જ્ઞાનમાં પરિવર્તિત ન થઈ શકે એવી માહિતીઓનાં જાળાં મગજમાં બાઝવા ન દેવાં

23 June, 2019 02:05 PM IST  |  મુંબઈ | મુકેશ દેઢિયા - મની-પ્લાન્ટ

જ્ઞાનમાં પરિવર્તિત ન થઈ શકે એવી માહિતીઓનાં જાળાં મગજમાં બાઝવા ન દેવાં

મની-પ્લાન્ટ

વધુપડતી માહિતી અને વધુપડતા આત્મવિશ્વાસથી ઊભા થતા પૂર્વગ્રહો વિશે આપણે ગયા વખતે વાત કરી હતી. મને લાગે છે કે ‘ઇન્ફર્મેશન બાયસ’ અને ‘ઓવરકૉન્ફિડન્સ બાયસ’ ઉપરાંત પણ કંઈક હશે. કેટલીક ભૂલો નાની હોઈ શકે છે, પરંતુ એનું પરિણામ ઘણું મોટું હોય છે.

રોકાણના ક્ષેત્રની વાત કરીએ. આ ક્ષેત્રે નિરાશાવાદી વલણ અપનાવવાથી વાસ્તવિકતાને વધુ સારી રીતે જોઈ-સમજી શકાય છે. તમે અત્યાર સુધીનું માર્કેટનું વલણ જોયું હશે તો ખ્યાલ આવશે કે માર્કેટની ચાલ વિશે ક્યારેય નિશ્ચિત આગાહી કરી શકાતી નથી.

વધુપડતી માહિતી મળી જવાથી આપણને એવું લાગવા માંડે છે કે આપણે બધું જ જાણીએ છીએ. આ સ્થિતિમાં આપણે વધુપડતા આત્મવિશ્વાસી બની જઈએ છીએ. આપણે ભલે એવું કહીએ નહીં, પણ લોકોને આપણા વર્તન પરથી જરૂર ખબર પડી જશે કે આ માણસ ઓવરકૉન્ફિડન્ટ છે. આ વર્તણૂકને ‘સેલ્ફ-સર્વિંગ બાયસ’ કહેવાય છે.

માણસને આવો પૂર્વગ્રહ હોય ત્યારે સારા પરિણામની સ્થિતિમાં તે પોતાને શ્રેય આપે છે અને કોઈ ભૂલ કે ગરબડ થઈ જાય ત્યારે બીજાને દોષ આપવા લાગે છે. આનું સૌથી સારું અને સામાન્ય રીતે દેખાતું ઉદાહરણ પરીક્ષાનું છે. જો ટકા વધારે આવે તો પોતાની મહેનતને શ્રેય આપવામાં આવે છે અને ટકા ઓછા આવે તો પરીક્ષા ઘણી અઘરી હતી અથવા તો અભ્યાસક્રમની બહારના સવાલ પુછાયા હતા એવું લોકો કહેતા હોય છે.

આ વાતને શૅરબજાર સાથે સાંકળીએ. જો તમે લીધેલા શૅરમાં નફો થશે તો પોતાની વાહ-વાહ કરાવશો અને શૅરના ભાવ ઘટી જશે તો બજારને દોષ આપશો. ‘ધ આર્ટ ઑફ થિન્કિંગગ ક્લિયરલી’ના લેખક રોલ્ફ ડોબેલી એક અમૂલ્ય સલાહ આપે છે. તેઓ કહે છે, તમારા દુશ્મનને ચા-પાણી માટે બોલાવો. તેઓ તમને તમારી નબળાઈઓ અને ખૂબીઓ વિશે ખૂલીને કહી શકશે. તમારી વાસ્તવિક સ્થિતિનો તેઓ ચિતાર આપી શકશે.

દરેકના જીવનમાં કેટલાક પૂર્વગ્રહો હોય છે. તેમના વિશે સ્પક્ટ વાત કરી લેવાનું અગત્યનું છે. તમને આ વાંચતાં-વાંચતાં જ વિચાર આવતો હશે કે પૂર્વગ્રહોની અસરમાંથી કેવી રીતે મુક્ત થવું.

હવે આપણે આપણી વિચારપ્રક્રિયા પર થતી સમાચારોની અસરની વાત કરીએ. આ અસરને સમાચાર ભ્રમ કહેવાય છે. સમાચાર વાંચવાથી કે ટીવી પર જોવાથી નિર્ણય લેવાની આપણી ક્ષમતા પર કેટલી અસર થાય છે? શું આપણે એ બધા સમાચાર જાણવા જરૂરી હોય છે?

આસપાસ બની રહેલી ઘટનાઓ વિશે જાણકારી હોય એ આપણા માટે મહત્વનું છે એવું આપણે માનતા હોઈએ છીએ, પણ શું હકીકતમાં આપણે બધું જાણવું જરૂરી હોય છે?

ઘણા લોકો સમાચારને મહત્વ આપતા નથી. છેલ્લા બાર મહિનામાં તમે સેંકડો અહેવાલો વાંચ્યા-જોયા હશે, પણ સારી રીતે નિર્ણય લેવામાં તમને એમાંથી કેટલા સમાચાર સારા લાગ્યા? જો એ સમાચાર તમને કોઈ કામે લાગ્યા ન હોય તો તમે એને જોવા-સાંભળવા-વાંચવામાં જેટલો સમય ખર્ચ્યો એ બધો વેડફાઈ ગયો કહેવાય. હવે આ એક પ્રયોગ કરી જુઓ. એક મહિના સુધી કોઈ સમાચાર જોતા નહીં કે વાંચતા-સાંભળતા નહીં. એમ કર્યા પછી જુઓ કે તમને કંઈ ખૂટતું હોય એવું લાગે છે ખરું? નહીં લાગે.

બિનજરૂરી અને વધુપડતા સમાચારથી દૂર રહેવાથી આપણા મગજમાં ભંગાર જમા થતો અટકે છે અને આપણે તાજા-નવા વિચાર કરી શકીએ છીએ.

નિષ્ણાતોએ આમ કહ્યું છે છતાં તમારે એનો અખતરો કરવો હોય તો કંઈ ખોટું નથી. અખતરાઓ-પ્રયોગો કરતા રહેવાથી ઘણું શીખવા મળે છે.

આ પણ વાંચો : જીવન ભલે અનિશ્ચિતતાઓથી ભરેલું હોય, માણસે પ્રયત્ન કરવાનું ચૂકવું ન જોઈએ

છેલ્લે એમ જ કહેવાનું કે દરેક બાબતમાં સંતુલિત અભિગમ અપનાવવો. પોતાના વિચારોને અને કાર્યોને વ્યવસ્થિત ગોઠવવાં, ફ્લેક્સિબલ બનવું, પોતાની જાત સાથે પ્રામાણિક બનવું, નવા વિચારો-આઇડિયા આવે એ માટે મનમાં મોકળાશ રાખવી અને જે જ્ઞાનમાં પરિવર્તિત થઈ શકે નહીં એવી બિનજરૂરી માહિતીઓનાં જાળાં મગજમાં બાઝવા દેવાં નહીં.

columnists weekend guide