શું કરવું એ નક્કી કરવા કરતાં શું નહીં કરવું એ નક્કી કરવું વધુ મહત્વનું

22 April, 2019 01:27 PM IST  |  | મની-પ્લાન્ટ - મુકેશ દેઢિયા

શું કરવું એ નક્કી કરવા કરતાં શું નહીં કરવું એ નક્કી કરવું વધુ મહત્વનું

એક વાલી તરીકે આપણે બધાં સંતાનોને કહેતાં હોઈએ છીએ, ‘આમ કરો અને તેમ ન કરો.’ મારું માનવું છે કે બાળકોને અનુભવો પરથી શીખવાની છૂટ આપવી જોઈએ. પોતાનો સવાલ હોય ત્યારે આપણે જે નહીં કરવું જોઈએ તેની યાદી બનાવી લીધી હોય તો ઘણું સારું રહે છે.

મારે ગુસ્સે ન થવું જોઈએ, વધુપડતું ખાવું જોઈએ નહીં, આળસ કરવી જોઈએ નહીં, એ બધી વાતોનો નર્ણિય આપણા જીવનને વધુ સુખપૂર્ણ, તંદુરસ્ત અને આનંદિત બનાવે છે. પોતે શું કરવું જોઈએ નહીં એની સંપૂર્ણ યાદી બનાવી લીધી હોય તો પછી જે કરવું જોઈએ એ જ વસ્તુઓ બાકી રહે છે અને તેથી તેનું પાલન કરવામાં આસાની રહે છે.

કોઈ એક શિલ્પીએ કહ્યું છે કે કોઈ દેવદૂતની પ્રતિમા બનાવવા માટે તેમાં શું ન હોવું જોઈએ એવું એ પહેલાં નક્કી કરી લે છે અને એને કારણે ઉત્તમ પ્રતિમા બનાવી શકે છે.

રોકાણ અને સંપત્તિસર્જન માટે શું કરવું જોઈએ એની યાદી સામાન્ય રીતે ઘણી મોટી હોય છે. આથી, શું ન કરવું એ નક્કી કરી લીધું હોય તો સ્પક્ટ વિચાર કરીને આગળ વધી શકાય છે. લાંબા ગાળાનું ધ્યેય રાખવું જોઈએ એવું કહેવાને બદલે એવું કહેવું જોઈએ કે માર્કેટની રોજિંદી હિલચાલના આધારે નર્ણિયો લેવા નહીં. વિગતવાર વિશ્લેષણ કરવું જોઈએ એમ કહેવાને બદલે એવું કહેવું કે કોઈની ટિપ કે ગપસપના આધારે સ્ટોક્સની ખરીદી કરવી જોઈએ નહીં.

રોકાણ કરતી વખતે પોતાનાં રોકાણોની સમીક્ષા કરવી અને એ જોવું કે શેમાં ફાયદો થયો છે અને શેમાં નુકસાન થયું છે. તમે પોતે વિશ્લેષણ કરો કે નાણાકીય સલાહકારની સાથે બેસીને કરો, તમે અનેક એવી વસ્તુઓમાં રોકાણ કરવાનું ટાળશો, જે તેના માર્કેટિંગને લીધે પ્રથમ દ્રસ્ટિએ લલચામણી લાગે. શક્ય છે કે એ રોકાણો ટાળવાનું તમારા હિતમાં હતું એવું ભવિષ્યમાં જાણવા મળે. શું નથી કરવું અને શું કરવું છે એ નક્કી કરી લેવાથી તમારી નર્ણિયશક્તિ સુધરે છે અને ભવિષ્યમાં તમે અનુભવોના આધારે યોગ્ય નર્ણિયો લેવા સક્ષમ બનો છો.

આ પણ વાંચોઃ અરીસાના ઓરડામાં પણ માણસ કાચ સાથે અથડાઈ જાય છે

ટૂંકમાં, એમ કહેવું જોઈએ કે સંતાનોને તેમના અનુભવોના આધારે શીખવા દેવું જોઈએ અને સાથે સાથે તેમને પોતાના નર્ણિયોની સમીક્ષા કરવાનું શીખવવું જોઈએ. જે કર્યું એ કરવું જોઈતું હતું કે નહીં અને જે નહીં કર્યું એ બરોબર હતું કે નહીં તેની તેમને પણ ખબર પડવી જોઈએ. આ રીતે જ તેઓ ભવિષ્યમાં શું કરવું અને શું નહીં કરવું તેનો નર્ણિય સમજદારીપૂર્વક લેવા કાબેલ બની શકે છે.

અહીં એ ખાસ જણાવવું રહ્યું કે પોતે જે નિર્ણયો લીધા એ બધા તત્કાલીન સમજ, સંજોગો અને માહિતીના આધારે લેવામાં આવ્યા હતા એ વાતનું ખાસ ધ્યાન રાખવું. પોતાના અયોગ્ય કે ખોટા નર્ણિયોનો અફસોસ કરીને બેસી રહેવાથી નથી ચાલતું. અનુભવોના આધારે ભવિષ્યમાં યોગ્ય નર્ણિયો લેવા સક્ષમ બનવું અગત્યનું છે.

columnists