મેં કદી નીતર્યા ઘીનો દિવો કરીને પ્રભુની ટોકરી વગાડી નથી, એ છતાં મને બગાસું ખાતાં પતાસું મળી ગયું

11 April, 2021 03:02 PM IST  |  Mumbai | Rajani Mehta

મેં મન્ના ડેને પૂછ્યું, ‘દાદા, એવું સાંભળ્યું છે કે મ્યુઝિક ડાયરેક્ટર શંકરે ‘એ ભાઈ ઝરા દેખ કે ચલો’ (મેરા નામ જોકર) રશિયન સ્ટાઇલમાં રેકૉર્ડ કર્યું છે, પણ અમને એવું લાગતું નથી? પ્લીઝ, થોડું સમજાવોને?’

મન્ના ડે સાથે ગૌરાંગ વ્યાસ અને પુરુષોત્તમ ઉપાધ્યાય

મન્ના ડે સાથે મારી પહેલી મુલાકાત થઈ એ પહેલાં શીલા વર્માએ સહજ કહ્યું હતું કે તેઓ થોડા મૂડી છે એટલે તમે ધ્યાન રાખજો. તેમના ઘરે વાતોનો દોર ચાલતો હતો ત્યારે ગુજરાતી ગીતોની વાત કરતાં મેં મન્નાદાને કહ્યું કે તમે જે હલકથી રામદેવ પીરનો હેલો ગાયો છે એ સાંભળીને એમ જ લાગે કે તમે જન્મજાત ગુજરાતી છો. મારી આ વાત સાંભળીને તેઓ અચાનક સોફા પરથી ઊભા થયા અને હું વિચારમાં પડ્યો કે શું થયું? તેમનો મૂડ બદલાયો કે શું? પણ બીજી જ મિનિટે એનો જવાબ મળી ગયો.

વિશાળ દીવાનખાનાના સામેના ખૂણામાં પુસ્તકોનો એક કબાટ હતો. એમાંથી બે-ત્રણ બુકનાં પાનાં ફેરવ્યાં અને પછી એક બુક હાથમાં લઈને જે ભારતીય બેઠક હતી ત્યાં બેસતાં મને કહે, ‘આઇએ, બૈઠિએ.’ મારા માટે તો આ એક સપનું જ હતું. એક મહાન કલાકાર મારા માટે એક ‘ચાર્ટર્ડ મહેફિલ’ની તૈયારી કરી રહ્યા હતા. હું તો અભિભૂત થઈને તેમની સામે બેઠો. નજીકમાં જ હાર્મોનિયમ અને તાનપૂરો હતાં. તેમણે હાર્મોનિયમ ખોલ્યું અને મને કહે, ‘આપને વો બીતા હુઆ ઝમાના ઔર ખાસ કર ગુજરાતી ગાનોં કી યાદ દિલા દી, તો મેરા ભી મૂડ આ ગયા.’

મારે માટે આ લૉટરી હતી. પ્રામાણિકતાથી કહું તો એ ક્ષણે એમ જ થયું કે ચાલો આપણો તો જન્મારો સુધરી ગયો. હવે મન્ના ડે કાર્યક્રમ માટે ન પણ આવે તો  અફસોસ નહીં રહે. નીતર્યા ઘીનો દીવો કરીને દરરોજ પ્રભુની ટોકરી વગાડી હોય તેને જ આવો લહાવો મળે. મેં કદી આવું કર્યું નહોતું. મારે માટે તો બગાસું ખાતાં પતાસું મળે એવી આ વાત હતી.

મન્ના ડેની આંગળીઓ સ્વર સાથે રમત કરવા લાગી અને તેમણે આલાપ શરૂ કર્યો. મને કહે, ‘બહુત સાલોં કે બાદ ગુજરાતી ગા રહા હૂં. વર્ડિંગ શાયદ ઠીક સે યાદ નહીં હૈ. પર જો ગુજરાતી ફોક-ટ્યુન (લોકસંગીત) હૈ વો આજ ભી યાદ હૈ.’ અને તેમણે હેલો શરૂ કર્યો. મારાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. ૮૦ વર્ષની ઉંમરે તેઓ એ જ તન્મયતાથી પોતાની ગાયકીને નિભાવી રહ્યા હતા.

અને એક પછી એક મેં અનેક ક્લાસિક ગુજરાતી ગીતોની તેમને યાદ અપાવી. ઉપર ગગન નીચે ધરતી, ઢળ્યા ઢળે પણ મળ્યા મળે નહીં (મળેલા જીવ), દર્દ એક જ છે કે બેદર્દ થાતો જાઉં છું (મહેંદી રંગ લાગ્યો), મારા રામના રખવાળા ઓછા હોય નહીં (ગાડાનો બેલ). આ તો હતાં ફિલ્મનાં ગીતો. એ સિવાય તેમનાં પ્રાઇવેટ ગીતો સપના રૂપેય આપ ના આવો નજર સુધી (નીનુ મઝુમદાર–બરકત વીરાણી ‘બેફામ’), રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ (નીનુ મઝુમદાર—મરીઝ), પંખીઓએ કલશોર કર્યો ભાઈ (નીનુ મઝુમદાર), હે હુતુતુતુ તુતુતુતુ, જામી રમતની ઋતુ (ગૌરાંગ વ્યાસ–અવિનાશ વ્યાસ) જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા (ગૌરાંગ વ્યાસ) અને આવાં બીજાં અનેક.

વન મૅન આર્મીની જેમ મન્નાદા મારા જેવા વન મૅન ઑડિયન્સ માટે ગાતા હતા. તેમણે જ્યારે આ ગીતો ગાવાનું શરૂ કર્યું ત્યારે પહેલા જ ગીતમાં  એક ઘાયલ સંગીતપ્રેમી તરીકે મેં પણ તેમની સાથે ગીત ગણગણવાનું શરૂ કર્યું અને એક ક્ષણ એવી આવી કે એકાદ શબ્દ તેઓ ભૂલ્યા અને હું ગાવા લાગ્યો (ગુજરાતી ગીતોની બુક તેમની સામે જ હતી, પરંતુ દરેક શબ્દ વાંચીને તરત ગાવાનું શક્ય નહોતું). તરત મને મારી આ ગુસ્તાખીનો અહેસાસ થયો અને હું ચૂપ થઈ ગયો. ત્યારે મને મન્ના ડેના વ્યક્તિત્વના એક નવા પાસાનો અનુભવ થયો. મને કહે, ‘આપ ભી સાથ મેં ગાઇએ. જો સંગીત કા મારા હોતા હૈ વો અપને આપકો રોક નહીં સકતા.’ મેં કહ્યું, ‘દાદા, યે આપકા બડપ્પન હૈ. મૈં ઉસકે લાયક નહીં હૂં. બસ, આપ ગા રહે હો ઉસસે બડા મેરા કોઈ સૌભાગ્ય નહીં હૈ.’

આ મહેફિલ ચાલતી હતી ત્યાં નોકર ચા-નાસ્તો લઈને આવ્યો. ઘાટકોપરથી લઈ ગયેલો એ કચોરી અને ઢોકળાં તેમણે ચાખ્યાં અને ખુશ થઈ ગયા. મને કહે કે તમારાં (ગુજરાતીઓનાં) ઢોકળાં અને ગાંઠિયા મારાં ફેવરિટ છે (મન્ના ડે ઇઝ અ બિગ ફૂડીની  જે વાત સાંભળી હતી એ સાબિત થઈ ગઈ). ચા-નાસ્તો કરતાં મેં તેમને સવાલ કર્યો કે એ દિવસોમાં દરેક મહાન કલાકારોએ ગુજરાતી ગીતો રેકૉર્ડ કર્યાં. ત્યારે માહોલ કેવો હતો? (સંકેતના ઉપક્રમે અમે મોહમ્મદ રફી, કિશોરકુમાર, મુકેશ, મન્ના ડે, તલત મેહમૂદ, હેમંત કુમાર, લતા મંગેશકર, આશા ભોસલે, ગીતા દત્તનાં યાદગાર ગુજરાતી ગીતોનો એક કાર્યક્રમ પુરુષોત્તમ ઉપાધ્યાયના સાંનિધ્યમાં કર્યો હતો.)

મન્ના દા એ ભવ્ય ભૂતકાળને યાદ કરતાં કહે છે, ‘એ દિવસોમાં  ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતીઓની બોલબાલા હતી. હિન્દી ફિલ્મોના અનેક પ્રોડ્યુસર ગુજરાતી હતા. અવિનાશ વ્યાસ, નીનુ મઝુમદાર, દિલીપ ધોળકિયા, અજિત મર્ચન્ટ, કલ્યાણજી-આણંદજી, પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ અને બીજા ટૅલન્ટેડ સંગીતકારો હતા. ગીત-સંગીતનું એક સ્તર હતું. ગુજરાતીઓ બહુ સારા શ્રોતા છે એટલે રેકૉર્ડની ડિમાન્ડ રહેતી. અમે અનેક સીટિંગ્સ કરતા. ગીતકાર પણ સાથે હોય. અમને પંક્તિઓનો અર્થ સમજાવે અને એમાં જ્યારે કર્ણપ્રિય મેલડી ભળે એટલે ગાવાની મજા આવે.’

મેં કહ્યું, ‘દાદા, એ વાત સાચી, પરંતુ એક નૉન-ગુજરાતી તરીકે તમે કેટલી સહજતાથી આ ગીતો ગાયાં છે એટલે તમારું કૉન્ટ્રિબ્યુશન ઓછું ન આંકો.’

ત્યારે તેમણે એક ટ્રેડ સીક્રેટ જેવું રહસ્ય ખોલ્યું, ‘જ્યારે અમારે બીજી ભાષામાં ગાવાનું હોય ત્યારે અમે એ શબ્દોના ફોનેટિક પ્રોનાઉન્સિયેશન પર વધુ ધ્યાન આપીએ. દરેક અક્ષર અને શબ્દનો એક મ્યુઝિકલ ટોન હોય છે. હાં, જુદી-જુદી ભાષામાં એના જુદા-જુદા લહેકા હોય. એ તમે બારીકાઈથી નોટિસ કરીને ધ્યાનમાં રાખો તો પછી કોઈ પણ ભાષામાં ગાવાનું એટલું મુશ્કેલ નથી હોતું. આ ટેક્નિકલ ઇન્પુટ અમને ગીતકાર અને સંગીતકાર તરફથી મળે. એટલે જ હું આ ગીતોની સફળતા માટે તેમને વધુ શ્રેય આપું છું.’

ચા-નાસ્તો તો પૂરાં થવા આવ્યાં, પણ ‘યે દિલ માંગે મોર’ની જેમ મારી ઇચ્છાઓ પૂરી નહોતી થઈ. એવાં અનેક હિન્દી ગીતો હતાં જે મને યાદ આવતાં હતાં. મારી મોટા ભાગની વાસનાઓ સંગીતને લગતી હોય છે, જે એ સમયે એકસામટી ઊછળી-ઊછળીને કૂદાકૂદ કરતી હતી. મેં એ વાસનામોક્ષનું તર્પણ કરવા એક પ્રયત્ન કરતાં   મન્ના ડેને પૂછ્યું, ‘દાદા, મેં સાંભળ્યું છે કે મ્યુઝિક ડાયરેક્ટર શંકરે ‘એ ભાઈ ઝરા દેખ કે ચલો’ (મેરા નામ જોકર) રશિયન સ્ટાઇલમાં રેકૉર્ડ કર્યું છે, પણ અમને એવું લાગતું નથી? પ્લીઝ, થોડું સમજાવોને?’

અને જિસકા ડર નહીં પર જિસકા મન થા વો હી હુઆ. દાદાએ  હાર્મોનિયમ પર ‘એ ભાઈ, ઝરા દેખ કે ચલો’ ગાવાનું શરૂ કર્યું. એક-એક શબ્દ પર ભાર દઈને મુખડું પૂરું કરીને કહે છે, ‘આ સ્ટાઇલ રશિયન છે. મને જ્યારે શંકરજીએ કહ્યું કે રશિયન સ્ટાઇલથી આ ગીત રેકૉર્ડ કરવાનું છે ત્યારે મનમાં હતું કે એ સંગીતમાં મિલિટરી સ્ટાઇલ હશે. સૉલ્જર્સ માર્ચ કરતા હોય એવું સંગીત હશે, પરંતુ આ અલગ સ્ટાઇલ છે. દરેક શબ્દ પર ભાર આપવાનો હતો. ફિલ્મની હિરોઇન રશિયન છે એટલે તેમણે આવો પ્રયોગ કર્યો. મોટા ભાગે  રાજ કપૂર માટે મુકેશનું જ પ્લેબૅક હોય, પરંતુ અહીં શંકરજીએ મારી પસંદગી કરી, કારણ કે આ અલગ ફ્લેવરનું ગીત હતું. શંકરજીનો હું ખૂબ આભારી છું. ફિલ્મલાઇનમાં તેઓ મારા સૌથી મોટા ‘વેલ વિશર’ હતા. તેમને મારી ગાયકી પર બહુ ભરોસો હતો.’

‘આ ગીત મારા માટે પણ એક ચૅલેન્જ હતું, કારણ કે એ મારા જોનરનું નહોતું. શંકરજીએ કહ્યું, ‘આ ગીત ફિલ્મનું બહુ અગત્યનું ગીત છે એટલે ધ્યાનથી ગાવું પડશે.’ રાજસા’બ સંગીતના સારા જાણકાર છે. અમે રિહર્સલ કરતા હતા ત્યારે ઍક્ચ્યુઅલી તેઓ મારી સામે ઊભાં-ઊભાં ઍક્ટિંગ કરતા હતા (આટલું કહીને પોતે ગાય છે), ‘તુ જહાં આયા હૈ, વો તેરા ઘર નહીં, ગલી નહીં, ગાંવ નહીં...’ પૂરા ગીતમાં જે રીતે રાજસા’બે ફિલ્મમાં ઍક્ટિંગ કરી છે એ ઍક્ટિંગ તેમણે મારી સામે કરી. આને કારણે મને ગાવામાં સરળતા રહી. રેકૉર્ડિંગ વખતે રાજસા’બનો મોટો દીકરો ડબ્બુ (રણધીર કપૂર) મને કહે, ‘અંકલ, આજે તો તમે ફુલ ફૉર્મમાં છો. એવું લાગતું જ નથી કે તમે આ ગીત ગાયું હોય.’

અમારી વાતો ચાલતી હતી ત્યાં તેમનાં પત્ની સુલોચના દીવાનખંડમાં આવ્યાં અને મને કહે, ‘આપકા બહુત ધન્યવાદ. ઇતના અચ્છા નાસ્તા હૈ ઔર ખાસ કર કે યે રસગુલ્લા કમાલ કા હૈ’ એટલું કહીને તેમણે મન્ના ડેને બંગાળીમાં રસગુલ્લાનાં વખાણ કરતાં બેત્રણ વાક્યો કહ્યાં અને ચાખવાનો આગ્રહ કર્યો. નોકર બે બાઉલમાં રસગુલ્લા લઈને આવ્યો. રસગુલ્લા ખાતાં મન્ના ડે કહે, ‘વાહ, મૈં બંગાલી હૂં, દુનિયાભર મેં રસગુલ્લા ખાયા હૂં. પર યે તો લાજવાબ હૈ.’

એ સાંજની સૌથી મોટી કૉમ્પ્લીમેન્ટ મને તેમનાં પત્નીએ આપી. તેઓ કહે, ‘આજ બહુત દિનોં કે બાદ મૈં ઉનકો ઇતને અચ્છે મૂડ મેં દેખ રહી હૂં. You have taken him back to good old days. Thank you very much.’ આ સાંભળીને મન્ના ડેએ બંગાળીમાં ત્રણ-ચાર વાક્યો કહ્યાં. એમાં એટલી સમજણ પડી કે તેઓ મારી ફિલ્મસંગીતની ‘ભીષણ’ ઘેલછા અને જાણકારીની વાત કરતા હતા.    

સુલોચનાજી ત્યાં જ બેઠાં હતાં. હું એક પછી એક ગીતો મન્ના ડેને યાદ  દેવડાવતો હતો, તુમ ગગન કે ચંદ્રમા હો, મૈં ધરા કી ધૂલ હૂં (સતી સાવિત્રી), સોચ કે યે ગગન ઝૂમે (જ્યોતિ) પૂછો ના કૈસે મૈંને રૈન બિતાઈ (મેરી સૂરત તેરી આંખેં), શામ ઢલે જમુના કિનારે, આજા રાધે આજા તુઝે શામ પુકારે’ (પુષ્પાંજલિ) અને બીજાં અનેક ગીતો. દાદા એ ગીતો સાથે સંકળાયેલી વાતોને યાદ કરતા હતા અને વચ્ચે-વચ્ચે ગાતા હતા (આ  દરેક વાતો આગળ જતાં તમારી સાથે શૅર કરીશ). કહેવાય છે કે દુઃખનો સમય કાચબાની ગતિએ અને  સુખનો સમય સસલાની ગતિએ જતો હોય છે. લગભગ અઢી-ત્રણ કલાકની આ લાંબી (મારા માટે ટૂંકી) મુલાકાતનો ક્લાઇમૅક્સ ત્યારે આવ્યો જ્યારે મેં મન્નાદા અને સુલોચનાજીનો આભાર માની તેમની રજા માગી ત્યારે દાદાએ મને એક સુખદ આંચકો આપ્યો. કહે, ‘શીલા ને કહા થા આપ મેરા પ્રોગ્રામ રખના ચાહતે હૈં. મૈં અગલે મહિને અમેરિકા જા રહા હૂં. આને કે બાદ આપકે સાથ પ્રોગ્રામ કરેંગે.’ તેમના ચરણસ્પર્શ કરતાં મેં કહ્યું, ‘દાદા, આપકા બહુત-બહુત શુક્રિયા. હમ આપકા ઇન્તઝાર કરેંગે.’ તેઓ બોલ્યા, ‘આપ કા ભી શુક્રિયા ઔર Thanks for lovely namkin and Rasgulla.’

જેમ ફિલ્મમાં એક ડ્રીમ સીક્વન્સ હોય છે એમ આ ઘટના બની. માગવાથી મળે એના કરતાં સામેથી મળે એનું મહત્ત્વ વધુ હોય છે એ આપણે સૌ જાણીએ  છીએ. આ લખું છું ત્યારે શાહરુખ ખાનનો ચવાઈને ચુથ્થો થઈ ગયેલો ડાયલૉગ યાદ આવે છે,  ‘ઇતની સિદ્દત સે મૈંને તુમ્હેં પાને કી કોશિશ કી હૈ... કહતે હૈં કિસી ચીઝ કો દિલસે ચાહો તો પૂરી કાયનાત તુમ્હેં ઉનસે મિલાને કી કોશિશ મેં લગ જાતી હૈ.’ મનમાં થતું કે આ તો ચીલાચાલુ ફિલ્મી ડાયલૉગ છે, હકીકતમાં આવું ન બને, પણ મારી સાથે આમ બન્યું. સુરેશ દલાલના શબ્દોમાં કહું તો મારી એ સાંજ વાંઝણી ન ગઈ. પાછા ફરતી વખતે જગદીશ જોષીની વાંચેલી બે પંક્તિઓને હું મનમાં મમળાવતો રહ્યો...  

‘તમે સાંજે મળો તો મને એકલા મળો

કે મારા દિવસઆખાને વળે હાશ...’

columnists rajani mehta