મુંબઈના બે કચ્છી બૉય‍્ઝ પહોંચ્યા ઑન ધ ટૉપ ઑફ ધ વર્લ્ડ

21 May, 2023 11:41 AM IST  |  Mumbai | Alpa Nirmal

અઢળક ચૅલે​ન્જિસ પાર કરીને જ્યારે દુનિયાના સૌથી ઊંચા પહાડના શિખરે કઈ રીતે પહોંચ્યા એની ગોઠડી માંડે છે મિથિલ અને પંખિલ ‘મિડ-ડે’ સાથે કાઠમાંડુથી

મિથિલ દેઢિયા, પંખિલ છેડા

૧૭ વર્ષના મિથિલ દેઢિયા અને ૩૫ વર્ષના પંખિલ છેડાએ ૧૭મેના રોજ એવરેસ્ટ સર કર્યું, ફિંગર્સમાં ફ્રૉસ્ટ બાઇટ, પગમાં ​બ્લિસ્ટર્સ સાથે હેવી ચિલિંગ વિન્ડ, એવરેસ્ટ ક્લાઇમ્બર્સના હેવી ટ્રાફિકને કારણે લૉન્ગ વેઇટિંગ કર્યું તેમ જ ડેથ ઝોન કહેવાતા કૅમ્પ ફોરનું કાતિલ ક્લાઇમેટ જેવી અઢળક ચૅલે​ન્જિસ પાર કરીને જ્યારે દુનિયાના સૌથી ઊંચા પહાડના શિખરે કઈ રીતે પહોંચ્યા એની ગોઠડી માંડે છે મિથિલ અને પંખિલ ‘મિડ-ડે’ સાથે કાઠમાંડુથી

૧૭ વર્ષના મિથિલ દેઢિયા પાસે ફોર વ્હીલર ચલાવવાનું લાઇસન્સ નથી, પરંતુ વિશ્વના સૌથી ઊંચા પહાડ એવરેસ્ટના શિખરે પહોંચવાનું સર્ટિફિકેટ છે. આ માર્ચ મહિનામાં ટ‍્વેલ્થની એક્ઝામ આપનારો મિથિલ ‘મિડ-ડે’ને કહે છે કે ‘હું સિક્સ યર્સનો હતો ત્યારથી કૅમ્પિંગ, ટ્રૅકિંગમાં જાઉં છું. મને માઉન્ટન્સ બહુ ગમે છે. મહારાષ્ટ્રના અને ઇન્ડિયાના ઘણા ટ્રૅક્સ મેં કર્યા છે. ગયા વર્ષે મેં એવરેસ્ટ બેઝ કૅમ્પનું ટ્રૅકિંગ પણ કર્યું હતું. બસ, ત્યારે મેં ફર્સ્ટ ટાઇમ વર્લ્ડના એ ટૉલેસ્ટ માઉન્ટનને જોયો અને મને થયું કે મારે પણ એવરેસ્ટ સમિટ કરવું છે.’ બસ, પછી બૉડીને ટ્રેઇન કરી, સ્ટૅમિના વધારવા વિવિધ ઍથ્લેટિક્સ એક્સરસાઇઝ કરી. એક આખું વરસ દરરોજ દિવસના પાંચથી ૬ કલાક કસરત કરી અને ૨ એપ્રિલે મુંબઈથી નીકળીને પહોંચી ગયો કાઠમાંડુ.’

ઘાટકોપરમાં રહેતો મિથિલ કહે છે કે ‘અમે ત્રણ જણ હતા. પંખિલભાઈ અને કેવલ કક‍્કા. કેવલ અન્કલ તો માઉન્ટેનિયર છે. તેમણે એવરેસ્ટ સાથે બીજાં પણ ઘણાં સમિટ કર્યાં છે. હું એ બેની સામે નાનો હતો, પણ ટ્રેઇનિંગ લઈ સ્ટ્રૉન્ગ બની ગયો હતો. જોકે હવે એવરેસ્ટના અનુભવ પછી હું મેન્ટ્લી પણ સ્ટ્રૉન્ગ બની ગયો છું. અમે કાઠમાંડુથી લુક્લા ફ્લાય કર્યું. ત્યાંથી નામચે બજાર, લોબુચે અને એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચ્યા. એ પછી અમે છ હજાર મીટરનો ઈસ્ટ લોબુચે પીક કર્યો જેથી અમારી બ્રિધિંગ કૅપેસિટી વધે અને બૉડી યુઝ ટુ થાય. એ પછી અમે એવરેસ્ટ કૅમ્પેનનો ટ્રૅક શરૂ કર્યો. એવરેસ્ટનો ટ્રૅક કરતાં પહેલાં એના પહેલા, બીજા અને ત્રીજા કૅમ્પ સુધી એક કે બે રોટેશન કરવાં પડે જેથી આપણા રેડ બ્લડ સેલ્સ વધે અને ફેફસાંની કૅપેસિટી વધે. આ બધું મસ્ત થયું. જનરલી રોટેશન પછી તરત જ મેઇન સમિટ માટે શરૂ કરવાનું હોય, પરંતુ આ વખતે વેધર બહુ જ વિન્ડી હતું. અમે નામચે પરત આવ્યા અને ૧૦મી મેના વેધર વિન્ડો ખૂલી જતાં અમે પરત એવરેસ્ટ બેઝ કૅમ્પ પહોંચી ગયા. ઍન્ડ અવર જર્ની સ્ટાર્ટેડ.’

‘કૅમ્પ એક પર પહોંચવામાં વચ્ચે ખુમ્બા આઇસ-ફૉલ આવે’ એમ કહેતાં મિથિલ આગળ ઉમેરે છે કે ‘આ એરિયાનો ટ્રૅકિંગ રૂટ અને ટ્રૅકિંગ ટાઇમ એવરી યર ડિફર થતો રહે. ઇટ ડિપેન્ડ‍્સ ઑન વિન્ટરમાં કેટલો બરફ પડ્યો છે. આ વર્ષે એ રૂટ લૉન્ગ હતો. જોકે આ રૂટ લાંબો હતો. એટલે નહીં, પણ અહીં બહુ મોટા પ્રમાણમાં આઇસ રૉક પડે, જે ફેટલ હોય. હું ત્યાંથી પાસ થઈ રહ્યો હતો ત્યારે બરફનો એક મોટો ખડક મારી પાછળ પડ્યો. આ ઘટનાથી હું થોડો ડરી ગયો. મને રાતે ઊંઘ પણ ન આવી છતાં હિંમત રાખી બીજે દિવસે ટ્રૅકિંગ શરૂ કર્યું, જ્યારે તેના બૅચના ૮માંથી બે ઇન્ડિયને તો ત્યાંથી જ પોતાનું એે​ક્સપિડિશન પૅક-અપ કરી નાખ્યું હતું. મિથિલ કહે છે કે ‘એક ટ્રૅકર બેઝ કૅમ્પથી જ આગળ ન આવ્યો અને બીજાને પહેલા કૅમ્પ પર રેટિનાની તકલીફ થઈ જતાં પરત જવું પડ્યું. આપણા ટીમ મેમ્બર અટકી જાય એટલે આપણું મોરલ ડાઉન થઈ જાય, પણ શેરપાઓ એવો સરસ જુસ્સો વધારે કે સેકન્ડ કૅમ્પ સરસ રીતે પહોંચી ગયો. જોકે હવે બે જ દિવસ બાદ હું સમિટ પર હોઈશ એ એક્સાઇટમેન્ટને કારણે મને એ રાતે સરખી ઊંઘ ન આવી અને રાતે ત્રણ-સાડાત્રણે અમે કૅમ્પ ત્રણ જવા નીકળી ગયા. અગેઇન આ ટફ ટ્રૅક ૬૦થી ૬૫ ડિગ્રીનો વર્ટિકલ સ્લોપ. મને એટલી બધી ઊંઘ આવી રહી હતી કે ચઢતાં-ચઢતાં મારી આંખ બંધ થઈ જતી હતી. મેં શેરપાને કહ્યું કે મને કોઈના પણ ટેન્ટમાં પંદર-વીસ મિનિટ સૂવા દે. હું સૂતો પણ ખરો, પણ કોઈ જ ફરક નહીં. આગળ જતાં તો મને ભ્રમણા થવા લાગી. ઑક્સિજન ઓછું થઈ જાય, બૉડીમાંથી સોડિયમ ઘટી જાય એટલે એવું થાય. એકાદ કલાક એવું રહ્યું હશે પછી મને શેરપાએ સૉલ્ટેડ ડ્રાયફ્રૂટ ખવડાવ્યાં અને હું કૅમ્પ ત્રણ પહોંચ્યો.’

બસ, આટલી જ તકલીફ નહોતી. ટફ ટાઇમ અને ટફ ટ્રૅક તો હજી હવે આવવાનો હતો. કૅમ્પ ફોર જતાં યલો બૅન્ડ આવે જે ડેથ ઝોન કહેવાય છે.

ત્યાનું સીધું ચઢાણ, ૫૦થી ૬૦ કિલોમીટર પર અવરથી વાતો પવન અને માઇનસ વીસથી પચીસ ડિગ્રી ઠંડી, નાનીનાં નાની યાદ આવી જાય. મિથિલ તને પાછા જવાનો વિચાર નહોતો આવ્યો? મિથિલ કહે છે કે ‘એક વખત નહીં, હજાર વખત આવ્યો હશે, રડવું પણ આવે પણ સાથે રહેલા શેરપા મોટિવેટ કરે, હો જાએગા, અભી ઇતના હી બાકી હૈં. તેમનાં આવાં વાક્યો, તેમની કૅર એટલે ધે આર ગૉડ ઍટ ધૅટ ટાઇમ. ખેર, વધારે પ્રૉબ્લેમ તો ત્યારે થયો જ્યારે મારો શેરપા બીમાર થઈ ગયો અને બીજા શેરપાની રાહ જોવામાં એ બરફ, ઠંડી હવાની વચ્ચે મારે દોઢ કલાક ઊભા રહેવું પડ્યું. હાથ-પગ ફ્રીઝ થઈ ગયા અને એ દરમ્યાન જ મારા હાથનાં આંગળાંમાં ફ્રૉસ્ટ બાઇટ થઈ ગયું. સાથે મને પગમાં પણ ચાંદું પડ્યું હોય એવું લાગતું હતું, એ પણ ખૂબ હેરાન કરી રહ્યું હતું. એ જ રીતે મારો ઑક્સિજન માસ્ક વારે-વારે ફ્રૉસ્ટ થઈ જતો હતો. આથી મને પચાસ ટકા જ ઑક્સિજન મળી રહ્યો હતો. આ બધી આપદાઓ સાથે ચઢી રહ્યો હતો. ત્યાં હિલેરી સ્ટેપ પાસે એક ડેડ બૉડી જોઈ, ખબર નહીં કેટલા સમયથી એ ત્યાં પડી હશે, પણ એ પછી હું ટોટલી ડાઉન થઈ ગયો.’

સમિટ ઉપર જવા માટેની વન-વે લાઇન, બે-અઢી કલાકનું વેઇટિંગ સાથે આઇસી પવન એવો હતો કે મિથિલના ગ્લાસ ઉપર બરફ જામી ગયો અને તેને પચાસ ટકા દેખાતું બંધ થઈ ગયું. યંગ ડાયનૅમિક બૉય કહે છે કે ‘બટ એવરી થિંગ વૉઝ ગુડ, રાધર ગ્રેટ જ્યારે હું સમિટ પર પહોંચ્યો. મને ગુઝ બમ્બ આવી રહ્યા હતા. હું દુનિયાના સૌથી ઊંચા પૉઇન્ટ પર ઊભો હતો. નીચેના વ્યુઝ મને મેસ્મેરાઇઝ કરી રહ્યા હતા. ૪૦ મિનિટ ત્યાં રોકાયા બાદ મેં નીચા આવવાનું શરૂ કર્યું એમાં એક રેપલિંગ પ્લેસ પર હું પચાસ મીટર નીચે પડી ગયો. મારા હાથ એવા સુન્ન થઈ ગયા હતા કે રોપ ક્યારે છૂટી ગયો એ મને ખબર જ ન પડી.’

વેલ, કૅમ્પ ફોર પછી તે કૅમ્પ સેકન્ડ પર આવી ગયો અને ત્યાંથી રેસ્ક્યુ હેલીથી લુક્લા થઈને કાઠમાંડુ. મિથિલ કહે છે કે ‘પગનું ​બ્લિસ્ટર અને હાથનું ફ્રૉસ્ટ બાઇટ પીડા કરી રહ્યાં હતાં અને વધી રહ્યાં હતાં. એટલે એની તરત ટ્રીટમેન્ટ થવી જરૂરી હતી. અમે કૅમ્પ ટૂથી બેઝ કૅમ્પ આવીએ એ પછી કાઠમાંડુ આવીએ એમાં બે દિવસ નીકળી જાય એમ હતા. વળી ત્યાંનું વેધર પણ બગડી રહ્યું હતું એટલે અમે તરત કાઠમાંડુની હૉસ્પિટલમાં ઍડ‍્મિટ થઈ ગયા.’ મિથિલ આગળ કહે છે કે ‘જોકે આ બધા પ્રૉબ્લેમ ટેમ્પરરી છે. મને એ યાદ પણ નહીં રહે. યાદ રહેશે આ આખી ૪૦ દિવસની યાત્રા. જેણે મને ફિયરલેસ બનાવ્યો છે. મારાં ઇમોશન્સ પર કન્ટ્રોલ કરતાં શીખવ્યું છે. નેગેટિવ થૉટ‍્સને પૉઝિટિવ વિચારોમાં તબદીલ કઈ રીતે કરવા એ પાઠ ભણાવ્યો છે.’

માઉન્ટ‍્સ મધર જેવા હોય. બે હાથ પહોળા કરીને એ તમને આવકારે, પરંતુ જો તમે કંઈ ખોટું કરો તો મમ્મી જેમ કાન આળે અને પાઠ ભણાવે એ રીતે પહાડો પણ તમને પાઠ ભણાવે,’ એમ કહેતાં ૩૫ વર્ષના પંખિલ છેડા અત્યારે કાઠમાંડુની સિવિલ હૉસ્પિટલમાં હાથની આંગળીઓમાં થયેલા ફ્રૉસ્ટ બાઇટની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છે. ૩૫ વર્ષનો મિથિલ કહે છે કે ‘આ ફ્રૉસ્ટ બાઇટ તો તમને મળેલા મૅડલ છે. તમે કંઈ અચીવ કરો તો તમારું સન્માન થાયને, બસ એ રીતે આ મને મળેલો સિરપાવ છે.’

આઇઆઇટીમાંથી એમ. ટેકની ડિગ્રી મેળવીને ફૅમિલી બિઝનેસમાં કાર્યરત પંખિલ છેડાને વારસામાં ટ્રૅકિંગનો શોખ મળ્યો છે. માઉન્ટેનિયરિંગ ઉપરાતં સ્કીઇંગનો ઍડ્વાન્સ કોર્સ કરનાર પંખિલે ટીનેજથી એવરેસ્ટ એક્સપિડિશનનું સપનું જોયું હતું, પરંતુ સ્ટડી પછી બિઝનેસ અને ફૅમિલી-રિસ્પૉ​​ન્સિબિલિટીને કારણે એક દીકરીના પપ્પાને એ સપનું પૂરું કરવાનો ટાઇમ ન મળ્યો.

ખેર, ગયા વર્ષે ફરી પેલું સપનું સળવળ્યું અને પંખિલે એવરેસ્ટ માટે બૉડીને કસવાની શરૂઆત કરી. રનિંગ, સ્ટેર્સ ક્લાઇબિંગ સાથે ૬૦૦૦થી વધુ મીટરના માઉન્ટ બ્લૅક પીક, ઓટિબ્બા અને માઉન્ટ અમાદબ્લામ ટ્રૅક કર્યો, સાથે હોફ બ્રિધિંગ ટેક્નિકના લેસનોની પ્રૅક્ટિસ કરી એવરેસ્ટ આરોહણ માટે રેડી થઈ ગયો.’

બોરીવલીમા રહેતો પંખિલ કહે છે કે ‘માઉન્ટેનિયરિંગના ત્રણ ગોલ્ડન રુલ છે. હેલ્ધી ખાઓ, પીઓ અને પૂરતું ઊંઘો. જો આ રુલ યોગ્ય રીતે પળાય તો માઉન્ટન્સ મધર તમને કોઈ તકલીફ ન કરે. હું અને મિથિલ સાથે જ હતા એટલે અમે સાથે જ અહીંથી કાઠમાંડુ ગયા. ત્યાંથી લોબુચે ઈસ્ટનું સમિટ અને બાદ એવરેસ્ટ કૅમ્પના રોટેશન બધું જ સાથે કર્યું. મને એ દરમ્યાન શારીરિક કે માનસિક તકલીફો જરાય ન આવી. વેધર બહુ જ ખરાબ હતું. અમારા એક્સપેક્ટેશન પ્રમાણે મે મહિનાના ફર્સ્ટ વીકથી એક્સપિડિશન શરૂ થઈ જવા જોઈતા હતા, પણ નેપાલ ગવર્મેન્ટ એવરેસ્ટ એક્સપિડિશન માટે જે બેઝિક સગવડો ઊભી કરે, જેમ કે રોપ લગાવવા, રૅશન, ટેન્ટ, ઑક્સિજન સિલિન્ડર પહોંચાડવાં એ દરેક કાર્યો ૩૦ એપ્રિલ સુધી પણ થયાં નહીં. આથી અમે પહેલી મેના બેઝ કૅમ્પથી નામચે બજાર આવી ગયા. જેથી પહેલા ટ્રૅકમાં ખર્ચાયેલી અમારી એનર્જી જલદીથી રિકવર થાય. ત્યાં સમાચાર મળ્યા કે ૧૦-૧૧ મે બાદ વેધર વિન્ડો ખૂલી જશે. આથી અમે ૮મી મેના રોજ બેઝ કૅમ્પ પહોંચ્યા અને ૧૩મી મેના સમિટ માટે સ્ટાર્ટ કર્યું.  આઇસ ફૉલ હેમખેમ પસાર કરીને સેકન્ડ કૅમ્પ, ત્યાં બે રાત રહી એક્લેમેટાઇઝ થયા અને ૧૫મી મેના કૅમ્પ ત્રણ તરફ પ્રયાણ કર્યું. હાયર સમિટ માટે મોસ્ટલી અડધી રાતે ત્રણ-ચાર વાગ્યે ચઢવાનું શરૂ કરી દેવાનું હોય અને એમાંય જો ડિસ્ટન્સ વધુ હોય કે રશ વધુ હોય તો સાંજે ૮-૯ વાગ્યાથી મંગલાચરણ કરવાનું. કૅમ્પ ૩ પર હવા ખૂબ હતી. મિથિલે કહ્યું એમ ૫૦થી ૬૦ કિલોમીટરની ગતિએ વાતો એ પવન, વળી એની સાથે બરફ પણ ઊડે અને ઠંડી ૨૦થી ૩૦ ડિગ્રી. આ વેધર અને એલ્ટિટ્યૂડ એવા ચૅલેન્જિંગ છે કે ભલભલાના હોશકોશ ઊડી જાય. અમારા ૮માંથી બચેલા ૬ ટ્રૅકરમાંથી એકને હેબુનાઇઝેશનનો ખૂબ પ્રૉબ્લેમ થયો. તેના બ્રેઇનમાં પાણી ભરાઈ ગયું. તેને ઇમિડિયેટ રેસ્ક્યુ કરાવવું પડ્યું. એમાં બધા ડિસ્ટર્બ થયા, છતાંય કૅમ્પ ફોર પહોંચ્યા, ૮૦૦૦ મીટરની ઊંચાઈએ. જેને વિજ્ઞાન ડેથ-ઝોન કહે છે. અહીં ઑક્સિજનનું પ્રમાણ ૨૫ ટકા. આપણે ૧૦૦થી ૯૦ ટકા ઑક્સિજનના પ્રમાણમાં રહેનારા ત્યારે અહીં એના પા ભાગનો પ્રાણવાયુ. વિચાર તો કરો કે કેવી આકરી પરિસ્થિતિ હશે. તમે આકરી ચઢાઈ ચઢીને આવ્યા હોય એટલે આમેય તમારા શરીરમાં શક્તિ બચી ન હોય. એમાં અહીંનો રૉકેટ સ્પીડે વાતો થંડો પવન અને એથીય વર્સ્ટ અહીંના વાઇબ્સ. આપણને એવું થાય, ચારેબાજુ સફેદ-સફેદ બરફ હોય તો કેટલું સુંદર દેખાતું હશે, પણ અહીં બરફને બદલે તૂટેલા-ફાટેલા તંબુ, બીજા ટ્રૅકર્સોએ કરેલો કચરો દેખાય. ફાટેલા તંબુઓનાં કપડાં હવામાં એવાં ફડફડતાં હોય જે જોઈ કોઈ હૉરર ફિલ્મનાં દૃશ્યો યાદ આવી જાય. ઇન શૉર્ટ આ ટ્રુ સેન્સમાં ડેથ ઝોન છે. અહીં એક મિનિટ પણ ઑક્સિજન વગર ન ચાલે અને સતત ઑક્સિજન માસ્ક પહેરી રાખો એટલે તમારું ગળું સુકાય, એમાં ખારાશ આવી જાય. ખાવાનું પણ મન ન થાય અને આવી ઠંડીમાં પણ બિચારા શેરપાઓ ડીહાઇડ્રેટેડ ફૂડ ગરમ કરીને આપે, પણ આપણા ટેન્ટ સુધી આવે ત્યાં તો એ પથ્થર થઈ ગયું હોય. સાથે તાપમાન એટલું નીચું કે ઊંઘ પણ ન આવે. એટલે મેં આગળ કહ્યું એમ માઉન્ટેનિયરિંગના ત્રણેમાંથી એકેય રુલ અહીં ફૉલો ન થાય. ન મારાથી સરખું ખવાયું, ન પીવાયું કે ન ઊંઘાયું.’

ખેર, બીજો દિવસ તો ‘ડી’ ડે હતો. આગળના દિવસોમાં ૨૦૦થી ૨૫૦ ટ્રૅકર્સની લાઇનમાં બે-અઢી કલાક ઊભા રહીને થીજી ગયેલા ‘મિથિલ અને પંખિલને લાંબી કતારમાં હેરાન નહોતું થવું એટલે આખા ગ્રુપે સાંજે સાડાઆઠના સુમારે એવરેસ્ટ સમિટનું ચઢાણ શરૂ કર્યું, પણ સેમ ભીડ. કોઈ મંદિરમાં જવાની લાંબી કતાર હોય એમ અહીં પણ લાંબી કતાર. પંખિલ કહે છે કે ‘આ ચઢાણમાં એક હિલેરી સ્ટેપ કરીને પ્લેસ આવે. અહીં ઑક્સિજન સિલિન્ડર બદલી થાય. એટલે નવાં સિલિન્ડર અપાય. અહીં પણ સખત ક્રાઉડ હોય. જગ્યા નાની પડે, એમાં તો વાર લાગી. એ ઉપરાંત આગલા દિવસનાં ઘણાં ડિર્સ્ટબન્સને કારણે મારું પેટ અપસેટ હતું. આ માઉન્ટન્સમાં કોઈ સમથળ સ્પૉટ તો હતો જ નહીં, બસ સ્ટીપ-સ્ટીપ પર્વતો હતા. મને થયું કે જો અહીં મારો પ્રૉબ્લેમ સૉલ્વ નહીં થાય તો આગળ કશેય સ્કોપ નથી એટલે હું અહીં ટૉઇલેટ ગયો. એની માટે મારે થોડાં કપડાં કાઢવાં પડે. હાથનાં સૉક્સ, બૉટમવેર વગેરે. એન્ડ એ વેધર કૅચ થઈ ગઈ અને મારા હાથમાં હિમડંખ પડી ગયા. જોકે એના કરતાંય ઇશ્યુ એ હતો કે હું ઓવરઑલ એકથી દોઢ કલાક મોડો થઈ ગયો હતો. અમારું ગ્રુપ આગળ પહોંચી ગયું હતું અને ભીડ વધી ગઈ હતી. એવરેસ્ટ સમિટનો વે-વનવે જેવો છે. કાં તો કોઈ ઊતરી શકે, કાં ચઢી શકે. વળી ઊતરવાં કે ચઢવામાં કોઈ ઓવરટેક ન કરી શકાય. તમારે એ કતારની સ્પીડથી ચાલવું પડે. કોઈ ક્લાઇમ્બર સ્લો હોય તો કોઈ સખત થાકેલું હોય, તે રેસ્ટ કરે તો આખીય લાઇન પણ રેસ્ટ કરે. હું ચઢતો હતો ને ત્યારે મને મારા બૅચના બે જણ ઊતરતા મળ્યા અને સમયસર એટલે ૧૦થી ૧૧ વાગ્યા સુધી ઊતરી તો જવું પડે જ, કારણ કે જેમ-જેમ સૂરજ તપે અને બરફ ઓગળવા લાગે અને પછી દુર્ઘટના થાય.’

બટ, કહ્યું છે ને ‘જો લિખા હોતા હૈ વો હોતા હી હૈ’ એટલે પંખિલ મોડો પડ્યો એમાં એને વેધર ક્લિયર મળ્યું. નો ક્લાઉડ, નો હવા. પંખિલ કહે છે કે ‘હું એક કલાક રહ્યો સમિટ ઉપર. આંખમાં આંસુ આવી ગયાં. જોકે એ આંસુ પણ ફ્રોઝન થઈ જતાં હતાં. છતાંય મારી ખુશી માતી નહોતી. મારાં વડીલો, પરિવારજનો, વેલવિસર્સ બધાને યાદ કર્યાં અને ખાસ તો ભગવાન અને માઉન્ટન ગૉડનો અંતરથી આભાર માન્યો.’

સમિટથી કૅમ્પ ફોર અને કૅમ્પ ફોરથી કૅમ્પ ટૂ થઈ ડાઇરેક્ટ કાઠમાંડુ સિવિલ હૉસ્પિટલ, કારણ કે ઓવરઑલ ક્લાઇમ્બિંગમાં તેમ જ રિટર્નમાં પંખિલને વધુ સમય લાગી જતાં તેનો ઑક્સિજન ખતમ થઈ ગયો હતો અને દોઢ કલાક તેણે પ્રાણવાયુના સપ્લાય વગર રહેવું પડ્યું હતું. આથી ફ્રૉસ્ટ બાઇટ વધતું જતું હતું અને તેની અર્જન્ટ ટ્રીટમેન્ટ થવી જરૂરી હતી. મિથિલ કહે છે કે ‘ અમારા પ્લાન વાઇઝ અમે એવરેસ્ટ પછી થર્ડ કૅમ્પથી માઉન્ટ લ્હોમ્સે જે વિશ્વનો ફોર્થ હાઇએસ્ટ પીક છે એનું આરોહણ પણ કરવાના હતા, પરંતુ હિમડંખને કારણે અમે એ પ્લાન કૅન્સલ કર્યો. જોકે આવા નાના ઇશ્યુથી હું ડર્યો નથી કે અપસેટ નથી થયો. નેક્સ્ટ ટાઇમ એટલા જ હોંશથી પહાડોમાં જઈશ, કારણ કે માઉન્ટન્સ આર માય સોલ સર્ચિંગ પ્લેસ.’

columnists alpa nirmal kutchi community