મનુષ્ય એ જ વાતો ગ્રહણ કરે છે, જે તેની માન્યતાઓને અનુરૂપ હોય છે

02 June, 2019 01:55 PM IST  |  | મુકેશ દેઢિયા - મની-પ્લાન્ટ

મનુષ્ય એ જ વાતો ગ્રહણ કરે છે, જે તેની માન્યતાઓને અનુરૂપ હોય છે

મની-પ્લાન્ટ

ઘણી વાર મનુષ્યને લાગતું હોય છે કે એ તેની સાચી સમજ છે, પરંતુ વાસ્તવમાં એ તેની ગેરસમજ હોય છે. હકીકત એ છે કે આપણું ચતુર મગજ ફક્ત એ જ વાતો ગ્રહણ કરે છે, જે આપણી માન્યતાઓને અનુરૂપ હોય. તેના સિવાયની બાબતોને એ ગ્રહણ કરતું નથી. ચાલો, આ બાબત પર થોડો પ્રકાશ પાડીએ.

હાલમાં પૂરી થયેલી લોકસભાની ચૂંટણીઓમાં બધાએ પોતપોતાને ગમતા પક્ષની તરફેણમાં મતદાન કર્યું હશે. ચૂંટણી થવા પહેલાં બધા પક્ષોએ ચૂંટણીઢંઢેરા બહાર પાડ્યા હતા. પ્રચાર દરમિયાન ટીવી ચૅનલો પર ચર્ચાઓ પણ આવતી. દેખીતી વાત છે કે ચર્ચામાં અલગ અલગ પક્ષોના પ્રતિનિધિઓ આવે. જોકે, આજકાલ ટીવી ચૅનલોમાંથી પણ અમુક ભાજપતરફી અને અમુક કૉંગ્રેસતરફી હોવાની છાપ પડે છે. ધારો કે તમને ભાજપ ગમતો હોય તો તમને કૉંગ્રેસતરફી ચૅનલ જોવાનું નહીં ગમે. માનવસહજ છે કે તમે એ જ ચૅનલ જોવાનું પસંદ કરશો, જેમાં ભાજપની તરફેણમાં બોલાતું હોય. કૉંગ્રેસતરફી ચૅનલની સામે જોવાનું પણ તમને નહીં ગમે.

આમ, આપણને એમ લાગતું હોય કે આપણે બધું જ ગ્રહણ કરી રહ્યા છીએ, પરંતુ વાસ્તવમાં જે માફક આવે છે, જે પસંદ છે એ જ ગ્રહણ કરતા હોઈએ છીએ. મુક્ત મનથી એટલે કે તટસ્થ રીતે વિચાર કરવાનું આપણા માટે શક્ય હોતું નથી. આને ‘કન્ફર્મેશન બાયસ’ કહેવાય છે.

ધારો કે તમે મનગમતી કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો. તમને તો એમ જ લાગશે કે એ કાર અદ્ભુત છે. તમે તેનાં ફીચર્સ જોઈ લીધા બાદ લોકોની પાસેથી રિવ્યુ મગાવશો અથવા તો લોકોએ અપલૉડ કરેલા રિવ્યુ વાંચશો. તમારા ધ્યાનમાં કોઈ પ્રતિકૂળ રિવ્યુ આવશે તો પણ તમે તેને ગણતરીમાં લેશો નહીં. તમે દરેક રિવ્યુમાંથી પોતાને અનુકૂળ લાગતા રિવ્યુને જ મહત્વ આપશો.

આપણે પોતાની માન્યતાઓને એટલા દૃઢપણે વળગીને બેઠા હોઈએ છીએ કે નિષ્પક્ષ રીતે વિચાર કરતા જ નથી. આ કન્ફર્મેશન બાયસને લીધે ‘અવેઇલેબિલિટી બાયસ’ પણ દૃઢ બને છે. ‘સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું બધા કહે છે, પરંતુ મારા દાદાજી દરરોજ ત્રણ પૅકેટ સિગારેટ પીને પણ ૧૦૦ વર્ષ કરતાં વધુ જીવ્યા હતા.’ આ નિવેદન કંઈક પુરવાર કરવા માટે વપરાય છે, પરંતુ વાસ્તવમાં તેનાથી કંઈ પુરવાર થતું નથી. એકાદ માણસ સિગારેટ પીતો હોવા છતાં આટલું લાંબું જીવે એ અપવાદ જ હોઈ શકે છે. તેનાથી એ પુરવાર થતું નથી કે સિગારેટ પીવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી.

ધારો કે તમે ‘અબક’ કંપનીનો શૅર ખરીદવા માગો છો. તેના વિશેની આંકડાકીય માહિતી ભેગી કરતી વખતે તમને એ કંપનીને લગતો એક લેખ તમને વાંચવા મળે છે. એ લેખકને તેમાં રોકાણની સારી તક દેખાઈ હોવાથી તેણે તેના વિશે લખ્યું હોઈ શકે છે, પણ શું તમે એક લેખના આધારે એ શૅરમાં રોકાણ કરશો? બીજા કોઈએ કંઈ પ્રતિકૂળ લખ્યું નહીં હોવાથી શું એ શૅર સારો બની જાય છે? જે લેખ લખાયો છે એ પૂરતી માહિતી અને હકીકતોના આધારે લખાયો છે એવું કેવી રીતે કહી શકાય?

કન્ફર્મેશન બાયસને કારણે આપણે મર્યાદિત માહિતીના આધારે જ અતાર્કિક નિવેદનોને સાચાં ઠેરવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. આપણને સહેલાઈથી યાદ આવી જાય એવાં ઉદાહરણોના આધારે આપણે પોતાનો કક્કો સાચો કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ જ કારણથી આપણે ખોટા રસ્તે ચડી જઈએ છીએ.

આ પણ વાંચો : કૉલમ : ઉપયોગી હોય એટલી જ માહિતી રાખીએ, બાકીની જવા દઈએ એ આજના સમયની માગ

આપણી આસપાસ એવા ઘણા લોકો મળી આવે છે, જેઓ કન્ફર્મેશન બાયસનો શિકાર હોય છે. હવે તમે જ કહો કે મનુષ્ય પોતાને ઘણો સમજદાર સમજે છે, પરંતુ વાસ્તવમાં એ કેવો નાસમજ હોય છે. સ્પક્ટ વિચાર કરવા માટે દરેક બાબતે લાભ-ગેરલાભ/સારાં-નરસાં પાસાંનો અભ્યાસ કરવો જરૂરી હોય છે.

columnists weekend guide