આળસ (મૉરલ સ્ટોરી)

07 January, 2022 05:48 PM IST  |  Mumbai | Rashmin Shah

‘બ્રેઇન-મૅપિંગ...’ ભારેખમ શબ્દ વપરાઈ ગયો એટલે પપ્પાએ સમજાવવાનું શરૂ કર્યું, ‘કયા ઍનિમલનું બ્રેઇન કેવું છે, એ કેવી રીતે કામ કરે છે અને કઈ-કઈ વાત એને સહેલાઈથી યાદ રહી જાય છે એ વાત જેના પરથી ખબર પડે એ બ્રેઇનને રીડ કરવાનું એમાં દેખાડ્યું છે’

આળસ (મૉરલ સ્ટોરી)

‘સ્ટોરી...’
લૉકડાઉન જેવી પરિસ્થિતિ નવેસરથી ઊભી થઈ કે ઢબ્બુલાલને જલસા પડી ગયા. સ્કૂલ તો બંધ થઈ, પણ એ બંધ થવાની સાથોસાથ તેનું ટ્યુશન પણ બંધ થયું, સ્કેટિંગ ક્લાસ પણ બંધ થયા અને ક્રિકેટ કોચિંગ પણ બંધ થયું. સ્કૂલ કે ટ્યુશન ઑનલાઇન થઈ શકે; પણ સ્કેટિંગ, ક્રિકેટ જેવી આઉટડોર ગેમ્સ કેવી રીતે ઑનલાઇન શીખવી શકાય?
કોરોનાની થર્ડ વેવની હિન્ટ મળતાં પપ્પાએ પણ ઑફિસ બંધ કરીને વર્ક ફ્રૉમ હોમ કરી નાખ્યું અને સ્ટાફને પણ વર્ક ફ્રૉમ હોમનો ઑર્ડર કરી દીધો. ઘરે હોય એટલે નૅચરલી કામનું પ્રેશર ન રહે જે પપ્પાના મોઢા પર સતત દેખાતું અને એ દેખાતું એટલે ઢબ્બુ સીધું એવું ધારી લેતો કે પપ્પા ફ્રી છે. પપ્પાને ફ્રી જુએ કે તરત તેની ડિમાન્ડ ચાલુ થઈ જાય અને ડિમાન્ડ ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી પૂરી ન થાય.
‘સ્ટોરી...’ 
દસ મિનિટમાં બીજી વખત ઢબ્બુએ સ્ટોરીની ​ડિમાન્ડ કરી એટલે પપ્પા લૅપટૉપ સામેથી ઊભા થયા. આજે સવારે જ તેમણે ઍપલ-પ્લસ ટીવી પર ડૉક્યુમેન્ટરી જોવાની શરૂ કરી હતી. ઍનિમલ લાઇફ પર આધારિત ડૉક્યુમેન્ટરીમાં હસબન્ડરી કૅટેગરીમાં આવતાં એનિમલનું બ્રેઇન-મૅપિંગ કરવામાં આવ્યું હતું.
‘આ જોઈ લઉં પછી કરીએ સ્ટોરી...’
‘એટલે?!’ ઢબ્બુએ તારણ કાઢી લીધું, ‘તમે મૂવી જૂઓ છો?’
પપ્પા જવાબ આપે એ પહેલાં તો ઢબ્બુ પોતાનું બધું કામ પડતું મૂકીને પપ્પાના ખોળામાં ગોઠવાઈ ગયો.
‘કઈ મૂવી છે?’ સ્ક્રીન પર ગધેડો દેખાયો એટલે ઢબ્બુએ કહી પણ દીધું, ‘આ તો મારી મૂવી છે...’
ઢબ્બુની ઇનોસન્સીએ પપ્પાના મનમાં પ્રેમ જગાડ્યો અને તેમણે તરત ડૉક્યુમેન્ટરી પૉઝ કરી.
‘ગધેડાની નથી, બધાં એવાં ઍનિમલની છે જેને લોકો પાળતાં હોય છે.’ પપ્પાએ ડીટેલમાં સમજાવ્યું, ‘હાથી, ડૉગી, હોર્સ, ગોટ, શિપ જેવાં જે ઍનિમલ આપણે આપણી પાસે 
રાખી શકીએ એમના પરની આ ડૉક્યુમેન્ટરી છે.’
‘એ શેના પર છે?’
‘બ્રેઇન-મૅપિંગ...’ ભારેખમ શબ્દ વપરાઈ ગયો એટલે પપ્પાએ સમજાવવાનું શરૂ કર્યું, ‘કયા ઍનિમલનું બ્રેઇન કેવું છે, એ કેવી રીતે કામ કરે છે અને કઈ-કઈ વાત એને સહેલાઈથી યાદ રહી જાય છે એ વાત જેના પરથી ખબર પડે એ બ્રેઇનને રીડ કરવાનું એમાં દેખાડ્યું છે.’
‘તો ગધેડાને શું યાદ રહે?’ 
મમ્મીએ બે-ત્રણ વાર મજાકમાં પોતાને ‘ગધેડો’ કહ્યો એ પછી ઢબ્બુએ આ વાતને સ્પોર્ટસમૅન સ્પિરિટથી લઈ લીધી હતી અને જ્યારે પણ, જ્યાં પણ ગધેડો જુએ ત્યારે તે જાતે જ પોતાની મસ્તી પણ કરી લેતો.
lll
‘અરે એ, આ તો મારો ભાઈ જાય છે...’ એક વાર ઢબ્બુએ રસ્તા પર ગધેડો જોયો ત્યારે કહ્યું હતું, ‘મમ્મી, તારો મોટો સન...’
ઢબ્બુનું આ સ્ટેટમેન્ટ સાંભળીને પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા. જોકે મમ્મીને ગુસ્સો આવી ગયો હતો.
‘એય, એવું નહીં બોલવાનું...’
ઢબ્બુ કંઈ કહે એ પહેલાં પપ્પાએ જ ચોખવટ કરતાં કહ્યું હતું...
‘બાળકોની સામે કોઈ પણ જાતની મજાક-મસ્તી કરતાં પહેલાં આપણે વિચારવું જોઈએ કે જો એ વાતને તે સ્ટોર કરી લે તો કેવી રીતે બૂમરૅન્ગ થઈને સામી આવે.’
lll
‘ગધેડાને શું યાદ રહે?’
‘ગધેડાને...’ પપ્પાએ તક ઝડપી લીધી, ‘ગધેડાને યાદ રહે આળસ. કેવી રીતે કામને ટાળી દેવું અને કેવી રીતે કામ ન કરવું એનો રસ્તો જો ગધેડાને મળી જાય તો એ એને તરત જ યાદ રહી જાય.’
ઢબ્બુ પપ્પાની સામે જોતો રહ્યો. તેના ચહેરાના એક્સ્પ્રેશન પરથી પપ્પા સમજી ગયા કે વાત તેને સમજાઈ નથી.
‘નથી સમજાયું?’ ઢબ્બુએ ના પાડી એટલે પપ્પાએ વાતને સમજાવવાની કોશિશ કરતાં કહ્યું, ‘હં, એક કામ કરીએ, સ્ટોરી...’
‘બેસ્ટ આઇડિયા...’ ઢબ્બુએ પણ ઑપોર્ચ્યુનિટી ઝડપી લીધી, ‘સ્ટોરી...’
‘ઓકે...’ 
પપ્પાએ સ્ટોરી યાદ કરવાનું ચાલુ કર્યું ત્યાં જ ઢબ્બુએ કહ્યું...
‘ગધેડાની સ્ટોરી કાઢજો અંદરથી...’
અંદરથી મીન્સ મનમાંથી, મેમરીમાંથી એ વાત પપ્પાને સમજાઇ ગઈ હતી અને તેમણે એ જ કોશિશ શરૂ કરી હતી.
‘હં...’ પપ્પાએ યાદ કરતાં-કરતાં કહ્યું, ‘એક સરસ મજાનું ગામ હતું. ગામ સરસ પણ સાવ નાનું. માંડ એમાં પચાસ-સો જણ રહે. ગામના બધા લોકો જે કંઈ બનાવે, જે કંઈ ઉગાડે એ બધું બીજા ગામમાં વેચવા જવું પડે. વેચવા જાય તો પૈસા મળે અને પૈસા મળે તો એ લોકોનું ગુજરાન ચાલે... ગામમાં એક માણસ હતો જેનું કામ વેપાર કરવાનું.’
‘વેપાર મીન્સ...’ ઢબ્બુએ પૂછ્યું, ‘બિઝનેસ?’
‘હં, કરેક્ટ...’ 
પપ્પાએ પોતાના ટેબલ પર પડેલી ઢબ્બુની કૅપ ઊંચકીને ઢબ્બુના માથા પર મૂકી દીધી અને ત્યાં જ બહારથી મમ્મીનો નજીક આવતો અવાજ સંભળાયો...
‘હજુ શાવર લેવા નથી ગયોને તું?!’
‘ના...’ 
ઢબ્બુએ જોરથી રાડ પાડી. જોકે ત્યાં સુધીમાં મમ્મી સ્ટડીરૂમના ડોર પાસે આવી ગઈ હતી, પણ ઢબ્બુનો વૉલ્યુમ એટલો જ લાઉડ રહ્યો.
‘ગધેડા દરરોજ નહાય નહીં...’
મમ્મીએ રૂમમાં આવીને પપ્પાના ખોળામાં બેઠેલા ઢબ્બુને માથા પર ટપલી મારી.
‘સાચું જ છે, ગધેડા જેટલો જ આળસુ છે...’
ઢબ્બુની આંખો મોટી થઈ ગઈ.
‘હાઇલા! પપ્પા એ જ સ્ટોરી કહે છે. ગધેડામાં આળસ કેવી રીતે આવે?!’
મમ્મી રાજી થઈ ગઈ.
‘કાશ, સ્ટોરી સાંભળીને તારામાંથી આળસ જાય...’ 
વારો હવે પપ્પાનો હતો. તેમણે નાક પર આંગળી મૂકીને અવાજ કર્યો.
‘શીઈઈઈશશશ... સ્ટોરી ચાલુ છે.’ પપ્પા ફરી પોતાના કામે લાગ્યા, ‘એ જે બિઝનેસમૅન હતો તે આખા ગામની ચીજવસ્તુઓ ખરીદી લે અને પછી બીજા ગામમાં જઈને માલ વેચી આવે.’
lll
તે બિઝનેસમૅનની આખી દુકાન એક ગધેડા પર ચાલે. ગધેડા પર માલ મૂકે અને પછી ચાલતો રવાના થઈ જાય. બીજા ગામમાં જઈને આખો દિવસ એ માલ વેચે અને પછી જે પૈસા મળે એ લઈને ગામમાં પાછો આવે. બધાને પૈસા ચૂકવી ગધેડાને મસ્ત જમાડીને પછી ઘરે જઈને પોતાનું જમવાનું બનાવે.
બિઝનેસમૅન પોતાના ગધેડાનું બહુ ધ્યાન રાખે. સવારે વહેલો જાગીને સૌથી પહેલું કામ ગધેડાને જગાડવાનું કરે. એને જગાડીને મસ્ત પાણીથી નવડાવે. નવડાવી લીધા પછી ગધેડાને સરસ મજાનો બ્રેકફાસ્ટ આપે અને પછી પોતાનો બ્રેકફાસ્ટ કરવા જાય. બ્રેકફાસ્ટ કરી લીધા પછી તે ગામમાં ફરવા નીકળે અને જેને જે કંઈ વેચવાનું હોય એ બધું ખરીદીને પાછો આવે.
પાછા આવ્યા પછી એ ચીજવસ્તુને એ બિઝનેસમૅન બોરીમાં ભરી લે અને બોરી ગધેડા પર ગોઠવીને બીજા ગામે જવા માટે નીકળી જાય.
બીજા ગામે જઈને આખો દિવસ ગધેડા સાથે બીજા વેપારીઓને મળે અને એ લોકોને પોતે જે લાવ્યો હોય એ માલસામાન દેખાડે, ભાવતાલ કરે અને જો સાચો ભાવ મળતો હોય તો એ માલ વેચીને આગળ વધે.
બધું કામ એકદમ સરસ ચાલે. ગધેડા પર માલિકને બહુ માન અને માલિક પર ગધેડાને માન. ગધેડો દરરોજ જુએ કે તેનો માલિક સૌથી પહેલાં પોતાને ખવડાવે છે અને પછી તે જમે છે. ગધેડો મનોમન કહે કે આવા માલિક બધાને મળજો. જોકે એક દિવસ ગધેડાનું નસીબ બદલાયું અને એને બીજો એક ગધેડો મળ્યો.
lll
‘ક્યાં? પેલા નવા ગામમાં?’
ઢબ્બુએ સવાલ કર્યો એટલે તરત પપ્પાએ કહ્યું...
‘રાઇટ, બીજા ગામમાં. બીજા ગામમાં જ્યારે ગધેડાનો માલિક બીજા વેપારીઓ પાસે માલ વેચતો હતો ત્યારે આપણા ગધેડાભાઈ શાંતિથી રોડ પર ઊભા હતા. બાજુમાં એક બીજો ગધેડો હતો. આ બીજા ગધેડાએ આપણા ગધેડાભાઈ સામે સ્માઇલ કર્યું એટલે આપણા ગધેડાભાઈએ પણ એને હોંચી-હોંચી આપી દીધું.’
lll
‘હોંચી... હોંચી...’
‘હોંચી... હોંચી... હોંચી...’
એકબીજાના ખબરઅંતર પૂછ્યા પછી બીજા ગધેડાએ આપણાવાળા ગધેડાની સામે ધ્યાનથી જોયું અને ધીમેકથી પૂછ્યું...
‘કેમ અલ્યા, ખાતો નથી? શું આટલો દૂબળો છે...’
‘અરે ખાઉં છુંને. આને દૂબળા ન કહેવાય. નાના ગામમાં હોય એ બધાનાં શરીર આવાં જ હોય - ખડતલ...’ ગધેડાએ પ્રાઉડ સાથે કહ્યું, ‘મારો માલિક તો બહુ સારો છે. મને બહુ સારી રીતે રાખે છે...’
બીજા ગધેડાએ આપણાવાળા ગધેડાની સામે જોયું અને પછી ટોન્ટ મારતાં કહ્યું...
‘હા, એ તો દેખાય છે... જે રીતે તારી પીઠ પર અત્યારે પણ આ બધી બોરી પડી છે... દેખાય છે મને.’
‘અરે ના, આ તો એવું છે કે મારો માલિક અત્યારે વેપાર માટે બીજાની સાથે વાત કરવા ગયો છે એટલે. બાકી જેવો માલ વેચાઈ જશે કે તરત બધો માલ ખાલી કરી નાખશે અને પછી તો મને આરામ જ આરામ.’
‘ભાઈ, એવું ન હોય... આ બધાને એવી રીતે રાખવાના પણ નહીં.’ બીજા ગધેડાએ આજુબાજુમાં જોઈને પોતાનો માલિક દૂર છે એની ખરાઈ કરીને કહ્યું, ‘ઍક્ચ્યુઅલી, બને એટલું ઓછું કામ કરવાનું અને બને એટલો ઓછો માલ ઉપાડવાનો. માણસો માટે થોડી મજૂરી કરવાની હોય. આપણે તો ગધેડા, આરામ આપણું કામ. એયને મસ્ત રીતે આરામ કરતા રહેવાનું અને રાજ કરવાનું...’
આપણો ગધેડો તો આ બધું પહેલી વાર સાંભળતો હતો. એણે બીજા ગધેડાની સામે જોયું અને પ્રામાણિકતાથી કહ્યું...
‘એ તો ચાલે હવે, થોડી મહેનત કરવાની છેને... બાકી શું? હું અહીંથી જઈશ ત્યારે મારે ખાલી પીઠે જ જવાનું છે. મારો માલિક તો મારા પર બેસશે પણ નહીં. હું તેને બેસવાનો ઇશારો કરું તો તે મને પ્રેમથી વહાલ કરે, લાડ કરે અને મને મસ્ત ગ્રીન ઘાસ વધારે ખવડાવે; પણ મારા પર બેસીને મને તકલીફ ન આપે.’
‘ઊંહું...’ ગધેડાએ છણકો કર્યો, 
‘તો રહે આખી જિંદગી ગધેડો, મારે શું છે?’
બીજો ગધેડો તો ચાલ્યો ગયો, પણ આપણાવાળા ગધેડાના મનમાં વાત રહી ગઈ. બિઝનેસમૅનની કમનસીબી એ કે એ જ દિવસે તેણે આ શહેરમાંથી ગામ માટે માલસામાન પણ લઈ જવાનો હતો. એટલે અડધો દિવસ માલ વેચવામાં ગયો અને એ પછીનો ટાઇમ તેનો માલ ખરીદવામાં ગયો. જે કોઈ માલ ખરીદાતો જાય એ બધાની 
બોરી બનાવીને ફરીથી ગધેડા પર ગોઠવાતી જાય.
સાંજ સુધી ખરીદી ચાલી અને પછી જવાની તૈયારીઓ ચાલુ થઈ. નીકળતાં-નીકળતાં ગધેડા પર છ બોરી લાદી દેવામાં આવી. માલિક એના પર 
બોરી મૂકે એટલે પેલાને એક જ વાત યાદ આવે...
‘બને એટલું ઓછું કામ કરવાનું અને બને એટલો ઓછો માલ ઉપાડવાનો. માણસો માટે થોડી મજૂરી કરવાની હોય? આપણે તો ગધેડા, આરામ આપણું કામ. એયને મસ્ત રીતે આરામ કરતા રહેવાનું અને રાજ કરવાનું...’
માલિક ગધેડાને લઈને ગામની બહાર જતો હતો ત્યાં જ એને પેલો બીજો ગધેડો સામે મળ્યો. બીજો ગધેડો આપણાવાળા ગધેડાને ઓળખી ગયો. એણે જોયું કે ગધેડાની પીઠ ખાલી નહોતી, એના પર માલ પડ્યો હતો. એણે આપણાવાળા ગધેડાની સામે જોયું.
હોંચી... હોંચી...
આપણાવાળો ગધેડો બિચારો શું બોલવાનો? એ તો ચૂપચાપ આગળ વધી ગયો...
lll
‘ડિટ્ટો એવી જ રીતે જેવી રીતે અત્યારે તું શાવર લેવા માટે આગળ વધીશ...’ પપ્પાએ ઢબ્બુને ખોળામાંથી ઉતાર્યો, ‘ગો ફાસ્ટ, શાવર લઈ લે હવે.’
‘પછી સ્ટોરી?’
‘ડન... ગો ફાસ્ટ.’
પપ્પાનું બોલવાનું પૂરું થાય એ પહેલાં તો ઢબ્બુએ ટોપી હવામાં ઉડાડી અને સીધો બાથરૂમ તરફ ભાગ્યો.
 
‘બ્રેઇન-મૅપિંગ...’ ભારેખમ શબ્દ વપરાઈ ગયો એટલે પપ્પાએ સમજાવવાનું શરૂ કર્યું, ‘કયા ઍનિમલનું બ્રેઇન કેવું છે, એ કેવી રીતે કામ કરે છે અને કઈ-કઈ વાત એને સહેલાઈથી યાદ રહી જાય છે એ વાત જેના પરથી ખબર પડે એ બ્રેઇનને રીડ કરવાનું એમાં દેખાડ્યું છે’
 
વધુ આવતા શુક્રવારે
Rashmin Shah columnists