કૉલમ : ઉપયોગી હોય એટલી જ માહિતી રાખીએ, બાકીની જવા દઈએ એ આજના સમયની માગ

26 May, 2019 12:04 PM IST  |  | મુકેશ દેઢિયા - મની-પ્લાન્ટ

કૉલમ : ઉપયોગી હોય એટલી જ માહિતી રાખીએ, બાકીની જવા દઈએ એ આજના સમયની માગ

ધ આર્ટ ઑફ થિન્કિંગ

મની-પ્લાન્ટ

ગયા વખતથી આપણે રોલ્ફ ડોબેલી લિખિત ‘ધ આર્ટ ઑફ થિન્કિંગ ક્લિયરલી’માં લખાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત શરૂ કરી છે. બીજાઓનું અનુકરણ કરવાથી ફસાઈ જવાય છે અને દરેક નિર્ણય વિશે નવેસરથી વિચાર કરવો જોઈએ એની આપણે વાત કરી હતી.

આજે આપણે ‘ઍક્શન બાયસ’ પર આવીએ. તમે ફુટબૉલ મૅચ જોઈ જ હશે. એમાં લેવાતો પેનલ્ટી શૉટ પણ ક્યારેક જોવા મળ્યો હશે. એ શૉટ ગૉલની મધ્યમાં, ડાબે કે જમણે જવાની શક્યતા હોય છે. ગોલકીપરને પણ ખબર હોય છે કે બૉલ કોઈ પણ એક દિશામાં જવાની શક્યતા એક તૃતીયાંશ છે. સામેથી આવી રહેલો બૉલ ક્યાં જશે એ નક્કી ન હોવા છતાં એ ફક્ત કૂદવા ખાતર ડાબે કે જમણે કૂદકો મારીને બૉલને અટકાવવાનો પ્રયાસ કરે છે. ફુટબૉલપ્રેમી તરીકે તમે ક્યારેય આ વાતનો વિચાર કર્યો છે? ગોલકીપરે પોતે બૉલને અટકાવવાનો પ્રયાસ કર્યો નથી એવું ન લાગે એ માટે ડાબે કે જમણે કૂદકો મારતો હોય છે. આ વર્તનને ‘ઍક્શન બાયસ’ કહેવાય છે.

આપણે બધા જાણીએ છીએ કે નિષ્ક્રિય રહેનાર હંમેશાં ટીકાપાત્ર બને છે. આથી કંઈક કરવું જરૂરી હોય છે. પ્રયાસ કરીને નિષ્ફળ જઈએ તો પણ ‘પ્રયાસ કર્યો છે’ એમ કહીને આપણે પોતાનો બચાવ કરી શકીએ છીએ. જોકે ક્યારેક પ્રયાસ કરવામાં ઘણી મોટી ખુવારી સર્જા‍તી હોય છે.

રોલ્ફ ડોબેલી કહે છે કે આપણે જે બાબતોમાં સ્પષ્ટ વિચારો ધરાવતા ન હોઈએ એમાં થોડું ખમી જવું અને વિકલ્પો ચકાસી જોવા. વૉરેન બફેટ પણ કહે છે કે ‘ફક્ત સાચાં પગલાં ભરવાનાં અમને પૈસા નથી મળતા.’ એનો અર્થ એવો થયો કે ક્યારેક સાચા ન હોઈએ તો પણ પૈસા મળતાં અટકતા નથી. આમ સક્રિયતાનો દેખાવ પોતાનું મૂલ્ય દર્શાવવા માટે જ થતો હોય છે.

સાથે-સાથે એ કહેવું પણ જરૂરી છે કે કામ ટાળતી રહેનાર નિષ્ક્રિય વ્યક્તિ બનવાનું પણ સલાહભર્યું નથી. એકદમ સક્રિય થવાની જરૂર પણ નથી અને મહત્વનાં કાર્યો કરવામાં વિલંબ કરવો જોઈએ નહીં. બહુ અઘરું કામ છે, નહીં? આળસ કે ઢીલ કરવાનું અયોગ્ય છે, પરંતુ એ પણ માનવીય વૃત્તિ જ છે. આથી સક્રિયતા અને આળસ વચ્ચેનો માર્ગ અપનાવવો જોઈએ.

મનુષ્યમાત્ર ભૂલને પાત્ર એ ઉક્તિ યથાર્થ છે. મનુષ્ય ભૂલ કરીને શીખે છે. આપણે ઉપર કહ્યું કે ઢીલ કરવી નહીં અને એકદમ સક્રિય પણ થઈ જવું નહીં. સંતુલન રાખવાનો વિકલ્પ જ યોગ્ય છે. નોબેલ પારિતોષિક વિજેતા ડેનિયલ કહ્નમૅન કહે છે કે આવું વલણ પણ ‘પ્લાનિંગ ફેલસી’ બની શકે છે.

માહિતીના ધસમસતા પ્રવાહથી વિચલિત થઈ જવાય નહીં અને પૂરતી માહિતી પણ મળતી રહે એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? આપણે મધ્યમ માર્ગ અપનાવી શકીએ. જે ઉપયોગી હોય એટલી માહિતી રાખીએ અને બાકીની જવા દઈએ એ આજના સમયની માગ છે. આમ કરવાથી આપણી શક્તિ વેડફાતી અટકશે.

આ પણ વાંચો : આપણે શું ફક્ત બીજાઓનું અનુકરણ કરવું કે પછી પોતાની અલગ છાપ ઉપસાવવી?

ઉપરોક્ત લખાણ વાંચ્યા પછી તમને લાગશે કે ખરેખર આપણે કરવું શું? મને પણ આ જ સવાલ થયો હતો. ડોબેલી કહે છે કે ભયસ્થાનો જાણી લેવાં અને તમામ સંભવિત વિકલ્પોનું આકલન કરવું. કંઈ પણ વધુપડતું કરવું કે ઓછું કરવું એ બન્ને સ્થિતિ નુકસાનકારક છે એથી આપણે સ્માર્ટ બનીને સમજદારીપૂર્વક કામ લેવું આવશ્યક છે.

business news columnists weekend guide