મંદિર | માણસ

30 December, 2022 04:28 PM IST  |  Mumbai | Rashmin Shah

વાત ધીમે-ધીમે આખા ગામમાં ચર્ચાવા લાગી કે મુલ્લાને કોઈ રોકો, પણ મુલ્લાને રોકવા-સમજાવવા કોઈ આગેવાની લેવા તૈયાર થાય નહીં. વાત છેવટે નગરના શહેનશાહ પાસે પહોંચી. તેમણે બધાને બોલાવ્યા અને બધા સાથે મીટિંગ શરૂ કરી.

ઇલસ્ટ્રેશન

‘જુઓ, મારી વાત સાંભળો.’ ઘરે આવેલા સૌકોઈની આગતાસ્વાગતામાં નસીરુદ્દીને શરબત આપ્યું અને પછી બધાની સામે તે ઊભા રહ્યા, ‘મને ખરેખર નમાજ નથી આવડતી, મને કોઈ બંદગી સુધ્ધાં નથી આવડતી.’

‘તમે ખોટું બોલો છો.’

બધા એક સૂરે બોલી ઊઠ્યા, કોઈને તેમની વાતનો વિશ્વાસ નહોતો.

‘તમને બધું આવડે છે...’

મુલ્લા નસીરુદ્દીને હવામાં હાથ ઊંચો કર્યો અને આકાશ તરફ જોઈને તે બોલ્યા,

‘ખુદાગવાહ, હું ખોટું બોલતો નથી. હું એ જ વાત રિપીટ કરું છું કે મને ખુદાની બંદગી આવડતી નથી.’

આંખોથી ઇશારત કરી સૌકોઈએ એકબીજાની પરમિશન લઈ લીધી.

‘મંજૂર મુલ્લા, કબૂલ મુલ્લા. તમે જે કહો છો એ અમને સ્વીકાર્ય છે અને એ પછી પણ અમે કહીએ છીએ કે તમે ખુદાની બંદગી કરો.’ એ યુવાને ચોખવટ કરી, ‘તમને જેમ આવડે એમ, જેમ ફાવે એમ અને જેમ યોગ્ય લાગે એમ બંદગી કરો પણ બસ, અમારું કહેવું એ જ છે કે તમે બંદગી કરો. સવારે કરવી હોય તો સવારે કરો, રાતે કરવી હોય તો રાતે કરો, પણ અમારા બધાના ભલા માટે પણ તમે પ્લીઝ બંદગી કરો.’

મુલ્લાએ આકાશ સામે જોઈ વચન આપી દીધું,

‘મંજૂર. મને આવડે એ રીતે, એ પ્રકારે હું બંદગી કરીશ. મારું તમને વચન છે.’ સામે બેઠેલા સૌકોઈની સામે જોઈને મુલ્લાએ કહ્યું, ‘બસ, મારી તમને સૌને એક જ વિનંતી છે કે મારી બંદગીને તમારે રોકવાની નહીં.’

‘મંજૂર.’

 બધાએ એકી અવાજે હા પાડી અને પછી સૌ ત્યાંથી રવાના થયા.

lll

બીજા દિવસથી તો મુલ્લા નસીરુદ્દીન બંદગીએ લાગી ગયા પણ મુલ્લા તો પોતાના સમયે બંદગી માટે ટેરેસ પર જાય. કોઈએ તેમને રોકવાના નહોતા. બસ, બધાના મનમાં એક જ વાત હતી કે કોઈ પણ હિસાબે મુલ્લા અલ્લાહનું નામ લે અને બંદગી કરે.

આખો દિવસ મુલ્લા બહાર ફરે અને પછી રાતે ઘરે આવી જમીને શાંતિથી બેસે. સૂવાનો સમય થાય એટલે મુલ્લા ટેરેસ પર જાય. ટેરેસ પર જઈ તે આકાશ સામે જુએ અને પછી જોરથી રાડ પાડે,

‘અલ્લાહ... હું આવી ગયો તારી પાસે હાજરી પુરાવવા. મારી હાજરી નોંધી લેજો.’ એ પછીના મુલ્લાના શબ્દો સાંભળીને આખા શહેરના લોકો હેબતાઈ ગયા, ‘હવે તારે હાજરી પુરાવવાની છે. જો તું હો તો તારે મને સો દિનાર આપવાના છે. પૂરા સો દિનાર. એક પણ દિનાર ઓછી હશે તો હું એ નહીં સ્વીકારું.’

lll

‘દિનાર એટલે?’

ઢબ્બુએ પૂછ્યું એટલે પપ્પાએ સમજાવ્યું,

‘એક સમયે અફઘાનિસ્તાનમાં દિનાર નામની કરન્સી ચાલતી હતી. આપણે ત્યાં જેમ રૂપિયા છે એમ એ સમયે અફઘાનમાં દિનાર હતા.’

‘હંમ...’ ઢબ્બુ ફરી પપ્પાના ખોળામાં માથું રાખી સૂઈ ગયો, ‘પછી?’

lll

પહેલા દિવસે તો કોઈ કશું બોલ્યું નહીં પણ આ તો મુલ્લાની રોજની આદત થઈ ગઈ. રોજ રાત પડે અને મુલ્લા ટેરેસ પર જાય. ટેરેસ પર જઈને તે મોટે-મોટેથી અલ્લાહને બૂમો પાડે અને પછી તેમની પાસેથી સો દિનાર માગે.

એક જ વાત, અલ્લાહ, તમારે મને સો દિનાર આપવાના છે.

નગરના લોકો ધીમે-ધીમે મુલ્લાની આ પ્રકારની બંદગીથી થાકવા લાગ્યા. મુલ્લા બંદગી માટે મોડી રાતનો જ સમય પસંદ કરે. મોડી રાતે ટેરેસ પર જઈને તે રાડારાડી કરી મૂકે અને બધાની ઊંઘ બગડે, પણ લોકો તેને કહેવા પણ જઈ ન શકે. જાય પણ કેવી રીતે, એ લોકોએ તો મુલ્લાને જે પ્રકારે બંદગી કરવી હોય એ માટે હા પાડી હતી.

સામે પક્ષે મુલ્લા જેનું નામ, એ જરાય થાકે નહીં.

મરજી પડે ત્યાં સુધી, ઇચ્છા પડે ત્યાં સુધી અલ્લાહ સાથે રાડો પાડી-પાડીને વાતો કરે અને પછી જ તે નીચે ઊતરે.

lll

વાત ધીમે-ધીમે આખા ગામમાં ચર્ચાવા લાગી કે મુલ્લાને કોઈ રોકો, પણ મુલ્લાને રોકવા-સમજાવવા કોઈ આગેવાની લેવા તૈયાર થાય નહીં. વાત છેવટે નગરના શહેનશાહ પાસે પહોંચી. તેમણે બધાને બોલાવ્યા અને બધા સાથે મીટિંગ શરૂ કરી.

‘હવે કરવાનું શું છે?’ શહેનશાહે વાતની શરૂઆત કરી, ‘મુલ્લાને રોકીશું કેમ?’

‘આપણે તેમને રોકી શકીએ એમ નથી.’ એક વડીલ ઊભા થયા, ‘આપણે જ તેમને છૂટ આપી હતી કે તમારે જે રીતે બંદગી કરવી હોય એમ કરજો, અમને કોઈ તકલીફ નથી પણ બસ, તમે બંદગી કરો.’

બીજા એક વડીલે શહેનશાહને સલામી આપતાં કહ્યું,

‘જહાંપનાહ, તેમણે અમને રોકી-રોકીને, ટોકી-ટોકીને કહ્યું કે મને બંદગી નથી આવડતી એટલે અમે જ તેમને કહ્યું કે તમને મજા આવે એમ અલ્લાહનું નામ લો. અમારો કોઈ વિરોધ નથી તો પછી હવે...’ વડીલે નજર નીચી કરી, ‘તેમને ના કેવી રીતે પાડવી?’

‘તમારી વાત વાજબી છે પણ... લોકોની તકલીફોનું પણ જોવું પડે.’ શહેનશાહે કહ્યું, ‘મુલ્લાને લીધે આખા નગરમાં કોઈ સૂઈ નથી શકતું. શરૂઆતમાં તો એ માત્ર ટેરેસ પરથી અલ્લાહની સાથે વાતો કરતા, પણ હમણાં-હમણાં તો તે રસ્તા પર નીકળીને વાતો કરે છે અને એ પણ એટલી મોટે-મોટેથી કરે છે કે બધાની ઊંઘમાં ખલેલ પડે છે.’

અચાનક શહેનશાહને યાદ આવ્યું,

‘મુલ્લા ખુદા પાસે સો દિનાર શાના માગે છે?’

‘કેમ ખબર પડે... એ તો એવું બોલતા હોય છે કે અલ્લાહે પોતાની હયાતીના પૂરાવારૂપે સો દિનાર આપવાના.’ એક યુવકે કહ્યું, ‘એમ કંઈ થોડા ખુદા સો દિનાર આપવા આવવાના.’

થોડો વિચાર કરી શહેનશાહે રસ્તો કાઢ્યો,

‘આપણે મુલ્લાની માગ પૂરી કરીએ તો?’

બધા વિચારમાં પડી ગયા. જોકે એક વ્યક્તિના મનમાં વિચાર આવી ગયો,

‘આપણે કેવી રીતે ડિમાન્ડ પૂરી કરવાના? મુલ્લા માગે તો અલ્લાહ પાસે છે તો...’

‘એ જ વાત છે...’ શહેનશાહે તરત જ ચોખવટ કરી, ‘મુલ્લાને તો ખબર પડવાની નથી કે અલ્લાહ પાસે એ જે માગે છે એ માગ કોણ પૂરી કરે છે. આપણે મુલ્લાની માગ પૂરી કરીએ અને આપણે બધા એવું જ દેખાડીશું કે અલ્લાહે જ તેની માગ પૂરી કરી છે.’

ધીમે-ધીમે સૌના મનમાં વાત અને વિચાર બેસવા લાગ્યો અને બધાને શહેનશાહની વાત સાચી લાગી. જો અલ્લાહ મુલ્લાને સો દિનાર આપી દે તો મુલ્લાની માગ બંધ થઈ જાય અને જો મુલ્લા અલ્લાહની પાસે માગ બંધ કરી દે તો આખા નગરમાં ફરી શાંતિ પ્રસરી જાય, બધા શાંતિથી સૂઈ શકે.

શું કરવું જોઈએ એ વિશે વિચારવાનું કહીને શહેનશાહ તો પોતાના શયનખંડમાં ચાલ્યા ગયા અને નગરવાસીઓ બધા મહેલમાંથી નીકળીને વિચારણા પર લાગ્યા.

lll

‘અલ્લાહ પાસેથી મુલ્લાને સો દિનાર જોઈએ છે. એક દિનાર પણ ઓછો લેવાની તેમણે ના પાડી છે તો મારા મનમાં એક વિચાર આવે છે.’ એક પીઢ આગેવાને કહ્યું, ‘આપણે નવાણું દિનાર ભરીને પોટલી મુલ્લાની અગાસી પર ફેંકી દઈએ. મુલ્લાને દિનાર મળશે એટલે તે ગણશે. સોને બદલે નવાણું દિનાર હશે એટલે મુલ્લા એનો સ્વીકાર નહીં કરે અને ફરીથી પોટલી અગાસી પર મૂકી દેશે એટલે આપણને આપણા દિનાર પણ પાછા મળી જશે અને મુલ્લાના બૂમબરાડાથી પણ નિરાંત થઈ જશે.’

બધાને તેમની વાત સાચી લાગી.

નાહકના દિનાર પણ ઘરમાંથી જાય નહીં અને બધાને છુટકારો પણ મળી જાય.

‘હા, હા... એવું જ કરીએ.’

બધાએ ગજવામાં હાથ નાખીને એકેક દિનાર આપવાનું ચાલુ કર્યું અને જોતજોતામાં નવાણું દિનાર એકત્રિત થઈ ગયાં.

‘એવી પોટલી હવે જોઈએ છે જે જરીના ભરતકામથી શોભતી હોય. અલ્લાહ નબળી વસ્તુ ન વાપરે એટલે સારી જ પોટલી રાખીએ.’

બધા એ વાતથી પણ સહમત થયા અને એક સરસ મજાની પોટલી લેવામાં આવી. પોટલીમાં નવાણું દિનાર ભરીને બધા રાત પડવાની રાહ જોવા માંડ્યા.

lll

રાત પડી. આખું નગર ધીમે-ધીમે સૂવા માટે જતું રહ્યું અને આખા નગરમાં સન્નાટો પ્રસરી ગયો, પણ મુલ્લાના ઘરની લાઇટ હજી ચાલુ હતી. બધાને ખબર હતી કે મુલ્લા પોતાની પેલી વિચિત્ર બંદગી વિના સૂવા નહીં જાય અને એવું જ બન્યું.

રાતના બે વાગ્યા કે મુલ્લા નસીરુદ્દીન ચડ્યા ટેરેસ પર અને તેમણે ત્યાં જઈને ફરીથી અલ્લાહની સાથે વાતો કરવાનું શરૂ કરી દીધું.

‘અલ્લાહ, હું ત્યાં સુધી તને આમ જ બોલાવતો રહીશ જ્યાં સુધી તું મને સો દિનાર નહીં આપે. સો દિનાર જ મને જોઈએ, એક દિનાર પણ ઓછો નથી લેવાનો. એટલે મને સો દિનાર આપીને તું તારી સાબિતી આપી દે. અલ્લાહ, સાંભળે છેને તું મારી વાત? બધું સંભળાય છેને તને...’

અલ્લાહ આકાશ સામે જોઈને બોલ-બોલ કરતા હતા ત્યારે પેલા ટોળામાંથી એક ભાઈએ ધીમેકથી પોટલી એવી રીતે ફેંકી કે જે સીધી મુલ્લા પાસે જઈને પડે.

ઘા એકદમ પર્ફેક્ટ હતો, પોટલી સીધી મુલ્લાના પગ પાસે પડી.

મુલ્લા તો પોટલી જોઈને રાજી-રાજી થઈ ગયા.

‘વાહ અલ્લાહ, ફાઇનલી તેં મારી વાત સાંભળી ખ‍રી.’ મુલ્લાએ કહી પણ દીધું, ‘એક દિનાર પણ ઓછો નીકળ્યો એટલે પોટલી પાછી હોં ભગવાન...’

પોટલી હાથમાં લઈને મુલ્લાએ તો દિનારની ગણતરી ચાલુ કરી.

૯૬, ૯૭, ૯૮ અને ૯૯...

સો દિનાર નહોતા, એક દિનાર ઓછો હતો.

નીચે બેઠેલા પેલા બધા લોકો પણ આ જ સમયની રાહ જોતા હતા. તેમને ખાતરી હતી કે એક દિનાર ઓછો નીકળશે એટલે મુલ્લા પોટલી મૂકીને ઘરમાં ચાલ્યા જશે અને બધાને પોતાના દિનાર પાછા મળી જશે, પણ આ શું?

મુલ્લાએ પોટલી મૂકવાને બદલે આકાશ સામે પોટલી ઊંચી કરીને આભાર માન્યો,

‘થૅન્ક યુ વેરી મચ અલ્લાહ.’ મુલ્લાહે પોટલી આંખે લગાડી, ‘તું પણ હવે પ્રોફેશનલ થઈ ગયો એ જોયું મેં, જરી લગાડેલી આ પોટલીનો એક દિરહામ તેં કાપી લીધો એમ ને? વાહ, માની ગયો તને... ખરો પ્રોફેશનલ તું થઈ ગયો.’

lll

મુલ્લા તો ઘરમાં જઈને સૂઈ ગયા અને પેલા લોકો પોતાની પોટલીની રાહ જોતા નીચે બેસી રહ્યા, પણ તેમને સમજાઈ ગયું હતું કે મુલ્લા હવે કંઈ પોટલી પાછા આપવાના નથી. એ બધાના ચહેરા પર અફસોસ હતો કે મહામહેનતે એકઠા કરેલા નવાણું દિનાર એ લોકોના હાથમાંથી સરકી ગયા હતા.

સવાર સુધી રાહ જોયા પછી બધા પોતપોતાના ઘરે ગયા, પણ બધાએ એટલું તો નક્કી કર્યું જ કે સવારે મુલ્લાને પૂછવું તો ખરું કે તમે કેમ એક દિનાર ઓછો લઈ લીધો?

lll

‘મુલ્લા, તમે તો સો દિનારની વાત કરતા હતા તો પછી નવાણું દિનાર તમે કેમ રાખી લીધા?’

‘તમે અલ્લાહને ડિસ્કાઉન્ટ આપ્યું?’

બીજાએ પૂછ્યું ત્યાં જ ત્રીજાનો પણ પ્રશ્ન આવ્યો,

‘કે પછી નવાણું દિનાર જોઈને મનમાં લાલચ જાગી ગઈ?’

મુલ્લાને બધા મળવા ગયા ત્યારે મુલ્લા કંદોઈને ત્યાં ઊભા રહીને જલેબી ખરીદતા હતા. કોઈને પણ જવાબ આપ્યા વિના મુલ્લાએ જલેબીનું પૅકેટ હાથમાં લીધું અને પછી તે તો મસ્તીથી રસ્તા પર નીકળ્યા. જે કોઈ ગરીબ બાળકો સામે મળે તેની સામે જલેબીનું પૅકેટ ધરતા જાય.

‘લઈ લે તું તારે, જેટલું મન હોય એટલી... તારા જ માટે લીધી છે.’

મુલ્લાને આવું કરતા જોઈને બધા સમજી ગયા કે આગલી રાતે હાથમાં આવેલા નવાણું દિનાર ઉડાડી રહ્યા છે. કેટલાકનો તો જીવ બળતો અને કેટલાક તો રીતસર બળતરા કરતા પણ કોઈ મુલ્લાને રોકી શકતું નહોતું.

lll

આખા ગામનાં ગરીબ બાળકોને જલેબી ખવડાવી મુલ્લા શાંતિથી એક ઓટલા પર બેઠા એટલે બધા પણ તેની સામે ગોઠવાઈ ગયા.

‘મુલ્લા, જવાબ તો આપો તમે.’ બધાની ઇંતેજારી વધી ગઈ હતી, ‘સોને બદલે નવાણું દિનાર મળ્યા તોયે તમે કેમ સ્વીકારી લીધા?’

‘ભગવાને મને એ રાતે કહ્યું...’ મુલ્લા હસ્યા અને પછી સ્માઇલ સાથે તેમણે કહ્યું, ‘આ લોકો મારા નામે પૂજારી અને મૌલવીને પૈસા આપે છે પણ મારી ઇચ્છા તો જુદી છે. તું એક કામ કરજે નસીર, મારા નામે તારી પાસે જે પૈસા આવે એ પૈસાથી ભૂખ્યાઓને ભોજન કરાવજે અને નાના બાળકોનાં મોઢાં મીઠાં કરજે. આપણે નથી ભરવાં એ લોકોનાં ઘર જે મારા નામે પૈસા એકત્રિત કરે છે.’

lll

‘સમજી ગયો.’ ઢબ્બુ ઊછળી પડ્યો, ‘સમજાઈ ગ્યું મને, તમે અત્યારના ટાઇમના મુલ્લા નસીરુદ્દીન બન્યા છો. ભગવાનના પૈસા એની પાછળ વાપરો છો જે ભગવાનના લોકો છે...’

‘ભગવાનના લોકો અને ભગવાનને જે વધારે વહાલા છે...’

‘હવેથી હું પણ એ જ કરીશ.’ ઢબ્બુએ સમજણ વાપરી, ‘હું મારા ભેગા કરેલા પૈસા મંદિરમાં મૂકવાને બદલે આપણા વૉચમૅનનાં જે કિડ્સ છે એમને આપીશ...’

 

સંપૂર્ણ

columnists Rashmin Shah