મોક્ષ જ નથી, કારણ કે બંધન પણ નથી, માટે બન્ને મિથ્યા છે

02 August, 2021 11:20 AM IST  |  Mumbai | Swami Sachidanand

વેદાન્તી પણ શરૂઆતમાં મોક્ષનો ખૂબ મહિમા બતાવી અંતે કહી દે છે કે મોક્ષ જ નથી, કારણ કે બંધન પણ નથી. એટલે બંધન તથા મોક્ષ બન્ને મિથ્યા છે.

મિડ-ડે લોગો

અભિગમ થકી વ્યક્તિ પૂર્વગ્રહો, પૂર્વસંસ્કારો, વાતાવરણ અને સ્વયંના લાગણીશીલ અનુભવોમાંથી ઘડાતો હોય છે. વ્યક્તિ જાણતાં-અજાણતાં પણ કેટલાક પૂર્વગ્રહોથી પકડાયેલી હોય જ છે. ધાર્મિક, સામાજિક, રાજકીય વગેરે ક્ષેત્રો વિશે વ્યક્તિને નિશ્ચિત નિર્ણયો મળ્યા હોય છે. આવા નિર્ણયો ઘણી વાર એટલા ગાઢ થઈ ગયા હોય છે કે એની ત્રુટિઓને પણ સાંભળવા કે સમજવા માણસ તૈયાર નથી થતો. 
એક માણસ દૃઢ પૂર્વગ્રહ બુદ્ધિતંત્ર પેલા પુસ્તકને ઈશ્વરરચિત સાબિત કરવાના તર્કમાં લાગી જશે. તેની દિશા ખરી હોય કે ખોટી, એને બદલવી અત્યંત કઠિન થઈ જશે. ધાર્મિક પૂર્વગ્રહોની પકડ સૌથી વધુ પ્રબળ હોય છે, જેથી આજના વિજ્ઞાનના યુગમાં પણ કેટલીયે અસ્વીકાર્ય વાતો પ્રબળતાથી સ્વીકારી લેવાતી જોવાય છે. મોક્ષ વિશે પણ અત્યંત આશ્ચર્ય પમાડે એવા અભિગમ અસંખ્ય પરંપરામાં જોવા મળે છે.    
બૌદ્ધ ધર્મે બહુ જોરશોરથી નિર્વાણની વાતો કરી. નિર્વાણ જ પરમ પદ છે. નિર્વાણ પ્રાપ્ત કરવા માટે અસંખ્ય લોકો ઘરબાર છોડીને સાધુ થયા, સંસારના સુખનો ત્યાગ કરી ભિક્ષુ બન્યા, પણ નિર્વાણનું સ્વરૂપ તો સ્વની સમાપ્તિમાં જણાયું. દીવાના તેલનું ટીપું બળી જાય ત્યારે દીવો બુઝાઈ જાય છે. એ ક્યાંય જતો નથી, આવતો નથી, સ્વને સમાપ્ત કરી દે છે, એમ આત્માની વાસનાની સમાપ્તિ થતાં જ આત્મા સમાપ્ત થઈ જાય છે. આ નિર્વાણ છે. પોતાની સમાપ્તિ એ જ નિર્વાણ. પોતાની સમાપ્તિ થઈ જાય તો નિર્વાણ ભોગવે કોણ? કોને મોક્ષ મળ્યો? મોક્ષ માટે ઘરબાર છોડનારને સ્વસમાપ્તિ સિવાય શું મળ્યું? આ અને આવા પ્રશ્નો થાય.
વેદાન્તી પણ શરૂઆતમાં મોક્ષનો ખૂબ મહિમા બતાવી અંતે કહી દે છે કે મોક્ષ જ નથી, કારણ કે બંધન પણ નથી. એટલે બંધન તથા મોક્ષ બન્ને મિથ્યા છે.
બૌદ્ધ અને વેદાન્તી માત્ર ધર્મથી મોક્ષ નથી માનતા, પણ જ્ઞાનથી મોક્ષ માને છે. બન્નેમાં ફરક એટલો કે બૌદ્ધ બંધનને વાસ્તવિક માની દુ:ખનિવૃત્તિ માટે પ્રયત્નોની પરાકાષ્ઠા સ્વરૂપ સ્વસમાપ્તિને મોક્ષ માને છે, જ્યારે વેદાન્તીને ત્યાં તો આત્માને દુ:ખ પણ નથી, બંધન પણ નથી એટલે મોક્ષ પણ કહેવા પૂરતો જ છે. ખરેખર તો મોક્ષ પણ નથી. 
ભક્તિમાર્ગી લોકો પ્રભુના ધામમાં જઈને પ્રભુનાં સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય વગેરે સુખોને પ્રાપ્ત કરવા એને મોક્ષ માને છે. ભક્તિમાર્ગીઓને ત્યાં બંધન પણ સાચાં છે અને મુક્તિ પણ સાચી છે. મુક્તિમાં ખરું સાધન ભક્તિ છે. જ્ઞાન-ધર્મનાં પોષક સાધનો છે. ભક્તિ વિના પ્રભુ રીઝે નહીં અને તેની પ્રસન્નતા વિના તેના ધામમાં પ્રવેશ મળે નહીં, પણ મૂળ પ્રશ્ન છે કે આવા કોઈ દૂરના ઉપરના નિશ્ચિત ધામમાં ખરેખર જવાય, રહેવાય છે? 

  વેદાન્તી પણ શરૂઆતમાં મોક્ષનો ખૂબ મહિમા બતાવી અંતે કહી દે છે કે મોક્ષ જ નથી, કારણ કે બંધન પણ નથી. એટલે બંધન તથા મોક્ષ બન્ને મિથ્યા છે.

columnists astrology swami sachchidananda