મુંબઈ મેરી જાન: લૉકડાઉન ખૂલે એ પછી સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે

26 May, 2020 09:36 PM IST  |  Mumbai | Manoj Joshi

મુંબઈ મેરી જાન: લૉકડાઉન ખૂલે એ પછી સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે

લૉકડાઉન ખૂલશે, નજીકના ભવિષ્યમાં ખૂલશે અને બહુ ઝડપથી ખૂલશે, પણ એ ખૂલે એ પહેલાં સૌ કોઈએ સાબદા થઈ જવાનું છે. સૌકોઈએ એ દિશામાં વિચારવાનું શરૂ કરી દેવાનું છે કે આવતા સમયમાં જો કોરોના તમને ક્યાંય ભટકાય તો એની સાથે કેવી રીતે રહેવું અને એને કેવી રીતે માત આપવી. આ પ્રક્રિયા કરવા માટેની એક સામાન્ય સમજણને સૌકોઈએ જીવનમાં અપનાવી લેવાની છે અને એ પણ મુંબઈમાં લૉકડાઉન ખૂલે એની સાથે જ કરવાનું છે. જો એ કરી શક્યા તો તમે કોરોનાને હરાવી ગયા. કન્ફર્મ, પણ જો તમે એવું ધારીને દોડતા રહ્યા કે કોરોના હવે નથી રહ્યો તો તમે અટવાશો... અને એટલે જ સૌથી પહેલું કામ જો કોઈ કરવાનું હોય તો એ કરવાનું છે કે લૉકડાઉન ખૂલે એની સાથે જ તમારે તમારા જીવનમાં પણ એક મોટો ચેન્જ લાવવાનો છે.

લૉકડાઉન ખૂલે એટલે એ ભૂલવાનું નથી કે સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે. આપણી લોકલ ટ્રેનમાં એની શક્યતા નહીંવત્ છે એટલે બને પણ ખરું કે લોકલ હમણાં શરૂ કરવામાં ન આવે અને એવું પણ બને કે રિસ્ટ્રિક્ટેડ રીતે પણ લોકલ શરૂ કરવામાં આવે. જે રીતે કરે એ રીતે, સરકાર આપણા કરતાં વધારે બુદ્ધિશાળી છે એટલે આપણે પણ એટલા જ બુદ્ધિશાળી બનીને આગળ વધવાનું છે. લોકલ ચાલુ થઈ હોય તો વાપરવાની નથી અને એવી રીતે તો નથી જ વાપરવાની જેમ પહેલાં વાપરતા હતા. જતી કરજો ટ્રેન, પણ ટોળે વળીને ચડવાની શાહુકારી દેખાડતા નહીં. જેમ તમે લૉકડાઉન ખૂલે એની રાહ જુઓ છો એવી જ રીતે કોરોના પણ લૉકડાઉન ખૂલે એની રાહ જોઈ રહ્યું છે. એની પણ ઇચ્છા છે કે તમે બહાર નીકળો અને એ તમને વળગે.

વાત નંબર બે, લૉકડાઉન ખૂલે એ પછી તમારે એક નિયમ રાખવાનો છે કે ઘરમાં જે વડીલ કે બાળકો છે તેમને બહાર નથી આવવા દેવાનાં. ના, નહીં અને જરાય નહીં. જો તમે એ ભૂલ કરી બેઠા તો સમજી લેજો કે કોરોના તમારા ઘરના દરવાજામાંથી અંદર આવી ગયો. લૉકડાઉનમાં મળનારી છૂટછાટ માત્ર અને માત્ર એવી વ્યક્તિઓ માટે હશે જે વ્યક્તિઓએ ફરજિયાત બહાર નીકળવું પડે એમ છે. હું માનું છું કે લૉકડાઉન પછી પણ સ્ટ્રિક્ટનેસ રાખવામાં આવશે અને ધારો કે રાખવામાં ન આવે તો તમારે સ્ટ્રિક્ટ રહેવાનું છે લૉકડાઉન ખૂલશે, ખૂલશે અને ખૂલશે જ. એ ખોલવું પડશે. અગાઉ કહ્યું હતું એમ, નજીકના ભવિષ્યમાં કોરોનાની મેડિસિન કે પછી એની વૅક્સિન મળે એવી શક્યતા નહીંવત્ છે એટલે કોરોના સામે લડવા માટે પણ મેદાનમાં આવવું તો પડશે જ અને એની સામે મેદાનમાં ઊતરતી વખતે યાદ રાખવાનું છે કે કોરોના અદૃશ્ય દુશ્મન છે. એને મારવા જતાં વાર ક્યાંક તમારા પોતાના પર પણ થઈ જાય.

columnists manoj joshi coronavirus covid19 lockdown