લાલચ (મૉરલ સ્ટોરી)

28 January, 2022 07:59 AM IST  |  Mumbai | Rashmin Shah

‘રાજાજી, આપ તો ચક્કર મારી આવો. વડા પ્રધાન આવશે તો અમે તેમને અહીં બેસાડીએ છીએ...’

લાલચ (મૉરલ સ્ટોરી)

સોનાની નાવ.
રાજાજીને બાજુના નગરના મહારાજાએ સોનાની નાવ ભેટ મોકલી અને એકબીજાનાં નગરો વચ્ચે બિઝનેસની રિલેશનશિપ ડેવલપ થાય એ માટે ઑફર આપી. 
સોનાની નાવ... 
નાવ તો લાકડાની હોય. એવા સમયે સોનાની નાવ સાંભળીને રાજાજી તો ખુશ-ખુશ થઈ ગયા. નાવ લઈને આવનારા મહેમાને તો ત્યારે જ ઑફર પણ કરી દીધી કે તમે એ નાવમાં ચક્કર મારો, તમને બહુ મજા આવશે.
‘ઍક્ચ્યુઅલી, મારું મન તો છે જ એમાં સફર કરવાનું, પણ...’ મહારાજાએ દરબારમાં નજર કરી, ‘અમારા વડા પ્રધાન આવ્યા નથી અને હું ક્યાંય પણ જઉં તો મારા વડા પ્રધાન સાથે જ જઉં છું.’
‘એમાં શું? હું બોલાવી લઉં વડા પ્રધાનને...’ સેનાપતિ ઊભા થઈ ગયા, ‘અત્યારે જ આપ આપની ઇચ્છા પૂરી કરો અને અમને બધાને પણ સોનાની નાવ દેખાડો.’
સેનાપતિએ વડા પ્રધાનને બોલાવવાનો આદેશ આપ્યો એટલે બે સૈનિકો મહેલમાંથી સીધા ભાગ્યા વડા પ્રધાનના ઘર તરફ. એ સમયે વડા પ્રધાન આરામથી પોતાના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતા હતા. તેમણે આવવાની ના પાડી અને સીધા નદી કિનારે મળવાનું વચન આપ્યું. કાફલો તો ફરી પાછો આવ્યો મહેલ પર અને વડા પ્રધાને આપેલો જવાબ રાજાને સંભળાવી દીધો.
‘જહાંપનાહ, વડા પ્રધાન સ્નાન કરે છે. તેમણે કહ્યું છે કે તે સીધા નદી કિનારે તમને મળશે.’
‘ઠીક છે, ચાલો આપણે નીકળીએ...’ 
રાજા આગળ અને બાકી સૌ તેમની પાછળ. 
આખો કાફલો પહોંચ્યો નદી કિનારે. રાજાની નજર નદીમાં પડી કે તેમની આંખો અંજાઈ ગઈ. નદીમાં ઝગારા મારતી સોનાની નાવ લાંગરાયેલી હતી. મોટી અને પહોળી એવી એ સોનાની નાવ વિશ્વની આઠમી અજાયબી જેવી હતી. નાવ સોનાની હતી તો એમાં બેસવાની જે જગ્યા હતી એ ચાંદીની બનાવવામાં આવી હતી. આ ઉપરાંત નાવ પર ડાયમન્ડ પણ લગાડવામાં આવ્યા હતા. સૂર્યના પ્રકાશમાં નાવ એવી તે ઝગારા મારતી હતી કે કોઈ એની સામે પણ ન જોઈ શકે.
અદ્ભુત લાગતી એ નાવ હકીકતમાં લાલચનું પ્રતીક હતી અને એ જ પ્રતીક અત્યારે પપ્પાએ ઢબ્બુને સમજાવવા માટે વાપર્યું હતું.
lll
નદી કિનારે રાજા તો રાહ જોવા માંડ્યા વડા પ્રધાનની. વડા પ્રધાન ક્યાંય દેખાય નહીં એટલે થોડી વાર પછી સેનાપતિ રાજાની નજીક આવ્યો...
‘રાજાજી, આપ તો ચક્કર મારી આવો. વડા પ્રધાન આવશે તો અમે તેમને અહીં બેસાડીએ છીએ...’
‘હં...’ રાજાએ સૂર્ય સામે જોયું. સૂર્ય મધ્યાહને હતો. 
રાજાએ હાથથી જ ઇશારો કર્યો એટલે ઉજ્જૈનથી આવેલો મહેમાન સમજી ગયો. તેણે ખિસ્સામાંથી સફેદ રૂમાલ કાઢીને નાવ ચલાવનારા નાવિકને ઇશારો કર્યો એટલે નાવિકે હાથમાં હલેસાં સાથે તૈયારી કરી.
‘આપ પણ ચાલો...’ 
રાજાએ સેનાપતિ સામે જોઈને પગ ઉપાડ્યા.
‘ના... ના... પહેલાં તમે જ જાઓ. તમારા માટે આવેલી ભેટ છે...’
રાજા આગળ વધ્યા અને ધીમેકથી નાવમાં ગોઠવાયા. રાજાની સાથે ઉજ્જૈનથી આવેલો પેલો દૂત પણ ગોઠવાયો અને નાવ ધીમે-ધીમે નદીમાં આગળ વધવા માંડી. રાજા આજુબાજુમાં જોયા કરે. આજુબાજુનું પાણી એકદમ ઝગારા મારતું હતું. 
રાજાને બહુ ખુશી થઈ, આનંદ થયો. નાવ ધીમે-ધીમે આગળ વધતી નદીની વચ્ચે પહોંચી અને ત્યાં જ રાજાને પગ પાસે ભીનાશનો અહેસાસ થયો.
lll
‘પાણી આવ્યું, નાવ તૂટી હશે...’ પપ્પાના ખોળામાં માથું રાખીને સૂતેલો ઢબ્બુ બેઠો થઈ ગયો, ‘ગોલ્ડ તરે જ નહીં ક્યારેય...’
‘ગોલ્ડ નહીં, કોઈ મેટલ ક્યારેય પાણીમાં તરે નહીં...’
‘હં...’ ઢબ્બુ ફરી પપ્પાના ખોળામાં સૂઈ ગયો, ‘પછી...’
‘નાવ ડૂબવાની શરૂ થઈ અને નાવ ડૂબે છે એ કિનારે ઊભા હતા એ રાજાના સ્ટાફને પણ દેખાયું...’
lll
‘એ નાવ... નાવ ડૂબે છે...’
સેનાપતિએ રાડ પાડી. બીજા બધા સ્ટાફ-મેમ્બરો પણ હાંફળા-ફાફળા થઈને કિનારા તરફ ભાગ્યા, પણ કોઈને તરતાં આવડતું નહોતું એટલે પાણીમાં કોઈ ઊતરી શકે એમ નહોતું. બધાએ બચાવવા માટે રાડારાડી કરી મૂકી, પણ કિનારે કોઈ એવું નહોતું જે પાણીમાં તરીને રાજાજી સુધી જઈ શકે અને તેમને બચાવી શકે.
સેનાપતિ અને બીજા બધાની સામે રાજા ડૂબી ગયા અને નગરમાં દેકારો મચી ગયો. બે દિવસ સુધી રાજાને પાણીમાં શોધવામાં આવ્યા, પણ રાજા મળ્યા નહીં કે પછી તેમનું ડેડ બૉડી પણ મળ્યું નહીં. નાછૂટકે ઑફિશ્યલ જાહેરાત કરવી પડી કે રાજા હવે હયાત નથી, ડૂબવાને કારણે તેમનું મૃત્યુ થયું છે.
બીજી સવારે રાજમહેલમાં સભા મળી અને હવે રાજાની ગેરહાજરીમાં કોણ રાજ કરશે એની ચર્ચા શરૂ થઈ.
lll
‘પણ એ તો રાજાનો દીકરો જ બનેને?’ 
ઢબ્બુએ પૂછ્યું એટલે પપ્પાએ જવાબ આપ્યો...
‘હા, પણ રાજાને કોઈ દીકરો કે દીકરી નહોતાં અને રાણીની તો હાલત જ ખરાબ હતી એટલે તે રાજ સંભાળી શકે એવું કોઈને લાગતું નહોતું.’
‘એવું બને ત્યારે કોને રાજ આપે?’
‘તેને જેનામાં રાજ સંભાળવાની લાયકાત હોય અને જે રાજને વધારે આગળ લઈ જઈને રાજાનું નામ વધારે મોટું કરે...’
જિજ્ઞાસા સંતોષાઈ ગઈ એટલે ઢબ્બુ ફરી વાર્તા પર આવ્યો.
‘હં... પછી શું થયું?’
‘દરબારમાં બધાએ નક્કી કર્યું કે રાજ તે સંભાળશે જે રાજ્યને વધારે આગળ લઈ જવાની લાયકાત ધરાવતો હોય અને રાજ્યનાં તમામ કામો જાણતો હોય.’ 
lll
‘હું બેસ્ટ છું એ બધામાં... મને ખબર છે કે રાજ્ય કેમ ચાલે અને હું જાણું છું કે રાજા બનવા માટે કેવી-કેવી લાયકાત હોવી જોઈએ.’ સેનાપતિએ બધા વચ્ચે ઊભા થઈને કહ્યું, ‘વેપાર પણ હું વધારવાનું કામ કરીશ અને રાજનું રક્ષણ પણ હું કરીશ. સેના કેવી રીતે કામ કરે છે એ જોવાની જવાબદારી આજ સુધી મેં સંભાળી છે એટલે રાજા બનવાની લાયકાત મારા એકમાં છે... બીજા કોઈમાં નહીં.’
સેનાપતિ બોલતો હતો એ સમયે સભામાં હાજર રહેલા તમામ રાજવાસીઓની પાછળ એક-એક સૈનિક ઊભો રહી ગયો હતો. બધા સમજી ગયા હતા કે સેનાપતિએ બધું કામ કરી લીધું છે, આગોતરી તૈયારી કરીને સેનાને પણ પોતાના માટે સમજાવી લીધી છે એટલે હવે વિરોધ કરવા જતાં જીવ ગુમાવવો પડે કે પછી જેલમાં જવું પડે એવી શક્યતા વધારે છે. બહેતર છે કે આપણે કશું બોલ્યા વિના સેનાપતિને સ્વીકારી લેવા.
‘જી... મને, મને મંજૂર છે.’ સૌથી પહેલી મંજૂરી નગરશેઠે આપી અને કહ્યું, ‘સેનાપતિને જ્યાં પણ મારી જરૂર પડશે ત્યાં હું તેમની બાજુમાં ઊભો રહીશ. મને લાગે છે કે સેનાપતિ જ આપણા બેસ્ટ રાજા બની શકે.’
નગરશેઠ બહુ પૈસાવાળા હતા. રાજા પણ તેમને દરબારમાં ખૂબ માન આપતા અને માનપૂર્વક જ બોલાવતા. નગરશેઠની હા આવી એટલે બીજા બધા દરબારીઓએ પણ હા પાડવાની શરૂ કરી દીધી અને ધીમે-ધીમે આખા દરબારે હા પાડી દીધી. સેનાપતિ ખુશ થઈ ગયો. તેણે ઉજ્જૈનથી આવેલા પેલા સોનાની નાવવાળા દૂતની સામે જોયું. દૂતે સેનાપતિ સામે સ્માઇલ કર્યું. સેનાપતિએ પણ સ્માઇલ કર્યું અને પછી સિંહાસન પર બેસવા માટે પગ ઉપાડ્યા.
એક, બે, ત્રણ અને ચાર સ્ટેપ. પાંચમું સ્ટેપ લે એ પહેલાં જ પીઠ પાછળથી અવાજ આવ્યો... 
‘રાજ્ય હું સંભાળીશ.’
બધા ચોંકી ગયા અને સ્ટોરી સાંભળતો ઢબ્બુ પણ. તે ફરીથી ઊભો થઈ ગયો.
‘હવે પેલા વડા પ્રધાન હશે... તેમણે જ કીધું હશે આવું.’
‘ના... વડા પ્રધાનનો અવાજ નહોતો એ.’
‘તો કોણ આવ્યું?’
‘રાજા પોતે.’ પપ્પાએ કહ્યું અને ઢબ્બુની નાની આંખો પહોળી થઈ ગઈ, ‘રાજા પોતે જ દરબારમાં આવ્યા હતા.’
‘એ કેવી રીતે?’ ઢબ્બુ પપ્પાની બાજુમાં બેસી ગયો, ‘ડિટેલમાં કરો વાત...’
ડિનરની તૈયારી કરતી મમ્મીના કાન પણ સ્ટોરી તરફ હતા. રાજા ફરી આવ્યા એ વાત પર તેના પણ હાથ અટકી ગયા હતા.
‘રાજા આવ્યા પછી...’
ઢબ્બુએ સ્ટોરી કન્ટિન્યુ કરી.
‘સેનાપતિએ પાછળ ફરીને જોયું, પાછળ રાજા ઊભા હતા.’
lll
‘અરે, તમે રાજાજી... આવો... આવો...’ સેનાપતિ તરત જ સામેથી રાજા પાસે ગયો, ‘આપ હયાત છો એની તો અમને ખબર પણ નહોતી. બે દિવસ અમે તમને શોધ્યા પણ...’
‘બસ સેનાપતિ... બસ.’ રાજાએ સેનાપતિ સામે કડક નજરથી જોયું, ‘બહુ નાટક કરવાની જરૂર નથી. તમારી ચાલ પકડાઈ ગઈ છે.’
‘ચાલ? કેવી ચાલ મહારાજ?’
‘રાજા બનવાની ચાલ સેનાપતિ... તમારી ચાલ અને તમારા આ... સોનાની નાવ લાવનારા ભાઈબંધની ચાલ.’ રાજાએ પેલા ઉજ્જૈનથી આવેલા દૂતની સામે કતરાતી નજરે જોયું, ‘તમને બેઉને ખબર હતી કે જો હું રસ્તામાંથી હટી જઉં તો સિંહાસન ખાલી થઈ જાય અને સિંહાસન માટે બીજું કોઈ દાવો કરવાનું નથી એટલે રાજા બનવાનો તમારો રસ્તો ખૂલી જાય અને રસ્તો ખુલ્લો કરવા માટે તમે શેનો ઉપયોગ કર્યો... લાલચનો?!’
સેનાપતિના મોઢા પરથી નૂર ઊડી ગયું. 
કેવી રીતે આ બધી વાતની રાજાને ખબર પડી હશે?
‘તમને ખબર હતી કે મને કોઈ ગિફ્ટ આપે અને એમાં પણ મારી ફેવરિટ ગિફ્ટ કોઈ મને આપે તો હું તરત તેની વાત માની લઉં છું. એટલે તમે મારી એ વાતનો લાભ લીધો અને મારા માટે સોનાની નાવ બનાવી...’
‘લાલચ બહુ ખરાબ છે...’ દરબારના ગેટ પરથી બીજો અવાજ આવ્યો, ‘હું રાજાજીને કહેતો જ કે તમને કોઈ કંઈ પણ ચીજ આપે એ લેવાનું બંધ કરી દેશો તો તમારા હિતમાં રહેશે, નહીં તો ક્યારેક તમે પસ્તાશો...’
અવાજ વડા પ્રધાનનો હતો. હવે વડા પ્રધાન અંદર આવ્યા હતા.
‘સોનાની નાવની જેવી મને ખબર પડી કે તરત મારા મનમાં વિચાર આવ્યો કે રાજાને આવી ગિફ્ટ આપીને ફસાવવાની કોશિશ થાય છે. સૈનિકો જેવા ઘરેથી રવાના થયા કે તરત મેં મારા દીકરાને મહેલ દોડાવ્યો અને રાજાને સંદેશો આપ્યો કે નાવમાં તમે જાઓ એના કરતાં તમારા જોડિયા ભાઈને મોકલો, જેને આપણે હજી કોઈને દેખાડ્યો નથી. રાજા પહેલી વખત મારી વાત માન્યા અને તેમણે જવાનું ટાળ્યું...’ વડા પ્રધાને સેનાપતિ સામે જોયું, ‘ત્યાં જે બન્યું એ તો તમને ખબર જ છે. નાવ ડૂબવાની શરૂ થાય એ વખતે નદીમાં રાખેલા બન્ને મરજીવાને અમે સાબદા કરી દીધા અને બન્ને મરજીવાએ નદીમાં જ રાજાના ભાઈને બચાવી લીધો. બધા નદી કિનારે ઊભા હતા એટલે રાજાના ભાઈને અમે બીજા કિનારા પર પહોંચાડી દીધા અને હવે શું થાય છે એ જોવાનું નક્કી કર્યું...’
‘સોનાની નાવ... જો વડા પ્રધાને મને સાબદો ન કર્યો હોય તો હું એ નાવ સાથે અને તમારા કાવતરા મુજબ મોતને ભેટ્યો હોત. જોકે રાજા બનવાનાં તમારાં સપનાં અધૂરાં રહી ગયાં...’ રાજાએ સૈનિકો સામે જોયું, ‘સૈનિકો, પકડી લો આ બન્ને ગદ્દારોને.’
સેનાપતિ અને તેના ફ્રેન્ડની અરેસ્ટ થયા પછી દરબારમાં બેઠેલા સૌકોઈની સામે જોઈને રાજાએ કહ્યું : ‘લાલચ ખરાબ છે એ વાત આજે મને સમજાઈ છે. કોઈ માણસ તમને કંઈ પણ ચીજ આપે તો એ આપવા પાછળ તેનો હેતુ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. જો હેતુની જાણકારી વિના લાલચને આધીન થઈને તમે ચીજવસ્તુ લઈ લો તો તમારે દુઃખી થવું પડે. તમને એ હેરાનગતિમાંથી કોઈ બચાવી ન શકે.’
lll
‘હં... સમજી ગયો.’ ઢબ્બુએ તકિયા પાછળ સંતાડેલી પેન્સિલ બહાર કાઢીને મમ્મી સામે ધરી, ‘આ પેન્સિલનું તારે જે કરવું હોય એ કરજે... આજથી તારી.’
મમ્મી ઢબ્બુ સામે જોતી રહી એટલે ઢબ્બુએ કહ્યું...
‘તું રાખ લાલચ, લઈ લે આ પેન્સિલ...’
મમ્મી અને પપ્પા બન્ને હસી પડ્યાં.

સંપૂર્ણ

columnists Rashmin Shah