અગર બેટે કી વજહ સે માં-બાપ રોતે હૈં, ઐસે બેટે સિર્ફ આસ્તિન કે સાંપ હોતે હૈં!

13 October, 2021 07:13 PM IST  |  Mumbai | Pravin Solanki

આજે મોટા ભાગના વડીલોની ફરિયાદ છે કે સંતાનો આમન્યા નથી રાખતાં, સામો જવાબ આપે છે, એ પણ સીધા નહીં, તોછડા.

અગર બેટે કી વજહ સે માં-બાપ રોતે હૈં, ઐસે બેટે સિર્ફ આસ્તિન કે સાંપ હોતે હૈં!

શાહરુખ ખાનનો દીકરો ડ્રગ-કેસમાં પકડાયો અને  ચોરે ને ચૌટે ચર્ચાનો વિષય બની ગયો. શું આ નવી વાત છે? ‘બહુત આગે સે ચલી આયી હૈ.’ આર્યન મોટા બાપનો દીકરો છે એટલે ચકડોળે ચડ્યો, બાકી આવા ચરસી યુવાનો એક ઢૂંઢો તો હજાર મળે, એક બાર ઢૂંઢો તો વારંવાર મળે. કારણ? સંસ્કારનું પર્યાવરણ. 
બેકારો એનો ગમ દૂર કરવા માટે અને ધનિક નબીરાઓ ખુશી વધારવા આની લતે ચડ્યા છે. બેકારોના કાન પકડનારું કોઈ નથી, ફુટપાથ તેનું બિછાનું છે અને આકાશ ઓઢણું. ધનિક યુવાનોના કાન પકડનારા વડીલો જ પ્રોત્સાહન આપનારા નીકળે છે. યુવાનીમાં પોતે જે આનંદ  લૂંટી નથી શક્યા એ આંનદ સંતાનોને ભોગવતાં જોઈને તેમની છાતી ગજગજ ફૂલે છે (યાદ છે આવા પ્રકારનું સ્ટેટમેન્ટ શાહરુખ ખાને આપ્યું હતું). 
 આ યુવાનો દર મહિને ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયામાં વાળ કપાવે છે, ૧૫,૦૦૦થી ૨૫,૦૦૦ કે વધુ રૂપિયાનાં જૂતાં પહેરે છે, લાખ-બે લાખ કે પાંચ લાખના મોબાઇલ કે ઘડિયાળ વાપરે છે. વારતહેવારે હોટેલમાં ૩૦થી ૩૫ હજારનાં પાર્ટીનાં બિલ ચૂકવે છે. અમારા જમાનામાં આવા યુવાનો ‘બાપ લાખ ચાલીસ હજાર’ તરીકે ઓળખાતા અને આજે તેઓ પ્રગતિશીલ ગણાય છે. જૂના જમાનામાં આ બધા ‘છતના ચાળા’ ગણાતા, આજે હાઈ સોસાયટીની માગ ગણાય છે. 
 ‘આજનો યુવાન ભટકી ગયો છે’ આ વાક્ય બ્રહ્મવાક્ય બની ગયું હોય એમ ચારેય તરફ પડઘાય છે, પણ એ સત્ય છે? દેશની ૧૩૦ કરોડની વસ્તીમાં આવા યુવાનોની સંખ્યા કેટલી?  અને જો તે ભટકી ગયો છે તો એને માટે જવાબદાર કોણ? બીજી બાજુ એવું પણ કહેવાય છે કે  આજનો યુવાન બહુ ચાલાક છે, ચતુર છે, માહિતી અને જ્ઞાનનો ભંડાર છે, સમયની સાથે જીવે છે, તેનામાં કાંઈ નવું નોખું કરવાનો તરવરાટ છે, પરંપરા તોડીને આગળ વધવું છે. આ યુવાનો એટલા ચબરાક છે કે તકની રાહ જોવા કરતાં પોતે જાતે તક ઊભી કરે છે, વગેરે વગેરે. આમાં પણ સત્ય કેટલું? બહુ વિચારતા કરી મૂકે એવાં બે અંતિમો છે. 
સત્ય જે હોય એ, પણ હકીકત એ છે કે આજના યુવાનોને દોરવા, તેમને માર્ગદર્શન આપવા, પ્રોત્સાહિત કરવામાં આપણી તમામ રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સિસ્ટમ ઊણી ઊતરી છે. 
યુવાનો ભટકી ગયા છે એટલે શું? સમાજશાસ્ત્રીઓનું કહેવું છે કે યુવા વર્ગ જીવનના મૂળ  ઉદ્દેશ, નૈતિક તેમ જ સામાજિક કર્તવ્યથી વિમુખ થઈ ગયો છે, એટલું જ નહીં, અનુચિત ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે અમાનવીય અને આડે રસ્તે કદમ માંડી રહ્યો છે. 
આજે મોટા ભાગના વડીલોની ફરિયાદ છે કે સંતાનો આમન્યા નથી રાખતાં, સામો જવાબ આપે છે, એ પણ સીધા નહીં, તોછડા. તેમનું ધ્યાન ઘર કરતાં બહારની દુનિયામાં વધારે  ભટકતું હોય છે, ઘરના કોઈ કામમાં રસ નથી લેતા, ૨૪ કલાક મોબાઇલ કે કોઈ પણ ગૅજેટમાં  માથું ઘાલીને બેઠાં હોય છે, દર અઠવાડિયે જુદી-જુદી પાર્ટીઓમાં વ્યસ્ત હોય છે. બર્થ-ડેની પાર્ટી, કોઈ પરીક્ષામાં પાસ થાય એની પાર્ટી, મિત્રો સાથે મિલનની પાર્ટી, નાઇટ આઉટ, વીક-એન્ડમાં નાના-નાના પ્રવાસ, બસ આ જ તેમની દુનિયા. 
પાર્ટીઓનું કોઈ કારણ ન મળે તો કારણ ઊભાં કરે. મનોરંજન અને મિત્રો સાથેનું મિલન એ જ તેમનું ધ્યેય. ગીત-સંગીત, નૃત્યની મહેફિલ, હિપ હૉપ ડાન્સ, બેલી ડાન્સ, બોલરૂમ ડાન્સ, સાલ્સા ડાન્સ વગેરે યુવાનો ભાન ભૂલીને માણે છે. આમાં મોટા ભાગના યુવાનો ધનિક જ હોય છે એવું નથી. સામાન્ય યુવાનો આવા ધનિક મિત્રો ખોળી કાઢે છે, પછી એ મિત્ર તેને પાળે-પોષે છે અને તેને ‘ચમચા’ તરીકે ઓળખાવે છે. આ વિષચક્ર ચાલુ જ રહે છે. 
આ બધું યુવાનો શીખે છે ક્યાંથી? મોટા ઘરની મહેફિલોમાંથી. ઘણાં ખમતીધર ઘરોમાં  છાશવારે પાર્ટીઓ થાય છે. દારૂ અને નાચગાન અનિવાર્ય હોય છે. લગ્નપ્રસંગે બૅન્ડવાજાંવાળા સાથે નાચતા જાનૈયાઓ ઘડીભર છટકી જઈને કારમાં રાખેલી બૉટલમાંથી બે ઘૂંટ ભરી લેતા જોયા છે. 
યક્ષપ્રશ્ન એ છે કે યુવાનોમાં ભટકી જવાનું કારણ શું? બહુ લાંબી ચર્ચા માગી લે એવો વિષય  છે. હું દૃઢપણે માનું છું કે આપણી શિક્ષણપદ્ધતિ એ ઘણાં કારણોમાંનું એક સૌથી મહત્ત્વનું કારણ છે. 
મુનિશ્રી ઉદયવલ્લભ વિજયે આ વિશે ઘણા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી છે. તેઓ કહે છે કે આજનું શિક્ષણ કૅરૅક્ટર બનવા કરતાં કરીઅર બનાવવાલક્ષી બની ગયું છે. સદાચાર, નીતિ, માનવતા, વિવેક, સાદાઈ, સંયમનું જ્ઞાન બિલકુલ અપાતું નથી. બી. એફ. સ્કિનરે શિક્ષણની  વ્યાખ્યા આપતાં કહ્યું છે કે ભણેલું ભુલાઈ ગયા પછી જે બચે એનું નામ શિક્ષણ અને આ જ  શિક્ષાનું નામ છે કેળવણી. 
શિક્ષણનો સંબંધ પ્રદાન સાથે નથી, અસર સાથે છે, હોવો જોઈએ. શિક્ષણ શબ્દનો અર્થ શિક્ષ    ધાતુમાં છે; શિક્ષણ એટલે શીખવું, તૈયાર થવું, ઘડાવું. જ્યાં માહિતી આપવાની મુખ્યતા હોય  અને ઘડતર જ્યાં ગૌણ હોય એને  શિક્ષાવૃત્તિ કરતાં ભિક્ષાવૃત્તિ કહેવી જોઈએ. આજે પરીક્ષામાં  મળેલા માર્ક્સ પરથી જ વિદ્યાર્થીઓનું સ્ટેટસ નક્કી થાય છે. ખરી રીતે તો બાળકની બુદ્ધિ કરતાં તેના મનની માવજત વધુ અગત્યની ચીજ છે.
મા-બાપની વ્યસ્તતા, બેદરકારી, સમાજમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું વધી ગયેલું અનુકરણ, ટેક્નૉલૉજીનો આડેધડ વધી ગયેલો ઉપયોગ, યુવાનોને ધર્મની સાચી વ્યાખ્યા આપવામાં  નિષ્ફળ ગયેલા ધર્મગુરુઓ, રાજકારણીઓ દ્વારા યુવાનોનો દુરુપયોગ, બેકારી, ફિલ્મ-ટીવીમાં  આવતા કાર્યક્રમની આડઅસર, સરકારની ‘આરક્ષણ’ નીતિ વગેરે જેવાં અનેક કારણો યુવાનોને ભટકાવી રહ્યાં છે, જેનો ઉપાય શોધવામાં સમાજશાસ્ત્રીઓ, શિક્ષણશાસ્ત્રીઓ નિષ્ફળ રહ્યા છે. 
 સમાપન
ગ્રીક દેશના એક પ્રખ્યાત ચિંતકે એક સડેલું સફરજન લઈને લોકોને પૂછ્યું, ‘આ બગડેલા  સફરજનને સુધારવું હોય તો શું કરવું પડે?’ 
ઘણો વિચાર કર્યો પણ કોઈને ઉત્તર ન જડ્યો. પછી ચિંતકે સફરજનના ચાર ટુકડા કર્યા. અંદર રહેલા એના બીજને બતાવીને પૂછ્યું ‘આ બીજ તો સારાં છેને? એને વાવવાથી બીજાં સારાં  સફરજન મેળવી શકાયને?’ બધા સ્તબ્ધ થઈ ગયા. નવી પેઢી એ બીજ છે એમાંથી નવસર્જન કરવાની પહેલ કોણ કરશે? દેશ કો આગે લે જાના હૈ તો પહલે યુવા મેં જોશ જગાના પડેગા 
નઝર ભી બદલેગી ઔર નઝરિયા ભી બદલેગા મગર પહલે સોચ મેં બદલાવ લાના પડેગા!

columnists Pravin Solanki