મુંબઈ-મૉન્સૂન: આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને...

28 July, 2020 09:27 AM IST  |  Mumbai | Manoj Joshi

મુંબઈ-મૉન્સૂન: આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને...

ફાઈલ તસવીર

મુંબઈનું મૉન્સૂન. આખા વર્ષની શ્રેષ્ઠ સીઝન જો કોઈ હોય તો એ આ જ છે. એકધારો વહેતો વરસાદ અને વરસતા વરસાદ વચ્ચે પણ વણથંભું અને એકશ્વાસે દોડતું મુંબઈ. ગુજરાતમાં તમે હો અને જરા અમસ્તો વરસાદ પડે તો બધું થંભી જાય, પણ મુંબઈ માટે તમે ક્યારેય એવી કલ્પના ન કરી શકો અને આ જ મુંબઈની મજા છે. હાથમાં છત્રી સાથે, રેઇનકોટ સાથે અને છત્રી કે રેઇનકોટ વિના દોડીને પણ કામ કરવા જનારાઓ જોવા મળે, એકધારા જોવા મળે. વરસાદને કારણે મુંબઈમાં ક્યારેય કંઈ બંધ નથી થતું અને થવું પણ ન જોઈએ. આ જ વરસાદને જોઈને નાના હતા ત્યારે કેવા ખુશ થતા હતા.

આવ રે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક...

આજે પણ યાદ છે એ વરસાદના પાણીમાં દોડાવેલી પેલી કાગળની હોડી. હોડી આગળ ન વધે એટલે પાણીને ધક્કા મારીને હોડીને આગળ તરતી કરવાની અને હોડી તરે એટલે જાણે આખી જિંદગી તરી ગયા એવી ખુશી પણ અનુભવવાની. આજે ક્રૂઝલાઇનરમાં ફરવા મળે તોયે આનંદ ન થાય એવો આનંદ એ દિવસોમાં થતો હતો. રસ્તા પર ફરતા અને એકબીજા સાથે ભાઈબંધી કર્યા વિના જ પાક્કા ભાઈબંધ જેવો થઈ ગયેલો ડૉગી ભીંજાયો હોય તો પણ દોડીને પાસે આવી જાય અને એ પાસે આવી જાય એટલે એને પણ વરસાદના પાણીમાં છબછબિયાં કરાવવાનાં, ઘસીને નવડાવવાનું પણ અને નવડાવી લીધા પછી ઘરમાંથી ચોરીછૂપી લઈ આવેલા ટૂવાલથી એનું શરીર પણ સાફ કરવાનું. વરસાદ હંમેશાં નૉસ્ટાલ્જિક રહ્યો છે. સૌકોઈ માટે વરસાદની આ જ લાગણી હોય છે. સ્કૂલથી છૂટ્યા પછી વરસાદમાં પલળ્યાનો આનંદ મનમાં રહેતો તો સાથોસાથ બુક્સ પલળી ન જાય એની ચિંતા પણ રહેતી. મને યાદ છે કે જેવું ચોમાસું શરૂ થતું કે તરત હું એક મોટી પ્લાસ્ટિકની બૅગ સ્કૂલની બૅગમાં મૂકી દેતો, વરસાદની પૂર્વતૈયારીરૂપે. એ બૅગમાં સુખ હતું. મોટી બૅગમાં આખી સ્કૂલ-બૅગ આવી જાય એટલે એવું લાગતું કે ખજાનો આખો સચવાઈ ગયો. હાથમાં બૅગ સાથે વરસાદના પાણીમાં શહેનશાહી ભોગવતા નીકળવાનું. બાજુમાંથી કાર નીકળે અને એ પાણી ઉડાડે તો કોઈ ગુસ્સો નહીં કરવાનો, બીજી કાર નીકળે એની આતુરતાપૂર્વક રાહ જોવાની અને બીજી કાર નીકળે ત્યારે પાણી બધું શરીર પર ઊડે એ રીતે ઊભા રહી જવાનું. એ સુખ અને એ ખુશી અત્યારે નથી. આજે પણ મન એ જ વરસાદની રાહ જુએ છે, જે ફરીથી એક વાર નાના કરી દે. નાના કરી દે અને ફરીથી વરસાદમાં ભીંજાવા મોકલી દે. હાથમાં કાગળનો એક ટુકડો હોય અને એ ટુકડામાંથી હોડી બનાવતાં પણ ન આવડતી હોય અને એ જ અવસ્થામાં રસ્તા પર જતો કોઈ અજાણ્યો ફરિશ્તો મળી જાય અને તે હોડી બનાવી દે.

ફરીથી એ હોડીને વરસાદના વહેણમાં તરવા મૂકવી છે, તરે નહીં તો એ વહેણને ધક્કા મારીને બીજા કિનારે પહોંચાડવી છે. ફરીથી એ જ જીવન જીવવું છે જેમાં કોઈ પ્રશ્નો નહોતા, અધૂરા હોમવર્કની ચિંતા હતી અને વીકલી ટેસ્ટના નામમાત્રથી પરસેવો છૂટી જતો.

columnists manoj joshi mumbai rains mumbai monsoon