તારી સાથે રહેવા માટે મારી સાથે હોવું જરૂરી છે

17 October, 2021 12:11 PM IST  |  Mumbai | Bhavya Gandhi

મારી નવી ફિલ્મનું નામ ‘તારી સાથે’ છે, રોમૅન્ટિક લવસ્ટોરી છે; પણ મારે તમને આજે એક વાત પૂછવી છે કે તમે તમારી સાથે છો કે નહીં?

તારી સાથે રહેવા માટે મારી સાથે હોવું જરૂરી છે

આફ્ટર અ લૉન્ગ ટાઇમ, ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાનું શરૂ થયું. અફકોર્સ હજી પણ રિસ્ટ્રિક્શન છે, લિમિટેડ ઑડિયન્સ માટે જ થિયેટરો ખૂલ્યાં છે અને મહારાષ્ટ્રમાં તો હવે નેક્સ્ટ વીકથી થિયેટરો ખૂલવાનાં છે, પણ થિયેટરો ખૂલ્યાં એ ખરેખર સારી વાત છે. જેન્યુઇનલી આ થિયેટરો ખૂલવાં બહુ જરૂરી હતાં. રેડ કાર્પેટ પથરાયેલાં એ થિયેટરોની દીવાલોમાં આપણા હસવાનો અવાજ, તાળીઓનો ગડગડાટ, દબાયેલાં ડૂસકાંઓ સાથે સચવાઈ ગયેલાં હીબકાં અને પ્રેમનાં એકેએક સ્પંદનો સચવાયેલાં હતાં. બે વર્ષ, ઑલમોસ્ટ બે વર્ષ પછી હવે એ ફરીથી ધબકતાં થવાનાં છે અને એ ધબકતાં રહે એવી ભગવાનને આપણે સૌએ પ્રાર્થના કરવાની છે.
લૉકડાઉન પછી ગુજરાતીમાં પહેલી ‘ધુઆંધાર’ નામની ફિલ્મ રિલીઝ થઈ અને હવે આવશે મારી ફિલ્મ ‘તારી સાથે’. આ ફિલ્મનું ટાઇટલ પહેલાં જુદું હતું, પણ એ પછી એને ચેન્જ કરીને હવે ‘તારી સાથે’ કરવામાં આવ્યું છે. બહુ સરસ ટાઇટલ છે આ. મને બહુ ગમે છે અને એનું કારણ પણ છે. કોઈની સાથે રહેવાની વાત છે, પણ કોઈની સાથે રહેવાની વાત ત્યારે જ થઈ શકે જ્યારે તમે તમારી સાથે રહી શકતા હો અને તમારી કંપનીનો આનંદ માણી શકતા હો. ફિલ્મના પ્રમોશન માટે અમે ગુજરાતનાં અનેક સિટીમાં ટૂર કરી, અનેક જગ્યાએ ગયા, અનેક કૉલેજમાં ઍક્ટિવિટી કરી; પણ એ બધામાં મારે એક વાત તમારી સાથે શૅર કરવી છે. મીઠીબાઈ કૉલેજનો મારો અનુભવ અદ્ભુત રહ્યો. આમ પણ નૅચરલી, મારી કૉલેજ હોય એટલે એના પ્રત્યે સૉફ્ટ કૉર્નર તો હોય જ. જોકે વાત જરા જુદી છે.
મીઠીબાઈ કૉલેજમાં હું અને મારી ટીમ જ્યારે ગયાં ત્યારે ત્યાં ફેસ્ટિવલ ‘ક્ષિતિજ’ ચાલુ હતો. મને આ સ્ટુડન્ટ્સ ફેસ્ટિવલ બહુ અટ્રૅક્ટ કરે છે. એક્સપોઝર આપવાનું કામ કરતા આ જ કૉલેજ ફેસ્ટિવલે દેશ અને દુનિયાને કેવાં ધુરંધર ઍક્ટર અને ઍક્ટ્રેસ આપ્યાં છે એનું જો લિસ્ટ બનાવવામાં આવે તો ખરેખર આપણને સૌકોઈને આશ્ચર્ય થઈ આવે. જેડીભાઈની ગુરુવારની કૉલમમાં ચારેક વીક પહેલાં આ જ ફેસ્ટિવલમાં તેમણે કરેલા પહેલા પર્ફોર્મન્સની વાત હિલેરિયસ રીતે કરી હતી, પણ સાથોસાથ એ પણ દેખાડતી હતી કે લાઇફની સાચી મજા આ જ દિવસોમાં માણવા મળતી હોય છે.
કૉલેજ ફેસ્ટિવલ્સને હું લર્નિંગ એક્સ્પીરિયન્સ ગણાવીશ. કહીશ કે કૉલેજ ફેસ્ટિવલથી જે દૂર રહ્યું છે તેણે લાઇફની સૌથી મોટી ગોલ્ડન ઑપોર્ચ્યુનિટી ગુમાવી છે. અગાઉ પણ હું ‘ક્ષિતિજ’માં ગયો છું અને મેં ખૂબ મજા કરી છે. આ વખતે પણ મને એવી જ મજા આવી. કેટલાક ફ્રેન્ડ્સ મળ્યા તો ફ્રેન્ડ્સ બની શકે એવા કેટલાક કૉન્ટૅક્ટ પણ મળ્યા. પર્વ શાહ છે જે આ આખા ફેસ્ટિવલનું પીઆર સંભાળતી ટીમમાં હતો તો અનન્યા મળી, ઝારા પણ મળી અને ધ્વનિ પણ મળી. આ પ્રકારના ફેસ્ટિવલ થવા જોઈએ. મુંબઈમાં એનું કલ્ચર છે અને દિલ્હીમાં પણ એ થતા રહે છે, પણ એ સિવાયનાં શહેરોમાં ઓછા થાય છે. એક બીજી વાત પણ કહું. આપણે ગુજરાતીઓ ફેસ્ટિવલની બાબતમાં બહુ હરખાઈએ, પણ કૉલેજ ફેસ્ટિવલની વાત આવે ત્યારે કાં તો ગુજરાતી સ્ટુડન્ટ્સને એમાં બહુ રસ ન પડે અને કાં તો પેરન્ટ્સ તરફથી તેમને પૂરતો સહકાર ન મળે. નૅચરલી, સપોર્ટ નથી જ કરવાનો અને જો સપોર્ટ ન થાય તો અને તો જ યંગસ્ટર્સ પોતાની રીતે એમાં ગ્રો થશે. જોકે હું જે સપોર્ટની વાત કરું છું એ મૉરલ સપોર્ટ છે અને આપણા ગુજરાતી પેરન્ટ્સ એ આપવામાં હંમેશાં ફ્લૉપ રહ્યા છે. ગુજરાતી પેરન્ટ્સની એક ખાસિયત છે. કાં તો તેઓ બધેબધું ગોઠવી આપશે અને કાં તો કશું જ નહીં કરે. મૉરલ સપોર્ટના નામે પણ કોઈ સાથ તેમની પાસેથી નહીં મળે અને ઉત્સાહથી વાતો સાંભળવાની બાબતમાં પણ તેઓ પોતાના કાન નહીં આપે.
કૉલેજ ડેઝ કરતાં પણ હું કૉલેજ ફેસ્ટિવલને વધારે ઇમ્પોર્ટન્ટ ગણું છું. આ ફેસ્ટિવલ થકી જ ટૅલન્ટને બહાર લાવવાનો અને જો ટૅલન્ટ યોગ્ય હોય તો એને નર્ચર કરવાનો રસ્તો સમજાય છે. ઇન્ટર-કૉલેજિયેટ કૉમ્પિટિશિનમાંથી તો ગુજરાતી રંગભૂમિના આપણા મોટા ભાગના ઍક્ટરો બહાર આવ્યા છે. આજે પણ એ કૉમ્પિટિશિનમાંથી જ ટૅલન્ટ શોધવાનું કામ આપણા મેકર્સ કરતા હોય છે. તમે માનશો નહીં, પણ મેં તો જોયું છે કે રોહિત શેટ્ટીથી માંડીને ઇમ્તિયાઝ અલી અને વિધુ વિનોદ ચોપડા જેવા મેકર્સ પણ ફેસ્ટિવલમાં જતા હોય છે અને ત્યાંથી મળતી સારી ટૅલન્ટને નર્ચર કરવાનું કામ કરે છે.
ગુજરાતીઓમાં ટૅલન્ટ છે, ભરપૂર ટૅલન્ટ છે અને એ પછી પણ આપણે આર્ટની બાબતમાં હજી સીમિત છીએ એવું મારે નાછૂટકે કહેવું પડે છે, જેનું કારણ કહ્યું એમ આપણા પેરન્ટ્સમાં રહેલી ઇનસિક્યૉરિટી. યંગસ્ટર્સ પૈસા કમાતા થઈ જાય એટલે એ હવે ટૅલન્ટેડ છે એવું આપણા ગુજરાતીઓના પેરન્ટ્સ માનતા રહ્યા છે. તેઓ અજાણતાં જ એવી ભૂલ કરી બેસે છે કે તેમને મન એક જ વાત છે કે સંતાન પૈસા કમાય એટલે હવે તે બેસ્ટ પર્ફોર્મ કરતું થઈ ગયું. ઘણા, ઘણા, ઘણા એવા ટૅલન્ટેડ યંગસ્ટર્સ મેં આ આખી ટિપિકલ પ્રોસેસ દરમ્યાન ખોવાઈ જતા જોયા છે અને એનો મને ખરેખર ભારોભાર રંજ છે. મેં એવા પણ પેરન્ટ્સ જોયા છે જેમણે પોતાની ઇચ્છાને કારણે તેમનાં સંતાનોની આર્ટ લાઇન રિલેટેડ કરીઅર છોડાવી દીધી હોય. એવાં અનેક નામો છે, પણ એ નામોની ચર્ચા કરીને આપણે ખોટો વિવાદ નથી ઊભો કરવો. જોકે હું એટલું ચોક્કસ કહીશ કે એવું ન કરો, પ્લીઝ.
કૉલેજ ફેસ્ટિવલ્સમાં તમારા સન કે ડૉટરે શું ઉકાળ્યું છે એના પર પણ ધ્યાન આપો અને સાથોસાથ એ વાત પર પણ ધ્યાન આપો કે તેઓ જે કરે છે એમાં તેમને કેવો અને કેટલો ઇન્ટરેસ્ટ છે. ફ્રૅન્ક્લી સ્પીકિંગ, ઘણા પેરન્ટ્સનું પોતાનું બ્રૉડ માઇન્ડ નથી હોતું એટલે તેઓ લાંબું જોઈ કે વિચારી શકતા નથી અને એનું ખરાબ પરિણામ સંતાનોએ ભોગવવું પડે છે. આ તમામ કમ્પ્લેઇન વચ્ચે તેમને સૌને થૅન્ક્સ પણ કે જેઓ પોતાનાં બાળકોના ફ્યુચરમાં રસ લઈને તેમના શોખને જ કેવી રીતે પ્રોફેશન બનાવી શકાય એ બાબતમાં દિલચસ્પી લે છે. મને અત્યારે મારા પપ્પા પણ યાદ આવે છે અને મમ્મી પણ યાદ આવે છે.
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ જૉઇન કર્યું એ સમયે તો હું સાતેક વર્ષનું બચ્ચું હતો. મને સેટ પર લઈ જવાથી માંડીને સ્કૂલના હોમવર્ક સુધ્ધાંમાં મમ્મીએ જે મહેનત લીધી છે એનું ઋણ હું ક્યારેય ચૂકવી નથી શકવાનો; પણ જો એ સમયે મને સપોર્ટ ન મળ્યો હોત તો આજે હું અહીં, તમારી સામે ‘મિડ-ડે’ના પેજ પર ન હોત એ તો કન્ફર્મ છે. બને કે તો હું અત્યારે કૉલેજ પૂરી કરીને બહાર આવ્યો હોત અને એકાદ કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરતો હોત કે પછી ફૉરેન સેટલ થઈને ડૉલર અને યુરો કમાવાની દિશામાં વિચારતો થઈ ગયો હોત. જોકે એવું બન્યું નથી ડ્યુ ટુ પેરન્ટ્સ. ટ્રાય કરો તમે પણ. એવા પેરન્ટ્સ બનવું જરા પણ અઘરું નથી, જરા પણ નહીં. એવા પેરન્ટ્સ બનવા માટે એક જ કામ કરવાનું છે. દુનિયાને ભૂલીને તમારે તમારા સંતાનને યાદ રાખવાનું છે અને તેના પર પૂરો વિશ્વાસ રાખવાનો છે. જો એવું કરી ગયા તો જિંદગીભર દીકરો ગર્વથી કહેશે, હું છું મારી સાથે.

ગુજરાતીઓમાં ભરપૂર ટૅલન્ટ છે અને એ પછી પણ આપણે આર્ટની બાબતમાં હજી સીમિત છીએ એવું નાછૂટકે કહેવું પડે છે, જેનું કારણ છે આપણા પેરન્ટ્સમાં રહેલી ઇનસિક્યૉરિટી. યંગસ્ટર્સ પૈસા કમાતો થઈ જાય એટલે તે ટૅલન્ટેડ છે એવું આપણા ગુજરાતીઓના પેરન્ટ્સ માને છે જે સાવ ખોટી માન્યતા છે.

columnists Bhavya Gandhi