સૌથી વધુ ફિલ્મફેર અવૉર્ડ્સ મેળવવાનો રેકૉર્ડ લતા મંગેશકરના નામે નથી

20 May, 2020 01:16 PM IST  |  Mumbai | Ashu Patel

સૌથી વધુ ફિલ્મફેર અવૉર્ડ્સ મેળવવાનો રેકૉર્ડ લતા મંગેશકરના નામે નથી

લતા મંગેશકરે સૌથી વધુ ગીતો ગાયાં એવું મનાય છે અને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં તેમનું દાયકાઓ સુધી એકચક્રી સામ્ર્રાજ્ય રહ્યું, પણ મજાની વાત એ છે કે સૌથી વધુ ફિલ્મફેર અવૉર્ડ્સ તેઓ નથી જીત્યાં અને એક વર્ષમાં સૌથી વધુ નૉમિનેશન્સ મેળવવાનો રેકૉર્ડ પણ લતાજીના નામે નથી! અને સૌથી વધુ યુવાન વયે ફિલ્મફેર અવૉર્ડ મેળવવાનો રેકૉર્ડ પણ લતાજીના નામે નથી અને સૌથી વધુ યુવાન નૉમિનીનો રેકૉર્ડ પણ લતાજીના નામે નથી!

સૌથી વધુ ફિલ્મફેર અવૉર્ડ મેળવવાનો રેકૉર્ડ આશા ભોસલે અને અલકા યાજ્ઞિકના નામે બોલે છે. આશા ભોસલે અને અલકા યાજ્ઞિકે સાત-સાત ફિલ્મફેર અવૉર્ડ્સ મેળવ્યા છે.

ફિલ્મફેર અવૉર્ડ માટે સૌથી વધુ નૉમિનેશન્સ પણ ન તો લતા મંગેશકરને મળ્યાં છે કે ન તો આશા ભોસલેને મળ્યાં છે. ફિલ્મફેર અવૉર્ડ્સ માટે સૌથી વધુ નૉમિનેશન્સ અલકા યાજ્ઞિકને ૩૬ ગીતો માટે મળ્યાં છે. જોકે સૌથી વધુ નૉમિનેશન્સ એક વર્ષમાં મેળવવાનો રેકૉર્ડ આશા ભોસલે અને અલકા યાજ્ઞિકના નામે બોલે છે. આશા ભોસલેને ૧૯૭૫માં ચાર ગીત માટે નૉમિનેશન્સ મળ્યાં હતાં. તો અલકા યાજ્ઞિકનાં ૧૯૯૪માં ફિલ્મફેર અવૉર્ડમાં ચાર ગીત નૉમિનેટ થયાં હતાં.

ઉષા મંગેશકર અને ચંદ્રાણી મુખરજી ત્રણ-ત્રણ વખત નૉમિનેટ થયાં, પરંતુ તેમને એક પણ વખત અવૉર્ડ મળ્યો નથી.

સૌથી મોટી ઉંમરના ફિલ્મફેર અવૉર્ડ વિજેતાનો રેકૉર્ડ પણ લતાજીના નામે નથી. એ રેકૉર્ડ ઉષા ઉથ્થુપના નામે બોલે છે. તેઓ ૬૪ વર્ષની ઉંમરે ફિલ્મફેર અવૉર્ડ જીત્યાં હતાં. તો સૌથી મોટી ઉંમરના નૉમિનીનો રેકૉર્ડ પણ ઉષા ઉથ્થુપના નામે છે. તેઓ ૬૪ વર્ષની ઉંમરે નૉમિનેટ થયાં હતાં અને યંગેસ્ટ ફિલ્મફેર અવૉર્ડ વિનરનો રેકૉર્ડ નાઝિયા હસનના નામે બોલે છે. તેઓ ૧૬ વર્ષની ઉંમરે ફિલ્મફેર અવૉર્ડમાં નૉમિનેટ થયાં હતાં અને યંગેસ્ટ નૉમિનીનો રેકૉર્ડ સુષમા શ્રેષ્ઠના નામે બોલે છે જે ૧૧ વર્ષની ઉંમરે ફિલ્મફેર અવૉર્ડ માટે નૉમિનેટ થયાં હતાં. શ્રેયા ઘોષાલ સૌથી વધુ અવૉર્ડ મેળવનારમાં બીજા નંબરે આવે છે, તે ૬ ફિલ્મફેર અવૉર્ડ જીતી છે, તો લતા મંગેશકર, અનુરાધા પૌડવાલ અને કવિતા કૃષ્ણમૂર્તિ ચાર-ચાર અવૉર્ડ જીત્યાં છે.

સૌથી વધુ નૉમિનેશન્સના રેકૉર્ડ અલકા યાજ્ઞિક, શ્રેયા ઘોષાલ, આશા ભોસલે, લતા મંગેશકર, કવિતા કૃષ્ણમૂર્તિ, સુનિધિ ચૌહાણ, અનુરાધા પૌડવાલ, અલીશા ચિનૉય, હેમલતા, શારદા, સલમા આગા અને ઉષા ઉથ્થુપના નામે બોલે છે. અલકા યાજ્ઞિક ૩૬ વખત નૉમિનેટ થયાં હતાં, શ્રેયા ઘોષાલ ૨૪ વખત, આશા ભોસલે ૨૦ વખત, લતા મંગેશકર ૧૯ વખત, કવિતા કૃષ્ણમૂર્તિ ૧૮ વખત, સુનિધિ ચૌહાણ ૧૬ વખત, અનુરાધા પૌડવાલ ૧૦ વખત, અલીશા ચિનૉય ૬ વખત, હેમલતા પાંચ વખત, શારદા ચાર વાર, સલમા આગા ચાર વાર અને ઉષા ઉથ્થુપ ચાર વાર નૉમિનેટ થયાં હતાં.

ફિલ્મફેર વિશેની વધુ રસપ્રદ વાતો બીજા પીસમાં કરીશું.

entertainment news bollywood bollywood news columnists ashu patel asha bhosle alka yagnik lata mangeshkar