હું કેવી મા? એકદમ મારી મા જેવી...

08 May, 2022 07:53 AM IST  |  Mumbai | Jigisha Jain

આજે મધર્સ ડે નિમિત્તે જિગીષા જૈન આપણી મુલાકાત કરાવે છે કેટલીક એવી સફળ મહિલાઓને જેમણે મા બનવાનું શીખ્યું છે તેમની મા પાસેથી

દીકરી નિર્વી અને મમ્મી મનીષા પારેખ સાથે માનસી પારેખ ગોહિલ

દરેક દીકરી જ્યારે મા બને છે ત્યારે માતૃત્વની રાહ પર તે તેની માની પ્રતિકૃતિ બનીને જ આગળ વધતી હોય છે. મા બનવું તેને કોઈએ શીખવવું એટલે નથી પડતું, કારણ કે તેની આગળ તેની ખુદની માનું જીવતું-જાગતું ઉદાહરણ હોય છે. દરેક દીકરી માને ગમે એટલો પ્રેમ કરતી હોય; પરંતુ તે ખુદ મા બને એ પછી એ પ્રેમ અને મા પ્રત્યેના રિસ્પેક્ટમાં બમણી વૃદ્ધિ થાય છે, કારણ કે તે તેની માને ખુદ મા બન્યા પછી વધુ સમજી શકે છે. આજે મધર્સ ડે નિમિત્તે જિગીષા જૈન આપણી મુલાકાત કરાવે છે કેટલીક એવી સફળ મહિલાઓને જેમણે મા બનવાનું શીખ્યું છે તેમની મા પાસેથી

મને લાગતું કે હું મમ્મી જેવી સ્ટ્રિક્ટ નહીં બનું : માનસી પારેખ ગોહિલ, ઍક્ટ્રેસ, સિંગર અને પ્રોડ્યુસર

‘મારી માનો મારા જીવન પર અઢળક પ્રભાવ છે. આજે પણ નાનામાં નાની વાત મારે તેની સાથે શૅર કરવી હોય છે. અમારું બૉન્ડ એટલું બધું સ્પેશ્યલ છે કે હું ઇચ્છીશ કે મારી અને મારી દીકરી વચ્ચે પણ આવું જ બૉન્ડ હોય. મારી અંદર પણ મારી મા જ વસેલી છે એ મેં મા બન્યા પછી ઘણી વાર અનુભવ્યું છે. એ અનુભવ મને બળ આપે છે અને ધરપત પણ કે મારું પણ મારી દીકરી સાથે એવું બૉન્ડ બનશે જ, કારણ કે હું પણ મારી મમ્મી જેવી જ મમ્મી છું.’

આ શબ્દો છે ઍક્ટર, સિંગર અને ગુજરાતી ફિલ્મોનાં પ્રોડ્યુસર તરીકે પણ કામ કરતાં માનસી પારેખના. માનસી અને તેમની નાનકડી દીકરી નીર્વીના વિડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે. માનસી અને નીર્વી સાથે ગાતાં હોય એવો એક વિડિયો લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. સિંગર પાર્થિવ ગોહિલ અને માનસીની દીકરી નીર્વીને ગાતાં તો આવડતું જ હોય એવું લાગે, પરંતુ જે રીતે માનસી તેને ગાતાં શીખવતી હતી એ દ્વારા જોઈ શકાય છે કે તે બંને વચ્ચે કેટલું સ્ટ્રૉન્ગ બૉન્ડ છે.

માનસીનાં મમ્મી મનીષા પારેખ ટીચર છે. માનસીને પહેલેથી જ તેમણે સંગીત શીખવ્યું અને જુદી-જુદી જગ્યાએ શીખવા માટે, પર્ફોર્મન્સ માટે તેઓ તેને લઈ જતાં. ૧૦ વર્ષની ઉંમરથી માનસી આ રીતે પ્રોફેશનલી પણ ગાય છે. સ્કૂલનું ભણતર બિલકુલ ન બગડે, એની સાથે-સાથે તે રિયાજ પણ કરે, સંગીત શીખે, સ્ટેજ-શો કરે, કૉમ્પિટિશનમાં ભાગ લે એ બધું જ તે વ્યવસ્થિત કરી શકે એની પૂરી જવાબદારી તેમનાં મમ્મીએ લીધેલી. દરેક જગ્યાએ માનસી સાથે મનીષાબહેન જતાં જ. ભલે એના માટે અઢળક ટ્રાવેલ કરવું પડે. નાની ઉંમરમાં બાળક પાસેથી આટલું આઉટપુટ લેવું સહેલું તો નથી જ. એટલે શિસ્તબદ્ધતા અનિવાર્ય છે. ઘણી વાર બાળકસહજ વૃત્તિને કારણે જો માનસી કહે કે મારે ક્લાસમાં નથી જવું તો પણ મનીષાબહેન ચલાવતાં નહીં. કહેતાં કે જવું તો પડશે જ.

એ વિશે વાત કરતાં માનસી કહે છે, ‘હું જીવનમાં કંઈક કરી શકું, બની શકું અને આગળ વધી શકું એ માટે મારી મા સતત લાગેલી રહી. નાનપણમાં ખાવાના, સૂવાના અને ટાઇમ પર બધું કરવાના તેના દુરાગ્રહને કારણે મને ખૂબ એવું લાગતું કે હું આવી સ્ટ્રિક્ટ નહીં બનું. જોકે હાસ્યાસ્પદ વાત એ છે કે નીર્વી માટે આજે કોઈ વાર તો હું મારી મમ્મી કરતાં પણ વધુ સ્ટ્રિક્ટ બની જાઉં છું અને એને લીધે ક્યારેક મમ્મી મને કહે છે કે આટલું શું સ્ટ્રિક્ટ થવાનું? ત્યારે હું મમ્મીને કહું છું કે ના, એ જરૂરી છે તેના માટે. ત્યારે મમ્મી કંઈ નથી કહેતી. બસ, હસી લે છે. જાણે કહેતી હોય કે હા બેટા, હવે તને સમજાય છે કે એ જરૂરી છે. હકીકત એ છે કે હું મોટી થઈ એ પછી મને સમજાયું કે આ નિયમો અને શિસ્ત કેમ જરૂરી હતાં. કંઈ પણ અચીવ કરવા માટે એ ખૂબ જરૂરી બની જતું હોય છે.’

પોતાની હેલ્ધી ફૂડ-હૅબિટ્સની ક્રેડિટ પણ માનસી તેમનાં મમ્મીને જ આપે છે. દેશી ખોરાક પ્રત્યે પ્રેમ ધરાવતાં માનસી કહે છે કે ડિલિવરી પછીના ચાર મહિના હું મમ્મીને ત્યાં જ વડાલામાં હતી. મારું ખાવા-પીવાનું તેણે અઢળક ધ્યાન રાખ્યું છે. બધા જ દેશી નુસખાઓ જે મમ્મીઓને ખબર હોય એ તેણે ફૉલો કર્યા છે અને તે માને છે કે એને કારણે જ તે અને નિર્વિ બંને એકદમ હેલ્ધી રહ્યાં હતાં. પોતે જીવનમાં શું-શું શીખી એ બાબતે વાત કરતાં માનસી કહે છે, ‘મને નાનપણથી મારી મમ્મીએ સ્ટ્રગલ કરવા દીધી. જાતે દરેક વસ્તુ અચીવ કરવાની, ખુદ શીખવાનું અને ખુદ પામવાનું. કેટલા વીસે સો થાય એ સમજણ અમારામાં આવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. એટલે જ આજે પણ હું અતિ મહેનતમાં માનું છું. ઘણું અચીવ કરી લીધું, હવે શાંતિ છે એવો ભાવ આવતો જ નથી. હજી પણ દરેક કામમાં એટલી જ મહેનત અને લગન હું રાખું છું, કારણ કે નાનપણથી મમ્મીએ એમ શીખવેલું છે અને ઇચ્છું છું કે નીર્વી પણ મારી પાસેથી જ એ જ શીખે.’

માએ મને સમજાવ્યું હતું કે બાળક ૧૪ વર્ષનું થાય પછી તે તમારું મિત્ર બની જવું જોઈએ : અલ્પના બુચ, ઍક્ટ્રેસ

દીકરી ભવ્યા અને મમ્મી કુસુમ છેલ વાયડા સાથે અલ્પના બુચ

‘વર્કિંગ મધર્સના જીવનનો સૌથી મોટો ટાસ્ક હોય છે વર્ક લાઇફ અને પર્સનલ લાઇફને બૅલૅન્સ કરવી. પોતાના કામની સાથે પોતાના બાળકને પણ ક્વૉલિટી ટાઇમ આપવો. પોતાના વર્તમાન સાથે બાળકના ભવિષ્યને પણ ઘડવું જે ઘણીબધી સ્ત્રીઓ માટે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બનતું હોય છે. જોકે મારા માટે એ થોડું સરળ હતું, કારણ કે મારી મમ્મી ખુદ વર્કિંગ વુમન હતી. મારી પાસે તેનું ઉદાહરણ હતું. તે કઈ રીતે બધું બૅલૅન્સ કરીને ચાલી શકતી એ મેં જોયેલું એટલે તેના પગલે હું ચાલી શકી અને માતૃત્વ નિભાવી શકી.’

આ શબ્દો છે જાણીતાં ઍક્ટર અલ્પના બુચના. અલ્પનાબહેનનાં મમ્મી કુસુમ છેલ વાયડા શિક્ષક હતાં. તેઓ સ્કૂલમાં સંસ્કૃત ભણાવતાં. જોકે સતત તેઓ ખુદ પણ શીખતાં રહેતાં હતાં. અલ્પનાબહેન પોતાની બારમાની એક્ઝામ આપવાનાં હતાં ત્યારે તેમનાં મમ્મી ગુજરાતી વિષયમાં બીએ કરી રહ્યાં હતાં. એ વિશે વાત કરતાં અલ્પનાબહેન કહે છે, ‘મારી મમ્મીને મેં ક્યારેય શાંતિથી પગ વાળીને બેઠેલી જોઈ નથી. તેને સતત ભાગતાં, કામ કરતાં અને જવાબદારીઓ નિભાવતાં જ જોઈ છે. તે હજી ૭૯ વર્ષે પણ એટલી ઍક્ટિવ છે કે ક્યારેક તો તેને રોકવી પડે છે કે બસ, હવે આ ઉંમરે શાંતિથી બેસ. તે ખૂબ જ વર્કોહોલિક રહી છે. આજના સમયે સ્ત્રીઓ પાસે આટલી હાઉસહેલ્પ હોય છે જેથી કામ કરવું સરળ બને છે, પરંતુ એ સમયમાં તો હાઉસહેલ્પ જેવું કંઈ હતું જ નહીં. ઘરનાં બધાં કામ, બાળકોનું ધ્યાન, તેમને ભણાવવાની જવાબદારી, મમ્મીની જૉબ અને સાથે પાછું તેનું ભણતર; પણ આ બધું તે ખૂબીથી નિભાવી જાણતી. એ ખૂબીને મેં દિલથી અપનાવવાની કોશિશ કરી છે.’

અલ્પનાબહેનની દીકરી ભવ્યા આર્ટ ડિરેક્શનમાં ઘણું કામ કરી રહી છે. તે સાડાચાર મહિનાની હતી ત્યારથી અલ્પનાબહેને કામ શરૂ કર્યું. ભવ્યાને મોટી કરવામાં તેમનાં સાસુનો ખૂબ મોટો ફાળો છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘વર્કિંગ મધર માટે તેના બાળકને એ ફીલ આપવી જરૂરી છે કે મમ્મી ફિઝિકલી અહીં નથી, પરંતુ હંમેશાં તને જરૂર હશે ત્યારે તે તારા માટે હાજર રહેશે. મારી મમ્મીએ અમને આ ફીલિંગ સ્ટ્રૉન્ગલી આપેલી. મેં પણ એવા જ પ્રયત્નો કર્યા છે અને એ બાબતે હું હંમેશાં તેને કહેતી કે ભવ્યા, હું તારી પાસે નથી પણ હું હંમેશાં તારી સાથે જ છું.’ 
કુસુમબહેને અલ્પનાબહેન દીકરી છે એમ સમજીને તેમના પર ક્યારેય કોઈ બંધનો રાખ્યાં નહોતાં. તેઓ જુનવાણી નહોતાં. મમ્મીએ આપેલી આ આઝાદી દરેક દીકરી માટે તેની તાકાત બની જતી હોય છે એ સારી રીતે સમજતાં અલ્પનાબહેન કહે છે, ‘ભવ્યા પર પણ મેં ક્યારેય કોઈ રોક નથી રાખી. એટલે જ આજે પણ તેના મનમાં કોઈ પણ વાત હોય તો તે પહેલાં મને કહે છે. મા-દીકરી વચ્ચે આ પ્રકારનું બૉન્ડ હોય તો રોકટોકની જરૂર જ ન પડે. મારી માએ મને સમજાવ્યું હતું કે બાળક ૧૪ વર્ષનું થાય પછી તે તમારું મિત્ર બની જવું જોઈએ અને તેના કહ્યા મુજબ ભવ્યા અને મારી વચ્ચે આ બૉન્ડ અમે પ્રસ્થાપિત કર્યું છે. ઘણી વખત મને લાગ્યું છે કે હું મારી માનું જ પ્રતિબિંબ છું અને એ વાતનો મને ભારોભાર ગર્વ છે.’ 

મા બન્યા પછી વધુ સમજાય કે મારી મા કેટલી સાચી હતી : આભા સિંહ, વકીલ, લેખિકા, ઍક્ટિવિસ્ટ

મમ્મી તારાબહેન સાથે આભા સિંહ અને ઇશા સિંહ નાની સાથે

‘જ્યારે મા બની ત્યારે એક વસ્તુ નક્કી હતી કે મારી માએ જે ઉછેર મને આપ્યો છે એ હું મારાં બાળકોને આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. આજે હું જે કંઈ પણ છું એનું ૧૦૦ ટકા શ્રેય હું મારી માને આપું છું. હું ફક્ત મા બનતાં જ નહીં, માણસ બનતાં પણ તેમની પાસેથી જ શીખી છું. આજે મારાં બાળકો આભા સિંહનાં બાળકો તરીકે ઓળખાય છે, પરંતુ મારાં બાળકો જે કંઈ હાંસલ કરી શક્યાં છે એનું શ્રેય હું ગર્વથી તેમનાં નાનીને આપું છું; કારણ કે તેમણે મારા પાલન-પોષણમાં જ નહીં, મારાં બાળકોના પાલન-પોષણમાં પણ પોતાની જાત રેડી છે.’

આ શબ્દો છે મુંબઈનાં એક સમયનાં સિવિલ સર્વન્ટ અને બૉમ્બે હાઈ કોર્ટનાં વકીલ આભા સિંહના. આભા સિંહ ઉત્તર પ્રદેશના ઠાકુર એટલે કે રાજપૂત પરિવારનાં દીકરી છે. તેમનાં મમ્મી શ્રીમતી તારા સિંહે એ સમયમાં હિસ્ટરીમાં એમએ કરેલું, પરંતુ રાજપૂત પરિવારની વહુ નોકરી તો ન કરે એટલે તેમણે નક્કી કર્યું હતું કે જે મને કરવા નથી મળ્યું એ હું મારાં બાળકોને અને ખાસ કરીને મારી દીકરીઓને કરાવીશ. તેમણે તેમની દીકરી આભા પાછળ ખાસ્સી મહેનત લીધી હતી. એ વિશે વાત કરતાં આભા સિંહ કહે છે, ‘તેમનું કહેવું હતું કે લખનઉની બેસ્ટ સ્કૂલમાં જ મારી દીકરી ભણશે. એ માટે સતત ત્રણ વર્ષ મેં અલગ-અલગ સ્કૂલોમાં એક્ઝામ આપી અને ફાઇનલી બેસ્ટ સ્કૂલમાં જ હું ભણી. એ સમયમાં દીકરીને ઘરથી દૂર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભણવા મોકલી. એ માટે આખા સમાજ સામે તે લડી. તેનું સપનું હતું કે હું યુપીએસસી હું પાસ કરું. મારી એક યુપીએસસી એક્ઝામ વખતે મારા પાંચ વર્ષના દીકરાને એક્ઝામ હૉલની બહાર લઈને મારી મમ્મી ઊભી હતી. આનાથી વધારે સપોર્ટ વિશે તો હું શું કહું.’

ખૂબ ભણેલાં, હોશિયાર, દેખાવડાં અને એકદમ મુક્ત વિચારો ધરાવતાં આભા સિંહે લગ્ન તેમની માની પસંદથી કર્યાં છે. સગાઈના દિવસ સુધી તેમણે તેમના પતિને જોયા નહોતા કે મળ્યા પણ નહોતા એ માનવામાં ન આવે એવી વાત પાછળનું કારણ સ્પષ્ટ કરતાં આભા સિંહ કહે છે, ‘મારે તો લગ્ન જ નહોતાં કરવાં. માએ કહ્યું કે કરવાં જ જોઈએ. એક દિવસ તે મારી પાસે આવી. તેણે કહ્યું કે એક છોકરો છે. એક પણ વ્યસન નથી તેને અને તેના ઘરના લોકો વગર દહેજે દીકરી ઇચ્છે છે. આટલા ફૉર્વર્ડ વિચારો ધરાવતું ઘર તને બીજે ક્યાંય નહીં મળે એટલે લગ્ન કરી લે. માએ સમજાવી એટલે તેના પર વિશ્વાસ રાખીને એક સાવ અજાણી વ્યક્તિ સાથે મેં લગ્નની હા પાડી. જોકે એ મારી માનો મારા માટેનો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થયો.’

આભા સિંહની દીકરી ઈશા સિંહે હાલમાં જ આઇપીએસની એક્ઝામ ક્લિયર કરી છે અને હાલમાં હૈદરાબાદ ટ્રેઇનિંગમાં છે. તેમનો દીકરો આદિત્ય પ્રતાપ સિંહ વકીલ છે અને આભા સિંહ સાથે જ પ્રૅક્ટિસ કરે છે. આભા સિંહનાં આ બંને બાળકોને નાનપણથી ખૂબ ભણવાનું અને એક પદવી સુધી પહોંચવાનું સપનું ફક્ત આભા સિંહનું નહીં, તેમનાં નાનીનું પણ હતું. એ માટે નાનપણથી બાળકોને ભણવા બાબતે શિસ્તબદ્ધ કરવામાં આવ્યાં હતાં. વેકેશનમાં બાળકો નાના-નાનીના ઘરે ફરવા અને મજા કરવા જાય. આ બંને બાળકો તેમના ઘરે ભણવા જતાં. નાનીનો પોતાના જીવન પરનો પ્રભાવ જણાવતાં હસતાં-હસતાં ઈશા કહે છે, ‘એક્ઝામની તૈયારી વખતે હું ત્રણ-ચાર વાગ્યે સફાળી જાગી જતી; કારણ કે મને નાનીના અવાજો સંભળાતા કે બેટા, ભણ, ભણીશ નહીં તો નહીં ચાલે.’

તમે યુવાન હો ત્યારે તમારી મા તમારા પર જેટલી પાબંદીઓ લગાવે, તમને જે વસ્તુ કરતાં રોકે કે તેનું અમુક પ્રકારનું વર્તન તમને કઠે અને ત્યારે તમે સબ-કૉન્શ્યસ્લી વિચારી લો કે મારું બાળક થશે ત્યારે હું આવી મમ્મી નહીં બનું, હું આવું તો નહીં જ કરું. જોકે જ્યારે છોકરી મમ્મી બને ત્યાર પછી તેને સમજાય છે કે જે બાબતોથી તેને વાંધો હતો તે પોતે એ જ બાબતોને વળગીને ચાલી રહી છે. એટલે અંતે તે પણ તેની મા જેવી જ બની ગઈ છે. એ બાબતે સહેમત થતાં આભા સિંહ કહે છે, ‘મા બન્યા પછી વધુ સમજાય કે મારી મા કેટલી સાચી હતી. તે સ્ટ્રિક્ટ અને ફોકસ્ડ હતી એટલે જ હું આટલી આગળ વધી શકી. એટલે મારે પણ મારાં બાળકો માટે એવી જ મમ્મી બનવાનું છે એ મેં વિચારી લીધેલું. માતૃત્વમાં ડગલે ને પગલે તમને એ અહેસાસ થાય કે તમારા બાળક માટેના નિર્ણયો અંતે એવા જ છે જે તમારી માએ તમારા માટે લીધા હતા. હું મારી જાતને નસીબદાર માનું છું કે મારી આગળ માનું જે આદર્શ રૂપ છે એ જ એટલું મહાન છે કે મારે તો બસ, એને ફૉલો જ કરવાનું છે.’ 

મને લાગતું કે મમ્મીએ જેમ તેની ફરજ નિભાવી એમ મારે પણ એ કરવાનું જ છે : વિભૂતિ પટેલ, ઇકૉનૉમિસ્ટ અને સમાજસેવિકા

મમ્મી પ્રવીણા પટેલ સાથે વિભૂતિ પટેલ. દીકરી  લારા જેસાણી સાથે વિભૂતિ પટેલ

‘માતૃત્વ માટે સ્ત્રીને ઘડવી નથી પડતી એનું કારણ કદાચ આ જ છે કે દરેક દીકરી તેની મા પાસેથી જાણતાં-અજાણતાં માતૃત્વના પાઠ ભણી જ લેતી હોય છે. મારું પણ એવું જ છે. જ્યારે મને ખબર પડી કે હું પ્રેગ્નન્ટ છું એ સમયે સમાજસેવામાં રત સ્ત્રીઓ તો લગ્ન અને બાળકોમાં પડતી જ નહીં, કારણ કે આટલાં કામ કેવી રીતે થાય બાળક સાથે? પરંતુ મારી માએ મને કહ્યું હતું કે તું જરાય ચિંતા ન કર, તારું કામ ક્યારેય નહીં અટકે બાળકને કારણે. એ દિવસે માની આંખમાં જે બળ મેં જોયું હતું એ બળે જ મને માતૃત્વનો આત્મવિશ્વાસ બક્ષ્યો હતો.’ 
આ શબ્દો છે મુંબઈનાં જાણીતાં સમાજસેવિકા અને ઇકૉનૉમિસ્ટ વિભૂતિ પટેલના. વિભૂતિબહેનનાં મમ્મી પ્રવીણાબહેન પટેલનો ૨૦૧૫માં સ્વર્ગવાસ થયો. એમાંથી બહાર આવવું વિભૂતિબહેન અને તેમના પરિવાર માટે અઘરું હતું, કારણ કે વર્ષોથી વડોદરામાં રહેતાં વિભૂતિબહેનનાં મમ્મી તેમનાં મમ્મી ઓછાં અને મિત્ર વધુ હતાં. એ વિશે વાત કરતાં વિભૂતિબહેન કહે છે, ‘તેઓ મારાથી ૧૮ જ વર્ષ મોટાં એટલે અમે મા-દીકરી કરતાં મિત્રો વધુ હતાં. મને જ્યારે પણ જરૂર પડે ત્યારે તે મારા પડખે ઊભી જ હોય. એ શક્ય જ નથી કે મને જ્યારે જરૂર હોય ત્યારે મારી મા મારી પાસે ન હોય. એ તેની ખૂબ કૃપા હતી અમારા પર.’

પ્રવીણાબહેન પણ ભણેલાં-ગણેલાં અને બાળકોના સર્વાંગી વિકાસના હિમાયતી હતાં એટલે તેઓ એકલાં જ બાળકોને જુદાં-જુદાં સ્થળોએ ફરવા લઈ જતાં. એમાં મ્યુઝિયમનો પણ સમાવેશ થતો. એ વિશે વાત કરતાં વિભૂતિબહેન કહે છે, ‘મને હજી પણ યાદ છે કે મમ્મી અમને જુદા-જુદા મ્યુઝિયમમાં ફરવા લઈ જતી. અમને ત્યાંની બુકલેટ ખરીદીને આપતી જેનાથી એ બધું સમજાય અને જાણવાનું મળે. મારી દીકરી લારા નાની હતી ત્યારે તેને હિસ્ટરીમાં રસ જ પડતો નહોતો. ત્યારે મને થયું હતું કે આવું તો નહીં ચાલે. જેમ મમ્મી અમને લઈ જતી એમ હું લારાને લઈને મ્યુઝિયમોમાં ફરી છું. મને લાગતું કે મમ્મીએ તેની ફરજ નિભાવી એમ મારે પણ એ કરવાનું જ છે.’

વિભૂતિબહેનનાં મમ્મી ખૂબ જ દયાળુ અને સ્નેહાળ. લોકોનું દુખ-દર્દ સમજે અને લોકોની બનતી મદદ કરી છૂટે એવાં. તેમનામાંથી જ વિભૂતિબહેનમાં સમાજ પ્રત્યેનું સમર્પણ અને સેવાનો ભાવ રોપાયો. એ તેમની દીકરીમાં પણ આવે એવી તેમણે કાળજી લીધેલી. એ વિશે વાત કરતાં વિભૂતિબહેન કહે છે, ‘તે નાની હતી ત્યારથી મારી લડતની સાક્ષી રહી છે. એ સમયે મોબાઇલ નહોતા. લોકો સમજે કે તમે સમાજસેવક છો તો મદદ માટે સીધા ઘરે જ આવી જાય. લારા આ બધાને જુએ, મને તેમની મદદ કરતાં જુએ એટલે તેનામાં એ ગુણો જાણે કે આવી જ ગયા. તે પ્રી-સ્કૂલમાં હતી ત્યારે તેની સ્કૂલમાંથી તેને આરે કૉલોની પિકનિક માટે લઈ ગયેલા. ત્યારે તેને પોતાને ભૂખ લાગી હોવા છતાં પોતાનો ડબ્બો ત્યાંનાં આદિવાસી બાળકોને આપી દીધેલો, કારણ કે તેઓ ભૂખ્યાં હતાં. ત્યારે મને સમજાયું હતું કે મોરનાં ઈંડાંને ચીતરવાં નથી પડતાં. એક દિવસ હું તેના માટે નવું સ્વેટર લાવેલી તો તેણે શરત મૂકી કે અનાથાશ્રમનાં બાવીસ બાળકો માટે તું જ્યાં સુધી સ્વેટર નહીં લાવે ત્યાં સુધી હું આ પહેરીશ જ નહીં.’

પ્રવીણાબહેને વિભૂતિબહેનને બેઝિક રસોઈ કરવી, ઘર કેમ સાફ રાખવું એ બધું પણ ફરજિયાત શીખવેલું; કારણ કે તેઓ માનતાં કે સ્વાવલંબન માટે એ જરૂરી છે. આ ભાવ સાથે જ લારાને પણ તેમણે એ બધું શીખવ્યું, કારણ કે તેઓ ખુદ પણ આ સિદ્ધાંતમાં માને છે. ૫૦ પકવાન બનાવતાં આવડવું જોઈએ એવું તેઓ જરાય માનતાં નથી, પરંતુ કુકિંગ એક બેઝિક લાઇફ-સ્કિલ છે જે આવડવી જરૂરી છે એમ તેઓ માને છે.

વિભૂતિબહેનની દીકરી લારા જેસાણી એન્વાયર્નમેન્ટલ લૉયર છે અને હાલમાં કોરોનાકાળમાં તેણે અઢળક સમાજસેવા કરી છે. વિભૂતિબહેનને કારણે પહેલેથી જ લારા માનવતાવાદી છે, કારણ કે વિભૂતિબહેનને એક મા તરીકે પોતાના બાળકમાં આ બીજ રોપવું ખૂબ જ અગત્યનું લાગતું. એ વિશે વાત કરતાં વિભૂતિબહેન કહે છે, ‘મારી માને એમ હતું કે અમારામાં સંસ્કારો પૂરા આવે. મને આજે પણ યાદ છે કે અમે ગરીબોને ખવડાવવા જતા તો તે અમને શીખવતી કે નીચા નમીને પ્રેમથી દાન કરો. લારામાં પણ આ બાબતો આવે એની કાળજી મેં અને મારી મા જેનો લારાની પરવરિશમાં ઘણો મોટો ફાળો છે બંનેએ લીધેલી.’

મારી મમ્મીની જેમ મારી દીકરીને પણ કહી દીધેલું કે ભણવું તો પડશે જ : ડૉ. ઝીનલ ઉનડકટ શાહ, પીડિયાટ્રિશ્યન અને લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટ

દીકરીઓ ત્રિશા-આધ્યા અને મમ્મી નૈના સાથે ડૉ. ઝીનલ ઉનડકટ

‘મા ખૂબ ભણેલી હોય કે ઓછું ભણેલી, પરંતુ પોતાના બાળક માટે તે એક શ્રેષ્ઠ શિક્ષક બને છે જે તેને જીવનના પાઠ શીખવે છે. મારી મા પાસેથી મેં જીવનના આ જ પાઠ ભણ્યા છે અને આજે એ જ પાઠ હું મારી દીકરીઓને ભણાવું છું. હા, હું મારી માથી ઘણું વધારે ભણેલી છું, એ ભણતરને કારણે અમારા વિચારોમાં ઘણું અંતર છે અને કદાચ બાળઉછેરમાં પણ અમુક સમય મુજબનો ફરક હોઈ શકે; પરંતુ માતૃત્વની ફરજો નિભાવવાની રીત બંનેની સાવ સરખી છે.’

આ શબ્દો છે પીડિયાટ્રિશ્યન અને લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર ડૉ. ઝીનલ ઉનડકટ શાહના. સાંભળવામાં સાઠના દશકની ફિલ્મી સ્ટોરી લાગે એવી ડૉ. ઝીનલની લાઇફ રહી છે. નાનપણથી ઝીનલે તેમના પરિવાર સાથે ઘણાં કષ્ટો વેઠ્યાં હતાં. એક સમય એવો હતો કે તેમની પાસે બે જ જોડી કપડાં હતાં એ ધોઈ-સૂકવીને વારાફરતી તેમણે પહેરવાં પડતાં. આ પરિસ્થિતિમાં ડૉ. ઝીનલનાં મમ્મી નૈના ઉનડકટને એક વસ્તુ મગજમાં સ્પષ્ટ હતી કે કંઈ પણ થાય, મારે મારી દીકરીને ભણાવવી છે. એ યાદ કરતાં ડૉ. ઝીનલ કહે છે, ‘મારા ઘરમાં બધા કંઈ ખાસ ભણેલા-ગણેલા નહોતા. મમ્મી પણ એકદમ ઘરેલુ હતી. હાઉસવાઇફ જેમ ઘરમાં જ રચેલી-બેસેલી હોય એવી. જોતાં લાગે કે બહુ સ્ટ્રૉન્ગ ઓપિનિન નહીં હોય તેનો. જોકે તેનાં બાળકો માટે તે ખૂબ સ્ટ્રૉન્ગ હતી. એટલી સ્ટ્રૉન્ગ કે તેણે મનમાં નક્કી કરી લીધેલું કે મારી દીકરી ભણશે જ. મને ભણાવવા પાછળ તેણે દિવસ-રાતનો ભોગ આપ્યો છે. મારે ડૉક્ટર બનવું હતું એ માટે એક માર્કથી હું રહી ગઈ અને મને સરકારી કૉલેજમાં ઍડ્મિશન ન મળ્યું તો એ સમયે મારા માટે દોઢ લાખની લોન લીધી અને મને ડૉક્ટર બનાવી.’

ડૉ. ઝીનલની એક દીકરી આધ્યાપણ મેડિસિનનું જ ભણી રહી છે. એ વિશે વાત કરતાં ડૉ. ઝીનલ કહે છે, ‘આધ્યાનાની હતી ત્યારથી મારી મમ્મીની જેમ મેં તેને ક્લિયર કરેલું કે ભણવું તો પડશે જ. મારા જીવનમાં અઢળક ચડાવ-ઉતાર આવ્યા છે જેની સામે હું ફક્ત એટલે ટકી રહી કે મારું ભણતર મારી સાથે હતું. એટલે આદ્યાને પણ મેં એ જ સમજાવેલું કે જીવનમાં કંઈક બનવું જરૂરી છે અને એ માટે ભણવું પડશે. તે ભણશે નહીં તો નહીં ચાલે એ નક્કી હતું. અમારી પરિસ્થિતિ એવી હતી કે મમ્મી જ્યારે મને ભણતરનું કહેતી તો હું સમજતી કે કંઈક બનવું, કમાવું દરેક વસ્તુ અમારા માટે જરૂરી છે. જોકે આધ્યાઆવી ત્યારે હું કમાતી હતી એટલે તેણે એ ખરાબ દિવસો જોયા નહોતા. આ પરિસ્થિતિમાં ભણતરની કે કંઈક બનીને બતાવવાની ગંભીરતા કદાચ નહીં આવે તો? એ પ્રશ્ન મને હતો. જોકે એવું કંઈ થયું નહીં, કારણ કે જેમ મારી માએ મારામાં ભણવાનું જ છે એ દૃઢપણે રોપ્યું હતું એ જ હું આદ્યામાં રોપવામાં સફળ રહી હતી.’

ડૉ. ઝીનલની બીજી દીકરી ત્રિશા પણ હાલમાં કૅનેડા ભણે છે અને તે પણ ભણતર અને પોતાની કરીઅરને લઈને ખૂબ ફોકસ્ડ છે. નૈનાબહેન ડૉ. ઝીનલની તાકાત બનીને તેમની સાથે હંમેશાં રહ્યાં છે. ડૉ. ઝીનલ પ્રેગ્નન્ટ હતાં ત્યારે બાળકને રૅર જિનેટિક ડિસઑર્ડર હોવાની પૂરી શક્યતા હતી. ત્યારે તે ખૂબ ગભરાઈ ગયાં હતાં. એ યાદ કરતાં તેઓ કહે છે, ‘એ સમયે મને મમ્મીએ કહ્યું હતું કે કંઈ નહીં થાય તારા બાળકને, ચિંતા ન કર. મમ્મીના આ શબ્દો મારી તાકાત હતા. એ સમયે પ્રેગ્નન્સીમાં ટ્રાવેલ ન કરવા માટે હું નાયર મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં રહીને ભણતી હતી. મારી મમ્મી છેક અંધેરીથી દરરોજ જમવાનું લઈને મને હૉસ્ટેલ પર મળવા આવતી. તેના આ પ્રેમ, કાળજી અને સમર્પણનું એ ફળ હતું કે હું એટલી પૉઝિટિવ રહી શકી કે મારું બાળક વગર કોઈ બીમારીએ નૉર્મલ રીતે જન્મ્યું. મમ્મીના બિનશરતી પ્રેમ અને સપોર્ટ થકી હું ઘણું અચીવ કરી શકી છું. આવો જ સપોર્ટ હું મારી બંને દીકરીઓને આપું છું અને આપતી રહીશ.’ 

columnists mothers day Jigisha Jain