ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીતકાર રવિએ સંગીત આપ્યું હતું

08 May, 2020 08:43 PM IST  |  Mumbai | Ashu Patel

ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીતકાર રવિએ સંગીત આપ્યું હતું

રવિ નામથી વિખ્યાત બનેલા રવિશંકર શર્માએ ગુજરાતી ફિલ્મો માટે પણ સંગીત આપ્યું હતું. તેમણે ‘ઘેર ઘેર માટીના ચૂલા’ અને ‘વેરની વસૂલાત’ જેવી ગુજરાતી ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. એ સંગીત માટે તેમને ગુજરાત રાજ્યના અવૉર્ડ્સ પણ મળ્યા હતા. તેમણે અન્ય પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. તેમણે મલયાલમ ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. તેમણે સાઉથના જાણીતા ગાયકો યેસુદાસ અને ચિત્રા પાસે ખૂબ સારાં ગીતો ગવડાવ્યાં હતાં.

રવિનો સંઘર્ષ પૂરો થયો અને પછી હેમંતકુમાર સાથે કામ કરતી વખતે તેમને થોડી કમાણી થવા લાગી હતી અને એ સમયમાં હેમંતદાએ તેમને પોતાની જૂની કાર ભેટ આપી દીધી હતી. રવિ સ્વતંત્ર સંગીતકાર બન્યા એ પછી તેમણે નવી કાર ખરીદી હતી. 

૧૯૬૧માં એટલે કે મુંબઈ આવ્યા પછી ૧૬ વર્ષ સંઘર્ષ કર્યા પછી તેઓ સાંતાક્રુઝમાં રહેવા ગયા હતા. તેમને ખબર પડી હતી કે ફિલ્મ પ્રોડ્યુસર નડિયાદવાલા એક પ્લૉટ વેચવા ઇચ્છે છે. તેમણે મુંબઈના સાંતાક્રુઝમાં નડિયાદવાલાનો એ પ્લૉટ ખરીદી લીધો અને ત્યાં પોતાનું સરસ ઘર બનાવડાવ્યું હતું. તેમના ઘરનાં બારી-બારણાં પણ ત્યારે તૈયાર થયાં નહોતાં ત્યારથી તેઓ એ ઘરના પહેલા માળે

બેસીને ત્યાં ગીત કમ્પોઝ કરવા માંડ્યા હતા. 

 એ પછી તો રવિએ ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. ‘ગુમરાહ’ ફિલ્મથી તેઓ બી. આર. ચોપડા સાથે જોડાયા અને બી. આર. ચોપડા માટે તેમણે ‘હમરાઝ’, ‘ધૂંધ’, ‘આદમી ઔર ઇન્સાન’, ‘નિકાહ’, ‘તવાયફ’, ‘આજ કી આવાઝ’, દહેલીઝ’, ‘આવામ’ અને ‘શહીદ’ જેવી અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. 

રવિએ ‘નિકાહ’ ફિલ્મ અગાઉ થોડો બ્રેક લીધો હતો, પણ ‘નિકાહ’ ફિલ્મમાં તેમણે સલમા આગા પાસે ગીતો ગવડાવ્યાં અને સલમા આગાના અવાજે લોકોના દિલોદિમાગ પર જાદુ પાથરી દીધો હતો. 

 મજાની વાત એ છે કે રવિએ પોતે સંગીતની કોઈ તાલીમ લીધી નહોતી. તેઓ જે ધૂન બનાવતા એ પોતાની અંતઃસ્ફુરણાથી બનાવતા હતા, પરંતુ તેઓ ઉચ્ચ દરજ્જાના સંગીતકાર બન્યા હતા. 

રવિ દિલ્હીમાં નોકરી કરતા હતા એ સમયે દિલ્હીમાં વર્લ્ડ ટ્રેડ ફેરનું આયોજન થયું હતું. એમાં એક જગ્યાએ વૉઇસ ટેસ્ટની સુવિધા હતી. રવિએ ત્યાં વૉઇસ ટેસ્ટ આપી હતી. સંગીતકાર નૌશાદે ‘દિલ્લગી’ ફિલ્મ માટે કમ્પોઝ કરેલું ‘તેરે કૂચે મેં અરમાનોં કી દુનિયા લે કે આયા હૂં...’ ગીત રવિએ ગાયું અને એ વૉઇસ-ટેસ્ટ પછી તેમને વિશ્વાસ બેઠો કે તેમના મિત્રો કહેતા હતા એ વાત ખોટી નહોતી કે તેઓ બહુ સારું ગાય છે!

entertainment news bollywood columnists ashu patel