કૉલમ : સવાઈ મમ્મી

12 May, 2019 02:04 PM IST  |  | અલ્પા નિર્મલ

કૉલમ : સવાઈ મમ્મી

સવાઇ મમ્મી

આજે મધર્સ ડેના દિવસે મળીએ એવા લોકોને જેમની પાસે જન્મદાતા માતા હોવા છતાં તેઓ સંબંધી સ્ત્રીઓ પાસે જ મોટા થયા છે અને તેમના જીવનઘડતરમાં માથી વિશેષ સાબિત થયા છે

મા તૂઝે સલામ

ક્રિકેટના ગૉડ સચિન તેન્ડુલકર તેની લાઇફસ્ટોરીમાં અને અનેક પર્સનલ લાઇફના ઇન્ટરવ્યુમાં તેનાં કાકીનો ઉલ્લેખ ઘણી વખત કરે છે. ભાઈ અજિતના કહેવાથી જ્યારે સચિનના પેરન્ટ્સ તેને ક્રિકેટનું કોચિંગ અપાવવાનું નક્કી કરે છે ત્યારે કોચ રમાકાંત આચરેકર પાસે ટ્રેઇનિંગ લેવા દાદરની શારદાશ્રમ સ્કૂલમાં સચિનનું ઍડમિશન લેવામાં આવે છે. હવે બાંદરાના તેના ઘરથી સ્કૂલ વચ્ચે ખાસું અંતર, આથી સચિનના કાકા તેને પોતાના ઘરે રાખે છે. માસ્ટર બ્લાસ્ટર કહે છે, ‘હું તનતોડ પ્રૅક્ટિસ કરીને આવતો ત્યારે એવો થાકી જતો કે ઘરે જઈ ખાધાપીધા વગર એમ ને એમ સૂઈ જતો. ત્યારે કાકી મને, ૧૪ વરસના છોકરાને ઊંઘમાં કોળિયા ભરાવતાં અને જમાડતાં. આવું અનેક વખત બન્યું છે. મારા ઘડતરમાં કાકીના પ્રેમ અને માવજતે બહુ મહત્વનો રોલ ભજવ્યો છે. તેમણે મને જન્મ નથી આપ્યો, પણ મા તેના સંતાન માટે કરે તેથી વધુ મારું ધ્યાન રાખ્યું છે.’

હા, અમુક લોકો એવા નસીબદાર હોય છે જેમને કાકી, મામી, માસી, દાદી, ફોઈ પાસેથી મા કરતાં પણ વિશેષ વાત્સલ્ય અને કેળવણી મળે છે. મળીએ એવી વ્યક્તિઓને જેઓ જન્મદાતા માતા હોવા છતાં સંબંધી સ્ત્રીઓ પાસે જ મોટા થયા છે અને એ તેમના જીવનઘડતરમાં માતાથી વિશેષ સવાઈ માતા સાબિત થયાં છે.

પાંચ માતાનો અસીમ પ્રેમ મને મળ્યો છે

ચંદા હૈ તૂ, મેરા સૂરજ હૈ તૂ, ઓ મેરી આંખો કા તારા હૈ તૂ... ફિલ્મ ‘આરાધના’માં બાળ નાયકની માતા જ તેના માટે આ ગીત ગાય છે, પણ ૫૭ વરસના નીતિન શ્રોફ એવા નસીબના બળીયા છે કે તેમનાં નાનીમા, ત્રણ માસીઓ અને મામી માટે નીતિન ચાંદ, સૂરજ અને તારા હતા અને છે. મીરા રોડ - ઈસ્ટમાં રહેતા નીતિનભાઈનાં નાની તો હવે રહ્યાં નથી, પરંતુ તેમનાં ત્રણેય માસીઓ અને મામી હજુ તેમને લાડ લડાવે છે. નીતિનભાઈ કહે છે, ‘હું છ મહિનાનો હતો ત્યારે નાની મને તેમના ઘરે લઈ ગયાં. મારા પપ્પાની બૅન્કમાં જૉબ હતી. એમાં ગુજરાતનાં નાનાં-મોટાં ગામોમાં તેમની બદલી થતી રહેતી. નાનપણમાં મારી તબિયત પણ સારી નહોતી રહેતી. ત્યારે હું એક ઠેકાણે રહું, અને મારી હેલ્થ સારી રહે એ માટે મારાં નાનીમા મને તેમની સાથે અંધેરી લઈ આવ્યાં. ત્યારે મારાં ત્રણ માસીઓનાં લગ્ન નહોતાં થયાં. બસ પછી તો બા ને માસીઓના હાથમાં ને હાથમાં જ રહ્યો. માસીઓનો એવો હેવાયો હતો કે એક માસીનાં લગ્નના દિવસે તેમણે પહેલાં મને થાબડીને સુવાડ્યો પછી બિદાઈ થઈ. પાંચ વરસનો થયો ત્યાં મામી પરણીને આવ્યાં. મામી ખૂબ સ્નેહાળ. સ્કૂલે લેવા-મૂકવા આવે, હોમવર્ક કરાવે, બધું જ ધ્યાન રાખે. એક મા પોતાના દીકરાની સારસંભાળ કરે એથી વધુ કૅર કરે. નાનીમાનું વહાલ ને મામીની માવજતે મને ક્યારેય મમ્મીની યાદ નહોતી અપાવી. મામીને દીકરી અને દીકરો આવ્યાં તોય મારા પ્રત્યે લાગણીની રેલમછેલ.’

સ્કૂલ પછી નીતિનભાઈએ કૉલેજ કરી એ પણ નાનાના ઘરેથી જ. ભણ્યા પછી મામા સાથે તેમના મેડિકલ સ્ટોરમાં કામકાજ શરૂ કર્યું. નાનાજી, નાનીમા, મામા, મામી અને કઝિને ક્યારે એવું લાગવા નથી દીધું કે તે આ કુટુંબના નથી. લગ્નની ઉંમર થતાં નીતિનભાઈએ કાશ્મીરાબહેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. ત્યારે નીતિનભાઈનાં મમ્મી-પપ્પા મુંબઈમાં સેટલ થઈ ગયાં હતાં. તેઓ વાઇફને લઈ પેરન્ટ્સ સાથે રહેવા ગયા. છ મહિના રહ્યા, પણ નીતિનભાઈને ત્યાં બહુ ગોઠે નહી. એટલે વાઇફ સાથે પાછા નાની-મામીના ઘરે આવી ગયા. નીતિનભાઈ કહે છે, ‘વન બેડરૂમ, હૉલ, કિચનનું ઘર. તેમાં બે સિનિયર સિટિઝન, મામા-મામી અને તેમનાં ટીનેજર સંતાનો. જગ્યા ઘણી નાની પડે, પણ મામીનું દિલ એવું વિશાળ કે તેમણે અમને દિલની જેમ ઘરમાં પણ સમાવી લીધાં.’

થોડા સમય પછી નીતિનભાઈ સ્વતંત્ર રહેવા ગયા, પણ આજે પણ આશામામી તેમને ભાવતી કોઈ ચીજ બનાવે તો તેમના માટે અલગ રાખી મૂકે. હવે તો નીતિનભાઈનાં મમ્મી એક્સપાયર થઈ ગયાં છે, પણ નીતિનભાઈ પર સવાઈ માતા એવાં નલિનીમાસી, જ્યોત્સ્નામાસી, અરુણામાસી અને મામી એવું હેત વરસાવે છે કે તેમને મમ્મીની ખોટ લાગી જ નથી.

નલિની મોદી, આશા શાહ, જ્યોત્સના ભગત, અરુણા શાહ

હું મમ્મી કરતાં પહેલાં આન્ટીને પગે લાગું છું

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય... કાંદિવલી - વેસ્ટમાં રહેતા ચિરાગ મહેતાને ઘણી વખત આવી અવઢવ થાય છે. બર્થ ડે હોય કે મોટા દિવસો હોય ત્યારે જન્મદાતા માતાને પહેલાં પગે લાગે કે રાતદિવસ જોયા વગર તેની સર્વે સુખાકારી માટે ચિંતિત કાકીના આશિષ લે. ૩૨ વર્ષનો ચિરાગ તેની મમ્મી કરતાં કાકી સાથે વધુ રહ્યો છે. તે ૧૦ વર્ષનો હતો ત્યારથી કાકી સાથે રહે છે. ઇલેક્ટ્રૉનિકસ મૅન્યુફૅક્ચરિંગના ફૅમિલી બિઝનેસમાં સંકળાયેલો ચિરાગ કહે છે, ‘હું પાંચમા ધોરણમાં હતો ત્યારે અંકલ-આન્ટી મલાડથી કાંદિવલી રહેવા આવ્યાં. મારી સ્કૂલથી તેમનું ઘર નજીક હતું. હું અને મારો મોટો ભાઈ સ્કૂલમાંથી ચારકોપ ઘરે જમવા જતા. એ બહુ લાંબું પડતું. કાકી કાંદિવલી શિફ્ટ થયાં ને પહેલા જ દિવસે તેમણે અમને હવેથી દરરોજ તેમના ઘરે જમવાનું કહ્યું. થોડા દિવસ પછી તેમણે કહ્યું કે આટલી દોડાદોડ થાય છે તો તમે અહીં જ રહી જાવ અને અમે ત્યાં જ રહી ગયા. મારો મોટો ભાઈ તેનાં મૅરેજ પછી બીજા ઘરે શિફ્ટ થયો, પણ હું લગ્ન અને એક ડૉટરના પપ્પા બન્યા પછી પણ તેમની સાથે રહું છું. ઍક્ચ્યુઅલી અમે તેમની સાથે રહેવા આવ્યા પછી કાકા-કાકીએ અમારી બધી જવાબદારી પોતાના શિરે લઈ લીધી. સ્કૂલમાં પેરન્ટ્સ મીટિંગમાં પણ છાયાઆન્ટી આવે. બેસ્ટ ક્લાસિસ, બેસ્ટ ટ્યુશન અપાવવામાં તેમણે ક્યારેય કૉમ્પ્રોમાઇઝ નથી કર્યું. અરે કાકા-કાકી અમને મૂકીને ક્યારે એકલાં ફરવા પણ નથી ગયાં.’

હાયર સ્ટડીઝ માટે પણ ચિરાગને કાકીએ પુશ કર્યો. ભણ્યા પછી કાકાના ધંધામાં જોડાવાનું સૂચન કાકીનું. ચિરાગ કહે છે, ‘મને દીપ્તિ સાથે પ્રેમ થયો ત્યારે મેં તેને કહ્યું કે મારાં કાકીને આ સંબંધ મંજૂર હશે તો જ આપણે આગળ વધીશું. કાકીએ અપ્રૂવ કર્યા પછી જ અમારાં લગ્ન થયાં. તેમને પણ એક દીકરો છે રોનક, જે મારાથી ૧૦ વર્ષ નાનો છે, પરંતુ તેમના માટે રોનક કરતાં હું પહેલો. હું ધંધાના કામે બહારગામ જાઉં ત્યારે પહેલો ફોન કાકીનો જ આવે કે જલદી પાછો આવજે. ક્યારેક કોઈ ભૂલ થઈ જાય તો કાકા સુધી એ વાત પહોંચવા ના દે, પોતે બધું જ મૅનેજ કરી લે. કાકી ખરેખર ખૂબ જ પ્રેમાળ છે. મને ઉપરાંત મારી વાઇફ અને દીકરી પ્રત્યે પણ તેમને અદકેરું હેત. અત્યારે અમે ત્રણ ઉપરાંત મારા બીજા કાકાની દીકરી અને દીકરો પણ અહીં જ તેમની સાથે રહે છે. અમારા બધાના પેરન્ટ્સ અહીં નજીકમાં જ રહે છે, પણ અમને ક્યારે તેમની પાસે જવાનું મન નથી થતું. ભલે આન્ટીએ મને જન્મ નથી આપ્યો, પણ મારા માટે તેમણે એટલું કર્યું છે કે તે મારી સવાઈ માતા છે.’- ચિરાગ મહેતા કાકી છાયાબહેન સાથે

નાની અને મામી કેવી રીતે બની ગઈ મારી મમ્મી

ગીતા દેઢીયા

સેન્ટ્રલ માટુંગામાં રહેતાં ગીતા દેઢિયાનું બાળપણ નાનીમા, બે મામા-મામીની આળપંપાળને લીધે રાજકુંવરી જેવું વીત્યું છે. ૫૧ વર્ષનાં ગીતાબહેન કહે છે, ‘હું સવા વરસની હતી ત્યારે નાના ભાઈનો જન્મ થયો. મારાથી દોઢ વર્ષ મોટી બહેન, હું અને નાનો ભાઈ. ત્રણેય બચ્ચાં નાનાં. મમ્મીને થોડી રાહત રહે એ માટે નાનીમા મને તેમના ઘરે લઈ ગયાં. નાનીમાનું વાત્સલ્ય, મામાઓનો સ્નેહ, ને ૫ વરસની થઈ ત્યાં તો એમાં ભળી મામીઓની મમતા. સાચું કહું છું ત્યારે ખબર જ નહોતી કે આ મારાં મમ્મી-પપ્પા નથી. કેટલી મોટી થઈ ત્યાં સુધી તો મામીઓ મને જમાડતી. મારી બધી જ ડિમાન્ડ પૂરી થાય.

જ્યોતિ છેડા

ખૂબ બધું પેમ્પરિંગ અને પ્રોટેક્શન મળ્યું. મામાને ત્યાં દીકરા અને દીકરીનો જન્મ થયો ને મને ઔર મજા પડી. મોટી બહેનની પદવી મળી ને રમવા કંપની મળી. અમારા ત્રણેય માટે રમકડાં, કપડાં, સ્ટેશનરી બધું જ સરખું આવતું, કોઈ ભેદભાવ નહિ.’

આ પણ વાંચો : Happy Mothers Day :તમારા જાણીતા ગુજરાતી સેલિબ્રિટી તેમની માતા સાથે

ગીતાબહેનના મામાની જૉઇન્ટ ફૅમિલી હતી, આથી નાનપણથી જ ગીતાબહેનમાં કૅરિંગ શૅરિંગ અને ઍડજસ્ટમેન્ટના ગુણો કેળવાયા. મોસાળમાં ભણતરને બહુ મહત્વ અપાતું એટલે ગીતાબહેનમાં વૅલ્યુ ઑફ એજ્યુકેશન ડેવલપ થયું. જોકે ૧૨ વર્ષનાં થયા પછી તે પેરન્ટ્સનાં ઘરે શિફ્ટ થયાં, કારણ કે મામા કાલિનામાં રહેતા હતા. ત્યાં ૩૦ વર્ષ પહેલાં બહુ સારી સ્કૂલો નહોતી. ગીતાબહેન કહે છે, ‘મમ્મી-પપ્પા પાસે ગયા પછી દર શનિ-રવિ મામીઓ પાસે આવી જતી. મારી કૉલેજ સાન્તાક્રુઝમાં હતી ત્યારે પણ હું અડધો ટાઇમ ત્યાં જ રહેતી. અરે, પરણ્યા પછી પણ હું અહીં રોકાવા આવતી. મારાં સાસરિયાંને પણ ખબર છે કે મોસાળ ગીતાનું બીજું ઘર છે. આજે મારા સ્વભાવ અને વ્યક્તિત્વમાં નાનીમા અને મામીની બહુ મોટી અસર છે. ખરેખર તેઓએ મારો ઉછેર સગી માથી વિશેષ કર્યો છે. આજે મારી મમ્મી સાથે મારે જેટલું અટૅચમેન્ટ છે એટલું જ જ્યોતિમામી અને હર્ષામામી સાથે છે.’

હર્ષા છેડા

columnists weekend guide