મૉડર્ન ટાઇમ્સ મઝદૂરોનું મશીનીકરણ

23 May, 2020 03:48 PM IST  |  Mumbai | Raj Goswami

મૉડર્ન ટાઇમ્સ મઝદૂરોનું મશીનીકરણ

કોવિડ-19ને કારણે જાહેર કરવામાં આવેલા ૫૦થી વધુ દિવસના લૉકડાઉનમાં જે ઔદ્યોગિક નુકસાન થયું છે એને ભરપાઈ કરવા માટે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત સરકારોએ અમુક મઝદૂર ધારાઓ સસ્પેન્ડ કરીને ફૅક્ટરીઓમાં કામના કલાક ૮ને બદલે ૧૨ કલાક કરી નાખ્યા છે. હરિયાણા, આસામ, પંજાબ અને હિમાચલ પ્રદેશે પણ કામના કલાકો વધાર્યા છે. લૉકડાઉનને કારણે હજારો મજૂરોની દેશનાં અલગ-અલગ શહેરોમાંથી હિજરત અને અનેક અકસ્માતોમાં તેમનાં થયેલાં  મોતના સમાચાર વચ્ચે ફૅક્ટરીઓને પાછી ધમધમતી કરવા માટે મઝદૂર ધારાઓમાં કરાયેલા ફેરફારોનો ઘણો વિરોધ થયો છે. ગુજરાતમાં તો કામદારોને ઓવરટાઇમ આપવાનો નિયમ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ભારતીય મઝદૂર સંઘે એના વિરોધમાં દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. અપેક્ષા પ્રમાણે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે.

ઘણા લોકોએ મજૂરો પાસે ૧૨ કલાક કામ કરાવવાના નિર્ણયને ૧૯મી સદી તરફની અધોગતિ સમાન ગણાવ્યો છે. અમેરિકામાં જ્યારે ઔદ્યોગીકરણનું મશીન ધમધમતું હતું ત્યારે ૧૮૦૦મી સદીના મધ્યમાં કામદારોએ કામના કલાક ઓછા કરવાની માગણી શરૂ કરી હતી. ૧૮૮૮ની ૧ મેએ અમેરિકમાં ૧૩,૦૦૦ કારખાનાંના ૩ લાખ કામદારોએ ૮ કલાક જ કામ કરવાની માગણી સાથે હડતાળ પાડી હતી. ‘મે ડે’ને દુનિયાભરમાં કામદારોના હકના દિવસ તરીકે ઊજવવામાં આવે છે અને વિડમ્બના એ છે કે ભારતમાં ‘મે ડે’ની ઉજવણી વચ્ચે જ મઝદૂર ધારા બદલવામાં આવ્યા છે.

કામદારોને ઉચિત વેતન મળે, તેમની પાસે ૮ કલાક જ કામ કરાવવામાં આવે અને ફૅક્ટરીઓમાં તેમની માનસિક-શારીરિક તંદુરસ્તીનું ધ્યાન રાખવામાં આવે એ માટે ૧૯મી સદીમાં અલગ-અલગ દેશોમાં આંદોલન થયેલાં. પ્રથમ વિશ્વયુદ્ધ સુધી એક પણ દેશમાં મજૂરોની તરફેણમાં પરિસ્થિતિ નહોતી. એવું લાગતું હતું જાણે ઔદ્યોગિક પ્રગતિનું એક રાક્ષસી યંત્ર ગોળ ફરતું હતું અને કામદારો એની અંદર એનો એક હિસ્સો બનીને રહી ગયા હતા.

પડદા પર બેવકૂફ ભમતારામના કિરદારથી જગમશહૂર બનેલા ચાર્લી ચૅપ્લિને (૧૮૮૯થી ૧૯૭૭) તેની કારકિર્દીની બહેતરીન ફિલ્મ ‘મૉડર્ન ટાઇમ્સ’ (૧૯૩૬) આ પૃષ્ઠભૂમિ પર બનાવી હતી. કોવિડ-19ને કારણે દુનિયાભરમાં આજે જે આર્થિક મંદીનો માહોલ છે એવો જ માહોલ ૧૯૩૦ના દાયકામાં હતો, જેને ‘ગ્રેટ ડિપ્રેશન’ તરીકે ઓળખવામાં આવે છે. એ સૌથી ઊંડી અને સૌથી વ્યાપક આર્થિક મંદી હતી. ઘણા દેશોમાં ફૅક્ટરીઓ બંધ થઈ ગયેલી, ખેતરો ખાલી થઈ ગયેલાં અને અનેક દેશમાં બાંધકામ ઠપ થઈ ગયેલાં. વૈશ્વિક અર્થવ્યવસ્થાનું પતન થાય તો શું થાય એના ઉદાહરણમાં ‘ગ્રેટ ડિપ્રેશન’નો ઉલ્લેખ થાય છે.

એને પરિણામે લોકો જે રીતે નાણાકીય ભીંસમાં મુકાયા હતા અને રોજગારી માટે ગુલામ બનવા તૈયાર થઈ ગયા હતા એને માટે ચાર્લી ચૅપ્લિને ઔદ્યોગીકરણને જવાબદાર ઠેરવ્યું હતું. ચાર્લી ચૅપ્લિન ત્યારે તેની કારકિર્દીના શિખર પર હતો. સપ્ટેમ્બર ૧૯૩૧માં મહાત્મા ગાંધી લંડનમાં હતા અને ચૅપ્લિન તેની ‘સિટી લાઇટ’ ફિલ્મના પ્રીમિયર માટે લંડનમાં હતો. તેને ગાંધીજીને મળવું હતું. ગાંધીજીને ચૅપ્લિન કોણ છે એની ખબર નહોતી. કોઈકે કહ્યું કે જાણીતો ઍક્ટર છે, તો મહાત્માજીએ કહ્યું કે તેને મળવાનો સમય નથી. તો કોઈકે કહ્યું કે બાપુ, આપણે જે કામ કરીએ છીએ એના પ્રત્યે તેને બહુ સહાનુભૂતિ છે. તો હું મળીશ, બાપુએ કહ્યું.

બન્ને મળ્યા અને તેમની વચ્ચે ઔદ્યોગીકરણની ચર્ચા થઈ હતી. ગાંધીજીને મળ્યા એ પહેલાં ચૅપ્લિનને બજારમાં મશીનીકરણના વધતા પ્રભાવની ખબર નહોતી. મંદીમાંથી બેઠા થવા માટે દુનિયામાં તેજ ગતિએ મશીનો પર નિર્ભરતા વધી રહી હતી. જર્મની એમાં સૌથી આગળ હતું અને બ્રિટન તેમ જ અમેરિકા એની પાછળ ઢસડાતું હતું. બ્રિટને મૅન્ચેસ્ટરમાં મશીન પર વસ્ત્રો બનાવવાનું શરૂ કરીને દુનિયામાં વેચવાનું શરૂ કર્યું હતું.

ચૅપ્લિને ગાંધીજીને ત્યારે પૂછ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે તમારા દેશ અને લોકોને આઝાદી મળે, પણ મને એક વાતની સમજ નથી પડતી કે તમે મશીનના ઉપયોગનો વિરોધ શા માટે કરો છો? તમને નથી લાગતું કે મશીન નહીં વપરાય તો બહુ બધું ઠપ થઈ જશે?’

ગાંધીજીએ જવાબમાં ચૅપ્લિનને કહ્યું હતું કે ‘હું મશીનનો વિરોધી નથી, પણ આ મશીનો માણસો પાસેથી તેમનું કામ લઈ લે એ હું સહન કરી શકતો નથી. આજે અમે તમારા ગુલામ છીએ, કારણ કે અમે તમારા માલસામનની લાલચને રોકી શકતા નથી. અમે જયારે આ લાલચમાંથી મુક્ત થઈશું ત્યારે અમને ચોક્કસ આઝાદી મળશે.’

ચૅપ્લિનને માનવતા વગરના ઔદ્યોગીકરણ પર ‘મૉડર્ન ટાઇમ્સ’ ફિલ્મ બનાવવાની પ્રેરણા ગાંધીજી સાથેની આ મુલાકાતમાંથી અને અમેરિકામાં ફૅક્ટરીઓમાં કામદારોના થતા શોષણની વાતોમાંથી મળી હતી. ગાંધીજી સાથેની મુલાકાતમાં ગાંધીજીના વિચારો જાણ્યા પછી ચૅપ્લિને સ્વીકાર્યું હતું કે ‘હું માનું છું કે માત્ર નફો રળવા માટે મશીનોના ઉપયોગથી માણસોની મુશ્કેલીઓ પેદા થઈ છે.’

‘મૉડર્ન ટાઇમ્સ’ મશીન અને મનુષ્યની કહાની હતી. અમેરિકાના મિશિગનમાં માણસો પાસે એવી રીતે મજૂરી કરાવવામાં આવતી હતી કે તેઓ પાગલ થઈ જતા હતા. ચૅપ્લિને એના પરથી ‘મૉડર્ન ટાઇમ્સ’ના મુખ્ય કિરદાર ટ્રેમ્પ (ભમતારામ)ને એવો જ બનાવ્યો હતો. ફિલ્મમાં ગરીબ ટ્રેમ્પે તેની હિરોઇન સાથે મંદી, હડતાળ અને બેરોજગારીનો માર સહન કરવો પડે છે.

એમાં તે એક ફૅક્ટરીની એસેમ્બ્લી લાઇન પર નટ-બોલ્ટ ચડાવવાનું કામ કરે છે. ફિલ્મમાં એક બેહદ યાદગાર દૃશ્ય છે, જેમાં કૉમેડી મારફત ચૅપ્લિને કામદારોની ટ્રૅજેડી પેશ કરી હતી. એ દૃશ્યમાં ચૅપ્લિન એક મોટા મશીન પાસે ઊભો-ઊભો એક કન્વેયર બેલ્ટ પર નટ-બોલ્ટ ટાઇટ કરી રહ્યો છે. બેલ્ટ ધીમે-ધીમે ગતિ પકડે છે અને ચૅપ્લિનને પણ એની સાથે એની ગતિ વધારવી પડે છે. ચૅપ્લિન પડતો-આખડતો બેલ્ટની રફતાર સાથે રહેવાનો પ્રયાસ કરે છે અને એમાં એ મશીનના મોઢામાં ઘૂસી જાય છે. જોકે મહામહેનતે તે મશીનમાંથી બહાર આવે છે, પણ ત્યાં સુધીમાં તો તે પાગલ થઈ ગયો હોય છે.

ઔદ્યોગીકરણ એક વિરાટ મશીન છે. એ તેની ગતિએ ચાલી રહ્યું છે અને મજૂરો એમાં હોમાઈ રહ્યા છે તએવો કટાક્ષ કરવા માટે ચૅપ્લિને આ દૃશ્ય બનાવ્યું હતું. ‘મૉડર્ન ટાઇમ્સ’ના ટાઇટલ-શૉટમાં ચૅપ્લિને બે પ્રતીકાત્મક દૃશ્યો સાથે મૂક્યાં હતાં, જેમાં એક દૃશ્યમાં ઘેટાંને વાળવામાં આવી રહ્યાં છે અને બીજામાં એક ફૅક્ટરીમાંથી કામદારોનાં ધાડાં બહાર નીકળી રહ્યાં છે. પહેલા દૃશ્યમાં તેની ‘બેવકૂફી’થી ફૅક્ટરીમાં અવ્યવસ્થા ફેલાઈ જાય છે અને તેને હૉસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવે છે. તે સાજો થઈને બહાર આવે છે, પણ બેરોજગાર થઈ ગયો છે એટલે સામ્યવાદી ગણીને તેને જેલમાં મોકલી દેવામાં આવે છે.

જેલમાં તે નમક સમજીને કોકેન લઈ લે છે અને એના નશામાં જેલ તોડવાના એક કાવતરાનો પર્દાફાશ કરે છે. તેના સાહસને કારણે તેની સજા માફ કરવામાં આવે છે અને તેને મુક્ત કરવાની જાહેરાત થાય છે. ચૅપ્લિન કરગરે છે કે મને જેલમાં જ રહેવા દેવામાં આવે, કારણ કે જેલની બહાર બેરોજગારી મારી રાહ જુએ છે. જોકે એમ છતાં તેને જેલની બહાર મોકલી દેવામાં આવે છે. તે રઝળે છે અને એક અનાથ છોકરીને મળે છે, જે બ્રેડ ચોરીને પોલીસથી ભાગી રહી છે. છોકરીને બચાવવા અને જેલમાં પાછો જવા તે ચોરીનો આરોપ પોતાને માથે લઈ લે છે, પણ કોર્ટમાં તેનું નાટક ખુલ્લું પડી જાય છે. છોકરી તેને પોતાના ઘરે લઈ જાય છે. એવામાં એક ફૅક્ટરી ખૂલતાં ટ્રેમ્પને નોકરી મળે છે, પણ એનો માલિક મશીનમાં પડી જતાં હંગામો થાય છે અને પોલીસ ટ્રેમ્પને પકડીને જેલમાં પૂરી દે છે.

તે બહાર આવે છે, છોકરી તેને વેઇટર અને ગાયકની નોકરી અપાવે છે અને ત્યાં તે લોકપ્રિય થાય છે. એવામાં પોલીસ છોકરીને તેના જૂના ગુનામાં પકડવા આવે છે અને બન્ને અનિશ્ચિત, પરંતુ ઉમદા ભવિષ્ય તરફ નાસી છૂટે છે. ચૅપ્લિને ‘મૉડર્ન ટાઇમ્સ’નો અંત દુખી બતાવ્યો હતો અને શૂટ પણ કર્યો હતો, જેમાં ટ્રેમ્પ હૉસ્પિટલમાં છે અને છોકરી સાધ્વી બનવા તેને અલવિદા ફરમાવી દે  છે, પણ ફિલ્મને સકારાત્મક સૂર સાથે પૂરી કરવા બન્ને એકબીજાના હાથમાં હાથ પરોવીને ‘કર ભલા તો હો ભલા’ની ભાવના સાથે ક્ષિતિજ તરફ જતાં હોય એવો અંત બનાવ્યો હતો.

ચાર્લી ચૅપ્લિન સામાન્ય રીતે બેવકૂફીભર્યા જોકરવેડા કરવા માટે પ્રખ્યાત હતો, પરંતુ ‘મૉડર્ન ટાઇમ્સ’ તેની પહેલી રાજકીય ફિલ્મ હતી, જેમાં તેણે મૂડીવાદ અને ઔદ્યોગીકરણના જોખમ સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. હકીકતમાં ‘મૉડર્ન ટાઇમ્સ’ રિલીઝ થયા પછી ચાર્લી ચૅપ્લિન પર સામ્યવાદી એજન્ટ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેને અમેરિકન સુપ્રીમ કોર્ટે દેશનિકાલ કર્યો હતો અને ચૅપ્લિન હૉલીવુડ છોડીને સ્વિટ્ઝરલૅન્ડમાં સ્થાયી થઈ ગયો હતો.

‘મૉડર્ન ટાઇમ્સ’ મજૂરોના સમય પર કારખાનેદારના નિયંત્રણની ફિલ્મ છે. ચૅપ્લિન જે ફૅક્ટરી (ઇલેક્ટ્રો સ્ટીલ કૉર્પોરેશન)માં કામ કરે છે એનો માલિક એક ઊંચી કૅબિનમાં બેઠો હોય છે અને ત્યાંથી તે દરેક મજૂર પર નજર રાખે છે. કોઈ વિભાગમાં જો ઉત્પાદન ઓછું થતું લાગે અથવા કામદારો આળસ કરતા દેખાય તો તે ફોરમેનને કહીને મશીનની સ્પીડ વધારી દેવડાવે જેથી વધુ કામ થાય. મજૂરના સમય પર તમારો જો કાબૂ હોય તો તમારો નફો વધુ હોય એવા કાર્લ માર્ક્સના વિચારને ચાર્લી ચૅપ્લિને આ રીતે ફિલ્મમાં પેશ કર્યો હતો. ચૅપ્લિને કાર્લ માર્ક્સનો અભ્યાસ કર્યો હતો?

૧૯૫૭માં તેની અંતિમ ફિલ્મ ‘અ કિંગ ઇન ન્યુ યૉર્ક’માં ચૅપ્લિને અમેરિકામાં રાજ્યાશ્રય લેનારા કિંગ ઇગોર શાહદોવની ભૂમિકા કરી હતી. ચૅપ્લિને તેના મોટા દીકરા માઇકલને પણ આ ફિલ્મમાં રૂપર્ટ નામના વિદ્યાર્થીની અગત્યની ભૂમિકા આપી હતી, જેના પેરન્ટ્સ સામ્યવાદી છે. કિંગ સ્કૂલમાં રૂપર્ટને મળે છે ત્યારે તેના હાથમાં કાર્લ માર્ક્સનું પુસ્તક હોય છે. એ જોઈને કિંગ પૂછે છે, ‘તું સામ્યવાદી છે?’ ત્યારે રૂપર્ટ કહે છે, ‘કાર્લ માર્ક્સને વાંચવા માટે મારે સામ્યવાદી હોવું જરૂરી છે?’

રશિયા સાથે શીતયુદ્ધમાં વ્યસ્ત અમેરિકન સરકારે ચાર્લી ચૅપ્લિન પર સામ્યવાદી હોવાના મૂકેલા આરોપનો જવાબ આ સંવાદમાં હતો

columnists raj goswami