મારું યુરિન બહુ પીળું થાય છે, કોઈ દેશી ઇલાજ ખરો?

30 October, 2020 07:44 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

મારું યુરિન બહુ પીળું થાય છે, કોઈ દેશી ઇલાજ ખરો?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: હું ૨૯ વર્ષનો છું અને ડ્રાઇવિંગનું કામ કરું છું.  આખો દિવસ ટ્રાફિકમાં જ રહેતો હોવાથી યુરિન લાગે ત્યારે પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ વારંવાર કરવો પડે છે. એને કારણે મારા યુરિનમાં આવતા બદલાવ વિશે પહેલાં મને ખબર નહોતી પડતી. હમણાં થોડાક દિવસથી ડ્રાઇવિંગ બંધ હતું એટલે ઑબ્ઝર્વ કર્યું છે કે મારું યુરિન બહુ પીળું થાય છે. એટલું જ નહીં, પાસ કરતી વખતે પણ બળતરા થાય છે. પેશાબની શરૂઆતમાં થોડુંક વીર્ય પણ નીકળે છે. હું ક્યારેક બ્લુ ફિલ્મ જોઉં છું ત્યારે-ત્યારે પણ ઇન્દ્રિયમાંથી આવું જ ચીકણું પ્રવાહી નીકળે છે. ક્યારેક હસ્તમૈથુન કરું છું તો થોડુંક જ વીર્ય નીકળે છે અને એ પણ પાતળું હોય છે. એવા સમયે બેથી ત્રણ મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. થોડાક દિવસમાં જ મારાં લગ્ન થવાનાં છે અને હું ખૂબ જ ટેન્શનમાં છું. મારી તકલીફનો મહેરબાની કરીને કોઈ દેશી ઇલાજ બતાવશો, જેથી કરીને મારા લગ્નજીવનમાં તકલીફો ન આવે.

જવાબ: તમારું ફરવાનું કામ છે એટલે તમારી દિનચર્યા પરથી ધારી લઉં છું કે તમે યુરિન પાસ કરવા ન જવું પડે એ માટે ઓછું પાણી પીતા હશો. સૌથી પહેલાં તો તમે રોજ કેટલું પાણી પીઓ છો એ ઑબ્ઝર્વ કરો. યુરિનમાં બળતરા થાય છે એનું કારણ તમે ઓછું પાણી પીતા હો એવું બની શકે છે. લારી પરનું તીખું, તળેલું અને નમકીન ખાવાનું પ્રમાણ વધુ હોય અને પાણી ઓછું લેતા હો તો યુરિન દરમ્યાન બળતરા થવાનું સૌથી કૉમન કારણ છે.

હવે સૌથી અગત્યની વાત. સામાન્ય રીતે યુરિન પાસ કરતી વખતે કદી વીર્ય નીકળતું નથી. યુરિન પાસ કરતી વખતે વીર્ય નીકળવાનો વાલ્વ બંધ થઈ જાય. જો તમને ઇજેક્યુલેશન થયા પછીના યુરિનમાં વીર્ય નીકળતું હોય તો એ રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશનની તકલીફ કહેવાય. એના યોગ્ય નિદાન માટે તમારે વીર્યસ્ખલન કર્યા પછીનું પહેલું યુરિન કલેક્ટ કરવું અને લૅબોરેટરીમાં આપવું. આ માટે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. બીજું, ઉત્તેજક દૃશ્યો કે વિચારો દરમ્યાન ઇન્દ્રિયમાંથી જે ચીકણું પ્રવાહી નીકળે છે એ વીર્ય નથી પણ કાઉપર ગ્રંથિનું ફલુઇડ છે. એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

columnists dr ravi kothari sex and relationships