13 April, 2024 02:56 PM IST | Mumbai | Deepak Mehta
બૉમ્બે કાસલનો દરવાજો
શુકજી કહે : સાંભળ ભૂપતિ! સુદામે દીઠી મુંબાપુરી; કનકકોટ ઝળકારા કરે, માણેક-રત્ન જડ્યાં કાંગરે દુર્ગે ધજા ઘણી ફડફડે, દુંદુભિનાદ દ્વારે ગડગડે; સુદર્શન કર લશ્કરને સોહે, ગંભીર નાદ સાગરના હોયે કલ્લોલ સાગર-સંગમ થાય, ચતુર્વર્ણ ત્યાં આવી ન્હાય; પરમ ગતિ પ્રાણી પામે ઘણા, નથી મુંબાપુરીમાં મણા
કવિવર્ય પ્રેમાનંદ ૧૯મી સદીમાં હયાત હોત અને ‘સુદામાચરિત’ લખતા હોત તો કદાચ તેઓ સુદામાને દ્વારકાને બદલે મુંબઈ લઈ ગયા હોત અને મુંબઈના કિલ્લા વિશે આવું કશુંક લખતા હોત. આપણામાં કહેવત છે કે સાપ ગયા ને લિસોટા રહ્યા પણ મુંબઈના કોટ કહેતાં ફોર્ટના તો ક્યાંય લિસોટાય રહ્યા નથી. ફક્ત એક વિસ્તાર આજે પણ ફોર્ટ કે કોટ તરીકે ઓળખાય છે. હકીકતમાં મુંબઈમાં એક નહીં, અગિયાર ફોર્ટ કહેતાં કોટ હતા. જુદા-જુદા વખતે બંધાયેલા : વરળી, માહિમ, બાંદરા, ધારાવી, રીવા (ધારાવી), શિવ (સાયન), શિવડી, માઝગાવ, ડોંગરી, ફોર્ટ સેન્ટ જ્યૉર્જ અને બૉમ્બે ફોર્ટ. એમાંના ઘણાખરા ૧૭મી અને ૧૮મી સદીમાં બંધાયેલા. પણ માઝગાવ, શિવડી, શિવ અને માહિમના કિલાના ઉલ્લેખ ૧૬મી સદીના સાહિત્યમાં પણ જોવા મળે છે. વખત જતાં ડોંગરી, માઝગાવ અને બૉમ્બે ફોર્ટ તોડી પાડવામાં આવ્યા અને એનું નામોનિશાન રહ્યું નથી. બાકીના ખંડેર બનીને ઊભા છે.
આ બધા કિલ્લામાં બૉમ્બે ફોર્ટ સૌથી વધુ મોટો, સૌથી વધુ જાણીતો. પણ એ બાંધવાની શરૂઆત એક પોર્ટુગીઝ ડૉક્ટરે કરેલી. એનું નામ ગાર્સિયા દ ઓર્તા. ૧૫૦૧માં પોર્તુગાલમાં જન્મ. અવસાન ગોવામાં ૧૫૬૮માં. વ્યવસાયે ડૉક્ટર પણ જડીબુટ્ટી, વનસ્પતિ, કુદરતી ઔષધો, વગેરેનો ઊંડો અભ્યાસી. સ્પેન જઈને વૈદક, કલાઓ અને ફિલસૂફીનો પણ અભ્યાસ કર્યો. ૧૫૨૫માં પોર્તુગાલ પાછો આવ્યો. લિસ્બોઆમાં ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરતો થયો. નામના એવી મેળવી કે રાજાનો ખાસ દાકતર બન્યો પણ પોર્ટુગાલના ધરમના ખેરખાંઓ સાથે અનબન. જીવનું જોખમ જણાતાં ૧૫૩૪માં માદરે વતન છોડી પોર્તુગીઝ હિન્દુસ્તાન આવ્યો, અને પહેલાં ગોવામાં રહી ડૉક્ટરી વ્યવસાય શરૂ કર્યો. પોર્તુગલના રાજાની રહેમ નજર તો હતી જ. સાવ મામૂલી ભાડાથી ‘ધ આઇલૅન્ડ ઑફ ગુડ લાઇફ’માં આજીવન જમીન ભેટ આપી. આ ‘આઇલૅન્ડ ઑફ ગુડ લાઇફ’ એ જ આપણું મુંબઈ. આજે જ્યાં ટાઉનહૉલ ઊભો છે એનાથી થોડે દૂર આવેલી હતી આ જગ્યા. અહીં આવીને તેમણે સરસ બંગલો બાંધ્યો. સાથે બગીચો. ઘરમાં મોટું પુસ્તકાલય. આ બંગલો હતો દરિયાકિનારે અને એ વખતે દરિયાઈ ચાંચિયાઓનો ભય એટલે ઘરની આસપાસ ઊંચી દીવાલ બાંધી. પણ પછીથી મુંબઈની પોર્ટુગીઝ સરકારે આ જગ્યા લઈ લીધી અને ત્યાં નાનો કિલ્લો બાંધ્યો. કિલ્લા પર હતી ફક્ત બે તોપ. બે પાઉન્ડ વજનના ગોળા છોડી શકે એવી. બન્નેનું મોઢું રહેતું દરિયા તરફ. એટલે જમીન તરફથી હુમલો થાય તો આ તોપ કામ ન લાગે. અને આમ પણ એ બહુ કામ લાગે તેમ નહોતું, કારણ કે એ કિલ્લામાં તોપ હતી પણ તોપચી એક્કે નહોતો!
મુંબઈ અંગ્રેજોના હાથમાં આવ્યું પછી તેમણે આ કિલ્લાનું નામ રાખ્યું બૉમ્બે કાસલ. મૂળ મકાનની આસપાસ અંગ્રેજોએ વધુ મોટી અને મજબૂત દીવાલ બાંધી. મુંબઈના બીજા ગવર્નર જેરલ્ડ ઍન્જર સુરતથી મુંબઈ આવતા ત્યારે આ બૉમ્બે કાસલમાં જ રહેતા. આજે ફક્ત એક દરવાજો અને એક સન ડાયલ – સૂર્ય ઘટિકા – એ બે જ અવશેષો બચ્યા છે. અને એ બન્ને ભારતીય નૌકાસૈન્યના આઇ.એન.એસ. આંગ્રેના વિસ્તારમાં આવેલા છે. એ જોવા જવા માટે ખાસ મંજૂરી લેવી પડે છે.
પોર્ટુગીઝોએ મુંબઈ અંગ્રેજોને દાયજામાં આપ્યું તો ખરું, પણ મુંબઈની પોર્ટુગીઝ સરકારે મુંબઈનો વહીવટ અંગ્રેજોને સોંપતાં પહેલાં ઘણા અખાડા કર્યા. ગોવા, લંડન અને લિસ્બોઆ વચ્ચે ઘણી લખાપટ્ટી ચાલી. છેવટે ૧૬૬૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખે પહેલવહેલા અંગ્રેજ ગવર્નર હમ્ફ્રી કુકે પોર્ટુગીઝ સરકાર પાસેથી મુંબઈનો કબજો આપવા માટેનો કરાર મેળવ્યો તે આ નાના કિલ્લામાં. કબજો લીધા પછી તેઓ કિલ્લામાં અને કિલ્લાની બહાર પણ થોડું ચાલ્યા, વાંકા વળી થોડી ધૂળ ઉપાડી, કિલ્લા અને એના બુરજો પર ફર્યા, કિલ્લાની દીવાલોને પોતાના હાથોથી સ્પર્શ કર્યો, પછી કિલ્લાની બહાર આવી ફરી ત્યાંની થોડી ધૂળ ઉપાડી.
પોર્ટુગીઝોએ બાંધેલો નાનકડો કિલ્લો જોતાં વેંત કુકને ખ્યાલ આવી ગયો કે મુંબઈનું રક્ષણ કરવા માટે આ કિલ્લો ઝાઝો કામ આવે એવો નથી. એટલે તેમણે ૫૦ મીટર લાંબી દીવાલ બંધાવી અને એના પર ૨૦ તોપ બેસાડી. એમાંની કેટલીકનાં મોઢાં દરિયા તરફ તો કેટલીકનાં જમીન તરફ, કારણ કે કુક જાણતા હતા કે મુંબઈને જેમ દરિયા તરફથી વલન્દાઓનો અને ચાંચિયાઓનો ભય છે એમ જમીન બાજુથી મરાઠાઓનો પણ ભય છે.
આ ઐતિહાસિક પ્રસંગે મુંબઈનો કબજો આપવા પોર્ટુગીઝો તરફથી હાજર કોણ હતા? વસઈના વહીવટી આધિકારીઓ, ન્યાયાધીશ અને બીજા અમલદારો. મુંબઈની સત્તાની ફેરબદલી વિશેનો દસ્તાવેજ બનાવ્યો હતો વસઈના પોર્ટુગીઝ નોટરી પબ્લિક ઍન્ટોનિયો મૉન્ટેરિયો દ ફોન્સેકાએ. વસઈના પોર્ટુગીઝ લશ્કરના વડા વાલેન્તીનો સ્વારેસ પણ હાજર હતા. સહી સિક્કા થઈ ગયા પછી ૧૬૬૫ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે કુકે મુંબઈનો વહીવટ ગ્રેટ બ્રિટનના તાજના પ્રતિનિધિ તરીકે સંભાળી લીધો. મુંબઈનો કબજો લીધા પછી એના રક્ષણ માટે બ્રિટિશ લશ્કરને તહેનાત કરવામાં આવ્યું. એમાં ૯૭ સૈનિકો ઉપરાંત એક વડો અધિકારી, ૪ સાર્જન્ટ, ૬ કોર્પોરલ, ૪ પડઘમ વગાડનાર, એક તોપચીનો સાથી, એક તોપનું સમારકામ કરનાર વગેરેનો સમાવેશ થતો હતો. સૈનિકોની આ ટુકડી પાસે કુલ ૨૨ તોપ હતી અને ૮૭૮ તોપના ગોળા હતા.
અચ્છા એટલે કે સત્તાનો ફેરબદલો વગર મુશ્કેલીએ પાર પડી ગયો. ના રે ના, પોર્ટુગીઝ સત્તાવાળાઓએ હવે જ ખરું પોત પ્રકાશ્યું. મુંબઈ દાયજામાં આપ્યું એનો અર્થ અંગ્રેજોએ એવો કરેલો કે મુંબઈના સાતે ટાપુ આપણા થઈ જશે પણ મુંબઈના પોર્ટુગીઝ સત્તાવાળાઓએ સાફ સંભળાવી દીધું કે આવી કોઈ વાત અમને જણાવાઈ નથી. તમને મુંબઈનો કબજો સોંપવાનો છે એટલે મુંબઈ નામના એક જ ટાપુની વાત છે. માઝગાવ, પરળ, વરળી જેવા બીજા ટાપુઓ સોંપવાની તો વાત જ નથી; કારણ કે એ દરેક સ્વતંત્ર ટાપુ છે, મુંબઈના ટાપુ સાથે જોડાયેલા નથી કે નથી મુંબઈના આશ્રિત. ફરી દલીલબાજી અને લખાપટ્ટી. સાથોસાથ મુંબઈના ટાપુ પરથી બીજા ટાપુઓ પર અંગ્રેજ લશ્કરનો પગદંડો.
કુકની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી. એક બાજુ પોર્ટુગીઝો રોજ નવી-નવી મુશ્કેલી ઊભી કરે, બીજી બાજુ હજારો માઇલ દૂર બેઠેલા ગ્રેટ બ્રિટનના સમ્રાટ નારાજ થાય કે આ માણસ તો બહુ ઢીલો છે. બધા ટાપુનો તાબો લઈ શકતો નથી. હવે? સર જર્વેઝ લુકાસને મોકલો મુંબઈના ગવર્નર તરીકે. પગાર ઠરાવ્યો દિવસના બે પાઉન્ડ. ૧૬૬૬ના નવેમ્બરની પાંચમીએ ગવર્નર લુકાસે મુંબઈની ધરતી પર પગ મૂક્યો. તેમની નિમણૂક કરતા પત્રમાં અંગ્રેજોની સુરત ખાતેની કોઠીને આદેશ અપાયો હતો કે લુકાસને જરૂર હોય ત્યારે ૧૫૦૦ પાઉન્ડ સુધીની રકમ ધીરવી. નવા ગવર્નરે પહેલું કામ કર્યું કુક પર જાતજાતના આરોપો મૂકવાનું. તેણે તાજ સાથે દગો કર્યો છે, લાંચરૂપે મોટી-મોટી રકમ પડાવી છે એટલે એને નાખો જેલમાં. પણ કુક કાંઈ ગાંજ્યો જાય એવો નહોતો. હાથતાળી આપીને થઈ ગયો ગોવા ભેગો અને મળતિયો બની ગયો પોર્તુગીઝોનો. મુંબઈને ‘જીતવા’ માટે લશ્કર ઊભું કરવાના પ્રયત્નો કરવા લાગ્યો.
બ્રિટિશ તાજે ૧૬૬૮માં તેને રાજદ્રોહી જાહેર કર્યો.
ગવર્નર લુકાસે પહેલું કામ કર્યું લશ્કરને વધુ મજબૂત બનાવવાનું. બીજી કેટલીક યોજનાઓ પણ હતી મનમાં. પણ ત્યાં તો ૧૬૬૭ના મે મહિનાની ૨૧મી તારીખે તેમનું અણધાર્યું અવસાન થયું. કૅપ્ટન હેન્રી ગેરી ૧૬૬૭થી ૧૬૬૮ સુધી મુંબઈના ગવર્નર બન્યા. મુંબઈના કિલ્લાને વધુ મજબૂત કરવાની શરૂઆત તેમણે કરી પણ પછી બ્રિટનના રાજવીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુંબઈ ભાડે આપી દીધું એટલે ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩મીએ હેન્રી ગેરીની રાજવટ પૂરી થઈ. જોકે એ પછી પણ ઘણા વખત સુધી તેઓ મુંબઈમાં જ રહ્યા.
મુંબઈની મહેસૂલની આવક એટલી તો ઓછી હતી કે ગ્રેટ બ્રિટનના તાજને મુંબઈ ગળે વળગેલા ઘંટીના પડ જેવું લાગવા માંડ્યું. મુંબઈ, માઝગાવ, માહિમ, પરળ, વડાળા અને વરળી આ છ ટાપુની કુલ વાર્ષિક આવક બાવન હજાર રૂપિયા જેટલી જ હતી. ૧૬૬૭ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે ગ્રેટ બ્રિટનના તાજ તરફથી મુંબઈની સોંપણી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કરવામાં આવી. અને એ દિવસથી જ્યૉર્જ ઑક્સેન્ડન સુરતની ફૅક્ટરીના પ્રેસિડન્ટ ઉપરાંત મુંબઈના ગવર્નર અને કમાન્ડર ઇન ચીફ બન્યા. જોકે તે મુંબઈમાં નહીં પણ સુરતમાં જ રહેતા હતા. એટલે તેમણે મુંબઈમાં રહેવા માટે ડેપ્યુટી ગવર્નરની નિમણૂક કરી. ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે સુરતમાં ઑક્સેન્ડનનું અવસાન થયું.
તેમના પછી મુંબઈના ગવર્નર બનેલા જેરલ્ડ ઍન્જર ખરા અર્થમાં મુંબઈના દૃષ્ટા અને સ્રષ્ટા બની રહ્યા. મોટા ભાગનો વખત મુંબઈમાં – સુરતમાં નહીં – રહેનાર તેઓ પહેલા ગવર્નર. ૧૬૪૦માં જન્મ, ૧૬૭૭ના જૂનની ૩૦મીએ સુરતમાં અવસાન. મુંબઈને એક બહુ મોટા વેપારી કેન્દ્ર તરીકે વિકસાવી શકાય એમ છે એ વાત તેમના ધ્યાનમાં આવી. બહારથી આવતા વેપારીઓને સગવડો આપવા ઉપરાંત તેમની ધાર્મિક બાબતોમાં દખલ ન કરવાની લેખિત બાંયધરી પણ તેમને આપી. આ ઉપરાંત મુંબઈના વહીવટ માટે કાયદા અને નિયમ બનાવ્યા. અને કાયદાનો અમલ કરાવવા માટે અદાલતો સ્થાપી. સર જૉન માલ્કમને લખેલા એક પત્રમાં ઍન્જરે લખ્યું હતું : ‘સવારથી રાત સુધી મારી ઑફિસનો ઓરડો ધોરી માર્ગ જેવો હોય છે. નથી હોતા કોઈ મુનશી કે દીવાન, નથી હોતા દુભાષિયા કે ચોકીદાર. એનાં ચારે બારણાં ખુલ્લાં હોય છે. જેને આવવું હોય તે આવી શકે છે. મારી સાથે વાત કરી શકે છે કે મને ફરિયાદ કરી શકે છે.’
મુંબઈના રક્ષણ માટે કિલ્લાને વધુ મજબૂત અને સાધનસંપન્ન બનાવવો જોઈએ તે ઍન્જર જાણતા હતા પણ તેઓ ગવર્નરપદે રહ્યા ત્યાં સુધી એ વિશે ઝાઝું કરી શક્યા નહીં. એ કામ કર્યું ગવર્નર ચાર્લ્સ બુને. ૧૭૧૫માં શરૂ થયેલું આ કામ ૧૭૨૨માં પૂરું થયું અને ઊભો થયો બૉમ્બે ફોર્ટ, જેને દેશી લોકો ‘કોટ’ તરીકે ઓળખતા. દાયકાઓ સુધી ‘મુંબઈ’ એટલે આ કિલ્લાની અંદર વસેલું શહેર એવું મનાતું. કિલ્લા બહારનું મુંબઈ ‘બહાર કોટ’ તરીકે ઓળખાતું.
મુંબઈનો આ ફોર્ટ કહેતાં કોટ કેવો હતો, એની અંદર અને બહાર રહેતા લોકો, તેમની રહેણીકરણી વગેરે વિશેની વાતો હવે પછી.