શામ છુપાલે સૂરજ મગર રાત કો એક દિન ઢલના હી હૈ

18 June, 2021 01:19 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

આગળ વધવું એ તમારું કામ છે અને તમને પાછળ ધક્કો મારવો એ તકલીફોનું કામ છે. નક્કી તમારે કરવાનું છે કે તમારા કામને તમારે બેસ્ટ રીતે કરવું છે કે પછી સામે મોં ફાડીને ઊભેલી તકલીફોને, મુશ્કેલીઓને એના કામમાં તમે જીત અપાવવા માગો છો. ચૉઇસ ઇઝ યોર્સ, નક્કી તમે કરો

પ્રતીકાત્મક તસવીર

ક્યાં છો નાગેશભાઈ તમે? ૨૦૦૬માં રિલીઝ થયેલી તમારી ફિલ્મ ‘ડોર’નું આ ગીત આજે પણ મનમાં ઉમ્મીદ ભરી દે છે, મનમાં નવા હકારાત્મક વિચારોને જન્મ આપી દે છે. ક્યાં છો તમે? તમારી ફિલ્મના આ ગીતના આધારે તો અમે કેટકેટલી નબળી ક્ષણો પાસ કરી દીધી. નકારાત્મકતા હાંકી કાઢવા માટે, મનમાં સકારાત્મકતા ભરવા માટેની વૅક્સિન જો સૉન્ગના આધાર પર શોધવામાં આવે તો આ ગીત સૌથી અસરકારક વૅક્સિન ગણાય.

નો ડાઉટ અબાઉટ ધૅટ.

તમે લાઇન જુઓ સાહેબ, એક-એક. દિલમાં પૉઝિટિવિટીનાં ફૂલ ખીલી જાય.

યે હૌસલા કૈસે ઝુકે

યે આરઝૂ કૈસે રૂકે

મંઝિલ મુશ્કિલ તો ક્યા

ધુંધલા સાહિલ તો ક્યા

તન્હા યે દિલ તો ક્યા

યે હૌસલા કૈસે ઝુકે, યે આરઝૂ કૈસે રૂકે...

જ્યારે તમે કોઈનું શોષણ કરો, જ્યારે તમે કોઈનો ગેરલાભ લો ત્યારે એક નેગેટિવ વાઇબ્રેશન આપણા વ્યક્તિત્વમાં ઊભું થતું હોય છે. એ ખરાબ, એ નેગેટિવ ઊર્જા ક્યાંક અને ક્યાંક આપણી અંદર સંગ્રહિત થાય છે. આ જે અંદર સંગ્રહિત થાય છે એ નેગેટિવ એનર્જીનું મૅનિફેસ્ટેશન આપણને બીમારી તરફ ધકેલવાનું કામ કરે છે. સાયન્સનો સ્ટુડન્ટ છું અને એ પછી પણ હું ભારતીય છું એટલે સંસ્કાર, સંસ્કૃતિ અને સાંનિધ્યમાં પણ ભારોભાર વિશ્વાસ ધરાવું છું. નકારાત્મકતા માણસને ખાઈ જાય છે, નબળી કરી નાખે છે અને પછી એ નકારાત્મકતા માણસને ખાઈ જાય છે. પ્લેટમાં લઈને નહીં તો વિચારોથી એ આરોગી જાય છે. નકારાત્મકતા મનમાં રાખવી હાનિકારક છે એ તો સાઇકિયાટ્રિસ્ટો પણ કહેતા થઈ ગયા છે અને મોટિવેશનલ સ્પીકર્સ પણ છે. પુરવાર થઈ ચૂક્યું છે કે બીમાર એ જ હોય છે જેના મનમાં નકારાત્મકતા ભારોભાર ભરી છે.

આ વાત તમે ન માનતા હોય, માનવા તૈયાર ન હોય તો પ્લીઝ અહીં જ તમે અટકી જજો. તમારો સમય નહીં વેડફતા. આ એક વિનમ્ર સલાહ છે.

lll

જે વાતમાં વિશ્વાસ ધરાવે છે અને જે આ આર્ટિકલ આગળ વાંચવા તૈયાર છે તેમની સાથે વાત આગળ વધારીએ.

નેગેટિવ થૉટ્સ, નેગેટિવ ફીલિંગ્સ, નેગેટિવ ઍક્શન.

ખરાબ, નબળા, હલકા કહેવાય એવા વિચારો, લાગણી અને કૃત્યો આપણી અંદર કામ કરતી સકારાત્મક ઊર્જાને ક્ષીણ કરે છે, તોડીફોડી નાખે છે. મારા એક ઓળખીતા મિત્રની વાત કહું તમને. તેને કોઈ વ્યસન નહીં. એક પણ પ્રકારની ખરાબ આદત નહીં. ગુજરાતીઓ તમાકુવાળા પાનમસાલા કે પેલા ગુટખા પર તો જાણે જન્મસિદ્ધ અધિકાર હોય એમ એનું સેવન કરતા હોય છે પણ આ ભાઈને તો એ આદત પણ નહીં અને સિગારેટ કે દારૂનું વ્યસન પણ નહીં. સાદગીભર્યું જીવન અને એ પછી પણ તેમને માત્ર અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે કૅન્સર આવ્યું. કૅન્સરના નિદાન પછી તેણે જાતે જ એ વાતનો સ્વીકાર કર્યો કે તેને આવેલી આ બીમારી મનમાં રહેલાં નેગેટિવ થોટ્સ, નેગેટિવ ફીલિંગ્સ અને અજાણતાં લેવાયેલા નેગેટિવ ઍક્શનને કારણે હતી.

નકારાત્મકતા શરીરમાં, મનમાં રોગ બનીને ઘૂસતી હોય છે. કોઈના પ્રત્યેની ઈર્ષ્યા, કોઈના પ્રત્યે સતત કટુતા, વેરભાવ, જરૂર કરતાં વધુ મેળવી લેવાની અમર્યાદ લાલચ, મારું શું થશે એ ભય અને સૌથી વધુ મહત્ત્વની એવી બધું છોડીને ભાગવાની માનસિકતા. આ એવી નેગેટિવ એનર્જી છે જે મનમાં ઘર કરે છે અને પછી શરીરમાં પગપેસારો કરે છે. ડરવાની જરૂર નથી, લડવું જરૂરી છે. ભાગવું આવશ્યક નથી, પણ ભગાડવું અનિવાર્ય છે. મારા મોસ્ટ ફેવરિટ એવા ‘ડોર’ના આ ગીતમાં પણ એ જ કહ્યું છેને.

યે હૌસલા કેસે ઝુકે,

મંઝિલ મુશ્કિલ તો ક્યા

આપણી આત્મશ્રદ્ધા કેમ ડગે, કેવી રીતે હિંમત હારી શકાય?

ધુંધલા સાહિલ તો ક્યા,

તન્હા યે દિલ તો ક્યા

એ એનું કામ કરે છે, તમે તમારું કામ કરો છો. હિંમત તોડવાનું કામ એ કરશે અને તમારે એ હિંમતને એકત્રિત કરીને રાખવાની છે. એ તમને પછાડવાનું કામ કરશે અને તમારે પછડાટ ન મળે એના માટે સતત મહેનત કરતા રહેવાની છે. મહેનત કર્યા પછી પણ પછડાટ મળે તો પડ્યા નથી રહેવાનું. આ બૉક્સિંગ રિન્ગ છે. ઊભા નહીં થાઓ તો પૉઇન્ટ એ લઈ જશે એટલે ઊભા થવાનું છે, નવેસરથી વાર રોકવાના છે અને વાર કરતા પણ જવાના છે. જીતથી ઓછું કશું હોતું નથી અને હારથી ખોટું લાઇફમાં બીજું કશું નથી. નેગેટિવ નહીં થાઓ, નકારાત્મકતાને આસપાસ પણ નહીં આવવા દો. એકદમ સ્વસ્થતા સાથે કામ કરો અને આગળ વધો. કોરોના છે તો છે; એ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. ઑફિસમાં પૉલિટિક્સ છે તો છે; એ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. સિનિયર્સ ત્રાસ આપે છે. છો આપે, તેને એ જ કામ માટે લાવવામાં આવ્યા છે એટલે એ ત્રાસ પર ફોકસ કરવાને બદલે એકધારું આગળ વધતા જવાનું છે.

કહ્યું એમ, આ બૅટલ ફીલ્ડ છે અને બૅટલ ફીલ્ડમાં, આ બૉક્સિંગ રિન્ગમાં એક જ નિયમ છે.

રાહ પે કાંટે બિખરે અગર

ઉસપે તો ફિર ભી ચલના હી હૈ,

શામ છુપાલે સૂરજ મગર,

રાત કો એક દિન ઢલના હી હૈ

સુખનો સૂરજ આવશે અને આવનારા એ સુખના સૂરજની આશા આપતા વિચારો પર વિશ્વાસ રાખવો એ જ આપણું કર્મ છે. કર્મ પણ નિભાવવાનું છે અને જાતને ‘ડોર’ના આ ગીત સાથે જોડીને પૉઝિટિવ પણ રહેવાનું છે. જુઓ તમે આ શબ્દો, જુઓ એ શબ્દોની તાકાત તમે.

ઋત યે ટલ જાએગી,

હિંમત રંગ લાએગી

સુબહ ફિર આએગી

યે હૌસલા કેસે ઝુકે

ફિલ્મ ‘ડોર’, એના ડિરેક્ટર નાગેશ કુકુનૂર અને એના જે ગીતની આપણે વાત શરૂ કરી એની વધુ વાતો આવતા શુક્રવારે કરીશું, પણ એ પહેલાંનો એક નાનકડો ટાસ્ક. ફુલ વૉલ્યુમ સાથે આ ગીત સાંભળો અને એમાં રહેલી પૉઝિટિવિટીને બ્લડમાં ભેળવો. સાચે જ જુદી જ તાજગીનો અનુભવ થશે.

columnists