મારા પતિને સર્જરી કરાવી છે, જાતીય જીવન પર કેટલી અસર પડે?

30 September, 2020 11:54 AM IST  |  Mumbai | Dr.Ravi Kothari

મારા પતિને સર્જરી કરાવી છે, જાતીય જીવન પર કેટલી અસર પડે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૪૮ વર્ષ અને હસબન્ડની ઉંમર ૫૩ વર્ષ છે. તમે કહો છો કે પુરુષોની જાતીય જિંદગી ઘણી લાંબી હોય છે, પરંતુ જો બીમારી આવી હોય તો શું? મારા હસબન્ડને ચારેક મહિનાથી જાતજાતની તકલીફો થતી આવી છે. વચ્ચે બે સર્જરીઓ પણ કરાવી. આ તમામ સમસ્યાઓ આમ જોઈએ તો જાતીય અવયવો સાથે નથી સંકળાયેલી, પણ એને કારણે શરીરે ખૂબ નબળાઈ આવી ગઈ છે. એમ છતાં તેમને જાતીય સંતોષ મેળવવાની ઇચ્છા થાય છે. હું તેમને ના પાડું છું તો તેમને લાગે છે કે પોતે હવે સંતોષ આપી શકે એમ ન રહ્ના હોવાથી હું ના પાડું છું. તેમની તબિયતની ચિંતાને કારણે હું તેમને જાતીય જીવનની ના પાડું છું. આ બાબતે અમારી વચ્ચે બહુ જ ઝઘડા થઈ રહ્યા છે. તેમણે હજી માંડ ઑફિસે જવાનું શરૂ કર્યું છે. શું આવા સંજોગોમાં જાતીય પ્રવૃત્તિઓમાં પળોટાવું ઠીક છે?
જવાબ- તમારો સવાલ બહુ જ અસ્પષ્ટ છે. તેમને કઈ બીમારી માટે સર્જરી કરાવવી પડેલી? સર્જરી પછી કેટલો સમય થયો? તેમની હાલમાં શું દવાઓ ચાલે છે? થાક અને નબળાઈ સિવાય બીજી શું સમસ્યાઓ તેમને છે? કશું જ કહ્યા વિના તમે સલાહ માગી છે એટલે હું કંઈ જ કહી શકું એવી સ્થિતિમાં નથી.
હા, એટલું જરૂર કહીશ કે શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનો જીર્ણ રોગ રહેતો હોય ત્યારે મૈથુન પ્રવૃત્તિમાં સંકળાવું ન જોઈએ. તમારા પતિની સમસ્યા શું હતી અને એનું હાલનું સ્ટેટસ શું છે એનો અંદાજ પત્રમાંથી નથી મળતો. મને લાગે છે કે તમારે જે ડૉક્ટરની રેગ્યુલર દવાઓ ચાલે છે તેમને આ બાબતે કન્સલ્ટ કરવા જોઈએ. જો તેમની સાથે જાતીય જીવન બાબતેની ચર્ચા કરવામાં સંકોચ નડતો હોય તો પત્રમાં વિગતવાર લખાણ કરો.
કોઈ પણ બીમારીમાંથી વ્યક્તિ સારી રીતે ઊભરે એ માટે દરદીને પ્રેમ અને હૂંફની જરૂર હોય છે એટલું યાદ રાખવું. ધારો કે તમે ઇન્ટિમસી ન માણવા ઇચ્છતા હો તો પણ તેમની સાથે હળવી પળો માણવાનું ચૂકવું નહીં.

dr ravi kothari columnists