મુંબઈ રાજ્ય અને જાગીરદારી નાબૂદી!

19 May, 2020 10:28 PM IST  |  Gujarat | Kishor Vyas

મુંબઈ રાજ્ય અને જાગીરદારી નાબૂદી!

મુંબઈ રાજ્યનાં આમ તો માત્ર સાડાત્રણ વરસ, પણ એમાં કોઈ ક્રાન્તિકારી બનાવ બન્યો હોય તો એ હતો સેંકડો વરસ જૂની જાગીરદારી પ્રથા નાબૂદ કરવાનો! જાગીરદારી પ્રથાનો એક ઇતિહાસ છે. ઈસવી સન ૧૫૧૦થી કચ્છમાં સાર્વભૌમ સત્તા તરીકે કચ્છના રાજા અને તેમના વંશજો હતા. એ ઉપરાંત સંખ્યાબંધ જાગીરદારો હતા. તેમનો એક મોટો વર્ગ હતો અને કેટલાક મોટા જાગીરદારો પોતાની કોર્ટ પણ ધરાવતા હતા. આ એક વર્ગ હતો તો બીજી તરફ એક બીજો વર્ગ હતો. આમાંથી કોઈ જાગીરદાર લેણાં પેટે જમીન કે જાગીર કોઈ શાહુકારને ત્યાં મૂકે તો તે શાહુકારને પણ જાગીરદારીના હક્ક મળતા હતા પછી તે શાહુકાર બ્રાહ્મણ હોય કે વાણિયા હોય!

૧૮૧૮માં એવું બન્યું કે મહારાઓ શ્રી ભારમલજી બીજા અને તેમનાં સગાં-સંબંધી, જે ભાયાત તરીકે ઓળખાતા હતા તેમની વચ્ચે ઝઘડો થયો. એ વખતે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની પોતાની રાજકીય સત્તા વિસ્તારતી જતી હતી. કચ્છના કેટલાક જાગીરદારોએ બ્રિટિશ રેસિડેન્ટને રક્ષણ માટે અરજી કરી. આમ કચ્છમાં બ્રિટિશર નામના ઊંટને પેસવાનો મોકો મળ્યો! અરજી મળતાં બ્રિટિશ રાજકર્તાના મોઢામાંથી લાળ ટપકવા લાગી. તેમણે તાત્કાલિક મહારાઓ શ્રી ભારમલજીને ગાદી પરથી ઉઠાડીને તેમના પુત્ર દેશળજી બીજાને રાજસિંહાસન પર બેસાડ્યા! બ્રિટિશ કંપનીએ દરેક જાગીરદારને તેની જાગીરના રક્ષણ માટે ગૅરન્ટી આપી જેથી કેટલાક જાગીરદારો ગૅરન્ટીહોલ્ડર ગણાયા! એ વિશેનો કરાર ૧૮૧૯ના ઑક્ટોબર મહિનામાં થયો જે ‘૧૮૧૯ની ટ્રોટી’ તરીકે કચ્છના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. આ રીતે જાગીરદારી હક્કો પર મહોર લાગી ગઈ. એ જાગીરદારી ગામો ભાયાતી ગામો કહેવાયાં. એ ગામોમાં મહેસૂલ કે અન્ય કોઈ કરવેરાની સત્તા કચ્છના મહારાઓશ્રીને નહીં, પણ જે-તે ગામના જાગીરદાર કે શાહુકાર પાસે હતી.  જ્યારે રાજાનાં પોતાનાં ગામો ખાલસા તરીકે ઓળખાયાં! કચ્છનાં કુલ ગામડાંમાંથી ૨/૩ ગામો જાગીરદારો પાસે હતાં. માત્ર ૧/૩ ગામો ખાલસા હતાં એમને રાવળા તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં.

કચ્છમાં એ વખતે ખેડૂત હક્કના રક્ષણ માટે કોઈ કાયદા ન હોવાથી શાહુકારો જમીન ખરીદે અથવા લેણાં પેટે મેળવે અને પછી મુંબઈ કે અન્ય વિસ્તારોમાં કે પરદેશ રહે અને તેમના પ્રતિનિધિ કચ્છમાં હોય તે લોકો ખેડૂતો પાસેથી જમીન ખેડાવે, એનો ભાગ કે વિઘોટી વસૂલ કરે. આમ જાગીરદારો એ જમીનો પૂરતા નાના રાજ્યના નાના રાજા જેવા હતા! તેમને પ્રજાની કોઈ દરકાર ન રહેતી. એ ગામની પ્રગતિ માટે તેમના દિલમાં કાંઈ ઊગતું નહોતું. શાળા, સડક કે પાણીના બંધ વિનાના અંધકાર યુગમાં મોટે ભાગે લોકો જીવતા હતા. આવી જાગીરદારી ભોગવતા લોકોની કચ્છમાં, ૧૯૫૮માં સંખ્યા ૪૫,૪૦૯ જેટલી હતી! એમાં વિશાળ જમીન કે ઘણાં ગામો ધરાવનારા જાગીરદારોનું પ્રમાણ ઓછું હતું. ઘણા જાગીરદારોની વાર્ષિક ઊપજ માત્ર ૨૦૦ રૂપિયા જેટલી જ હતી! આવું હતું કચ્છમાં જાગીરદારીનું ચિત્ર!

સમય બદલાયો. નેહરુજીએ દેશને સમાજવાદી ઢબે આગળ વધારવાની જાહેરાત કરી હતી એથી જમીનદારો કે જાગીરદારોના દિવસો ગણાવા લાગ્યા હતા. કચ્છમાં તો, સ્વરાજ્ય પહેલાં જ કચ્છ પ્રજાકીય પરિષદે ખેડૂતોના હિત માટે ઝુંબેશ શરૂ કરી હતી. ૧૯૫૦માં એટલે કે ‘ક’ વર્ગના સમયમાં ખેડૂતો પરના લાગાલગમ રદ થયા હતા, પણ જાગીરદારી પ્રથા કાયમ હતી. ૧૯૫૫ના જૂન મહિનામાં કચ્છમાંથી જાગીરદારી નાબૂદી કરવા માટેનો ખરડો સંસદમાં મુકાવાનો હતો, પરંતુ અન્ય કામકાજના કારણે એ ખરડો ચર્ચા માટે રજૂ થઈ શક્યો નહોતો. એ છેક ૧૯૫૬માં દ્વિભાષી મુંબઈ રાજ્યમાં કચ્છને સમાવાયું ત્યાર પછી ૧૯૫૮માં કચ્છમાં જાગીરદારી નાબૂદી એટલે કે ‘ઇનામ નાબૂદી ખરડો’ લાવવાની હિમાયત શરૂ થઈ અને ૧૯૫૮ની ૩૦ ડિસેમ્બરથી એ કાયદાના સ્વરૂપમાં કચ્છમાં લાગુ કરવામાં આવ્યો હતો.

‘ક’ વર્ગનું રાજ્ય હતું ત્યારે જાગીરદારોને જે વળતર મળતું હતું એ ઘણું ઉદાર હતું, પણ જાગીરદારો પોતાની જાગીર છોડવા તૈયાર નહોતા. તેમના તરફથી જરાપણ સહકાર નહોતો મળતો. હવે જ્યારે મુંબઈ રાજ્યમાં કાયદો ઘડાયો એ મુજબ તો વળતર ઘણું ઓછું થઈ જતું હતું! કચ્છના વિધાનસભ્યો જાગીરદારી નાબૂદ થાય એના માટે મક્કમ હતા. સ્થિતિ એવી બની હતી કે સૌરાષ્ટ્રના જાગીરદારોને વળતર ઘણું મળતું થયું અને કચ્છમાં એનું પ્રમાણ સરખામણીએ ઓછું થતું હતું. યોગ્ય રજૂઆત થયા પછી કચ્છના તે ગરાસિયાઓને ગ્રાન્ટમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. તેમ છતાં, કચ્છના જાગીરદારોમાં અસંતોષ ઘૂંઘવાઈ રહ્યો હતો. કચ્છના મહારાઓશ્રીના નાના ભાઈ હિમતસિંહજીના પ્રમુખપદે કચ્છના જાગીરદારોની એક સંસ્થા ‘કચ્છ રાજપૂત સભા’ની સ્થાપના કરવામાં આવી અને જાગીરદારી લડત શરૂ થઈ! રાજ્ય એના નિર્ણયમાં મક્કમ રહ્યું, પરંતુ લડતના કારણે જાગીરદારી નાબૂદીના અમલની ગતિ ધીમી થઈ ગઈ! જેમની સામે મોરચા નીકળતા હતા તેઓ હવે મોરચા કાઢવા લાગ્યા હતા!

કચ્છના જાગીરદારોમાં ક્ષત્રિયો, રાજપૂતોની સાથે બીજા શાહુકારો પણ ભળ્યા. કચ્છનાં ૨/૩ ગામોમાં શાહુકારો કે ગરાસદારોએ રાજ્યને વિઘોટી ભરવાની નહોતી, પણ નવા કાયદાથી તો વળતર ત્યારે જ મળે જો તેઓ રાજ્ય સરકારને વિઘોટી ભરે! એથી તેમણે વિરોધ શરૂ કર્યો હતો. જાગીરદારી ગામોમાં ગણોતિયાઓને કોઈ રક્ષણ નહોતું. નવા કાયદા મુજબ હવે તે રાજ્યનો સીધો ગણોતિયો બનતો હતો એથી તેને રક્ષણ મળવું શરૂ થતું હતું તો એના કારણે શાહુકારોનો વર્ગ નારાજ થતો હતો. જાગીરદારોએ પછી તો ‘ના-કર’ની લડત, ઉપવાસ આંદોલન જેવાં શસ્ત્રો પણ ઉગામ્યાં હતાં. આખરે એ કાયદાનો અમલ કચ્છ જ્યારે ગુજરાત રાજ્યનું અંગ બન્યું ત્યાર પછી જ શરૂ થયો, પરંતુ કચ્છમાં જાગીરદારી નાબૂદ કરવાનો યશ મુંબઈ રાજ્યને જ જાય છે.

gujarat kutch saurashtra columnists kishor vyas