જીવદયા

13 May, 2022 10:49 AM IST  |  Mumbai | Rashmin Shah

પહેલાં બધાએ ગામમાં શોધવાનું શરૂ કર્યું, પણ રામનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. બધા હવે ગામની બહાર આવેલા જંગલ તરફ ગયા. જંગલ મોટું હતું, પણ બધાને ખબર હતી કે રામ કંઈ જંગલમાં દૂર સુધી જવાનો નહોતો. એટલે બધાએ જંગલના શરૂઆતના ભાગમાં જ રામને શોધવાનું શરૂ કર્યું

જીવદયા

‘આજે નહીં કાલે...’ રામે હસતાં-હસતાં જ બકરીને કહ્યું, ‘આજે હજી તારે મારી સાથે પાછા આવવાનું છે. જા, અત્યારે જઈને જે ખાવું હોય એ ખાઈ લે.’
બકરી તો દોડીને સરસ મજાના ઘાસ પાસે જઈને બેસી ગઈ અને લીલું ઘાસ ખાવા લાગી. બે-ચાર કલાક એણે સરસ રીતે બધું ખાધું અને પછી પેટ ભરાઈ ગયું એટલે એ ફરી આવીને રામ પાસે ઊભી રહી ગઈ. એટલે રામે બકરીના ગળામાં દોરી ફરી બાંધી અને ફરી શેઠની ઘરે જઈને બકરીને મૂકીને શેઠનાં બીજાં કામ પૂરાં કર્યાં. કામ થઈ ગયાં એટલે રામ ઘરે આવવા માટે નીકળ્યો. ઘરે આવીને તે સૂતો, પણ તેને ઊંઘ આવી નહીં. આખી રાત તે એમ જ પડખાં ઘસતો રહ્યો. જેવી સવાર પડી કે રામ મમ્મી પાસે ગયો અને તેણે મમ્મીના કાનમાં વાત કરી. રામની વાત સાંભળીને મમ્મી પણ રાજી થઈ ગઈ. 
‘બહુ સારું કામ છે...’ રામના માથા પર મમ્મીએ હાથ મૂક્યો, ‘જા, ભગવાન તારી સાથે છે...’
lll
‘અહીંથી સ્ટોરી કન્ટિન્યુ કરવાની છે તમારે...’ 
નૉન-વેજ શું કામ ન ખાવું જોઈએ એવા પ્રશ્નથી શરૂ થયેલી સ્ટોરીને પપ્પાએ જીવદયાના ટૉપિક પર ફેરવી હતી અને રામ નામના એક એવા છોકરાની વાર્તા ઢબ્બુને કહેવાનું શરૂ કર્યું હતું જે છોકરાએ બકરી ઈદના દિવસે કુરબાની ચડવાની હતી એવી બકરીની સાથે દોસ્તી કરી હતી. 
રામને એ બકરી બહુ ગમી ગઈ હતી અને રામે મનોમન નક્કી પણ કરી લીધું હતું કે તે એ બકરીની કુરબાની ચડવા નહીં દે. બકરી જીવતી રહે એ માટે રામે સરસ પ્લાનિંગ પણ કરી લીધું હતું. પ્લાનિંગનો દિવસ આવ્યો અને એ જ સમયે પપ્પાએ સ્ટોરી અટકાવી, પણ બીજા દિવસે પપ્પા જેવા ઘરમાં આવ્યા કે તરત જ ઢબ્બુએ સ્ટોરીની હઠ પકડી અને આગળની સ્ટોરીનું કન્ટિન્યુએશન પણ આપી દીધું.
‘સ્ટાર્ટ કરો... અહીંથી.’
‘સવાર પડી અને રામ ફ્રેશ થઈને નીકળી ગયો ઇસ્માઇલશેઠને ત્યાં નોકરીએ જવા...’ પપ્પાએ સ્ટોરી શરૂ કરી, ‘આજનો દિવસ તેના માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો. તેને ખબર હતી કે આજે બહુ ટૅક્ટફુલી કામ કરવાનું છે.’
lll
‘શેઠ, હું બકરીને નવડાવીને ચરાવી લાવું?’ 
‘ખાલી નવડાવી દે, ચરાવવાની આજે જરૂર નથી. આજે તો કુરબાની આપવાની છે એની...’ શેઠ ડ્રૉઇંગરૂમમાંથી બહાર આવ્યા, ‘આજે તો તને પણ જે બકરીને તેં ખવડાવ્યું છે એ બકરીની બિરયાની ખાવા મળશે.’
‘ના શેઠ, હું નૉન-વેજ નથી ખાતો...’
‘હાહાહા...’ શેઠે અટ્ટહાસ્ય કર્યું, ‘એટલે જ આવો દૂબળો-પાતળો છે...’
રામ કશું બોલ્યા વિના બકરીને લઈને નવડાવવા ગયો. આજે તેણે નવડાવવામાં બહુ વાર કરી નહીં અને પાંચ મિનિટમાં બકરી લઈને તે ફરી શેઠ પાસે આવ્યો.
‘શેઠ, એને ભૂખ લાગી છે. ખવડાવી લેવા દોને છેલ્લી વાર ઘાસ...’ રામે પ્રૉમિસ કરતાં કહ્યું, ‘તરત જ પાછો આવી જઈશ...’
શેઠે ઘડિયાળમાં જોયું. હજી તો સવાઆઠ વાગ્યા હતા અને કુરબાની માટે તો છેક સાડાદસ વાગ્યે જવાનું હતું.
‘જઈ આવ, પણ જો દસ પહેલાં આવી જજે...’
‘પાક્કું શેઠ...’
મનમાં મોટા હાશકારા સાથે રામ બકરીને લઈને લગભગ દોડતો જ જંગલ તરફ ભાગ્યો. બકરીના પગમાં પણ તાકાત હતી અને રામ રીતસર એની પાછળ ઢસડાતો હતો.
lll
‘આ મૂરખો ક્યાં મરી ગયો...’ શેઠે ઘડિયાળમાં જોયું, ‘અગિયાર વાગ્યા અને હજી આવ્યો નથી...’
ઇસ્માઇલશેઠ પોતે ઘરની બહાર નીકળ્યા અને તેમણે સાથે પોતાના બે-ત્રણ માણસોને લીધા.
‘ચાલો બધા, રામ બકરીને લઈને ગયો છે. કુરબાનીનો ટાઇમ થઈ ગયો, પણ હજી સુધી તે આવ્યો નથી... શોધો તેને.’
પહેલાં બધાએ ગામમાં શોધવાનું શરૂ કર્યું, પણ રામનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. બધા હવે ગામની બહાર આવેલા જંગલ તરફ ગયા. જંગલ મોટું હતું, પણ બધાને ખબર હતી કે રામ કંઈ જંગલમાં દૂર સુધી જવાનો નહોતો. એટલે બધાએ જંગલના શરૂઆતના ભાગમાં જ રામને શોધવાનું શરૂ કર્યું. 
‘રામ... એ રામ...’
બે-ચાર લોકોએ રામના નામની બૂમ પાડવા માંડી એટલે ઇસ્માઇલશેઠ ગુસ્સે થયા.
‘તેનું મારે કોઈ કામ નથી... બકરીને બૂમ પાડો. મારી કુરબાનીનો સમય થઈ ગયો છે. જલદી...’
બધા બકરી શોધવામાં લાગ્યા, પણ શોધખોળ લાંબી ચાલી અને એ લાંબી શોધખોળના અંતે તેમને અનાયાસ એક ઝાડી પાછળ બેઠેલો રામ દેખાઈ ગયો.
‘શેઠ, ત્યાં જુઓ...’ માણસે ઇસ્માઇલને દેખાડ્યું, ‘તે રડે છે, જુઓ તો...’
lll
‘રામને કેમ રડવું આવતું’તું?’ પપ્પાના ખોળામાંથી માથું ઊંચું કરીને ઢબ્બુએ પૂછ્યું, ‘તે પડ્યો?’
‘ના, પણ તેણે મોટો વાઘ જોયો હતો એટલે...’
‘ટાઇગર!’ ઢબ્બુએ આંખો મોટી કરી, ‘પછી, પછી શું થયું?’
lll
‘ટાઇગર આવીને બકરીને લઈને ભાગી ગયો...’ રામ ધ્રુસકે-ધ્રુસકે રડતો હતો, ‘મને પણ એ ખાવા જતો હતો, પણ હું ઝાડ પર ચડી ગયો એટલે બચી ગયો; પણ શેઠ, બકરીને લઈને ટાઇગર ભાગી ગયો...’
રામ હજી પણ ધ્રૂજતો હતો અને તેની આંખોમાંથી આંસુ નીકળતાં હતાં. ઇસ્માઇલશેઠને રામ પર બહુ ગુસ્સો આવ્યો, પણ બીજા લોકોની હાજરીમાં તે રામને બકરી માટે કંઈ કહી શકે એમ હતા નહીં એટલે ચૂપ રહ્યા. પોતે કુરબાની આપી શક્યા નહીં એ વાતનો પણ ઇસ્માઇલશેઠને અફસોસ હતો.
‘શેઠ, તમે જ જુઓ. જે થવાનું હતું એ થયું. બકરીએ મરવાનું હતું તો એ મરી જ. અલ્લાહ સામે નહીં તો એ વાઘ પાસે મરી, પણ એણે જીવ આપ્યો.’
બીજો એક ગામવાળો પણ આગળ આવ્યો.
‘હા શેઠ, બકરીને જન્નત મળી ગઈ અને તમારી કુરબાની પણ ઉપરવાળા સુધી પહોંચી ગઈ.’
‘હં...’ 
શેઠ ત્યારે તો ચૂપચાપ નીકળી ગયા, પણ તેમના મનમાં એક રમત ચાલતી હતી જેનો ઉપયોગ તેમણે ઘરે જઈને કર્યો.
lll
‘રામ, બકરીના પૈસા તો તારે ચૂકવવા પડશે.’ ઘરે પહોંચ્યાના અડધા જ કલાકમાં ઇસ્માઇલશેઠે રામને બોલાવ્યો, ‘મેં બકરી વેચાતી લીધી હતી એટલે પૈસા તો તારે મને આપવા જ પડશે.’
‘પણ શેઠ, તમે તો એની આમ પણ કુરબાની આપવાના હતા. એ તમારી પાસે રહેવાની જ નહોતી તો પછી શું કામ મારે પૈસા...’
‘કુરબાની આપી હોત તો મને દુઆ મળી હોત, પણ હું તો દુઆમાંથી પણ રહ્યો અને બકરી પણ મારા હાથમાંથી ગઈ.’ ઇસ્માઇલશેઠે દાંત ભીંસ્યા, ‘તારે પૈસા તો દેવા જ પડે.’
‘મારી પાસે પૈસા તો નથી...’
‘એ તું કંઈ પણ કર, મને પૈસા જોઈએ...’
શેઠે દબાણ કર્યું એટલે રામની આંખમાં આંસુ આવી ગયાં. તેણે શેઠને બે હાથ જોડ્યા, ‘સાચું કહું છું, મારી પાસે કોઈ પૈસા નથી. આ તો તમારું કામ કરું છું એટલે મારું ઘર ચાલે છે... હું ક્યાંથી પૈસા આપું તમને.’
‘હં... એક રસ્તો છે તારા માટે...’ શેઠે કહ્યું, ‘તને આજથી પગાર આપવાનું બંધ. તારે છ મહિના આ ઘરનું મફત કામ કરવાનું. તારો પગાર એ બકરીની રકમમાં જમા થશે. છ મહિના પછી તારો પગાર નવેસરથી ચાલુ થઈ જશે.’
શેઠને સમજાવવાની રામે બહુ કોશિશ કરી, પણ શેઠ માન્યા નહીં એટલે નાછૂટકે રામે વગર પગારની નોકરી માટે હા પાડી દીધી અને એ જ દિવસથી તેનો પગાર બંધ થઈ ગયો. જોકે પગાર બંધ થયો તો પણ રામે કામમાં કોઈ દિલચોરી કરી નહીં. તે કામ પણ દિલથી જ કરતો અને સમયસર કામ પર આવી જતો. શેઠે પગાર નહોતો ચૂકવવાનો એટલે તેઓ પણ રામ પાસે અઢળક કામ કરાવે. રામ પાસે વધારે કામ કરાવી શકાય એ માટે શેઠે ઘરમાંથી બે નોકરો પણ છૂટા કરી દીધા.
lll
‘શેઠ, આમ તો હું એકલો થાકી જઈશ...’
‘તો મારે તારા પૈસા વસૂલ કેવી રીતે કરવાના? પાંચ હજાર રૂપિયાની મારી બકરી હતી. પાંચ હજાર તું ચૂકવી દે તો પછી તને પગાર આપવા માંડું...’
‘પણ મેં તમને કહ્યુંને મારી પાસે અત્યારે એટલા પૈસા નથી...’
‘તો પછી ચૂપચાપ કામ કર. જા...’
રામ પણ કશું બોલ્યા વિના કામે લાગી ગયો અને આમ જ સમય પસાર થતો રહ્યો. રામ કોઈ ફરિયાદ કરતો નહીં અને બીજા દિવસે રામ ઘરેથી આવે ત્યારે અતિશય ખુશ પણ હોય. એક દિવસ શેઠને શંકા જાગી કે આવું બને કેવી રીતે કે પૈસા વિના પણ તેનું ઘર એમ જ ચાલતું રહે.
રામનું ઘર કેમ ચાલે છે એની તપાસ કરવાનું કામ શેઠે પોતાના વિશ્વાસુ માણસને સોંપ્યું અને કહ્યું કે તું રામ પર નજર રાખ. જો કે એ લોકો પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે?
‘જેવો હુકમ શેઠ...’
માણસ રવાના થઈ ગયો અને શેઠના કહેવા મુજબ તેણે રામ પર નજર રાખવાનું શરૂ કરી દીધું.
lll
‘શેઠ, બહુ મોટા સમાચાર લાવ્યો છું હું...’ મોડી રાતે માણસે ઘરમાં આવીને શેઠને દબાયેલા અવાજે કહ્યું, ‘આ રામ તમને મૂરખ બનાવે છે.’
‘કેવી રીતે, કઈ બાબતમાં?’ ઊંઘને કારણે શેઠે ચિડાઈને પેલાને પૂછ્યું, ‘ફટાફટ બોલ ને ચોખ્ખેચોખ્ખી વાત કર...’
‘રામને બીજી આવક છે. એ બીજી આવક પર તેનું ઘર ચાલે છે.’
‘હં... મને ખાતરી હતી. જ્યારથી તેની મા બીમાર પડી છે ત્યારથી તેણે તો કામ મૂકી જ દીધું છે. રામની માએ બીજી આવક ઊભી કરી હશે. મને હતી શંકા...’ શેઠે તરત જ દિમાગ કામે લગાડ્યું, ‘હું રામને કહી દઉં છું કે મને રોકડા રૂપિયા જોઈએ...’
‘યસ સર. કહી દો, તે આપશે. તેનું ઘર બહુ સરસ થઈ ગયું છે. મસ્ત પૈસા આવે છે એ લોકોને...’
‘એમ વાત છે?!’ શેઠ બોલ્યા, ‘તો હવે જો ભાયડાના ભડાકા. રામને સીધો દોર કરી નાખું ને તેના બધા પૈસા પડાવી લઉં...’
lll
બીજી સવારે રામ જેવો ઘરમાં આવ્યો કે તરત જ શેઠે તેને બોલાવ્યો.
‘મેં બધો હિસાબ કર્યો, પણ તારો હિસાબ જોતાં મને નથી લાગતું કે તું આમ બકરીના પૈસા વસૂલ કરી શકે.’
‘હું કામ તો બધાં કરું છું શેઠ...’ રામે શેઠને ગણાવ્યું, ‘મારા પગાર ઉપરાંત તમે બીજા બે માણસોને કાઢી મૂક્યા એટલે એ બધાં કામ પણ હું જ કરું છું. તમે એની જગ્યાએ બીજા કોઈને લાવ્યા પણ નથી તો શેઠ. એમ તો હું ત્રણ માણસોનું કામ કરું છું અને તમે દર મહિને ત્રણ માણસોના પૈસા વસૂલો છો મારી પાસે...’
‘એય, જીભાજોડી બહુ નહીં કરવાની...’ શેઠ ગુસ્સે થયા, ‘મારી બકરી કેટલી મોંઘી હતી ખબર છે તને? એના કાનમાં સોનાની ઇયર-રિંગ હતી. એ ઇયર-રિંગના પૈસા પણ તારે આપવા પડેને?’
‘શેઠ, એવું કંઈ નહોતું. એણે કાનમાં કંઈ પહેર્યું નહોતું.’
‘એટલે હું ખોટું બોલું છું?!’
‘હા કહીશ તો માઠું નહીં લગાડોને?’ રામે તરત સુધાર્યું, ‘હા, એટલે તમે સાચા જ છો, પણ શેઠ હું બધાં કામ તો કરું છુંને?!’
‘ના, બીજા છ મહિના આ બધાં કામ કરીશ તો મારા પૈસા વસૂલ થશે...’
lll
‘આ તો બહુ હરામી શેઠ કહેવાય...’ ઢબ્બુએ કહ્યું અને પૂછી પણ લીધું, ‘આના કરતાં તો રામે પેલી બકરી બચાવી ન હોત તો સારું થાત... હવે કેમ એ બહાર આવશે આ બધામાંથી?’
‘આવશેને બહાર. સારા માણસો હોય તેમને બચાવવાવાળું કોઈક તો હોય...’ પપ્પાએ ઢબ્બુને તેડ્યો, ‘કોણ સારો માણસ અને રામ કેવી રીતે બચ્યો એની વાત હવે આપણે પછી કરીશું હોં...’

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah