તમે વેલ્થ ઇફેક્ટનો શિકાર બન્યા તો નથી ને?

17 March, 2019 01:31 PM IST  |  | મુકેશ દેઢિયા

તમે વેલ્થ ઇફેક્ટનો શિકાર બન્યા તો નથી ને?

પ્રતીકાત્મક તસવીર

મની-પ્લાન્ટ

આજે આપણે નેટવર્થના આધારે એક અગત્યની વાત કરીએ. તમારી નેટવર્થ બે રીતે વધતી હોય છે. એક, જેમાં તમારી નિયમિત આવક વધતી જાય અને તમે આવક કરતાં ઓછો ખર્ચ કરો અર્થાત્ બચત કરો. આમ, બચત વધતાં મૂડી વધે અને નેટવર્થ વધે. અહીં રોકડની વૃદ્ધિ થાય છે. બે, તમારી ઍસેટ્સનું મૂલ્ય વધે. દા. ત. ઇક્વિટી અને/અથવા પ્રૉપર્ટીના ભાવ વધવા લાગે. આ સ્થિતિમાં રોકડ સર્જા‍તી નથી, પરંતુ ઍસેટ્સના ભાવ વધવાને લીધે નેટવર્થ વધતી જાય છે.

ઍસેટ્સના ભાવ વધવાની સ્થિતિની પોતાની એક સમસ્યા છે. જ્યારે ભાવ વધવા માંડે ત્યારે તમને લાગે કે તમે ધનવાન થઈ ગયા. આવી ભાવનાને લીધે તમારા ખર્ચ વધતા જાય. ઉપર જોયું એમ આ સ્થિતિમાં રોકડ પ્રવાહ વધતો નથી. આમ છતાં, પોતે શ્રીમંત થઈ ગયાની લાગણીને લીધે રોકડ ખર્ચ વધતા જાય. વળી, એ ઍસેટ્સના ભાવ હજી વધશે એવી ધારણાએ તમે અગાઉની ઍસેટના ભરોસે ઉછીનાં નાણાંથી એવી ઍસેટની વધુ ખરીદી કરવા પ્રેરાઓ એવું પણ બને. આ સ્થિતિને ‘વેલ્થ ઇફેક્ટ’ કહેવાય છે.

પછીથી જ્યારે એ ઍસેટ્સના ભાવ ઘટવા લાગે ત્યારે તમે જે નાણાં ઉછીનાં લીધાં હોય તેની પરત ચુકવણીની જવાબદારી ભારે પડવા લાગે છે. ભાવ ઘટવા છતાં તમે નવી ખરીદેલી ઍસેટ્સને પકડીને બેસી રહો છો. જૂની ઍસેટ્સમાં પહેલાં જે નફો દેખાતો હતો એ અદૃશ્ય થઈ જાય છે. આ સ્થિતિ ‘સંપત્તિના ફંદા’ સમાન છે. તેને ‘મૃત્યુનો ફંદો’ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય, કારણ કે ઘણા લોકોએ પોતાની લાયેબિલિટીઝ નહીં ચૂકવી શકવાની સ્થિતિમાં આત્મહત્યા કર્યાના દાખલા છે. નવી ખરીદેલી ઍસેટ્સની ખોટને લીધે અગાઉનો નફો પણ ધોવાઈ જાય અને છેલ્લે જે બચે એ ખોટ જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો એક સમયનો ‘ધનવાન’ માણસ ‘નાદાર’ બની જાય છે.

પહેલાં જે ઍસેટના ભાવ વધવાને લીધે નેટવર્થ વધી હતી એ ઍસેટ વેચીને નફો અંકે કરી લીધો હોય અને પછી કોઈ નવી ઍસેટ ખરીદી હોત તો તમારું જોખમ નવી ખરીદી પૂરતું જ સીમિત રહ્યું હોત અને એમાં થયેલા નુકસાનની ભરપાઈ નિયમિત આવકમાંથી થઈ શકી હોત.

ચાલો, આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમારી નેટવર્થ પાંચ કરોડ રૂપિયા છે. તમારી પાસેની ઍસેટના ભાવ વધવાને લીધે તેનું મૂલ્ય બમણું થઈને ૧૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. આ ઍસેટના ભાવ હજી વધશે એવું વિચારીને તમે નાણાં ઉછીનાં લઈને એવી જ વધુ ઍસેટ ખરીદી. કમનસીબે પ્રવાહ પલટાય છે અને ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો થઈ જાય છે. તમારી પાસે પહેલેથી જે ઍસેટ હતી તેનું મૂલ્ય પાંચ કરોડ થઈ જાય છે અને નવી ખરીદેલી ૧૦ કરોડ મૂલ્યની ઍસેટનું મૂલ્ય પણ પાંચ કરોડ થઈ જાય છે. આમ, તમારી જૂની અને નવી ઍસેટ બન્ને મળીને ૧૦ કરોડ રૂપિયાની થાય છે. તમે નવી ઍસેટ ખરીદવા માટે ૧૦ કરોડ ઉછીના લીધા હતા એ જવાબદારી તો માથે ઊભેલી જ રહે છે. આમ, તમારી ઍસેટનું કુલ મૂલ્ય ૧૦ કરોડ અને લાયેબિલિટી ૧૦ કરોડ હોય છે. પરિણામે, નેટવર્થ શૂન્ય થઈ જાય છે.

જો ભાવ વધુ ઘટે તો અથવા તમારે ઉછીનાં લીધેલાં નાણાં પર ચૂકવવાના વ્યાજને કારણે તમારી નેટવર્થ નેગેટિવમાં ધકેલાતી જાય છે. આ નેગેટિવ નેટવર્થ એટલે બીજું કંઈ નહીં, પણ નાદારી. જો તમે નવી લાયેબિલિટી લીધી ન હોત તો ભાવ ઘટવાની સ્થિતિમાં તમારી ૧૦ કરોડની ઍસેટના ભાવ ઘટીને પાંચ કરોડ સુધી જ પહોંચ્યા હોત. બીજી કોઈ જવાબદારી માથે ઊભી ન હોત.

આ પણ વાંચો : વધુ ઊંચા-નીચા થયા વગર શૅરબજારના ચકડોળની મજા કેવી રીતે લેવી?

ઘણા લોકો આ જ ‘વેલ્થ ઇફેક્ટ’ને લીધે વિદેશપ્રવાસ, બ્રૅન્ડેડ વસ્તુઓની ખરીદી, મોટી હોટેલો અને રર્સિોટમાં પાર્ટીઓ વગેરે દ્વારા નાણાંનો બગાડ કરે. એ બધા ખર્ચ રોકડમાં થાય છે, જ્યારે ઍસેટનું મૂલ્ય રોકડમાં વધ્યું હોતું નથી. પ્રવાહ પલટાય ત્યારે આવા માણસો નાદારીની સ્થિતિમાં આવી જાય છે.

પોતે વેલ્થ ‘ફેક્ટનો શિકાર થયા છીએ કે નહીં એ બાબતે વિચાર કરી લેવા જેવો છે.

પ્રભુ બધાને સદ્બુદ્ધિ આપે અને ‘વેલ્થ ઇફેક્ટ’થી બચાવે.

columnists weekend guide