મિશન કિલ ચાઇના: ભૂલવું નહીં કે માત્ર વિરોધ નહીં સક્ષમતા પણ જોઇશે

05 June, 2020 10:13 PM IST  |  Mumbai | Manoj Joshi

મિશન કિલ ચાઇના: ભૂલવું નહીં કે માત્ર વિરોધ નહીં સક્ષમતા પણ જોઇશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મેટ્રોપૉલિટન રિજનમાં અવરજવરની છૂટ
એક જિલ્લામાંથી બીજામાં જવા માટે હવે પરવાનગી નહીં લેવી પડે, પ્રાઇવેટ ઑફિસો શરૂ કરવા માટે જરૂરી પગલું

દસેક દિવસ પહેલાં એવા મેસેજ આવ્યા કરતા કે ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ કરો, ચાઇનીઝ પ્રોડક્ટ વાપરવાનું બંધ કરો. એ મેસેજનો મારો ચાલુ હતો એની વચ્ચે બે-ચાર દિવસથી એવા મેસેજ આવવાનું શરૂ થયયું કે ચાઇનીઝ મોબાઇલ-ઍપનો ઉપયોગ કરવાનું ટાળો. નામ પણ આપવામાં આવે છે એ ઍપનાં. નામ તમારે પણ એક વખત જોવાં જોઈએ. ટિકટૉક તો સૌકોઈને ખબર જ છે, પણ તમને એ પણ ખબર હશે કે યંગસ્ટર્સ અને ટીનેજર્સમાં પૉપ્યુલર થયેલી પબજી ગેમ પણ ચાઇનાની છે. આ ઉપરાંત હેલો, લાઇક, શૅર ઇટ, શૅર ચૅટ, એક્સ-ઝેન્ડર, વિગો, યુસી બ્રાઉઝર, વિગો વીડિયો, બ્યુટી પ્લસ, ઍપ-લૉક, બૅટરી સેવર, કૅમ સ્કૅનર, ક્લબ ફૅક્ટરી અને એવી બધી ઍપ્લિકેશન ચાઇનાની છે. જરા વિચાર તો કરો તમે, આ બધી ઍપ કેવી પૉપ્યુલર થઈ ગઈ. કેવી રીતે આપણા સૌના મોબાઇલમાં આવી ગઈ અને કેવી રીતે એ ઍપ આપણા જીવનનો ભાગ બની ગઈ. આ મોબાઇલ-ઍપમાં ક્યાંય ચાઇનીઝ ગવર્નમેન્ટનો ફાળો નથી. ફૅક્ટરી કે પ્રોડક્શનની વાત આવે અને આપણે દલીલ કરીએ કે સરકાર એ કંપનીઓને મદદ કરે છે તો સમજી શકાય, પણ આ ઍપ્લિકેશનમાં તો એવું કશું નથી. ચાઇનીઝ દિમાગે એ ઍપ્લિકેશન બનાવી અને એ ઍપ્લિકેશનનું માર્કેટિંગ કરીને એને ઘર-ઘર સુધી પહોંચાડી.
કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જુઓ, તમારી જાતને એક વાર અરીસામાં જુઓ. તમે આ પણ નહોતા કરી શક્યા અને આજે આપણે જ સૌકોઈ એ કહેવા પર આવી ગયા છીએ કે ચાઇનીઝ પ્રોડક્ટને જાકારો આપો. ક્ષમતા નથી, એવું નથી આપણામાં કે આપણે એ ઍપ્સની સામે ઊભા ન રહી શકીએ એવું પણ નથી. આપણી બૌદ્ધિકતાની સરખામણી વિશ્વના શ્રેષ્ઠ દિમાગ સાથે થઈ રહી છે એ પણ એટલું જ સાચું છે અને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જો કોઈ હોય તો એ સુંદર પીચાઈ છે. ગૂગલ જેવી કંપની ભારતીય મૂળના સુંદરને હેડ બનાવે એ જ દેખાડે છે કે આપણે આ ક્ષેત્રમાં પણ સર્વોત્તમ કામ કરી શકીએ છીએ, ઉત્કૃષ્ટતા દેખાડી શકીએ છીએ, પણ એવું કરવા રાજી નથી અને એટલે આપણે તૈયાર ભાણે જમવા બેસી જઈએ છીએ. નાનામાં નાની ઍપ પણ જો બહારથી મળતી હોય તો એનો આધાર લઈ લેવામાં સંકોચ નથી થઈ રહ્યો. ચાઇના જ નહીં, જૅપનીઝ પણ એવા જ છે. તેઓ બનાવીને તમને આપવામાં માને છે અને આપણી માનસિકતા એ લેવામાં જ વ્યસ્ત રહી છે. ચાઇનીઝ પ્રોડક્ટને જાકારો આપવાનો છે, પણ એ પ્રોડક્ટની સક્ષમ ઊભી રહી શકે એવી પ્રોડક્ટ આપણે ડેવલપ કરવાની છે. વિરોધની ના નથી, પણ ફક્ત વિરોધ કરવાની વાત હોય તો એને માટે તો ચોક્કસ ના છે અને છે જ. વિરોધ ત્યારે જ યોગ્ય કહેવાય જ્યારે તમે એનો ઑપ્શન પણ સામે લાવીને ઊભો કરી દો. આપણે નારેબાજી કરવા પહોંચી જઈએ છીએ, પણ એ નારેબાજીના સૂર વચ્ચે એ ભૂલી જઈએ છીએ કે હેતુ પૂરો કરવા માટે માગણી કેવી મૂકવાની છે. વર્ષો સુધી યુનિયનબાજીમાં આ જ થયું. માત્ર ચાઇનીઝ પ્રોડક્ટ કે ઍપ્સ પૂરતી આ વાત લાગુ નથી પડતી. કૉન્ગ્રેસ પણ જે વિરોધ કરી રહી છે એ વિરોધમાં પણ સૂર શું છે એ ઓળખવા માટે તમારે સાચે જ શેૉરલૉક હોમ્સને અપૉઇન્ટ કરવો પડે.
માત્ર વિરોધની માનસિકતા છોડી દો અને વિરોધની સાથોસાથ એ દિશામાં પગ પણ માંડવાનું શરૂ કરી દો જે દિશાએથી તમે લોકોને પાછા વાળી રહ્યા છો. છે ક્ષમતા તમારામાં અને સુંદર પીચાઈ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એક વાત યાદ રાખજો કે ના પાડવા માટે માત્ર કારણ નહીં, ઑપ્શન પણ આપવું અનિવાર્ય છે અને અહીં તો ઑપ્શન સક્ષમતાથી જ આવવાનું છે.

manoj joshi columnists china