મિસ્ટર ઇન્ડિયા પાર્ટ-2 મોગેમ્બો ખુશ હુઆ!

15 August, 2020 07:19 PM IST  |  Mumbai | Raj Goswami

મિસ્ટર ઇન્ડિયા પાર્ટ-2 મોગેમ્બો ખુશ હુઆ!

‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ભારત’ના નિર્દેશક અબ્બાસ અલી ૧૯૮૭ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ને સુપરહીરોના નવા અવતારમાં લઈને આવી રહ્યા છે. તેઓ અત્યારે એની પટકથા પર કામ કરી રહ્યા છે. અલીએ કહ્યું કે આટલાં બધાં વર્ષોથી જે પાત્રને ભારતીયો ચાહતા હોય એને આગળ લઈ જવું એ બહુ મોટી જવાબદારી છે. ઝી સ્ટુડિયો એને પ્રોડ્યુસ કરશે. એના સીઈઓ શરીક પટેલે પણ કહ્યું કે જૂની ફિલ્મનો આ બીજો ભાગ કે રીમેક નથી. અમે એ ક્લાસિકને નવી રીતે કલ્પી રહ્યા છીએ. મૂળ ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂરે ઝી સ્ટુડિયો સાથે હાથ મિલાવ્યા છે. ૨૦૦૮માં બોની કપૂરે શ્રીદેવી-અનિલ કપૂરની વાપસી તરીકે ‘મિસ્ટર ઇન્ડિયા’ની સીક્વલની જાહેરાત કરી હતી, જેમાં સલમાન ખાન આતંકવાદીની ભૂમિકા કરવાનો હતો.

‘મિ. ઇન્ડિયા’ને લઈને ઘણા વખતથી અફવા ચાલતી હતી, પરંતુ હવે એની સત્તાવાર જાહેરાત થઈ છે ત્યારે એના મૂળ નિર્દેશક શેખર કપૂર, તેમનો જ સંવાદ યાદ કરીએ તો, મોગેમ્બોની જેમ ખુશ નથી થયા. શેખર નારાજ થયા છે. તેમણે કહ્યું કે ‘કોઈએ મારો સંપર્ક કર્યો નથી કે મને જાણ કરી નથી. મને આશ્ચર્ય છે. એ લોકો માત્ર ટાઇટલનો જ ઉપયોગ કરતા હોય તો સારું, બાકી વાર્તા કે પાત્રો એ જ રાખવાનાં હોય તો મૂળ સર્જકની મંજૂરી લેવી જોઈએ.’

‘મિ. ઇન્ડિયા’ના લેખક જાવેદ અખ્તરે શેખરના વાંધાને ખારીજ કરી નાખ્યો છે અને કહ્યું છે કે ‘મેં અને સલીમે જ્યારે શેખર કપૂરને બાંધેલી પટકથા સુપરત કરી હતી ત્યારે તો તેમણે એને વળગી રહેવાને બદલે ઇચ્છા પ્રમાણે ફેરફાર કરીને ફિલ્મ બનાવી હતી, તો આજે શેનો વાંધો પડે છે? કોઈ તમને જાણ કરે કે ન કરે એ નૈતિક બાબત છે, પણ કાનૂનન એવું બંધન નથી.’

‘મિ. ઇન્ડિયા’ શેખર કપૂર પાસે અકસ્માતે આવી હતી. મૂળ આ ફિલ્મ અમિતાભ બચ્ચન માટે લખાઈ હતી. સલીમ-જાવેદની આ છેલ્લી ફિલ્મ. એમાં અમિતાભ સાથે વાંકું પડ્યું અને એને લઈને બન્ને છૂટા પડી ગયા. જાવેદના કહેવા પ્રમાણે (‘લવ ઇન ટોકિયો’, ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘જુગનુ’, ‘ડ્રીમગર્લ’ અને ‘બારુદ’વાળા) પ્રમોદ ચક્રવર્તી અમિતાભને લઈને એક ફિલ્મ બનાવી રહ્યા હતા. અમિતાભનું ક્યાંક આઉટડોર શૂટિંગ ચાલતું હતું, ત્યાંથી તેણે તેના અવાજમાં સંદેશો ટેપ કરીને મોકલ્યો અને પ્રમોદ ચક્રવર્તીએ એ ટેપરેકૉર્ડર વાગતું હોય એવો મુહૂર્ત-શૉટ લીધો. જાવેદ કહે છે કે મને એ દિલચસ્પ લાગ્યું. જો અમિતાભના અવાજથી મુહૂર્ત થતું હોય તો એક આખી ફિલ્મ પણ તેના અવાજ પર બને અને એ રીતે અદૃશ્ય માણસનો કિરદાર જન્મ્યો.

સલીમ અને જાવેદ ‘મિ. ઇન્ડિયા’ જાતે જ પ્રોડ્યુસ કરવાના હતા અને તેમને અમિતાભના ૧૫ દિવસ જ જોઈતા હતા, કારણ કે મોટા ભાગની ફિલ્મમાં તો તે અદૃશ્ય હોય છે. તેમણે અમિતાભ સાથે બેઠક કરી. એમાં ભાવતાલ માટે ભાઈ અજિતાભ બચ્ચન પણ હાજર હતો. એમાં શું થયું કે એની બે વાતો છે, એક વાત એવી છે કે અમિતાભે તગડી ફી માગી અને સલીમ-જાવેદને કન્સેશન આપવાની ના પાડી. જાવેદે સલીમને દૂર લઈ જઈને કહ્યું કે ‘અમિતાભ બચ્ચન’ને આપણે બનાવ્યો છે. તે જો ભાવ ખાતો હોય તો ભલે તેના ઘેર રહ્યો.

બીજી વાત એવી છે કે અમિતાભને એવું લાગ્યું કે તેના દર્શકો તેને જોવા થિયેટરમાં આવે છે અને માત્ર અવાજ સાંભળીને છેતરાઈ જશે (૧૯૯૦માં મુકુલ એસ. આનંદની ‘અગ્નિપથ’ ફિલ્મમાં અમિતાભના અવાજ સાથે ચેડાં થયાં તો આખી ફિલ્મ બેસી ગઈ હતી) અને એ ઉપરાંત તે રાજકારણમાં વધુ રસ લેતો હતો એટલે ફિલ્મો ઓછી કરવાના મૂડમાં હતો. ટૂંકમાં, ‘મિ. ઇન્ડિયા’ માટે બચ્ચનનો મેળ ન પડ્યો. ત્રીજી વાત એ કે સલીમ-જાવેદ ઇચ્છતા હતા કે રમેશ સિપ્પી આ ફિલ્મ ડાયરેક્ટ કરે, પણ રમેશ સિપ્પીને લાગ્યું કે અદૃશ્ય હીરોનો વિચાર ખાસો ટેક્નિકલ છે અને તેમની ‘શાન’ ફિલ્મ પણ આવી જ ટેક્નિકલ હતી અને એનો ધબડકો થયો હતો એટલે તેમણેય ‘મિ. ઇન્ડિયા’માંથી હાથ ઊંચા કરી લીધા.

અમિતાભ નહીં તો કોણ? રાજેશ ખન્ના સાથે સલીમ-જાવેદને ‘હાથી મેરે સાથી’ વખતથી પંગો થયો હતો. ખન્ના સાથેની એ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. થોડા વખત પહેલાં જ જાવેદનો એક પાર્ટીમાં ઝઘડો પણ થયો હતો. કહે છે કે જાવેદે ખન્નાની માફી માગવાની તૈયારી બતાવી અને સલીમે ખન્ના સાથે પાર્ટી ગોઠવી અને ત્રણે જણ સવારે ચાર વાગ્યા સુધી પીતા રહ્યા. ખન્નાને ‘મિ. ઇન્ડિયા’ ઑફર થઈ હતી કે નહીં એની ખબર નથી, પરંતુ બચ્ચને ભાવ ખાધો એટલે સલીમ-જાવેદે ખન્નાના પડખે જવાની ચતુરાઈ કરી અને એમાં અમિતાભ ભડક્યો અને બન્નેથી દૂર જતો રહ્યો. એમાં ને એમાં સલીમ-જાવેદનું બગડ્યું. એક વર્ષ પછી બન્ને છૂટા પડ્યા અને જાવેદે અમિતાભના કૅમ્પમાં વાપસી કરી, જેનો રંજ સલીમને અત્યાર સુધી રહ્યો.

‘મિ. ઇન્ડિયા’ ભારતની પહેલી આધુનિક સાય-ફાય ફિલ્મ કહેવાય છે, પરંતુ એની પ્રેરણાનો સ્રોત નાનાભાઈ ભટ્ટની ‘મિસ્ટર એક્સ’ (૧૯૫૭), અંગ્રેજ વિજ્ઞાનકથા લેખક એચ. જી. વેલ્સ અને શમ્મી કપૂરની ‘બ્રહ્મચારી’ (૧૯૬૮) હતી. અદૃશ્ય માણસની કલ્પના એચ. જી. વેલ્સે પહેલી વાર કરી હતી. મૂળ ભાવનગરના અને મહેશ ભટ્ટના ‘નાજાયજ’ પિતા નાનાભાઈ ભટ્ટે અશોકકુમારને લઈને અદૃશ્ય હીરોવાળી ‘મિ. એક્સ’ ફિલ્મ બનાવી હતી. ‘મિ. ઇન્ડિયા’માં અશોકકુમારે પણ પ્રોફેસર સિંહની નાનકડી ભૂમિકા કરી હતી. ‘બ્રહ્મચારી’માં શમ્મી કપૂર અનાથ બાળકોની સંભાળ રાખે છે એવી જ રીતે ‘મિ. ઇન્ડિયા’માં અનિલ કપૂર પણ ૧૦ અનાથ બાળકોને સાચવે છે.

‘મિ. ઇન્ડિયા’ની પટકથા જાવેદ પાસે હતી અને તેમણે બોની કપૂરનો સંપર્ક કર્યો. બોની કપૂર અને શબાના આઝમી સાથે શેખર કપૂર (જેઓ શબાનાના બૉયફ્રેન્ડ હતા)ની ખબર જોવા હૉસ્પિટલમાં ગયાં હતાં અને એ મુલાકાતમાંથી શેખર પાસે નિર્દેશન કરવાનો વિચાર આવ્યો હતો શેખરે ‘માસૂમ’ ફિલ્મ બનાવી હતી અને ચારે તરફ એમાં ત્રણ બાળકો પાસેથી તેમણે કામ કઢાવ્યું હતું એની તારીફ થઈ રહી હતી. ‘મિ. ઇન્ડિયા’માં ૧૦ બાળકો હતાં એટલે શેખરની પસંદગી કરવામાં આવી. મોટા સ્ટાર અદૃશ્ય હીરો બનવા માગતા નહોતા એટલે બોની કપૂરે તેના નાના ભાઈ અનિલ કપૂરને એમાં લીધો.

શ્રીદેવીને પણ તેના કોમિક-ટાઇમિંગ માટે લેવામાં આવી હતી, પણ દર્શકોને તે ‘કાટે નહીં કટતે યે દિન-રાત...’ ગીત માટે યાદ રહી ગઈ. એમાં વાર્તા એવી છે કે બોની કપૂર શેખર કપૂરના ઘેર ગયા હતા અને ત્યાં વાત-વાતમાં બોની કપૂરે દાવો કર્યો કે ‘જાંબાઝ’ (૧૯૮૬)માં ‘હર કિસી કો નહીં મિલતા..’ ગીતમાં ફિરોઝ ખાને શ્રીદેવીને જેટલી સેક્સી પેશ કરી હતી એવી કોઈ ન કરી શકે. શેખર કહે છે કે વાત તો સાચી હતી, પણ મને થોડું ખોટું લાગ્યું અને મારા મનમાં ‘કાટે નહીં કટતે...’ ગુંજતું થઈ ગયું, અને બ્લુ શિફોન સાડીમાં શ્રીદેવીએ ખરેખર ‘જાંબાઝ’ને ભુલાવી દીધી.

એક ઇન્ટરવ્યુમાં શેખર કહે છે, ‘સલીમ-જાવેદે લખેલી પટકથા આધારિત આઇડિયા મને બોની કપૂરે કહ્યો હતો. મેં એ પટકથા ક્યારેય વાંચી નહોતી અને મને ૧૦૦ ટકા ખબર છે કે અમે જે ફિલ્મ બનાવી એ સલીમ-જાવેદે લખી હતી એના કરતાં જુદી હતી. મેં એ પટકથા જોઈ પણ નહોતી, જે અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને લખાઈ હતી. તમે ફિલ્મ જોશો તો ખ્યાલ આવશે કે ઘણું બધું શૂટિંગ વખતે જ નક્કી થતું હતું. ત્યાં સુધી કે મોગેમ્બોનું પાત્ર પણ શૂટિંગ શરૂ થયું એ પછી લખાયું હતું.’

શેખર કહે છે, ‘કોઈ જાડિયોપાડિયો વિલન હશે એવી ખબર હતી, પણ દાગા કે તેજા જેવો નહીં હોય. જાવેદને એક નવા જ પ્રકારનો વિલન બનાવવો હતો. શૂટિંગ ચાલુ થઈ ગયું હતું અને હું જાવેદસા’બનું સતત માથું ખાતો કે વિલનનું ઠેકાણું પડ્યું કે નહીં? એક દિવસ તેમણે મને કહ્યું કે તેમણે વિચારી લીધું છે કે વિલન કેવો હશે. મેં પૂછ્યું કેવો? તો તેમણે કહ્યું, ‘મોગેમ્બો ખુશ હુઆ. મને થયું કે આટલાથી ચાલે? જાવેદે મને કહ્યું, શેખરસા’બ, કપિલ દેવ મેદાનમાં સિક્સર મારશે ત્યારે દર્શકો ‘મોગેમ્બો ખુશ હુઆ’ની બૂમો પાડશે. લોકો જ્યારે તીન પત્તી રમતા હશે અને કોઈકના ભાગે ત્રણ એક્કા આવ્યા તો તે બોલશે, ‘મોગેમ્બો ખુશ હુઆ. મારા પર વિશ્વાસ રાખજો.’

જાવેદ અખ્તર તેમના વિલન માટે જાણીતા છે. ગબ્બર, શાકાલ અને મોગેમ્બો એ ત્રણેયની ઊઠવા-બેસવાની-બોલવાની અને ભાષાની ખાસિયતો છે અને એટલે જ એ લોકોને યાદ રહી ગયા છે. મોગેમ્બો આખી ફિલ્મમાં કશું જ કરતો નથી. ખાલી સિંહાસન પર બેસીને ધમક આપ્યા કરે છે અને મોટી વીંટીવાળી આંગળી ટપાર્યા કરે છે. ગબ્બર તો સંજીવકુમારના હાથ કાપવાનો પરિશ્રમ કરે છે, પણ મોગેમ્બો તો ‘મોગેમ્બો ખુશ હુઆ’ બોલ્યા સિવાય કશું કરતો નથી. શેખર કપૂર તો ફિલ્મમાં બહુ બધી વાર આ સંવાદ આવે છે એની વિરુદ્ધમાં હતા અને જાવેદે જ કહ્યું કે તમતમારે એને ચાલવા દો.

હવે અમરીશ પુરી જેવા તોતિંગ ઍક્ટરને કેવી રીતે સમજાવવું કે તમારે આખી ફિલ્મમાં ખાલી આ ‘મોગેમ્બો ખુશ હુઆ’ બોલ્યા કરવાનું છે? અમરીશજી એને ફાલતુ ફિલ્મ કહીને કરવાની ના પાડી દે તો? તેમણે શેખરને પૂછ્યું પણ હતું કે મારે આ પાત્રને કેવી રીતે કરવાનું છે. શેખર કહે છે, ‘મેં તેમને કહ્યું કે તમે એવી કલ્પના કરો કે તમે ૯ વર્ષના એક બાળક સામે શેક્સપિયરની ભૂમિકા કરો છો. પેલા બાળકને કશી ખબર નથી કે શેક્સપિયર કોણ છે. તમારે બાળકને રહસ્યમય અને મનોરંજક પાત્રનો અહેસાસ કરાવવાનો છે. અમરીશજી સમજી ગયા. એ પછી મારે તેમને કોઈ સૂચના આપવી ન પડી. સંવાદમાં દર વખતે તેઓ નવો અંદાજ, નવો ભાવ, અવાજમાં નવી ગુંજ લાવતા હતા. દર વખતે એ ડર લાગે તેવા અને પ્યારા લાગતા હતા. એક સાધારણ લાઇનમાં દર વખતે કંઈક નવું લાવવાને કારણે એ સંવાદ ઐતિહાસિક બની ગયો.’

‘મિ. ઇન્ડિયા’ રિલીઝ થઈ એ પછી ભારતની શારજાહમાં મૅચ રમાતી હતી અને શેખર ટેલિવિઝન પર એ મૅચ જોતા હતા. એમાં કપિલે સિક્સર મારી અને સ્ટેડિયમમાં કોઈકે બૅનર ઊંચું કર્યું. એ બૅનર પર રંગીન શબ્દોમાં લખ્યું હતું: મોગૅમ્બો ખુશ હુઆ.’

columnists raj goswami entertainment news bollywood mr india