આજની ન્યુ એજ મૉમ બનવું કંઈ સહેલું નથી

09 May, 2021 12:12 PM IST  |  Mumbai | Jigisha Jain

આજની મમ્મી બાળકને દસે દિશાએ દોડાવે છે એટલું જ નહીં, તે સારી રીતે દોડી શકે એટલે પોતે પણ તેની સાથે બધે દોડે છે. આજે મધર્સ ડેના દિવસે જાણીએ ન્યુ એજ મૉમ્સની પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવવા અપાયેલા ભોગની કથા

કેયૂરી કાપડિયા અને અયાન કાપડિયા

નાનપણમાં જો કોઈ બાળક પાસે મેડલોની ભરમાર હોય, ન્યુઝપેપરમાં તેની સ્ટોરી કવર થઈ હોય, સોશ્યલ મીડિયા પર તે સતત છવાયેલું રહેતું હોય તો સમજવું કે એની પાછળ તેની માનો અથાગ પરિશ્રમ છે. મા તો મા જ રહે છે, પરંતુ સમય પ્રમાણે તેના રોલ્સ બદલાતા જાય છે. એક સમયે બાળકનું ધ્યાન રાખવું અને તેને ભરપેટ ભોજન કરાવવું જ જેનું લક્ષ્ય હતું એ આજના કૉમ્પિટિટિવ સમયમાં ઘણું બદલાયું છે. આજની મમ્મી બાળકને દસે દિશાએ દોડાવે છે એટલું જ નહીં, તે સારી રીતે દોડી શકે એટલે પોતે પણ તેની સાથે બધે દોડે છે. આજે મધર્સ ડેના દિવસે જાણીએ ન્યુ એજ મૉમ્સની પોતાના બાળકને શ્રેષ્ઠ બનાવવા અપાયેલા ભોગની કથા

પોતાના દીકરાને યંગેસ્ટ ઑથર ઑફ ઇન્ડિયા બનાવવા માટે આ માટે કંઈ કેટલુંયે કર્યું

એક દિવસ તેણે મને તેની લખેલી સ્ટોરી સંભળાવી. મને લાગ્યું કે આ તો સરસ લખ્યું છે તેણે. જોકે તેણે જે લખ્યું છે એને હું તેની નોટબુક સુધી રહેવા દઉં એના કરતાં કેમ નહીં એને છપાવીને તેના વિચારોને લોકો સુધી પહોંચતા કરું. બસ, આ એક વિચાર અને પછી હું એની પાછળ લાગી ગઈ. મને કોઈ આઇડિયા નહોતો કે આ વિચારને હું કઈ રીતે અમલમાં મૂકીશ, પણ એટલી જરૂર ખબર હતી કે જે વિચાર્યું છે એ કરીને રહીશ. આખરે એ મારા બાળકનો સવાલ હતો.

આ શબ્દો છે ભારતના યંગેસ્ટ ઑથરનો ખિતાબ ધરાવતા અયાન કાપડિયાની મમ્મી કેયૂરી કાપડિયાના. હાલમાં ૧૩ વર્ષનો અયાન શરૂઆતથી જ ભાષા પર ઘણું પ્રભુત્વ ધરાવતો હતો. તેનું અંગ્રેજી થોડું વધુ સારું થાય અને નવા શબ્દો પણ આવડે એ માટે થઈને કેયૂરીએ તેને ક્રીએટિવ રાઇટિંગના ક્લાસમાં પણ મોકલવાનું શરૂ કર્યું. એનાથી તેની પાસે શબ્દભંડોળ તો વધ્યું, સાથે જ તેની કલ્પનાશક્તિ પણ ખીલી. તે ૯ વર્ષનો હતો જ્યારે તેની પહેલી બુક કેયૂરીએ છપાવડાવી. હેતુ હતો અયાનના બર્થ-ડેની રિટર્ન ગિફ્ટ તરીકે આ બુકને તેના મિત્રો, શિક્ષકો અને પરિવારમાં વહેંચવી. જોકે એ બુકનો રિસ્પૉન્સ એટલો સારો આવ્યો કે અયાન ખુદ તેની બીજી બુક લખવા માટે પ્રેરિત થયો અને એ પણ છપાઈ. તેની પહેલી બુક તેણે ત્રણ જ દિવસમાં લખી કાઢી હતી જેના માટે ‘અ બુક રિટન બાય અ ચાઇલ્ડ ઇન શૉર્ટેસ્ટ પિરિયડ’નું ટાઇટલ પણ તેને મળ્યું છે.

બુક છપાવવી સરળ તો નથી જ. એના માટે પબ્લિકેશનને મળવું, જે એના એક્સપર્ટ છે એને શોધીને એનો લે-આઉટ તૈયાર કરવો, એમાં ઇલસ્ટ્રેશન્સ ઉમેરવાં અને પછી એને છપાવવી. આ બધી જ પ્રક્રિયા કેયૂરીએ એકલા હાથે પોતાનો LLBનો કોર્સ કરતાં-કરતાં પાર પાડી. એટલું જ નહીં, ઇન્ડિયા બુક્સ ઑફ રેકૉર્ડ્સનાં ફૉર્મ્સ પણ તેણે ભર્યાં અને અયાને ખૂબ નાની ઉંમરે કરેલી આ પ્રસિદ્ધિને એક ટાઇટલ અપાવડાવ્યું. સારું લખવાવાળાં બાળકો ઘણાં હશે, પરંતુ કેટલાં માતા-પિતા એવું વિચારતાં હશે કે મારા બાળકે જે લખ્યું છે એને હું છપાવું? પણ કેયૂરીના આ એક વિચારે તેના બાળકને એક એવું એક્સપોઝર અપાવડાવ્યું જેની કલ્પના પણ ન થઈ શકે. અયાનને આજે એક યંગેસ્ટ ઑથર તરીકે દરેક મીડિયાએ કવર કર્યો છે. ૯ વર્ષના એક બાળકને આવા ટાઇટલથી કદાચ ખાસ ફરક ન પડે, પરંતુ ચારે બાજુથી આવતી પ્રશંસાઓ અને અટેન્શનથી ફરક પડે છે.

શરૂઆતમાં તે ખૂબ ખુશ રહેવા લાગ્યો હતો. તેના ટીચર્સ અને આજુબાજુના લોકો તેને નૉર્મલ ટ્રીટ કરતા નહીં. ત્યારે કેયૂરીએ તેના ટીચર્સને ખાસ કહ્યું કે તમે તેને બીજાં બાળકોની જેમ જ રાખો. જો તે તોફાન કરે તો તેને ખિજાઓ. તેને અત્યારથી એમ ન લાગવું જોઈએ કે તે કોઈ સ્પેશ્યલ વ્યક્તિ છે. જોકે ધીરે-ધીરે મીડિયામાં આવતા ઇન્ટરવ્યુ અને સતત તેની બુકની વાત કરતાં-કરતાં તે કંટાળી ગયો હતો. એ વિશે વાત કરતાં કેયૂરી કહે છે, ‘અયાનને નાની ઉંમરે પ્રસિદ્ધિ મળી એ વાત સાચી, પણ અંતે તે એક બાળક છે અને એક સમય એવો આવ્યો હતો કે તે મીડિયામાં વાત જ કરવા નહોતો ઇચ્છતો. એક મા તરીકે મેં એ વાતને પણ માન આપ્યું અને જ્યાં જરૂર હતી ત્યાં મેં જ મીડિયા સાથે વાત કરી. બાળક જ્યારે ફેમસ બની જાય ત્યારે તેનું બાળપણ જળવાઈ રહે એની કોશિશ પણ માએ જ કરવાની હોય છે. બીજી બાજુ ઘણી વાર તે મારી સાથે લડી પણ પડતો. તેને લાગતું કે હું આ બધું શું કર્યા કરું છું, પણ ત્યારે મને લાગતું કે બેટા, તું મોટો થઈશ ત્યારે તને સમજાશે કે તારી માએ જે કર્યું એ કેટલું જરૂરી હતું.

અયાન આજે માસ્ટરી નામની એજ્યુકેશન ચૅનલનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બની ગયો છે. ટેડ ટૉક્સમાં જઈને લોકોને પ્રેરણા આપતી સ્પીચ આપી આવ્યો છે. મહારાષ્ટ્રના ગવર્નરે તેને પોતાના ઘરે બોલાવી, તેની સાથે બ્રેકફાસ્ટ કરીને તેનું સન્માન પણ કર્યું છે.

કેયૂરી કહે છે, ‘અયાને મને તેના માટે દિવસ-રાત એક કરતી જોઈ છે. તે ભણવા પર ધ્યાન આપે એ માટે મારું અધૂરું સપનું LLB પૂરું કરવાનું પણ મેં ચાલુ કર્યું. એમ વિચારીને કે મને ભણતી જોઈને તે પણ ભણશે, મને ટૉપ કરતી જોઈને તે પણ ક્લાસમાં ટૉપમાં આવવાનું વિચારશે. અમે મોટા ભાગે સાથે જ ભણીએ છીએ. તેની ત્રીજી બુક માટે અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. ગતિ ધીમી છે. થોડું તેને પુશ કરીશ તો જ ઇચ્છિત કામ થશે એની મને ખબર છે. કદાચ મા હોવાની ખૂબી જ એ છે કે કયા સમયે કઈ ટ્રિક અપનાવવી જેથી રિઝલ્ટ પણ મળે અને બૅલૅન્સ પણ જળવાઈ રહે એ અમને સારી રીતે આવડે છે.’

 

ચેસના Cની પણ જેને ખબર નહોતી તે ખુદ ચેસ શીખી અને દીકરાને બનાવ્યો ચૅમ્પિયન

મારું દૃઢપણે માનવું છે કે માતા-પિતાને જેમાં રસ હોય એ બાળકને શીખવવું જોઈએ, પણ જો એવું ન બને તો બાળકને જેમાં રસ હોય એ વિશે માતા-પિતાએ પણ રસ કેળવવો જ રહ્યો. જો એવું ન કરીએ તો કાં તો બાળક આગળ નથી વધી શકતું અને જો તે આપબળે આગળ વધી જાય તો માતા-પિતા તેનાથી દૂર થઈ જતાં હોય છે. મને આ બન્ને કન્ડિશન મંજૂર નહોતી. મારા બાળક પાસે ટૅલન્ટ ભરપૂર છે અને એ ટૅલન્ટને ન્યાય અપાવવાનું કામ મારું હતું જે મેં કર્યું.

આ શબ્દો છે સાત વર્ષની ઉંમરે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળપુરસ્કાર વિજેતા બનનાર અને હાલમાં એક ઇન્ટરનૅશનલ ચેસ-પ્લેયર તરીકે ખ્યાતિ પામી રહ્યો છે એવા ૧૧ વર્ષના જૈસલ શાહની મમ્મી કિંજલ શાહના. જૈસલ ૪ વર્ષનો હતો ત્યારે કિંજલ તેને ડ્રૉઇંગ શીખવવા માટે ક્લાસમાં લઈ ગઈ હતી. ત્યારે જૈસલ ડ્રૉઇંગને બદલે બાજુના રૂમમાં ચાલતા ચેસ ક્લાસમાં જઈને બેસી ગયો હતો. એક કલાક પછી કિંજલ તેને લેવા આવી ત્યારે ચેસના સરે પૂછ્યું કે તમે તેને ઘરે ચેસ શીખવો છો? કિંજલે કહ્યું હતું કે ના, અમારા ઘરમાં તો કોઈને ચેસ નથી આવડતું. ત્યારે તેના સરે કહ્યું કે આ છોકરો એક કલાકમાં ચેસનું બેઝિક આખું શીખી ગયો છે. બસ, ત્યારથી ચાલુ થઇ ગઈ મમ્મીની લેફ્ટ-રાઇટ. ચેસ જેવા મોંઘા સ્પોર્ટમાં કિંજલ ઇન્વેસ્ટ કરવા નહોતી ઇચ્છતી, પરંતુ દીકરાની ટૅલન્ટ ખરેખર છે કે નહીં એ ચકાસવા તેણે યુટ્યુબનો સહારો લીધો. નાના જૈસલ સાથે તે પોતે પણ યુટ્યુબના અલગ-અલગ વિડિયો જુએ અને ચેસ શું છે એ સમજવાની કોશિશ કરે અને પછી જૈસલને સમજાવે. જ્યારે તેણે જોયું કે જૈસલને આવડે છે ત્યારે તેણે ઘર પાસેના જ એક ક્લાસમાં જૈસલને મૂક્યો. હજી એક જ વર્ષથી તેણે શીખવાનું શરૂ કરેલું, પરંતુ આ સ્પોર્ટનું ભવિષ્ય શું છે એ સમજવા માટે કિંજલે તેના સરને કહ્યું કે હાલમાં જે ટુર્નામેન્ટ થવાની છે એમાં હું તેને લઈ જાઉં? તેના સરે ના પાડીને કહ્યું કે જૈસલ હજી નાનો છે. જોકે જૈસલની મમ્મીનું સાહસ બિલકુલ નાનું નહોતું. તે તો ઊપડી જૈસલને લઈને ટુર્નામેન્ટમાં. એ દિવસ યાદ કરતાં કિંજલ કહે છે, ‘પહેલી ટુર્નામેન્ટ મુલુંડમાં હતી. સવારે પાંચ વાગ્યે ઊઠી, બધાનું જમવાનું બનાવી, આખા દિવસનું ટિફિન ભરી દાદરથી પાંચ વર્ષના જૈસલને લઈને હું લોકલ ટ્રેનમાં નીકળી. એ પહેલી વાર હતી જ્યારે જૈસલ લોકલમાં બેઠો હતો. એ ટુર્નામેન્ટમાં મને થોડું સમજાયું કે આ ગેમ શું છે, ચેસનું આઇડી કેવી રીતે મળે, રેટિંગ કેમ જનરેટ કરવું. જૈસલ પહેલી વાર ક્લૉક સાથે ચેસ રમ્યો. ૭-૮ ગેમ રમ્યો તે એ દિવસે જેમાં એક જીત્યો અને એક ડ્રૉ થઈ, પણ મને એ દિવસે સમજાઈ ગયું કે જો આ સ્પોર્ટ્સમાં ઊંડું ઊતરવું હશે તો ટુર્નામેન્ટ્સમાં તો જવું જ પડશે.’

બસ, ત્યારથી શરૂ થઈ મા-દીકરાની ચેસયાત્રા. દર રવિવારે જૈસલને લઈને કિંજલ મુંબઈના ખૂણે-ખૂણે ફરી વળતી - પછી એ નવી મુંબઈ હોય કે થાણે. રવિવારની સવારે એ જ પાંચ વાગ્યાનું અલાર્મ વાગતું, ડબ્બાઓ પૅક થતા અને સાત વાગ્યે મા-દીકરો લોકલ પકડીને પહોંચી જતાં મુંબઈમાં આયોજિત જુદી-જુદી ચેસ ટુર્નામેન્ટમાં. આ ટુર્નામેન્ટમાં જવાના નિર્ણયથી જૈસલ ખૂબ ઉમદા પ્લેયર બની શક્યો, સાથે કિંજલ જેને આ ગેમ વિશે કંઈ જ ખબર નહોતી તે પણ આમાં કઈ રીતે આગળ વધાય એ જાણી શકી. આ જ રીતે જૈસલ સ્ટેટ પ્લેયર તરીકે સિલેક્ટ થયો અને નૅશનલમાં પણ રમ્યો.

જૈસલને સારું કોચિંગ મળે એ માટે કિંજલે ઘણાબધા ક્સાસિસ ટ્રાય કર્યા હતા. એમાંથી એક ચેસના ખૂબ જાણીતા ઇન્ટરનૅશનલ ગુરુ પાસે તેણે ક્લાસ શરૂ કર્યા જે થાણે રહેતા હતા. જૈસલ સ્કૂલથી આવે એટલે મા-દીકરો ભાગે દાદરથી થાણે. બપોરે ૪ વાગ્યે નીકળે અને ક્લાસ પતાવીને રાત્રે ૧૦ વાગ્યે ઘરે આવતાં. આટલી દોડધામમાં ક્યારેય થાકી-કંટાળીને આ બધું મૂકી દેવાનો વિચાર પણ આવ્યો? આ પ્રશ્નનો જવાબ આપતાં કિંજલ કહે છે, ‘જો હું મૂકી દેત તો જૈસલને પણ મૂકી દેવું પડત, જે હું નહોતી ઇચ્છતી. તે ભણવામાં ખૂબ હોશિયાર છે. અમારા ઘરમાં સ્પોર્ટ્સનું ઓછું અને ભણવાનું મહત્ત્વ વધારે છે. એટલે તેના ભણતર પાછળ પૈસા વધુ અને તેના ચેસ પાછળ પૈસા ઓછા ખર્ચવામાં આવે છે. હજી સુધી જૈસલે કોઈ દિવસ પર્સનલ ચેસ-ક્લાસ શરૂ નથી કર્યા, કારણ કે તેના એક ક્લાસની ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા ફી હોય છે. મારા મેઇન ખર્ચા સાવ બંધ કરી દીધા. કહું કે હતા જ નહીં તો પણ અતિશયોક્તિ નથી. આજે આટલી મહેનત પછી તો તેને સ્કૉલરશિપ મળે છે. તે ટુર્નામેન્ટ્સ જીતે છે એ પૈસા પણ તેને ખાસ્સા કામ લાગે છે.’

જૈસલને તેની મમ્મીના દરેક ભોગની ખબર છે અને એની કદર પણ છે. જૈસલ તેમને રાષ્ટ્રપતિભવન લઈ ગયો અને ત્યાં તેનું સન્માન થતું કિંજલે જોયું એ વાતનો કિંજલને પણ ખૂબ ગર્વ છે. જોકે આજની મમ્મી એનાથી સંતુષ્ટ કેવી રીતે હોઈ શકે? એક માસહજ હઠ સાથે હસતાં-હસતાં કિંજલ કહે છે, ‘મને ખૂબ ઇચ્છા હતી કે તે ડાન્સ કે ડ્રૉ​ઇંગ શીખે, પણ તેને એમાં રસ જ નથી. મેં તેને વાળવાનો ખૂબ પ્રયત્ન કર્યો... પણ હા, હું આમાં પણ હાર નથી માનવાની. મારા જિનીયસને હું ક્રીએટિવ બનાવીને રહીશ.’

 

પ્રજ્ઞાચક્ષુ ક્રિશ્નાને પૅરા-ઑલિમ્પિક્સ માટે તૈયાર કરી રહી છે માથી પણ સવાઈ એવી આ માસી: ક્રિશ્ના શેઠ અને તરલિકા મહેતા

મારી અને ક્રિશ્ના વચ્ચે એક અલગ જ સંબંધ છે. મેં બસ તેને જન્મ નથી આપ્યો. મારી બહેનનો દીકરો છે તો પણ દુનિયામાં સૌથી વધુ મારી સાથે જ અટૅચ છે. તેના ભણતરથી લઈને દરેક ઍક્ટિવિટીમાં હું તેનો હાથ પકડીને તેની સાથે ઊભી રહી છું. લોકોને લાગે છે કે હું ક્રિશ્નાનો સહારો છું, પણ એવું નથી. અમારી વચ્ચે જે સંબંધ છે એ મુજબ તેણે મારા જીવનમાં અને મેં તેના જીવનમાં ઘણાં પરિવર્તનો લાવ્યાં છે. એ પરસ્પર છે. મારું જીવન મેં તેને સમર્પિત કર્યું છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે જીવનનું સમર્પણ જ મોટું દાન છે અને મને ગર્વ છે કે એ મેં ક્રિશ્ના માટે કર્યું છે.

આ શબ્દો છે સંપૂર્ણ રીતે જોઈ ન શકતો હોવા છતાં ઇન્ટરનૅશનલ મૅથ્સ ઑલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ લાવનાર, તાએ ક્વાન ડો, કરાટે અને રનિંગ જેવી સ્પોર્ટ્સમાં ૧૦૦થી પણ વધુ જેમાં ૩ ઇન્ટરનૅશનલ, ૨૯ નૅશનલ અને ૪૩ સ્ટેટ મેડલ્સનો પણ સમાવેશ છે એ મેળવનાર ક્રિશ્નાની યશોદા એટલે કે માથી પણ સવાઈ એવી તેની માસી તરલિકા મહેતાના. ક્રિશ્ના જન્મ્યો ત્યારે જોઈ નહોતો શકતો. એ પછી તેની ઘણી ટ્રીટમેન્ટ કરી, પણ તેની આંખની રોશની પાછી આવી શકી નહીં. પોતાનાં માતા-પિતા હોવા છતાં નાનપણથી ક્રિશ્ના તેની માસી તરલિકા પાસે જ ઊછર્યો છે. સામાન્ય રીતે ઘરમાં જ્યારે એક આવું બાળક હોય ત્યારે તેની પાસેથી લોકોને કોઈ અપેક્ષા હોતી નથી. એવું જ ક્રિશ્નાના ઘરમાં હતું. પરંતુ તરલિકા માટે ક્યારેય ક્રિશ્ના એક અંધ બાળક નહીં, બાળક જ હતો.

નાનપણનો એક કિસ્સો જણાવતાં તરલિકા કહે છે, ‘ક્રિશ્ના અંતે એક બાળક હતો જેને રમવું, કંઈક કરવું ખૂબ ગમતું. હું નહોતી ઇચ્છતી કે તે એવું માનીને બેસી રહે કે હું નૉર્મલ નથી. હું તેને હાથ પકડીને કરાટેના ક્લાસમાં લઈ ગઈ. મારી સોસાયટીમાંથી અમુક બાળકો કરાટે શીખવા જતાં હતાં. તેમણે મને કહ્યું કે તમે ત્યાં ન આવો, ક્રિશ્ના કરાટે નહીં શીખી શકે. હું તેમના સરને મળી અને તેમને મેં પૂછ્યું કે તમે આને શીખવશો? તેમણે હા પાડી. ત્યારથી શરૂ થઈ ક્રિશ્નાની સફર અને એ દિવસથી તેણે કોઈ જગ્યાએ પાછું વળીને નથી જોયું.’

ક્રિશ્નાના ક્લાસ હોય, સ્પોર્ટ્સ ઍકૅડૅમી હોય કે કોચ પાસે જવાનું હોય મોટા ભાગે તરલિકા જ તેની સાથે જતી. તેને ભણાવવાનું કામ પણ તરલિકા જ કરે છે. ક્રિશ્ના શરૂઆતથી કાંદિવલીમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલ અને જુનિયર કૉલેજ સ્કૂલમાં ભણે છે જે એક નૉર્મલ સ્કૂલ છે અને તે એકદમ હોશિયાર સ્ટુડન્ટ છે, કારણ કે ક્રિશ્ના અંધ છે એટલે તેને રીડર અને રાઇટરની જરૂર પડે છે. તેના રીડર તરીકે તરલિકા છેલ્લાં કેટલાંય વર્ષોથી તેનો આખો સિલેબસ રેકૉર્ડ કરે છે. તે બધું રેકૉર્ડ કરી રાખે જેને સાંભળીને ક્રિશ્ના સમજે અને યાદ રાખે. એ વિશે મીઠી ફરિયાદ કરતાં તરલિકા કહે છે, ‘બધું રેકૉર્ડ કરી રાખું તો પણ ભણતી વખતે કહેશે, તું મારી પાસે બેસને તો મને વધુ સમજાશે, એક કલાકનું દસ મિનિટમાં પતી જશે. આવું બધું કહીને મને પાસે બેસાડી દેશે. ખાસ કરીને જ્યારથી કોરોના શરૂ થયો છે. એને લીધે ઑનલાઇન સ્ટડી ચાલે છે. એમાં મારે જ તેને બધું કરાવવાનું રહે છે, કારણ કે કમ્પ્યુટરનું કર્સર ક્યાં ફરતું હોય છે એ સમજી શકાતું નથી.’

કરાટે શીખ્યા પછી ક્રિશ્નાને તરલિકાએ જિમ્નૅસ્ટિક્સ, રનિંગ, ગરબા, તાએ ક્વાન ડો જેવી ચૅલેન્જિંગ વસ્તુઓ પણ કરાવી. હાલમાં તેઓ પૅરા-ઑલિમ્પિક્સની તૈયારી કરી રહ્યા છે. સૌથી મોટી મદદ જે તરલિકાએ ક્રિશ્નાને કરી છે એ છે તેનું આત્મબળ વધારવાની. અંધ બાળકોને જીવનમાં ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એ વિશે વાત કરતાં તરલિકા કહે છે, ‘આપણને લાગે કે લોકો અંધ વ્યક્તિ પર દયા ખાય છે, પણ એવું નથી. તેના પર હસનારા, તેના આત્મવિશ્વાસને તોડનારા અને તેને કંઈ ન સમજનારા લોકોની કોઈ કમી નથી જગતમાં. એને કારણે ક્રિશ્નાનું બાળપણ ઘણી વાર ઘવાયું છે, જેના પર મારે પ્રેમ અને આત્મવિશ્વાસનો મલમ સતત લગાવતા રહેવું પડે છે. તેનું કાઉન્સેલિંગ તો હું સતત લીધા જ કરું છું. તે થોડો મોટો થશે પછી પ્રૅક્ટિકલ બનશે, પણ અત્યારે તો મારે તેને સમજ આપતા રહેવું પડે છે.’

 

અથાગ મહેનતથી દીકરીને સ્કેટ્સમાં નૅશનલ લેવલ સુધી પહોંચાડી છે અને આ મમ્મીએ

આજની તારીખે ઇન્ડિયામાં કોઈ પણ સ્પોર્ટ્સ સસ્તું નથી. જો તમે ઇચ્છતા હો કે તમારું બાળક સ્પોર્ટ્સમાં આગળ વધે તો ખર્ચા માટે તો તૈયાર રહેવું જ પડે છે. એ ભોગ તો આપવો જ રહ્યો. સ્કેટ્સ જેવા સ્પોર્ટ્સમાં એક સ્કેટ ૬૫ હજારના આવે છે. એનાં વ્હીલ્સ જ ખાલી ૧૬ હજારનાં આવે છે જે ફક્ત એક વર્ષ ચાલે છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ માતા-પિતા ઇચ્છે કે મારું બાળક આમાં મેડલ્સ જીતે, કરીઅર તરીકે એ અપનાવે અને તેમનું નામ રોશન કરે. મેં તેને સ્પોર્ટ્સમાં નાખી એનું કારણ ફક્ત એ જ હતું કે તે ફિટનેસ જાળવે. બાળકને સ્પોર્ટ્સ એટલે પણ શીખવવું જોઈએ કે તે એમાં કરીઅર બનાવે. સ્પોર્ટ્સ બાળકના કૅરૅક્ટર-બિલ્ડિંગમાં હેલ્પ કરે છે. તેનામાં ડિસિપ્લિન લાવે છે. મેં ફક્ત એ વિચારે જ તેને સ્પોર્ટ્સમાં નાખી છે.

આ વિચાર છે ૧૬ વર્ષની સ્ટેટ ચૅમ્પિયન રહી ચૂકેલી અને ICSE બોર્ડની નૅશનલ લેવલ ટુર્નામેન્ટમાં ફર્સ્ટ આવનાર સ્કેટિંગમાં આગળ વધેલી કશિશ કાપડિયાનાં મમ્મી પાયલ કાપડિયાના. જૉઇન્ટ ફૅમિલીમાં રહેતી ૪ વર્ષની કશિશ પોતાના કઝિનને સ્કેટિંગ કરતો જોઈને જીદ કરવા લાગી કે મારે પણ એ શીખવું છે. તેની જીદને માન આપીને પાયલે તેને સ્કેટિંગ શીખવવાનું શરૂ કર્યું. કશિશને હંમેશાં સ્કેટિંગમાં લઈ જવાની અને લાવવાની જવાબદારી પાયલની જ હતી. તે સારું રમવા લાગી. ક​શિશને સ્કેટિંગ શીખવવા માટે પાયલ ખુદ રાત્રે મોડી સૂતી હોવા છતાં સવારે ૩.૩૦ વાગે ઊઠતી અને ૪ વાગ્યે તેને ઉઠાડતી, કારણ કે કશિશના ક્લાસ સવારે ૪.૩૦ વાગ્યાના હોય છે. હમણાં તો અઠવાડિયાના બે દિવસ ક્લાસમાં જતાં મા-દીકરી એક સમયે દરરોજ જતાં, કારણકે કશિશ ટુર્નામેન્ટમાં જતી તો તેને તૈયાર કરવી ખૂબ જરૂરી હતી.

કશિશ નાની હતી ત્યારથી તેને દરેક ઍક્ટિવિટી શીખવવા માટે પાયલે ડ્રૉ​ઇંગ, ગ્રામર, ડાન્સ, પેઇન્ટિંગ, ફીનિક્સ પેઇન્ટિંગ જેવા ઘણા જુદા-જુદા ક્લાસિસ શરૂ કરાવ્યા હતા. પોતે એક આર્ટ ટીચર છે એટલે કશિશને તેમણે આર્ટ જાતે જ શીખવ્યું. આટલું બધું એકસાથે કઈ રીતે મૅનેજ કરતાં હતાં એ સવાલના જવાબમાં હસતાં-હસતાં પાયલ કહે છે, ‘હું મારી દીકરીની પર્સનલ ટાઇમ મૅનેજર છું. કયા સમયે કયું કામ કરવું એનું આખું શેડ્યુલ હું તેને બનાવીને આપું છું. દરરોજ રાત્રે અમે સાથે બેસીને આ કામ કરીએ છીએ અને બીજો દિવસ આખો પ્લાન કરીએ છીએ. આ રીતે સમયનો સદુપયોગ કરતાં મેં તેને શીખવ્યું છે.’

જોકે આટલો ભોગ આપ્યા પછી પણ દીકરીને જ્યાં સુધી આ સ્પોર્ટ્સમાં મજા આવે છે ત્યાં સુધી જ તેને આ કરવા દેવું એમ દૃઢપણે માનતી પાયલ કહે છે, ‘જે બાળક રમતું હોય તે જ સારું બની શકે. મેં જોયું છે કશિશમાં કે તે સ્કેટિંગ કરે છે એટલે જ ભણવામાં આટલી હોશિયાર છે. શરીર જેટલું ફિટ એટલું જ મગજ ​ફિટ રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી કશિશ ભણતર માટે ખૂબ સિરિયસ થઈને કામ કરે છે. હાલમાં તેનું ટેન્થનું રિઝલ્ટ આવશે. ભવિષ્યમાં તેને શું પસંદ કરવું એ તેના પર છે. મારું કામ છે તેને સાથ આપવાનું. આજે પણ તે રાતે જાગીને ભણતી હોય તો હું મારું આર્ટ વર્ક લઈને બેસું છું અને તેની સાથે જાગતી હોઉં છું. અમે એક ટીમ છીએ જે તેના વર્તમાન અને ભવિષ્ય માટે સાથે કામ કરી રહી છીએ.’

columnists Jigisha Jain mothers day