અહમ્ને પંપાળવાનું છોડીને સંબંધોને સાચવો

24 March, 2019 02:53 PM IST  |  | મુકેશ દેઢિયા

અહમ્ને પંપાળવાનું છોડીને સંબંધોને સાચવો

મની-પ્લાન્ટ

કોઈક વ્યક્તિને પ્રેમ કરવાનું સહેલું છે કે ધિક્કારવાનું? અઘરો સવાલ છે, ખરું ને? અહીં એક ચોખવટ કરી લઉં. કોઈકને ‘પ્રેમ કરવો’ અને કોઈક ‘ગમતું હોય’ એ બન્નેની ભેળસેળ કરતા નહીં. તમને ઘણા માણસ ગમતા હોઈ શકે છે, પરંતુ પ્રેમ ઘણા ઓછા માણસો સાથે હોય છે. પ્રેમ એ પસંદ કરતાં ચડિયાતી લાગણી છે.

પ્રેમના પણ અનેક પ્રકાર છે, જેમ કે પ્રિયકર સાથેનો પ્રેમ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, વડીલો પ્રત્યેનો પ્રેમ અને મિત્રો પ્રત્યેનો પ્રેમ. તમામ પ્રકારના પ્રેમને સાચવવાનો હોય છે, અન્યથા ‘પ્રેમ’નો સંબંધ ‘પસંદ’નો સંબંધ બની જતાં વાર નથી લાગતી. એ પસંદનો સંબંધ પણ વખત જતાં નાપસંદ અને ધિક્કારમાં પરિણમી શકે છે.

સંબંધોનું મહત્વ હોવાથી તેમને સાચવવા પડે છે. તેના માટે નિયમિતપણે સંપર્કમાં રહેવાનું હોય છે, વિચારોનું આદાનપ્રદાન કરવાનું હોય છે, મતભેદો હોય તો પણ એ સ્વીકારી લેવાના હોય છે અને પરસ્પરના સંગાથમાં આનંદિત રહેવાનું હોય છે. જોકે, આ બધું કહેવાનું સહેલું અને કરવાનું અઘરું હોય છે. મતભેદોનો સ્વીકાર ક્યારેય સહેલાઈથી થતો નથી. તેનું કારણ આપણો અહમ્ હોય છે. આપણાથી વિપરીત મત ધરાવતી વ્યક્તિ અને તેના વિચારનો સ્વીકાર કરવામાં આપણો અહમ્ વચ્ચે નડે છે. ખરેખર તો એ પ્રેમની કસોટી છે.

તો શું તડજોડ કે બાંધછોડ કરીને આ તકલીફનો હલ લાવી શકાય છે? બાંધછોડ અને મતભેદોનો સ્વીકાર એ બન્ને વચ્ચે પાતળી ભેદરેખા છે. જો તમને એમ લાગતું હોય કે તમે બાંધછોડ કરી રહ્યા છો, તો તમે પ્રેમની પરીક્ષામાં નાપાસ થયા કહેવાવ. પ્રેમમાં મતભેદો સાથે બાંધછોડ કરવાની હોતી નથી, તેમનો સ્વીકાર કરવાનો હોય છે. કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરવાની સ્પર્ધા પ્રેમમાં કરવાની હોતી નથી. આપણે ખરેખર જેને પ્રેમ કરતા હોઈએ તેમની ઘૃણા કરવાનું સહેલું હોતું નથી. તમે કોઈના પ્રેમમાં હો એનો અર્થ એ પણ થાય કે તમને એમાં ઘણી સારી બાબતો દેખાઈ હશે. ફક્ત મતભેદને લીધે તમે એ વ્યક્તિને ધિક્કારવા લાગો એવું બનતું નથી. અણગમો ફક્ત મતભેદના મુદ્દા પૂરતો હોય છે, આખી વ્યક્તિ પ્રત્યેનો નહીં.

તમને જાણીને નવાઈ લાગશે કે ઇક્વિટીમાં રોકાણ કરવાની વાતને પણ આપણી આ ચર્ચા સાથે સંબંધ છે. સ્ટૉક માર્કેટનો સ્વભાવ જ ચંચળ હોય છે. ક્યારેક એમાં નફો થાય તો ક્યારેક નુકસાન. માર્કેટમાં જ્યારે લાંબા સમય સુધી કોઈ વલણ દેખાય નહીં અથવા તો બજાર સતત ઘટી રહ્યું હોય એવા સમયે રોકાણકારો બેચેન બની જાય છે અને ક્યારેક ગભરાટના માર્યા શૅર વેચીને નુકસાન કરી લેતા હોય છે. આવા જ રોકાણકારો ઇક્વિટીને ધિક્કારવા લાગે છે અને બજારમાં ક્યારેય

પાછા નહીં આવવાના શપથ લઈ લે છે. જોકે, બધા દિવસો સરખા હોતા નથી. શૅરબજાર ફરી ઊંચે જવા લાગે છે અને રોકાણકારોમાં નવી આશાનો જન્મ થાય છે.

જેઓ શૅરબજારને ધિક્કારવા લાગ્યા હતા તેઓ ફરી બેચેન બની જાય છે અને પોતાના શપથ ભૂલીને બજારમાં પ્રવેશ મેળવે છે અને નફો રળે છે. તમે જે માર્કેટને પ્રેમ કર્યો હોય અને જેમાંથી ઘણી સંપત્તિ કે નફો મેળવ્યાં હોય તેને ધિક્કારવાનું ઘણું મુશ્કેલ હોય છે.

પ્રેમ અને ધિક્કારની આ વાતમાંથી એ જ બોધપાઠ લેવાનો છે કે જેમને પ્રેમ કરતા હો તેમને ધિક્કારવાનું ઘણું મુશ્કેલ હોય છે. ઊથલપાથલના સમયગાળામાં ધીરજ રાખવાનું પગલું વ્યવહારુ ગણાય, કારણ કે આપણે અગાઉ કહ્યું એમ બધા દિવસો સરખા હોતા નથી. કાળરાત્રિ પછી સવાર પડતી જ હોય છે.

આ પણ વાંચો : તમે વેલ્થ ઇફેક્ટનો શિકાર બન્યા તો નથી ને?

જો શૅરબજાર પડી રહ્યું હોવા છતાં શૅર રાખી મૂક્યા હોય તો કોઈક દિવસ એ પાછા વધવાનું શરૂ થઈ શકે છે.

આ જ રીતે સંબંધોમાં પણ ધીરજ રાખવી જરૂરી છે. અવિચારીપણે ઉતાવળિયું પગલું ભરવાથી નુકસાન થતું હોય છે. અહમ્ને પંપાળવાનું બંધ કરો, સંબંધોને પંપાળો-સાચવો. છેવટે, એ જ કામમાં આવતા હોય છે. (લેખક CA, CFP અને FRM છે)

columnists weekend guide