસની પાર્ટી, અમને બોલાવ્યા જ હોય. નૅચરલી આ પ્રાઉડની જ વાત કહેવાય કે તમને બચ્ચન-ફૅમિલીને ત્યાંથી આમંત્રણ આવે. ઍનીવેઝ, રમેશજી અને હું તો જયાજી સાથે નવું નાટક કરવા રાજી જ હતા, પણ તેમને લાયક સબ્જેક્ટ હોય એ બહુ જરૂરી હતું. રમેશજી કામ પર લાગ્યા. 
વર્ષો પહેલાં રમેશજીએ એક નાટક કર્યું હતું, ટાઇટલ એનું ‘આખરી સવાલ’. વસંત કાનેટકર લિખિત મૂળ મરાઠી નાટક ‘અખેરચા સવાલ’નું એ રૂપાંતર હતું. વસંત કાનેટકરની આ કૃતિ પરથી કાન્તિ મડિયાએ ‘અમે બરફનાં પંખી’ નાટક બનાવ્યું હતું, તો એ સમયે રમેશજીએ ‘આખરી સવાલ’ના નામે આ નાટક હિન્દીમાં કર્યું હતું. ‘આખરી સવાલ’ની મુખ્ય ભૂમિકા શૌકત આઝમીએ કરી હતી, તો તેના પતિનો રોલ એ. કે. હંગલે કર્યો હતો. નાટકમાં જે કૅન્સરગ્રસ્ત છોકરીનો રોલ હતો એ કિરણ વૈરાલેએ કર્યો હતો. રમેશજીએ મને કહ્યું કે આપણે આ નાટક જયાજીને સંભળાવીએ, જોઈએ તેમને નાટક કેવું લાગે છે. અમે જયાજીની ઑફિસ પહોંચ્યા. ઑફિસ એટલે આમ તો ઘર-કમ-ઑફિસ કહેવું જોઈએ. જયાજી અને બચ્ચન-ફૅમિલીના અત્યારે જુહુમાં ચાર બંગલા છે. જુહુ ટેન્થ રોડ પર જે ‘પ્રતીક્ષા’ બંગલો છે એ તો ખરો જ, પણ કલાનિકેતનથી આગળ વધીને જમણે જઈએ તો ત્યાં પૃથ્વી થિયેટર આવે અને ડાબે જઈએ તો જુહુ બીચ અને સેન્ટૉર હોટેલ આવે, પણ એ પહેલાં ‘જલસા’ આવે, આ જ બંગલામાં અત્યારે બચ્ચન-ફૅમિલી રહે છે. આ ‘જલસા’ની બાજુમાં બીજો બંગલો છે, જ્યાં અભિષેક અને તેનું ફૅમિલી રહે છે, તો આ બંગલાની પાછળ આવેલો બંગલો પણ તેમનો જ છે, જેને ઑફિસમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે. અમે જયાજીને ‘જલસા’માં મળવા જતા, જે તેમનું રેસિડન્ટ-કમ-ઑફિસ હતું. ‘આખરી સવાલ’નું અમે રીડિંગ કર્યું. નાટક ખૂબ જ ઇમોશનલ અને કરુણ હતું. રીડિંગ પૂરું થયું ત્યારે મારી અને જયાજીની આંખમાં પાણી હતાં. નક્કી થયું કે આ નાટક આપણે અમેરિકા લઈ જઈએ અને ઓરિજિનલ મરાઠી નાટકમાં માની ભૂમિકા જે વિજયા મહેતાએ ભજવી હતી, કાંતિ મડિયાના ‘અમે બરફનાં પંખી’માં જે રોલ તરલા જોષીએ કર્યો હતો અને હિન્દી ‘આખરી સવાલ’માં શૌકત આઝમીએ જે કૅરૅક્ટર કર્યું હતું એ રોલ જયાજી ભજવે.
નાટક શરૂ કરતાં પહેલાં એના લેખક પાસેથી રાઇટ્સ લેવા અનિવાર્ય છે. એ સમયે વસંત કાનેટકર હયાત હતા. હું એ કેટલાક નસીબદારો પૈકીનો એક હતો જે વસંત કાનેટકરને તેમના નાશિકના બંગલે જઈને રૂબરૂ મળ્યો હોય. જેટલું મહત્ત્વ કાનેટકરસાહેબને એક લેખક તરીકે મળવું જોઈએ એટલું મહત્ત્વ તેમને મળ્યું નથી. ગુજરાતી રંગભૂમિ, મરાઠી રંગભૂમિ કે ભારતીય રંગભૂમિ તરફથી તેમને એવું સન્માન પણ મળ્યું નહીં. ભારતીય રંગભૂમિ પર જે પ્રદાન ગિરીશ કર્નાડનું છે અને એની સરખામણીએ તેમને જે માન મળ્યું એના કરતાં તો કાનેટકરસાહેબે ક્યાંય ચડિયાતું કામ કર્યું છે. અનેક સારાં નાટકો લખ્યાં, પણ કોઈક કારણસર તેઓ એકદમ સાઇડલાઇન થઈ ગયા. મિત્રો, કાનેટકરસાહેબના આ જ નાટક પરથી હૃષીકેશ મુખરજીએ ફિલ્મ ‘મિલી’ બનાવી હતી. ફિલ્મમાં કૅન્સરગ્રસ્ત યુવતીનું કૅરૅક્ટર જયાજીએ જ કર્યું હતું એ સહેજ તમારી જાણ ખાતર. ફિલ્મ મીડિયમ મોટું અને ઑડિયન્સ પણ બહોળું એટલે ‘મિલી’માં ઍન્ગલ બદલવામાં આવ્યો હતો, પણ અગત્યની વાત એ હતી કે ત્યાં પણ કાનેટકરસાહેબ સાથે અન્યાય થયો હતો અને તેમને ક્રેડિટ આપવામાં નહોતી આવી. કાનેટકરસાહેબે લખેલું બીજું નાટક ‘અશ્રુંચી ઝાલી ફૂલે’, જેના પરથી અશોકકુમારની ફિલ્મ ‘આંસુ બન ગયે ફૂલ’ બની અને વર્ષો પછી યશ ચોપડાએ એના પરથી બનાવી ‘મશાલ’. ‘મશાલ’ જાવેદ અખ્તરે લખી હતી અને દિલીપકુમાર, અનિલ કપૂર લીડ ઍક્ટર હતા. હૃષીકેશ મુખરજીએ જ બનાવેલી રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન સ્ટારર ‘નમક હરામ’ પણ કાનેટકરસાહેબના નાટક ‘બેઇમાન’ પર આધારિત હતી. મિત્રો, આ ‘બેઇમાન’નાં વિષયવસ્તુ શેક્સપિયરનાં હતાં. શેક્સપિયર ભલે ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયો, પણ એમાં જે વાર્તા હતી એ રાજાશાહીના સમયની અને રાજા-પ્રજા વચ્ચેના ઘર્ષણની વાર્તાને તેમણે બહુ સરસ રીતે સાંપ્રત સમયની બનાવીને એને મિલમાલિક અને મિલમજૂરની વાર્તા બનાવી અને એ જ વાતને હૃષીકેશ મુખરજીએ ફિલ્મમાં દર્શાવી, એ પછી પણ વસંતસાહેબને ક્રેડિટ નહોતી મળી. અરે, ત્યાં સુધીની વાત તમને કહું કે ફિલ્મમાં રાજેશ ખન્નાના પાત્રનું નામ અને ‘બેઇમાન’ના એ પાત્રનું નામ પણ ચંદર જ રાખવામાં આવ્યું હતું. કાનેટકરસાહેબ લેખક તરીકે મારા ખૂબ જ પ્રિય. હું દૃઢપણે માનું છું કે ઇન્ડિયન ડ્રામા ઇન્સ્ટિટ્યૂટમાં વસંત કાનેટકરને ભણાવવા જ જોઈએ. તેમની કૃતિમાં ભારતીય પરંપરા અને લાગણીઓની ખુશ્બૂ છે, પણ અફસોસ, તેઓ આજે પણ સાઇડલાઇન જ છે.
Sanjay Goradia columnists