મોટા ભાગના વૈજ્ઞાનિકો આસ્તિક, પણ આસ્તિક વિજ્ઞાનને શંકાથી જુએ

20 June, 2021 11:52 AM IST  |  Mumbai | Swami Sachidanand

બન્નેનું લક્ષ્ય વિરોધી નથી, એક છે. આ વિજ્ઞાનના પડકારને આપણે સહર્ષ સ્વીકારીએ અને આપણા ધર્મને વધુ ને વધુ સત્યલક્ષી બનાવીએ.

મિડ-ડે લોગો

એક વાત આજે ફરી કહેવી છે. મોટા ભાગના વૈજ્ઞાનિકો નાસ્તિક નથી હોતા, આસ્તિક હોય છે, પણ મોટા ભાગના આસ્તિકો વિજ્ઞાનને શંકાની નજરે જુએ છે. હા, એ વાત જુદી છે કે આપણે આપણી ધાર્મિક માન્યતાઓમાં બંધબેસતા નહીં થનારને નાસ્તિક કહીએ તો એ નાસ્તિક છે. પ્રાકૃતિક તત્ત્વોની ગહનતા સુધી પહોંચનાર, અણુ-અણુની નિશ્ચિત નિયમબદ્ધતાને જેટલો સમજી શકે છે એટલો અવૈજ્ઞાનિક માણસ નથી સમજી શકતો.
વિજ્ઞાનને નાસ્તિકતા માનવી અને સંપ્રદાયોની રૂઢ માન્યતાઓને ધર્મ માની લેવો એ મોટી ભૂલ છે. વિજ્ઞાન સત્ય તરફ પા પા પગલી ભરતું, હંમેશાં બાળરૂપમાં રહેતું, વિકાસ પામતું, વિકાસ કરતું એક બાળક છે; જ્યારે ધર્મ પણ સત્યના સાક્ષાત્કારનું અનિવાર્ય માધ્યમ છે. બન્નેનું લક્ષ્ય વિરોધી નથી, એક છે. આ વિજ્ઞાનના પડકારને આપણે સહર્ષ સ્વીકારીએ અને આપણા ધર્મને વધુ ને વધુ સત્યલક્ષી બનાવીએ.
વિજ્ઞાનની વાત છે ત્યારે એક સ્પષ્ટતા કરી દઉં. 
કોઈ પણ ધર્મને શતપ્રતિશત તાર્કિક નથી કરી શકાતો. એમાં શ્રદ્ધા તર્કાતીત અથવા પ્રયોગશાળાથી અતીત તત્ત્વો રહેવાનાં જ, એને સ્વીકારવાં જ જોઈએ. હા, એ વિજ્ઞાનથી પ્રત્યક્ષ વિરુદ્ધ ન હોય તથા લોકો માટે હાનિકારક ન હોય એ જોવું જરૂરી છે. માત્ર ધર્મ જ નહીં, વ્યક્તિને પણ શતપ્રતિશત તાર્કિક નથી કરી શકાતી. લાગણીનાં ગણિત તર્કથી પર હોય છે અને વ્યક્તિને લાગણીહીન બનાવી શકાય નહીં. લાગણીઓના ધરાતલ વિના જીવન માત્ર યંત્ર થઈ જાય છે. 
હવે વાત કરીએ ધર્મની સામે આવતા ચોથા પડકારની.
આ ચોથો પડકાર છે માનવતાનો. 
આજ સુધી આપણે ધર્મની મહત્તા, અનુયાયીઓની સંખ્યા, મંદિરો તથા ધર્મસ્થાનોની જાહોજલાલી, સોનાના કળશ અને સોના-ચાંદી-હીરા-માણેકના દર-દાગીનાઓથી માનતા રહ્યા છીએ. આને કારણે મંદિરો તથા ધર્મસ્થાનોમાં અઢળક સંપત્તિ ભેગી થતી રહી. આ સંપત્તિ એટલા મોટા પ્રમાણમાં રહેતી કે વિધર્મીઓને વારંવાર લૂંટવા આવવાનું મન થઈ જતું. આપણાં મંદિરો સતત લૂંટાતાં રહ્યાં છે. ધન-લૂંટની સાથે મૂર્તિઓ તથા કલાત્મક મંદિરોનું ખંડન, પ્રજાનું ધર્માંતરણ એ બધું એકસાથે થતું રહ્યું છે. જો આપણાં મંદિરો સોના-ચાંદીથી ઊભરાતાં ન હોત 
તો વિધર્મીઓને આક્રમણ કરવાનું મુખ્ય કારણ જ સમાપ્ત થઈ જાત. જો શાંતચિત્તે વિચારીશું તો જણાશે કે ધર્મસ્થાનોમાં
 ઢગલો થયેલી સંપત્તિએ આપણા ધર્મને, નિષ્ઠાને અને પ્રતિષ્ઠાને પારાવાર હાનિ પહોંચાડી છે.

columnists astrology