બૉયફ્રેન્ડ તેની મમ્મી અને અન્ય સ્ત્રીઓ માટે અપમાનજનક શબ્દો વાપરે છે

23 June, 2020 08:06 PM IST  |  Mumbai | Sejal Patel

બૉયફ્રેન્ડ તેની મમ્મી અને અન્ય સ્ત્રીઓ માટે અપમાનજનક શબ્દો વાપરે છે

પ્રતીકાત્મક તસવીર

સવાલ: લોકો કહે છે કે છેલ્લા ત્રણેક મહિનામાં આપણને સંબંધો વધુ મજબૂત કરવાનો સમય મળ્યો છે. આપણે પરિવારજનો વધુ સમય આપી શક્યા છીએ, મિત્રોને મળવાનું ઓછું ભલે થયું હોય, પણ કમ્યુનિકેશન વધ્યું છે. મારા બૉયફ્રેન્ડની જ વાત કરું તો અમે આ પહેલાં કદી રોજ દિવસમાં ત્રણથી ચાર કલાક ચૅટિંગ કે મોડી રાતની વાતો કરી શકતા નહોતા જે હવે થઈ શકે છે. વધુ વાતો કરીએ તો એકબીજાને વધુ સારી રીતે ઓળખવાની તક મળે. જોકે મને આ વાતો દરમ્યાન બૉયફ્રેન્ડનો જે ચહેરો જોવા મળ્યો છે એ ક્યારેક વિચારમાં મૂકી દે છે. તે મારા માટે બહુ પઝેસિવ અને કૅરિંગ છે એમાં જરાય બેમત નથી. પણ તે બીજી છોકરીઓને અને ખાસ તો તેની મમ્મી સાથે બિહેવ કરે છે એ બહુ વિચિત્ર છે. તેની મમ્મી ઓછું ભણેલી છે, પણ દીકરાની ખુશી માટે જીવ આપી દે એવી છે. ઇન ફૅક્ટ, તેના પપ્પા પણ તેની મમ્મીને પગની જૂતી જ સમજે છે. બીજી છોકરીઓ બાબતે મારા બૉયફ્રેન્ડનો કૅઝ્યુઅલ અપ્રોચ બહુ જ ઇરિટેટિવ છે. તેની એક્સ-ગર્લફ્રેન્ડ વિશે પણ તે બહુ જ તુચ્છકાર અને અપમાનજનક રીતે વાત કરે છે. આ વાત મારા ધ્યાનમાં ત્યારે આવી જ્યારે તેને મારી સાથે આર્ગ્યુમેન્ટ્સ થઈ. ઓવરઑલ મારી સાથે તે બહુ જ સ્વીટ હોય છે, પણ જ્યારે અકળાય ત્યારે તેને આજુબાજુનું કશું જ ભાન ન રહે. મને એ પણ ખબર પડી છે કે તેણે તેની એક્સ-ગર્લફ્રેન્ડ પર હાથ પર ઉપાડ્યો હતો. તેનું આવું વિરોધાભાસી વર્તન મને બહુ મૂંઝવે છે. તે મને આટલો પ્રેમ કરે છે, પણ તેને નારાજ કરું તો તે મારી સાથે પણ ગંદુ વર્તન કરી જ શકેને! મારી બેસ્ટ-ફ્રેન્ડ કહે છે કે એક વાર તેને બરાબર ગુસ્સે થવા દે અને પછી જો તે તારી સાથે શું કરે છે અને પારખું થઈ જશે. મારો સવાલ એ છે કે તેના ઘરમાં તો સ્ત્રીઓનું જરાય રિસ્પેક્ટ નથી એનું શું?

જવાબઃ વ્યક્તિ જ્યારે કોઈના પ્રેમમાં હોય ત્યારે તે પોતાને હોય એના કરતાં અનેકગણી સારી પ્રોજેક્ટ કરવા ઇચ્છતી હોય છે. સામેવાળાને ઇમ્પ્રેસ કરવા માટે પણ તેઓ પોતાને ન ગમતું કરી લે છે. પણ જ્યારે જીવનસાથી બનીને સાથે રહેવાની વાત આવે છે ત્યારે થોડાક સમય પછી વ્યક્તિની ઓરિજિનલ પ્રકૃતિ બહાર આવી જ જતી હોય છે.

જો વ્યક્તિ મૂળભૂત રીતે જ મા-બહેનને સન્માન આપવાના સંસ્કાર ન ધરાવતી હોય તો એ ભલે પ્રેમિકાને અત્યારે પલકોં પર બેસાડીને ફરે, તેની મૂળ પ્રકૃતિ સ્ત્રીને સન્માન આપવાની નથી જ હોતી. જરાક અણગમતા સંજોગો ઊભા થાય કે તરત જ તેની અંદરનો સ્વભાવ બહાર આવી જ શકે છે.

તમારી મિત્ર કહે છે એમ જો પારખાં કરવા માટે થઈને તેને ઉકસાવશો તો સ્વાભાવિક છે કે તમને નિરાશા જ સાંપડશે. તે તમારા માટે પણ એવો જ કડવો, ઉદ્ધત વ્યવહાર કરશે. અલબત્ત, વાતમાં ટ્વિસ્ટ એ છે કે જો સંબંધોમાં સમજણ અને પ્રેમ ઊંડો હોય તો તમે એ પ્રેમના સહારે વ્યક્તિની અંદરની સારાઈને ઉજાગર કરી શકો છો. તે તમારા માટે ખૂબ લાગણી, પ્રેમ અને પઝેસિવનેસ ધરાવે છે. આ લાગણીને આધારે જો તમે તેની અંદર મા પ્રત્યે કુણાશ, સ્ત્રીઓ પ્રત્યે સંવેદના જગાવી શકો ખરાં? દરેક વ્યક્તિની અંદર સારપ હોય જ છે. જ્યારે પણ તે કોઈનાય માટે તોછડું, અપમાનજનક બોલે ત્યારે ચૂપચાપ સાંભળી લેવાને બદલે તેને કડવાશ છોડતાં શીખવવી જરૂરી છે. હા, આ કામ તમારે લગ્ન થાય એ પહેલાં જ કરવું જરૂરી છે. લગ્ન પછીનાં સમીકરણો બદલાતાં આ બદલાવ વધુ અઘરો બની શકે છે.

columnists sejal patel sex and relationships