છેતરપિંડી (મૉરલ સ્ટોરી)

26 November, 2021 06:16 AM IST  |  Mumbai | Rashmin Shah

બચ્ચાના ચહેરા પર રોનક આવી ગઈ. એણે કૅટની સામે જોયું અને કહ્યુંઃ ‘દાદા આવી ગયા.’

છેતરપિંડી (મૉરલ સ્ટોરી)

‘આખો દિવસ, આખો દિવસ બેઉની વચ્ચે મચમચ ચાલતી રહે ને પાછાં બેમાંથી કોઈ એકબીજાથી દૂર પણ રહે નહીં...’
મમ્મી પપ્પાની સાથે વાત કરતી હતી અને ઢબ્બુનું ધ્યાન મમ્મીની એ વાતો પર હતું. મમ્મીની વાતો કોઈ રિલેટિવની ચાલતી હતી એટલી ઢબ્બુને ખબર હતી પણ કયા રીલેટિવની વાત હતી એ તેને ખબર નહોતી.
‘કેટલી વખત મેં એ બેઉને કહ્યું કે બનતું નથી તો શું કામ એકબીજાને મળો છો, મળવાની પણ જરૂર નથી. પણ ના, માને તો નાના થઈ જાયને!’ મમ્મી ડાઇનિંગ ટેબલ પરથી પ્લેટ એકઠી કરતી હતી, ‘આજે ઝઘડે અને કાલે પાછા ભેગા થઈને ઊભા રહી જાય અને પરમ દિવસે પાછા બેઉ વચ્ચે કજિયો હોય.’
‘ઉંદર અને બિલાડી જેવું છે બેઉનું.’
‘ઍક્ચ્યુઅલી, એવું જ છે. માસાને ખબર પડે નહીં એની મામા ટ્રાય કરે અને જો ભૂલથી પણ ખબર પડી જાય તો માસા મામાનો દાવ લઈ લે.’
‘હંમ...’
આગળ કંઈ બોલે એ પહેલાં પપ્પાને કોઈનો ફોન આવ્યો અને પપ્પા વાત કરતાં રૂમમાં જતા રહ્યા. પપ્પા રૂમમાં ગયા એટલે મમ્મી કિચનમાં ગઈ અને ઢબ્બુ હૉલમાં બેસી રહ્યો. તેના મનમાં એક જ વિચાર ચાલતો હતો.
- ઉંદર અને બિલાડીની દુશ્મની. શું કામ હતી એ દુશ્મની?
lll
‘કંઈક તો થયું હોયને એ બેઉને કે બેઉ દુશ્મન બન્યાં...’
સ્ટોરી ટાઇમ થયો કે ઢબ્બુએ પપ્પા પાસે મનમાં ચાલતો વિચાર મૂક્યો અને કહ્યું.
‘ઉંદર અને બિલાડી શું કામ એકબીજાનાં દુશ્મન છે?’
‘બસ, એ પહેલેથી જ બેઉ દુશ્મન હોય એમ રહે છે. એકબીજા વિના બેમાંથી કોઈને ચાલે નહીં અને એ પછી પણ બન્ને જણ સાથે પણ રહી શકે નહીં.’
‘હા પણ એવું શું કામ?’ ઢબ્બુએ સોફા પર લંબાવ્યું, ‘કંઈક તો થયું હોયને એ બેઉને કે બેઉ દુશ્મન બન્યાં...’
‘હંમ... થયું હતુંને એ બેઉને એવું.’ 
‘તો આજે એ સ્ટોરી...’
‘ઓકે. પણ આખી સ્ટોરી આજે નહીં.’ પપ્પાએ વૉલ ક્લૉકમાં જોયું, ‘ઇટ’સ ટેન-થર્ટી. અગિયાર સુધી સ્ટોરી સાંભળવાની.’
‘પણ ત્યાં સુધીમાં પૂરી થઈ જાય તો...’
‘તો કાલે નવી.’ પપ્પાએ ચોખવટ કરીને કહી પણ દીધું, ‘જો પૂરી ન થાય તો બાકીની નેક્સ્ટ ટાઇમ. રાઇટ?’
‘ઓકે. ડન. સ્ટાર્ટ...’
ડાહ્યોડમરો થઈને ઢબ્બુ કાઉચ પર ગોઠવાઈ ગયો અને પપ્પાએ ઉંદર-બિલાડીની રિલેશનશિપમાં શું કામ હંમેશાં સ્ટ્રેસ હોય છે એની સ્ટોરી શરૂ કરી.
‘એક નાનકડું ગામ હતું.’
‘નાનકડું એટલે કેવડું.’ પૂછતાં તો પૂછી લીધું પણ પછી તરત ઢબ્બુને ડેડલાઇન યાદ આવી એટલે તેણે જ સામેથી કહી દીધું, ‘નાનું. સમજી ગયો. પછી...’
‘એ ગામમાં બહુ બધી કૅટ રહે અને ઉંદર પણ એટલા જ રહે. કૅટનું એ ગામમાં રાજ ચાલતું. બધા કૅટને પૂછીને જ કામ કરે અને કૅટ પણ આખા ગામનું ધ્યાન રાખે.’ પપ્પાએ ઢબ્બુના પગની આંગળીઓ પકડીને એમાં ટચાકિયાં ફોડવાના શરૂ કર્યા, ‘કૅટથી ડરે પણ ખરા બધા. એનું કારણ પણ હતું. બધાને ખબર હતી કે આ કૅટ ટાઇગરની માસી છે. માસી નાની પણ ટાઇગરની માસી એટલે બધાને ખબર કે જો માસી ફરિયાદ કરશે તો મોટો ટાઇગર આવશે અને આવીને બધાને ખાઈ જશે એટલે કોઈ માસીને હેરાન કરે નહીં અને માસી કહે એમ જ બધા રહે.’
‘કૅટને ટાઇગરની માસી શું કામ કહે?’
‘એની એક સરસ મજાની સ્ટોરી છે.’
‘તો એ નેક્સ્ટ ટાઇમ. ડન?’
‘ડન...’
‘આ સ્ટોરીમાં પછી... કૅટ કહે એમ બધા રહે.’ 
કૅટને ત્યાં એક નાનું બચ્ચું હતું. બચ્ચું બહુ ક્યુટ. એક દિવસ બિલ્લીએ એને એકલા બહાર જવાનું કહ્યું.
‘આજે તારે એકલા જવાનું છે 
અને જાતે જઈને તારે ખાવાનું લઈ આવવાનું છે.’
‘બધા માટે...’
‘હા, આ તારી ટ્રેઇનિંગ છે. જેટલું વધારે ખાવાનું લાવીશ એટલા વધુ માર્ક્સ મળશે.’
કૅટનું બચ્ચુ તો ગયું ગામમાં અને આમતેમ બધું જોતાં-જોતાં આગળ વધવા માંડ્યું. રસ્તામાં બધા એને મળે, એને સલામ કરે અને આગળ વધી જાય. કૅટના બચ્ચાને તો મજા પડી ગઈ. આગળ વધતાં-વધતાં એ છેક ગામની બહાર પહોંચી ગયું. શરૂઆતમાં તો એને એ બધી ગ્રીનરી જોવી બહુ ગમી પણ પછી અચાનક એનું ધ્યાન ગયું કે એ છેક જંગલમાં આવી ગયું છે એટલે એ પથ્થરની આડશમાં ઊભું રહી ગયું.
સાંજ તો ઑલરેડી થઈ ગઈ હતી એટલે અંધારું પણ થવા માંડ્યું. પોતાના ઘરે તો રાતે લાઇટ હોય પણ બહાર અને એ પણ જંગલમાં લાઇટ ક્યાંથી હોવાની? અંધારાને લીધે કૅટના બચ્ચાને ડર લાગવાનો શરૂ થયો. એણે બિચારાએ મ્યાઉં-મ્યાઉં કરીને આજુબાજુમાંથી હેલ્પ બોલાવવાની કોશિશ કરી પણ કોઈ આવ્યું નહીં. અંધારું વધારે ને વધારે ઘટ્ટ થવા માંડ્યું. અંધકાર જેમ-જેમ વધતો જાય એમ-એમ એ કૅટના બચ્ચાને વધારે ડર લાગતો જાય.
‘મ્યાંઉ... મ્યાંઉ’
મનમાં તો એમ જ હતું કે કોઈ જવાબ નહીં આપે પણ ચમત્કાર થયો.
સામેથી પણ પ્રતિસાદ આવ્યો.
‘મ્યાઉં... મ્યાઉં...’
કૅટનો જ અવાજ સાંભળીને કૅટનું બચ્ચું ખુશ થઈ ગયું. તેણે તરત જ પથ્થર પાછળથી મસ્તક ઊંચું કરીને પૂછ્યુંઃ ‘તમે કોઈ છો અહીં...’
‘હા, ગભરાવાની જરૂર નથી. હું છું તારી પાસે...’ સામેથી જવાબ આવ્યો એટલે કૅટના બચ્ચાનું ટેન્શન દૂર થઈ ગયું, ‘તું શાંતિથી સૂઈ જા. હું ધ્યાન રાખું છું તારું...’
બચ્ચું તો બધું ભૂલીને મસ્ત રીતે હવે સૂઈ ગયું. એને ખબર હતી કે એના ફૅમિલીમાંથી કોઈ છે અહીં એટલે એને હવે કોઈની ચિંતા નહોતી.
‘જેમ મને નથી હોતી એમ...’ ઢબ્બુએ કહી તો દીધું પણ સાથોસાથ તે સમજી પણ ગયો કે એ ફુટેજ ખાઈ રહ્યો છે એટલે પોતે જ કહી દીધું, ‘આગળ સ્ટોરી...’
lll
સવાર પડ્યું. સૂર્યદેવ બહાર આવ્યા અને એણે પોતાનાં કિરણો જમીન પર મોકલ્યાં કે આંખમાં એ જતાં કૅટનું બચ્ચું ફટાક દઈને જાગી ગયું, પણ આ શું?
જાગીને એણે જોયું કે પોતે જે પથ્થરની પાછળ સૂતું હતું એ પથ્થર પર એક નાનકડો ઉંદર હાથમાં ભાલો લઈને ઊભો હતો.
‘તમે... તમે કોણ?’
‘મ્યાઉં... મ્યાઉં...’ 
ઉંદરે અવાજ કર્યો ડિટ્ટો કૅટ જેવો અને બાજુમાં ઊભેલા એક ઉંદરે તાળીઓ પાડી.
હાથમાં ભાલો લઈને ઊભેલા ઉંદરે કૅટના બચ્ચાની સામે જોયું.
‘ઊંઘ બરાબર થઈ?’
‘હા પણ તમે... તમે ઉંદર છો તો પણ કેવી રીતે અમારા જેવો અવાજ...’
ભાલાવાળો ઉંદર કંઈ કહે એ પહેલાં તો પથ્થર નીચે ઊભો હતો એ ઉંદરે જવાબ આપ્યો, ‘તું નથી ઓળખતો આને?’
કૅટના બચ્ચાએ ના પાડી એટલે એ જ ઉંદરે ચોખવટ કરી,
‘અરે આ તારા ગ્રૅન્ડફાધર... તારા દાદા. આ જન્મે હવે એ ઉંદર છે પણ છે તારા દાદા, ગ્રૅન્ડફાધર.’
જાણે કે પોતે પુરાવો આપતો હોય એમ ભાલાવાળા ઉંદરે ફરી એક વાર કૅટ જેવો અવાજ કાઢ્યો,
‘મ્યાઉં... મ્યાઉં...’
ડિટ્ટો એવો જ અવાજ જેવો બિલાડીઓનો હોય.
‘હવે આવ્યો વિશ્વાસ?’ 
કૅટના બચ્ચાની આંખ માનતી નહોતી પણ કાન કહેતા હતા કે સામે જે ઉંદર છે એ ઉંદરમાં છે તો કૅટનો જ આત્મા. કૅટના બચ્ચાએ ઉંદરને ફરીથી અવાજ કરવાનું કહ્યું એટલે ઉંદરે ફરીથી બિલાડીનો અવાજ કર્યો. હવે પેલા બચ્ચાને ખાતરી થઈ ગઈ કે આ ભલે દેખાય ઉંદર પણ છે તો એ બિલાડી, એના દાદા.
આળસ મરડીને, મનમાં રહેલો ડર ખંખેરીને કૅટનું બચ્ચું ઊભું થયું.
‘તમે, તમે અહીં જ રહેજો. હું હમણાં આવું...’
એ તો ભાગ્યું સીધું ગામ તરફ અને ગામમાંથી પસાર થઈને સીધું ઘર તરફ. આખી રાત ઘરે પહોંચ્યું નહોતું એટલે બિલાડી પણ ટેન્શન કરતી ઘરના દરવાજે જ ઊભી હતી. બચ્ચું જેવું ઘરમાં આવ્યું કે તરત એણે બચ્ચાને ગળે વળગાડી લીધું.
‘ક્યાં ગયું હતું, કેટલી ચિંતા કરાવી તેં મને...’
‘અરે ચિંતા નહીં કર. હું મસ્ત કામ કરીને આવ્યો છું...’ બચ્ચાએ સહેજ દૂર જઈને કહ્યું, ‘હું મારા દાદાને મળીને આવ્યો.’
‘દાદાને? ક્યાં?’ બિલાડીએ કહ્યું, ‘એ તો ગુજરી ગયાને વર્ષો થઈ ગયાં.’
‘હા, પણ આવી ગયા પાછા. જન્મ લઈ લીધો એણે.’ બચ્ચાએ ઉત્સાહથી કહ્યું, ‘ગામની બહાર જંગલમાં રે છે...’
‘સાચે?’
‘હા, એકદમ સાચે.’ બચ્ચાએ બિલાડીને કહ્યું, ‘એણે જ આખી રાત મારું ધ્યાન રાખ્યું. એ આવી ગયા એટલે હું તો શાંતિથી સૂઈ ગયો ને એ આખી રાત મારું ધ્યાન રાખતા રહ્યા. હાથમાં ભાલો રાખીને આમ ઊભા હતા...’
બચ્ચાએ સ્ટાઇલ કરી અને પછી બિલાડીને પૂછ્યું,
‘તારે મળવું છે?’
‘અરે મળવું છે શું, આપણે એને ઘરે લઈ આવીએ.’
‘ચાલ, જલ્દી.’ બચ્ચાએ સીધી ઘરની બહાર છલાંગ મારી, ‘એ નીકળી જશે તો શોધી નહીં શકીએ.’
‘લેટ’સ ગો...’
બિલાડી અને એનું બચ્ચું બન્ને ભાગ્યાં સીધાં ગામની બહાર.
lll
બિલાડીને આમ બહારની તરફ ભાગતી જોઈને ગામમાં રહેતાં બીજાં પ્રાણીઓ પણ દોડ્યાં અને બધાં પહોંચ્યાં ગામની બહાર. બચ્ચું સૌથી આગળ હતું. એ જઈને એ જગ્યા પર ઊભું રહ્યું જ્યાં એણે આખી રાત પસાર કરી હતી.
પથ્થર પર જઈને બચ્ચું ઊભું રહ્યું અને એણે જંગલ તરફ નજર કરીને જોર-જોરથી અવાજ કરવાનું શરૂ કર્યું.
‘મ્યાઉં... મ્યાઉં...’ બચ્ચાએ ચારે તરફ જોયું, ‘દાદા એ દાદા... આવો... મ્યાઉં.’
કોઈ જવાબ આવ્યો નહીં એટલે બચ્ચાએ ફરીથી જોરથી અવાજ કર્યો.
‘મ્યાઉં... મ્યાઉં...’
ફરી શાંતિ. 
બચ્ચાના ચહેરા પર નિરાશા પ્રસરી ગઈ. એણે પૂરી તાકાત સાથે ફરીથી અવાજ કરવાનું શરૂ કર્યું અને આ વખતે અવાજની સાથે એણે બચાવો-બચાવોના નારા પણ શરૂ કરી દીધા.
‘મ્યાઉં... મ્યાઉં... છે કોઈ? જલદી આવો... મ્યાઉં... મ્યાઉં...’
થોડી ક્ષણો થઈ અને સામેથી મોટો અવાજ આવ્યો.
‘મ્યાઉં... મ્યાઉં...’
બચ્ચાના ચહેરા પર રોનક આવી ગઈ. એણે કૅટની સામે જોયું અને કહ્યુંઃ ‘દાદા આવી ગયા.’
બચ્ચાએ અવાજ આવ્યો હતો એ દિશામાં નજર કરીને જોરથી રાડ પાડી.
‘દાદા, જલદી આવો...’
બધાની નજર સામે જે રસ્તો હતો એ રસ્તા પર ચોંટી ગઈ. દૂર-દૂરથી કંઈ નાનકડી ચીજ આવતી હોય એવું લાગવાનું શરૂ થયું. દોડતી આવતી એ ચીજ પાસે આવી ત્યારે બધા એ જોઈને હેબતાઈ ગયા.
એક નાનકડો ઉંદર હતો. ઉંદરને જોઈને બચ્ચું રાજી-રાજી થઈ ગયું.
‘દાદા...’
બચ્ચું દાદાને ભેટી પડ્યું. બન્ને થોડી વાર સુધી એમ જ રહ્યા પછી બચ્ચું છૂટું પડ્યું. જેવું બચ્ચું દૂર થયું કે બિલાડી આગળ આવી ઉંદરને પગે લાગી.
ત્યાં હાજર હતા એ બધા જોતા રહી ગયા.
lll
‘અને આપણે પણ હવે સ્ટોરી પછી જોવાની છે.’
પપ્પાએ સ્ટોરી પર અલ્પવિરામ મૂક્યું એટલે ઢબ્બુએ જીદ કરી.
‘પ્લીઝ...’
‘નો... મૉર્નિંગના સ્કૂલ છે અને હવે સ્કૂલ શરૂ પણ થવાની છે એટલે વહેલા જાગવાની આદત ફરી પાડવાની છે.’ પપ્પાએ ઢબ્બુને તેડી લીધો, ‘બાકીની સ્ટોરી પછી. ગુડ નાઇટ.’

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah