મરાઠી માણૂસ કોરોનેશન નામ આપીને બ્રિટિશરો પ્રત્યેની ભક્તિ પ્રગટ કરે?

11 July, 2020 09:44 PM IST  |  Mumbai | Deepak Mehta

મરાઠી માણૂસ કોરોનેશન નામ આપીને બ્રિટિશરો પ્રત્યેની ભક્તિ પ્રગટ કરે?

‘જ્યુરીએ ભલે કોઈ પણ ચુકાદો આપ્યો હોય, પરંતુ મારું માનવું છે કે હું સંપૂર્ણપણે નિર્દોષ છું. અદાલતની સત્તા ભલે છેવટની મનાતી હોય, પણ વ્યક્તિઓ અને દેશોનું ભાવિ અદાલત કરતાં ઉચ્ચતમ સત્તાને આધીન હોય છે અને બનવાજોગ છે કે એ ઊંચેરી સત્તાનો સંકેત હોય કે જે ચળવળનું હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું એ મારી મુક્તિ કરતાં મારી યાતના વડે વધુ સારી રીતે પાર પડી શકે.’ - આ શબ્દો છે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના અને બોલાયા હતા બૉમ્બે હાઈ કોર્ટની સેન્ટ્રલ કોર્ટના ખંડમાં, ૧૯૦૮માં. આજે આ શબ્દો આરસની તકતી પર કોતરાયેલા સેન્ટ્રલ કોર્ટની બહાર જોવા મળે છે. લોકમાન્ય ટિળકની કારકિર્દી દરમ્યાન બ્રિટિશ સરકારે તેમના પર ત્રણ વખત રાજદ્રોહનો આરોપ મૂકીને ખટલો ચલાવ્યો હતો અને બે વખત તેમને જેલની સજા થઈ હતી. એમાં ૧૯૦૮-’૦૯નો ખટલો સૌથી વધુ ગાજ્યો હતો. પોતાના ‘કેસરી’ નામના દૈનિકમાં ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ અને બીજા કેટલાક લેખો લખવા બદલ તેમને ૬ વર્ષની કેદની સજા થઈ હતી અને એ સજા ભોગવવા માટે તેમને બર્માના માંડલેની જેલમાં મોકલ્યા હતા. આ જેલ આંદામાનની જેલ પછી સૌથી વધુ આકરી ગણાતી. જ્યુરીના ૯ સભ્યોમાંથી ૭ અંગ્રેજ સભ્યોએ ટિળકને દોષી ઠરાવ્યા હતા, જ્યારે બે ‘દેશી’ સભ્યોએ નિર્દોષ ઠરાવ્યા હતા. બહુમતી સભ્યોની ભલામણને સ્વીકારીને આ ચુકાદો આપ્યો હતો જસ્ટિસ દિનશા દાવરે. ૧૯૧૪ સુધી ટિળક માંડલેની જેલમાં રહ્યા. બહાર આવ્યા પછી થોડા વખતમાં જ તેમના પર રાજદ્રોહ માટે ત્રીજો ખટલો સરકારે માંડ્યો હતો, પણ એ વખતે તેઓ નિર્દોષ સાબિત થયા હતા.

આને કારણે મહારાષ્ટ્રમાં, અને ખાસ કરીને મુંબઈમાં ૧૯૦૮થી ૧૯૨૦ સુધી લોકોનું, ખાસ કરીને મોટા ભાગના મરાઠીભાષીઓનું વલણ બ્રિટિશ સરકારવિરોધી હતું. દિલ્હી દરબાર માટે શહેનશાહ પાંચમા જ્યૉર્જ અને મહારાણી જ્યારે મુંબઈ આવ્યાં ત્યારે શહેરમાં તેમની સવારી નીકળી હતી એ ગિરગામ રોડ પરથી નહીં, પણ કાલબાદેવી રોડ પરથી પસાર થઈ હતી. રસ્તાની પસંદગી પાછળ એ વખતની મરાઠીભાષીઓની બ્રિટિશ રાજવટ વિરુદ્ધની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવી હોય એ શક્ય છે. ‘રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મ જે કોરોનેશન થિયેટરમાં રિલીઝ થઈ એના માલિકનું નામ ઘણી જગ્યાએ નાનાભાઈ ગોવિંદ ચિત્રે આપવામાં આવે છે, પણ મરાઠી સંસ્કૃતિ અને સ્વાભિમાનના ગઢ જેવા ગિરગામ વિસ્તારમાં પોતાના થિયેટરને કોઈ મરાઠી માણૂસ ‘કોરોનેશન’ નામ આપીને બ્રિટિશ રાજવટ પ્રત્યેની પોતાની ભક્તિ પ્રગટ કરે એ માનવું મુશ્કેલ છે. બીજી બાજુ, ગાંધીજીએ આઝાદીની લડતનું સુકાન હાથમાં લીધું એ પહેલાં પ્રમાણમાં ઓછા પારસીઓ, હિન્દુ ગુજરાતીઓ અને મુસ્લિમો આ ચળવળને ટેકો આપતા હતા અને શરૂઆતથી જ મુંબઈમાં જે થિયેટર નાટક કે ફિલ્મ માટે બંધાયાં એમાંનાં ઘણાં પારસીઓ કે વહોરાઓની માલિકીનાં હતાં. એટલે આ કોરોનેશન થિયેટરના માલિક પણ કોઈ પારસી કે વહોરા હોય એવો સંભવ નકારી શકાય નહીં. બનવાજોગ છે કે નાનાભાઈ ચિત્રેને રોજિંદો કારભાર આવા કોઈ માલિકે સોંપ્યો હોય અને એટલે દાદાસાહેબ ફાળકેએ થિયેટર ભાડે રાખવા માટે તેમની સાથે વાટાઘાટ કરી હોય. વિક્ટોરિયા, મૅજિસ્ટિક, ઇમ્પીરિયલ, એડવર્ડ, એમ્પાયર, રૉયલ ઑપેરા હાઉસ જેવાં નામો એના માલિકોની બ્રિટિશ રાજવટ માટેની ભક્તિની ચાડી ખાય છે અને આમાંનાં કેટલાંકના માલિકો પારસી કે વહોરા હતા. મુંબઈની અંગ્રેજી, પારસી ગુજરાતી અને હિન્દુસ્તાની (ઉર્દૂ) રંગભૂમિના આરંભથી જ પારસીઓ એની સાથે નિકટતાથી સંકળાયેલા હતા અને મરાઠી રંગભૂમિ પણ પારસી રંગભૂમિથી પ્રભાવિત થઈ હતી. થોડી સારી કમાણી થાય એટલે એ વખતની નાટક-કંપનીઓ પોતાનું થિયેટર બંધાવતી એટલે મુંબઈનાં ઘણાં થિયેટરોના પહેલા માલિક પારસીઓ હતા, પછી એ વેચાઈને બીજાના હાથમાં ગયાં હોય એ જુદી વાત છે. 

પણ આ કોરોનેશન થિયેટર આવ્યું હતું ક્યાં? ‘રાજા હરિશ્ચન્દ્ર’ની જાહેરાતમાં એનું સરનામું ‘સૅન્ડહર્સ્ટ રોડ, ગિરગાંવ’ છાપ્યું છે એટલે એ આ લાંબા રસ્તાના ગિરગાંવ વિસ્તારના કોઈક સ્થળે આવ્યું હોવું જોઈએ. ફિલ્મોનાં ઇતિહાસ, ભૂગોળ, કળા, તંત્ર વગેરેના અઠંગ અભ્યાસી અમૃતભાઈ ગંગર કહે છે કે આ થિયેટર આજની ડૉ. પારેખ સ્ટ્રીટ પર ક્યાંક હતું. આ સ્ટ્રીટનો એક છેડો આજના વલ્લભભાઈ પટેલ રોડ (સૅન્ડહર્સ્ટ રોડ) પર પડે છે અને બીજો છેડો લગભગ હરકિસનદાસ હૉસ્પિટલની સામે પડે છે. આ ડૉ. પારેખ સ્ટ્રીટ નામ ક્યારે પડ્યું અને એનું અગાઉનું નામ શું હતું એ જાણી શકાયું નથી, પણ આ સ્ટ્રીટના સૅન્ડહર્સ્ટ રોડ તરફના છેડા પર ક્યાંક કોરોનેશન થિયેટર આવ્યું હોઈ શકે.

પણ વેઇટ અ મિનિટ! એ અરસામાં મુંબઈમાં ‘કોરોનેશન’ નામનાં એક નહીં, પણ બે થિયેટર હતાં! આ લખનારના અંગત સંગ્રહમાં ૧૪ પાનાંની એક ઑપેરા બુક છે, હિન્દુસ્તાની (ઉર્દૂ) નાટક ‘ખુદ-પરસ્ત’ની. ‘ધી ન્યુ જોધપુર બિકાનેર થિયેટ્રિકલ કંપની ઑફ રાજપૂતાનાએ આ નાટક ૧૯૧૭ની બીજી એપ્રિલથી મુંબઈના કોરોનેશન થિયેટરમાં ભજવવાનું શરૂ કર્યું હતું. ઑપેરા બુકના પહેલે પાને છાપ્યું છે ઃ ‘ગ્રાન્ટ રોડ કોરોનેશન થિયેટર.’ બહારગામની કંપની મુંબઈ આવીને પોતાનાં નાટક ભજવવાની હોય અને એની ઑપેરા બુક છપાવે ત્યારે થિયેટરના સરનામામાં ભૂલ કરે નહીં. એ છપાઈ છે પણ મુંબઈમાં, ‘ધી ભુલેશ્વર પ્રિન્ટિંગ પ્રેસ, ગુલાલ વાડી ઘર નંબર ૪૨’માં અને પ્રિન્ટર હતા સખારામ ગુણાજી. એટલે કે ૧૯૧૭માં ગ્રાન્ટ રોડ પર પણ ‘કોરોનેશન’ નામનું એક થિયેટર હતું.

એટલે કે એ જમાનામાં મુંબઈમાં એક નહીં, પણ બે કોરોનેશન થિયેટર હતાં અને એ પણ એકબીજાથી બહુ દૂર નહીં. એક સૅન્ડહર્સ્ટ રોડ પર, બીજું ગ્રાન્ટ રોડ પર. હવે જરા વિચાર કરો કે બે અલગ-અલગ વ્યક્તિ પોતાના થિયેટરનું એક જ નામ રાખે એવું બને ખરું? કાયદાની મુશ્કેલી ન હોય તોય એમ કરવું ફાયદાનું કામ ખરું? પણ આ બન્ને થિયેટરના માલિક એક જ હોય તો? તો પોતાનાં બન્ને થિયેટરનું એક જ નામ તેઓ રાખી શકે. તો એમ કેમ ન બની શકે કે ૧૯૧૨ના અરસામાં સૅન્ડહર્સ્ટ રોડ પર બંધાવેલા થિયેટરમાંથી તેના માલિક એટલું કમાયા હોય કે તેમણે ગ્રાન્ટ રોડ પર બીજું થિયેટર બંધાવ્યું (કે ખરીદી લીધું) હોય અને જો બન્ને થિયેટરનાં નામ એક જ રાખે તો બ્રૅન્ડનેમનો ફાયદો બીજા નવા થિયેટરને મળે. અલબત્ત, આ કેવળ શક્યતાનું અનુમાન છે. ‘રાજા હરિશ્ચન્દ્ર’ ફિલ્મનો ફક્ત આમંત્રિતો માટેનો શો ઑલિમ્પિયા થિયેટરમાં યોજાયો હતો. આ થિયેટર પણ ગિરગાંવ વિસ્તારમાં જ હતું. જોકે કેટલાકનું કહેવું છે કે એ ચંદારામજી સ્કૂલ નજીક હતું.

એ ઉપરાંત અમેરિકન-ઇન્ડિયા અને ન્યુ અલહમબ્રા નામનાં થિયેટર પણ ગિરગાંવ વિસ્તારમાં આવ્યાં હતાં.

દાદાસાહેબ અને કેટલાક ગુજરાતીઓ વચ્ચે પણ નિકટનો સંબંધ હતો. દાદાસાહેબ વડોદરાના કલાભવનમાં ભણવા ગયા ત્યારે તેમના અધ્યાપક હતા ડૉ. ત્રિભુવનદાસ ગજ્જર. તેમની પાસેથી તેઓ ચિત્ર, શિલ્પ અને ફોટોગ્રાફી જેવી કલાઓ શીખ્યા હતા. દાદાસાહેબની કારકિર્દીને ઘડવામાં ગજ્જરનો ઘણો ફાળો. તેઓ પછીથી મુંબઈ સ્થાયી થયા હતા. આજે જ્યાં વિદેશ સંચાર ભવન આવેલું છે ત્યાં અગાઉ રાણી વિક્ટોરિયાનું આરસનું ભવ્ય પૂતળું હતું. ૧૮૯૮માં કોઈએ એના મોઢે કાળો રંગ ચોપડી દીધો હતો અને એ કાઢવા માટે સરકારે ઇંગ્લૅન્ડથી ખાસ નિષ્ણાતોને બોલાવ્યા હતા, પણ તેઓ એ રંગ કાઢી નહોતા શક્યા. ત્યારે પ્રા. ગજ્જરે એ રંગ કાઢી આપ્યો હતો જેથી તેમની ખ્યાતિ ઇંગ્લૅન્ડ અને બીજા દેશોમાં ફેલાઈ હતી. વળી દાદાસાહેબ કલાભવનમાં ભણતા હતા ત્યારે તેમને ભાઉરાય રણછોડરાય દેસાઈનો પરિચય થયો હતો. તેઓ ગોધરાના મોટા જમીનદાર હતા અને નૃસિંહાચાર્યના શિષ્ય હતા, જે વડોદરામાં વસતા હતા. એટલે ભાઉરાય અવારનવાર વડોદરા જતા. એક ફોટોગ્રાફી સ્ટુડિયો ખોલવાની ઇચ્છા દાદાસાહેબે તેમની સમક્ષ વ્યક્ત કરી એટલે ગોધરાના સ્ટેશન-રોડ પર ભાઉરાયે પોતાની જગ્યા આપી, જ્યાં દાદાસાહેબે ફોટોગ્રાફી સ્ટુડિયો શરૂ કર્યો. આજે હવે એ જગ્યાએ ‘સ્વાગત ગેસ્ટહાઉસ’ ચાલે છે. તેઓ ગોધરા હતા ત્યારે ભાઉરાયના કુટુંબના કેટલાક મંગળ પ્રસંગે તેમણે જે ફોટો પાડ્યા હતા એ આજે પણ ભાઉરાયના પૌત્ર અને જાણીતા કવિ અને અભ્યાસી ડૉ. સુધીર દેસાઈ પાસે ગોધરામાં સચવાયા છે (ભાઉરાય વિશેની કેટલીક વિગતો અને ફોટો માટે સુધીરભાઈનાં પુત્રી અને જાણીતાં કવયિત્રી સંસ્કૃતિરાણી દેસાઈનો આભાર).

દાદાસાહેબ અને તેમની ફિલ્મોનું પણ એક ગુજરાતી કનેક્શન છે. તેમની ‘લંકાદહન’ ફિલ્મને અસાધારણ સફળતા મળ્યા પછી તેમની સાથે આર્થિક ભાગીદારી કરવાની ઑફર આવવા લાગી. લોકમાન્ય ટિળકે મનમોહનદાસ રામજી અને રતનશેઠ તાતા દ્વારા પાંચ લાખ રૂપિયાની મૂડીથી એક લિમિટેડ કંપની શરૂ કરવાની ઑફર કરી. તો મુંબઈના કાપડઉદ્યોગ સાથે સંકળાયેલા વી. એસ. આપ્ટે, મયાશંકર ભટ્ટ, એલ. બી. ફાટક, માધવજી જેસિંહ અને ગોકુલદાસ દામોદરે પણ ઑફર કરી. દાદાસાહેબને આપ્ટેની ઓળખાણ સંસ્કૃતના પ્રકાંડ પંડિત ડૉ. ભાંડારકરે કરાવી હતી. દાદાસાહેબે આ બીજી ઑફર સ્વીકારી અને ૧૯૧૭માં ‘હિન્દુસ્તાન ફિલ્મ કંપની’ની શરૂઆત થઈ.

જોકે કેટલાક મતભેદોને કારણે ૧૯૧૯માં દાદાસાહેબ આ કંપનીમાંથી છૂટા થયા હતા. પછીથી ‘સેતુબંધ’ ફિલ્મ બનાવવા માટે મયાશંકર ભટ્ટે દાદાસાહેબને ૫૦,૦૦૦ રૂપિયા ધીર્યા હતા (સાભાર, ઉત્કર્ષ મઝુમદાર, નાટક, ફિલ્મ અને ટીવીના અગ્રણી અભિનેતા).

દાદાસાહેબ ફાળકેએ લગભગ ૨૫ વર્ષની કાર્કિર્દીમાં ૧૦૦ જેટલી ફિલ્મો અને ૩૦ જેટલી ટૂંકી ફિલ્મો બનાવી છે. ‘રાજા હરિશ્ચન્દ્ર’ બનાવ્યા પછી ૧૯૧૮માં ‘શ્રી કૃષ્ણજન્મ’ બનાવી, ૧૯૧૯માં ‘કાલીયમર્દન’, ૧૯૨૦માં ‘કંસવધ.’ તેમણે ઘણી મોટી સંખ્યામાં પૌરાણિક પાત્રો અને પ્રસંગો લઈને ફિલ્મ બનાવી હતી. એમાંની કેટલીક આ પ્રમાણે છે: મોહિની ભસ્માસુર, લંકાદહન, સતી સુલોચના, ગણેશઅવતાર, પાંડવ વનવાસ, શિશુપાલવધ, રામ-રાવણ યુદ્ધ, દ્રૌપદી વસ્ત્રાહરણ. એવી જ રીતે મહારાષ્ટ્રના મધ્યકાલીન સંત-કવિઓ વિશે પણ તેમણે ઘણી ફિલ્મ બનાવી હતી; જેમાં તુકારામ, સંત નામદેવ, સંત સકુબાઈ, ગોરા કુંભાર, સંત જનાબાઈ, વગેરેનો સમાવેશ છે, પણ પછી મૂંગી ફિલ્મનો યુગ પૂરો થયો હતો. ‘રાજા હરિશ્ચંદ્ર’ના આમંત્રિતો માટેના શોમાં હાજર હતા એ અરદેશર ઈરાનીએ બનાવેલી ‘આલમઆરા’થી બોલપટ (ટૉકી)નો જમાનો આવ્યો. ૧૯૩૨માં દાદાસાહેબે પોતાની પહેલી ટૉકી બનાવી, ‘સેતુબંધ’ અને ૧૯૩૭માં હિન્દી-મરાઠીમાં બનાવી બીજી ટૉકી ‘ગંગાવતરણ.’ પણ પછી દાદાસાહેબનો જાદુ ઓસરી ગયો હતો. બોલપટની દુનિયામાં તેઓ આગંતુક જેવા જણાતા હતા. અગાઉની જાહોજલાલી પણ ઓસરી ગઈ હતી. લોકો તેમનું નામ પણ ભૂલવા લાગ્યા હતા. નિવૃત્તિનાં છેલ્લાં વર્ષો તેમણે નાશિકમાં ગાળ્યાં. એ વખતે એક માસિકે તેમના વિશેનો ખાસ અંક પ્રગટ કરવાનું નક્કી કર્યું અને એ માટે તેમનો ફોટો મગાવ્યો. જવાબમાં દાદાસાહેબે લખ્યું: ‘જે ફિલ્મઉદ્યોગને મેં જન્મ આપ્યો એ ફિલ્મઉદ્યોગ મને ભૂલી ગયો છે. હવે તમે મને યાદ કરવાનો પ્રયત્ન શા માટે કરો છો? પોતાના પુરોગામીઓને ભૂલી જવા એ તો સૃષ્ટિનો ક્રમ છે. એટલે તમે પણ એમ કરો એ જ બહેતર છે.’

ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કારથી વિભૂષિત સુપ્રસિદ્ધ મરાઠી કવિ, નાટકકાર, લેખક વિ. વા. શિરવાડકર ઉર્ફે કુસુમાગ્રજ ૧૯૩૬માં દાદાસાહેબની ગોદાવરી સિનેટોન લિમિટેડમાં જોડાયા અને ‘સતી સુલોચના’ નામની ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લખ્યું તથા એ ફિલ્મમાં લક્ષ્મણનું પાત્ર પણ ભજવ્યું. વર્ષો પછી એ જ શિરવાડકરે લખેલા ‘યુગપ્રવર્તક’ મરાઠી નાટકનો એક સંવાદ યાદ આવે છે: ‘વિધાતા, તું આટલો કઠોર કેમ થાય છે? એક બાજુ જેને અમે જન્મ આપ્યો છે તે અમને ભૂલી જાય છે અને બીજી બાજુ જેણે અમને જન્મ આપ્યો તે તું પણ અમને ભૂલી જાય છે.’  આવી બીજી ગુમનામ વ્યક્તિઓ વિશેની વાતો હવે પછી.

columnists deepak mehta