સ્વાદ અને સ્વાસ્થ્યનું બેસ્ટ કૉમ્બિનેશન છે ચૂરમાના લાડુ અને મોદક

28 August, 2020 06:49 PM IST  |  Mumbai | Varsha Chitalia

સ્વાદ અને સ્વાસ્થ્યનું બેસ્ટ કૉમ્બિનેશન છે ચૂરમાના લાડુ અને મોદક

ચુરમા લાડુ

તહેવારોમાં ઘરે-ઘરે બનતી પરંપરાગત દેશી મીઠાઈઓ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. એમાં વપરાતી તમામ સામગ્રી પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી જ કદાચ આવી પ્રથા અસ્તિત્વમાં આવી હશે. આજે કરીએ ઘઉંનો કરકરો લોટ, ગોળ, ઘી, ખસખસ અને જાયફળ નાખી બનાવેલા ચૂરમાના લાડવા તેમ જ નાળિયેરનું છીણ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી બનતા મોદક ખાવાના ફાયદાની વાત..

ગણેશચતુર્થીના દિવસે સૌના ઘરમાં ગણપતિ બાપ્પાને પ્રિય ચૂરમાના લાડવા બન્યા હશે અને પ્રસાદીરૂપે બધાએ પેટ ભરીને ખાધા હશે. ભારતીય તહેવારોમાં બનતી પરંપરાગત સ્વાદિષ્ટ વિવિધ વાનગીઓનું અનેરું આકર્ષણ છે. ખાસ કરીને દેશી મીઠાઈઓની ફ્લેવર આકર્ષે છે. એમાંય ગોળ, ઘી અને ખસખસ નાખીને બનાવેલા ચૂરમાના લાડવાની વાત જ નિરાળી છે. આપણે ત્યાં જમણવારમાં લાડવા પીરસવાની પ્રથા પણ ઘણી જૂની છે ત્યારે જાણીએ નાના-મોટા સૌકોઈને ભાવતા સ્વાદિષ્ટ લાડવામાં ઉમેરાતી સામગ્રીના અઢળક ફાયદા વિશે.
સ્વાસ્થ્યવર્ધક સામગ્રી
મુંબઈમાં ચૂરમાના લાડવા ઉપરાંત ગણપતિ બાપ્પાને મોદક ધરવામાં આવે છે. હેલ્થની દૃષ્ટિએ આ બન્ને મીઠાઈ બેસ્ટ છે. આ સંદર્ભે વાત કરતાં ડાયટિશ્યન ઈશિતા શાહ કહે છે, ‘ઘઉંનો જાડો લોટ, ઘી, ગોળ, એલચી, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ, જાયફળ અને એલચીની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘણી હાઈ છે. ખસખસ અને એલચી ડાઇજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે. ઇન્સૉમ્નિયા (સ્લીપિંગ ડિસઑર્ડર)ના દરદી ચૂરમાના લાડવા ખાય તો ઊંઘ સારી આવે છે. મધ્યમ સાઇઝના એક લાડવામાંથી ૧૫૦થી ૨૦૦ કૅલરી મળે છે જે આપણી રોજબરોજની જરૂરિયાત માટે પૂરતી છે. લાડવામાં વપરાતો દેશી ગોળ અને ઘઉંના જાડા લોટમાંથી કૅલ્શિયમ મળે છે. એમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સમાં ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણધર્મ છે. એમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મળી રહે છે. આ બધી સામગ્રી સ્વાસ્થ્યવર્ધક છે.’
ચૂરમાના લાડવા ઉપરાંત બાપ્પાને ધરાવવામાં આવતા ચોખાના લોટના મોદક પણ અત્યંત ગુણકારી મીઠાઈ છે. ઈશિતા કહે છે, ‘ચોખાના લોટની અંદર નાળિયેરનું છીણ, ગોળ, બદામ, કાજુ કિસમિસ અને એલચી પાઉડરનું ફીલિંગ કરી બનાવવામાં આવતા પરંપરાગત મોદક હેલ્ધી સ્વીટ છે. સામાન્ય રીતે એને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. નાળિયેર ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને સૌંદર્ય નિખરે છે. મોદકમાં પડતી સામગ્રીમાં કૉપર, મૅગ્નેશિયમ અને આયર્નનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે જે આપણા શરીરના કોષોને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. ઘણા લોકો એમાં ખજૂર નાખે છે. ખજૂર ખાવાથી કફ-શરદી થતાં નથી. મધ્યમ કદના એક મોદકમાંથી ૧૨૪થી ૧૪૦ કૅલરી પ્રાપ્ત થાય છે. ચૂરમાના લાડવા અને મોદક ખાવાથી હાડકાં મજબૂત થાય છે. ગ્રોઇંગ ચાઇલ્ડને પેસ્ટ્રી અને ચૉકલેટ્સ આપવા કરતાં લાડવા ખાવા આપશો તો શરીર ખડતલ બનશે.’
આયુર્વેદની દૃષ્ટિએ
આયુર્વેદના ગ્રંથોમાં ઋતુ પ્રમાણે આહાર લેવાની ભલામણ કરવામાં આવી છે. ગણપતિ બાપ્પાની પધરામણી સાથે ચૂરમાના લાડવા અને મોદક જેવી પરંપરાગત મીઠાઈઓ બનાવવાની જૂની પ્રથા આપણી સંસ્કૃતિને આભારી છે એમ જણાવતાં વૈદૃરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘વર્ષાઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે. વાયુ વધે ત્યારે મગજમાં નકારાત્મક વિચારો આવે અને બેચેની જેવું લાગે છે. વાયુના શમન માટે ગળ્યો રસ લેવો જોઈએ. લાડવામાં ગળ્યો રસ હોવાથી વાયુ ઓછો થાય છે. ચૂરમાના લાડવામાં પડતો ઘઉંનો કરકરો લોટ, ઘી, અને ગોળ આ ત્રણેયને આયુર્વેદમાં બળવર્ધક પદાર્થ કહ્યા છે. આ ત્રણેયના સંયોજનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જાયફળ, ખસખસ અને એલચી બ્રેઇન ટૉનિક છે. એનાથી મગજ શાંત થાય અને શરીરને સુખ મળે છે. ભારે મીઠાઈ સહેલાઈથી પચી જાય એ માટે ખસખસ ઉમેરવામાં આવે છે. એલચીના દાણા, જાયફળ અને ખસખસના સંયોજનથી મગજની કામગીરી સારી રીતે થાય છે.’
સૌરાષ્ટ્રમાં તો એક વ્યક્તિ સાત-આઠ લાડુ ખાઈ જાય છે જ્યારે મુંબઈમાં એક કે બે લાડવામાં તો લોકો ધરાઈ જાય છે. વાસ્તવમાં ચૂરમાના લાડવા ખાવાનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ શરીરમાં અગ્નિના પ્રકોપ અને પાચનશક્તિ પર આધાર રાખે છે. આગળ વાત કરતાં વૈદરાજ કહે છે, ‘વધુ શ્રમ કરનારી વ્યક્તિ ગમે એટલા લાડવા ખાય કોઈ તકલીફ થતી નથી, કારણ કે તેમના શરીરમાં અગ્નિ તેજ હોય છે. બળાબળ અગ્નિને ઠારવા ચૂરમાના લાડવા શ્રેષ્ઠ મીઠાઈ છે. બેઠાડુ જીવન હોય અથવા ઓછી મહેનત કરનારી વ્યક્તિ દેશી મીઠાઈઓ વધુ ખાઈ ન શકે.’
ગોળ બેસ્ટ છે
ચૂરમાના લાડવામાં ગોળ ઉપરાંત સાકરનો પણ ઉપયોગ થાય છે. પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘સાકર નાખવામાં વાંધો નથી. એ પણ ગળ્યો રસ છે અને વાયુના પ્રકોપને શાંત કરે છે. જોકે દેખાવમાં રૂપાળી લાગતી ખાંડ કરતાં દેશી ગોળ જ વાપરવાની સલાહ છે. ગોળથી શરીર પુષ્ટ થાય છે. બજારમાં મળતી ખાંડ કેમિકલયુક્ત હોય છે. ખાંડમાં તમારી પાસે ચૉઇસ નથી જ્યારે ગોળ આપણને જોઈએ એવો મળી રહે છે. આરોગ્ય પ્રત્યે સજાગતા વધતાં હવે લોકો રોજબરોજની રસોઈ અને મીઠાઈમાં પણ શુદ્ધ કાળો ગોળ વાપરતા થયા છે એ સારી વાત છે. લાડવામાં ગોળના રંગથી ખાસ ફરક પડતો ન હોવાથી દેખાવમાં પણ સારો લાગે છે.’
ખાવાની સાચી રીત
કોઈ પણ વસ્તુનો અતિરેક ન થવો જોઈએ. પછી ભલે એ સ્વાસ્થ્યવર્ધક અને ભાવતી મીઠાઈ કેમ ન હોય. ઈશિતા કહે છે, ‘પરંપરાગત મીઠાઈ ખાવાના વધુમાં વધુ લાભ મળે એ માટે એને સમજી-વિચારીને ખાવા જોઈએ. ગ્રોઇંગ ચાઇલ્ડ એકાદ લાડવો વધુ ખાઈ લે તો ફાયદો જ થવાનો છે, પરંતુ સામાન્ય વ્યક્તિએ કૅલરી-કાઉન્ટ કરીને ખાવા જોઈએ. ડાયાબિટીઝના દરદીએ ડૉક્ટરની સલાહ વગર દેશી લાડવા ન ખાવાની સલાહ છે.’
પરંપરાગત દેશી મીઠાઈ ખાવાની સાચી રીત કોઈ ફૉલો કરતું નથી. પ્રબોધભાઈ કહે છે, ‘જૂના જમાનામાં જમણવાર વખતે સૌથી પહેલાં લાડુ પીરસવામાં આવતા. આજે પણ દેશમાં આ જ પદ્ધતિથી મીઠાઈ ખવાય છે. જ્યારે મેટ્રો સિટીમાં ડિઝર્ટ ખાવાની ફૅશન પૉપ્યુલર છે. જમ્યા પછી ઉપરથી સ્વીટ ડિશ ખાય છે. આયુર્વેદ આ પ્રથા સાથે સંમત નથી. અગ્નિ તેજ હોય ત્યારે પેટમાં ગળ્યો રસ જવો જોઈએ. આપણને બહુ ભૂખ લાગી હોય તો શું કરીએ છીએ? થાળીમાં જે પહેલાં પીરસાય એ પેટ ભરીને ખાઈ લઈએ. ઉપરથી મીઠાઈ ખાઓ છો ત્યારે અગ્નિનું શમન થઈ ગયું હોય છે. જઠરાગ્નિ શાંત થાય પછી ભારે આહાર પચતો નથી એટલે લાડવા જમવાની શરૂઆત કરતી વખતે ખાવા જોઈએ. ડાયાબિટીઝના દરદીઓ આખું વર્ષ મીઠાઈ ખાતા નથી. તહેવારમાં ઘરમાં બનેલી શુદ્ધ મીઠાઈ તેમને આકર્ષે છે. સામાન્ય રીતે તેઓ એવું માનતા હોય છે કે કોઈક વાર ખાવામાં વાંધો નથી અને ચૂરમાના લાડવા તો ઘરમાં બનાવેલા છે. ડાયાબિટીઝના દરદીઓ લાડવાના બહાને મીઠાઈ ચાખવાનો લાભ લેતા હોય છે. હકીકતમાં શુગર લેવલ વધી જતું હોય એવા દરદીઓએ પરંપરાગત મીઠાઈ પણ ન ખાવી જોઈએ. કફ અને શરદીનો કોઠો હોય એવા લોકોએ પણ મીઠાઈ ખાવામાં મર્યાદા રાખવી. જોકે સનિયિર સિટિઝને દેશી મીઠાઈઓ ખાસ ખાવાની સલાહ છે. વૃદ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ ઊપડે છે. આવા સમયે મિષ્ટ આહાર ખાવાથી તબિયત સારી રહે છે અને તૃપ્તિ થાય છે.’


પરંપરાગત મીઠાઈઓની ગુણવત્તાની તોલે બહારની કોઈ સ્વીટ ન આવે. આપણે આખું વર્ષ કેક્સ, બંગાળી સ્વીટ્સ, ચૉકલેટ્સ વગેરે ખાતા રહીએ છીએ પરિણામે શરીરમાં શર્કરાનો સ્તર વધી જાય છે. બહારની મીઠાઈમાં વપરાતો માવો અને ચાંદીના વરખમાં ભેળસેળ થતી રહે છે, જેનાથી આરોગ્ય બગડે છે. એના કરતાં દેશી મીઠાઈઓ ખાશો તો શરીર તંદુરસ્ત રહેશે અને અનેક પ્રકારના રોગો સામે લડવાની શક્તિ પ્રાપ્ત થશે.

વર્ષાઋતુમાં વાયુના શમન માટે ગળ્યો રસ લેવો જોઈએ. લાડવામાં ગળ્યો રસ છે. એમાં પડતા ઘઉંનો કરકરો લોટ, ઘી અને ગોળને બળવર્ધક કહ્યાં છે. આ ત્રણેયના સંયોજનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જાયફળ, ખસખસ અને એલચી બ્રેઇન ટૉનિક છે. એનાથી મગજ શાંત થાય અને શરીરને સુખ મળે છે. વૃદ્ધાવસ્થામાં વાયુના પ્રકોપને શાંત કરવા મિષ્ટ આહાર ખાવાથી તબિયત સારી રહે છે અને તૃપ્તિ થાય છે
- પ્રબોધ ગોસ્વામી, આયુર્વેદાચાર્ય

ઘઉંનો જાડો લોટ, ઘી, ગોળ, એલચી, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ, જાયફળ અને એલચીની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘણી હાઈ છે. ખસખસ અને એલચી ડાઇજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે છે. ઇન્સૉમ્નિયાના દરદી ચૂરમાના લાડવા ખાય તો ઊંઘ સારી આવે છે. સ્ટીમ કરીને બનાવેલા મોદકમાંથી આયર્ન, કૉપર, મૅગ્નેશિયમ મળી રહે છે. બન્ને મીઠાઈઓમાં કૅલ્શિયમની માત્રા વધુ હોવાથી ગ્રોઇંગ ચાઇલ્ડને ખાસ ખવડાવવા જોઈએ
- ઈશિતા શાહ, ડાયટિશ્યન

indian food Gujarati food Varsha Chitaliya columnists