ક્યારેક માહિતીનો અતિરેક આપણને ગેરમાર્ગે દોરે છે

30 June, 2019 12:33 PM IST  |  મુંબઈ | મુકેશ દેઢિયા - મની-પ્લાન્ટ

ક્યારેક માહિતીનો અતિરેક આપણને ગેરમાર્ગે દોરે છે

મની-પ્લાન્ટ

રોલ્ફ ડોબેલી લિખિત ‘ધ આર્ટ ઑફ થિન્કિંગ ક્લિયરલી’ ખરેખર અદ્ભુત પુસ્તક છે. એમાંના દરેક અગત્યના વિષયે આ કટારના વાંચકોની સાથે વાત કરવાનો મોહ હું રોકી શકતો નથી.

આજે આપણે વધુ એક મુદ્દો છેડીએ.

હું પર્યટન પર જવાનો વિચાર કરી રહ્યો હતો. લદ્દાખ જવું કે પૂર્વ ભારતમાં જવું એ બાબતે વિચાર ચાલી રહ્યો હતો. લદ્દાખ પર પસંદગી ઉતાર્યા બાદ મેં સારી હોટેલો માટેની શોધ આદરી. પોતાને જોઈતી હોય એવી હોટેલ શોધવાનું આજકાલ ઘણું સહેલું બની ગયું છે. જોકે સારી હોટેલોના એટલા બધા વિકલ્પો મળી જાય છે કે એમાંથી કોની પસંદગી કરવી એ મોટો પ્રશ્ન બની જાય છે. મેં જ્યારે હોટેલોની શોધ શરૂ કરી ત્યારે એક હોટેલ પર હું મોહી પડ્યો. મને લાગ્યું કે મારા માટે આ સારામાં સારી હોટેલ છે. આમ છતાં, મેં વધુ સારા વિકલ્પો શોધવાનું ચાલુ રાખ્યું. હું વધુ ફોટો, રિવ્યુ, બ્લૉગ વગેરે જોતો ગયો. ત્રણેક કલાક સર્ફિંગ કર્યા પછી મેં જોયું કે શરૂઆતમાં જે હોટેલ પસંદ આવી હતી એ જ મને સૌથી વધારે ગમી હતી. આથી મને ત્રણ કલાક બગાડ્યા હોય એવું લાગ્યું. એના પરથી મને એવું સમજાયું કે વધુ માહિતી હોય એ વધુ સારો નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે એવું નથી. આને ‘ઇન્ફર્મેશન બાયસ’ કહેવાય છે.

આજકાલ આપણે ઇન્ટરનેટ પરની સર્ચ પરથી જોઈ શકીએ છીએ કે વધુપડતી માહિતી મળી જવાથી માણસને સ્પષ્ટતા કરતાં ગૂંચવણ વધારે થઈ જાય છે. જો મેં વેબ સર્ફિંગમાં ત્રણ કલાક જેટલો સમય બગાડ્યો ન હોત તો હું એ જ સમયમાં બીજું વધુ સારું કામ કરી શક્યો હોત.

તમને પોતાને પણ અનુભવ થયો હશે કે વિશ્લેષણ કરવાનું સારું કહેવાય, પરંતુ વધુપડતું વિશ્લેષણ ખણખોદ બની જાય છે અને એ વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ધારો કે તમારે બે પ્રોફેશનલ ગાયકોમાંથી કોણ વધુ સારું ગાય છે એ નક્કી કરવાનું છે. જો તમે સૂર-સંગીતના નિષ્ણાત નહીં હો તો તમને પોતાને ગાયન ગમ્યું કે નહીં એના આધારે નિર્ણય લેશો, પણ જો તમે નિષ્ણાત ગાયક હશો તો તમે અવાજ, સૂર, આરોહ-અવરોહ વગેરે બધી બાબતો ચકાસી લેશો અને પછી નિર્ણય કરશો કે કોણે સારું ગાયું.

ક્યારેક માહિતીનો અતિરેક આપણને ગેરમાર્ગે દોરે છે. તમારી પાસે વધુ માહિતી હોય તો તમને પોતે ઘણા મોટા જ્ઞાની બની ગયાનો આભાસ થતો હોય છે. આવો વધુપડતો આત્મવિશ્વાસ (ઓવરકૉન્ફિડન્સ) તમને જોખમો લેવા પ્રેરે છે. એ છે ‘ઓવરકૉન્ફિડન્સ બાયસ’. આથી આપણે ફક્ત માહિતી પર લક્ષ આપવાનું હોતું નથી, હકીકતો પર પણ લક્ષ આપવાનું હોય છે. રોલ્ફ ડોબેલી કહે છે, હકીકતોની પસંદગી કરો, એની મદદથી તમે વધુ સારા નિર્ણયો લઈ શકશો.

નિષ્ણાતો પણ વધુપડતા આત્મવિશ્વાસથી પિડાતા હોય છે એ જાણીને નવાઈ લાગે છે. આપણી વિચારપ્રક્રિયામાં થોડોક પૂર્વગ્રહ હોય તો આપણને એની ખબર પણ નથી પડતી. એ પૂર્વગ્રહને લીધે આપણું અર્થઘટન ઘણી વાર ભૂલભરેલું હોય છે. વધુપડતા આત્મવિશ્વાસને લીધે થયેલી એક નાનકડી ભૂલનું ગંભીર પરિણામ પણ આવી શકે છે.

આ પણ વાંચો : જ્ઞાનમાં પરિવર્તિત ન થઈ શકે એવી માહિતીઓનાં જાળાં મગજમાં બાઝવા ન દેવાં

ડોબેલીનું કહેવું છે કે ‘માણસે હંમેશાં પોતાને એક સવાલ કરવો જોઈએ: હું સરેરાશ કરતાં વધુ હોંશિયાર છું કે ઓછો છું?’ આ સવાલના જવાબમાં બધાને એમ જ લાગશે કે પોતે સરેરાશ કરતાં વધુ હોંશિયાર છે. મનુષ્ય કાયમ પોતાના જ્ઞાન અને કૌશલ્યને વધુ આંકે છે.

columnists weekend guide