આજના અર્વાચીન રાસ-ગરબાને જન્મ આપવાનું કામ મિશ્ર રાસે કર્યું

21 April, 2024 01:47 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

છોકરા-છોકરીઓ સાથે રાસ રમે એ વાત શહેરી વિસ્તારોમાં જલદી સ્વીકારી લેવામાં આવી અને એને લીધે મિશ્ર રાસનું ચલણ વધ્યું જે ધીમે-ધીમે આજના દાંડિયાના રૂપ સુધી પહોંચ્યું

ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે જે રાસ રમતા એ જ રાસને નવા રૂપમાં લાવીને મિશ્ર રાસ તરીકે સૌની સામે મૂકવામાં આવ્યો.

રાસ-ગરબા ઓરિજિનલી ખેતી સમયની પ્રવૃત્તિ ગણાતી અને સાથોસાથ આનંદ માટે પણ એ રમવામાં આવતા. પહેલાંના સમયમાં મનોરંજન માટે કશું હતું નહીં અને મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હતા. આખો દિવસ ખેતી માટે ગામની બહાર રહેતા હોય એટલે ત્યાં રહેલા લોકો મનોરંજન માટે આ માધ્યમનો ઉપયોગ કરતા તો ગામમાં રહેતા લોકો માટે ભવાઈ અને નવરાત્રિ દરમ્યાન રાસ-ગરબા રહેતા. જોકે સમય જતાં આ રાસ-ગરબા ખેડૂતોના જીવનમાંથી દૂર થઈ ગયા અને એનો વ્યાપ વધતાં ધીમે-ધીમે એ શહેરોમાં અને પછી દુનિયાભરમાં પ્રસરી ગયા. શહેરમાં આવ્યા પછી આ રાસ-ગરબામાં ઘણો ચેન્જ આવ્યો, મ્યુઝિકમાં પણ બદલાવ આવ્યો અને યાદવોના સમયથી શરૂ થયેલા રાસ-ગરબાએ આજનું રૂપ લીધું. જોકે આજનું આ રૂપ આવ્યું એ પહેલાં મિશ્ર રાસ આવ્યો જેણે આજના રાસ-ગરબાને નવા રૂપમાં લાવવાનું ઘણું મહત્ત્વનું કામ કર્યું.

વાત કરીએ આ મિશ્ર રાસની. મિશ્ર રાસ નામમાં જ કહેવાયું છે એવી રીતે એમાં છોકરા-છોકરીઓ બન્ને રાસ કરે છે. જોકે શરૂઆતનાં વર્ષોમાં એવું નહોતું. શરૂઆતનાં વર્ષોમાં તો છોકરી બનવાનું કામ પણ છોકરાઓના ભાગે જ આવતું અને એ માટે છોકરાઓ ખાસ ટ્રેઇનિંગ પણ લેતા. છોકરીઓ જેવી જ બૉડી-લૅન્ગ્વેજ સાથે રાસ કરવાનું કામ સરળ નથી. એની લચકમાં મર્યાદા દેખાવી જોઈએ, ચહેરાના હાવભાવમાં પણ લાજ અને શરમ ઝળકતી હોવી જોઈએ. આજે આપણે ત્યાં નવરાત્રિની કૉમ્પિટિશન હોય છે ત્યારે છોકરીઓ બધું ભૂલીને છોકરાઓ જેવાં સ્ટેપ્સ કરે છે જે ખરેખર સારાં નથી લાગતાં. રાસ-ગરબામાં છોકરીઓએ પોતાની મર્યાદાઓને જાળવવી જોઈએ અને મોટા ભાગના જજ તેમની પાસેથી એ જ અપેક્ષા રાખતા હોય છે, પણ છોકરીઓ હવામાં છલાંગ લગાવવાથી માંડીને આક્રમકતા સાથે ફાસ્ટ સ્ટેપ્સ કરે છે. અમે તો કહેતા જ હોઈએ છીએ કે છોકરાઓ છોકરી જેવાં સ્ટેપ્સ કરે તો જો એ ન સારાં લાગે તો તમે આવાં સ્ટેપ્સ કરો એ તમારા હાવભાવને કેવી રીતે સૂટ થાય?

મિશ્ર રાસ તરીકે વધારે પૉપ્યુલર થયેલા આ રાસનો જન્મ પણ યાદવકાળ દરમ્યાન જ થયો હોવાની વાતો થતી હોય છે, જેમાં કૃષ્ણ અને ગોપીઓ આ રાસ રમતાં. એ સમયે આ રાસ ગોપ રાસ તરીકે પૉપ્યુલર હતો, પણ પછી એ રાસ રમાતો બંધ થયો અને ધીમે-ધીમે એ નવા રૂપમાં ફરી બહાર આવવાનો શરૂ થયો ત્યારે એનું નામ મિશ્ર રાસ બન્યું. મિશ્ર રાસ સૌથી વધુ જો ધ્યાનમાં આવ્યો હોય તો એ ૧૯૬૧ના પ્રજાસત્તાક દિવસે.

એ સમયે ભાવનગર યુનિવર્સિટીને દિલ્હીમાં રાસના પ્રદર્શન માટે આમંત્રણ આપવામાં આવ્યું અને યુનિવર્સિટીનાં છોકરા-છોકરીઓ દ્વારા મિશ્ર રાસ રજૂ કરવામાં આવ્યો. રાસને બહુ પ્રશંસા મળી અને એ રાતોરાત લોકપ્રિય થઈ ગયો. એની લોકપ્રિયતાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ કે એમાં છોકરા-છોકરીઓ સાથે રાસ રમી શકતાં હતાં. આ રાસને શહેરી લોકોએ પકડી લીધો અને પછી તો નાના-મોટા દરેક ગામ-શહેરમાં એ રાસનું પ્રદર્શન થવા માંડ્યું. એ પહેલાંના સમયમાં રાસ બે પ્રકારમાં વહેંચાઈ ગયા હતા. એક એવો રાસ હતો જે માત્ર પુરુષો જ કરે અને બીજો એવો રાસ હતો જે માત્ર છોકરીઓ જ કરે. નવરા​ત્રિમાં એવું બનતું નહીં કે છોકરા-છોકરીઓ સાથે રાસ કરે, પણ પછી ધીમે-ધીમે નવરાત્રિમાં આ મિશ્ર રાસ દાખલ થયો અને એ પછી તો મિશ્ર રાસના આધારે જ આજના અર્વાચીન દાંડિયાનો જન્મ થયો. હા, એટલું કહેવું રહ્યું કે મિશ્ર રાસની પોતાની એક ચોક્કસ રીત હતી, પદ્ધતિ હતી, કોરિયોગ્રાફી હતી જે અર્વાચીન દાંડિયામાંથી દૂર થઈ.

ઇતિહાસમાંથી ફરી ઉપર આવેલા મિશ્ર રાસની મૂળભૂત કોરિયોગ્રાફીમાં સાતત્ય છે તો એ રજૂ કરવામાં વધુ સુગમતા ધરાવે છે. મૂળ મિશ્ર રાસ દોહા સાથે ખૂલે અને ત્યાર બાદ રાસ ગીત અને છંદ સાથે સમાપ્ત થાય. તમે જુઓ, અત્યારે મોટા ભાગનાં ફિલ્મી રાસ-ગીતો છે એમાં પણ એ જ વાતને પકડી રાખવામાં આવી છે. ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં ઐશ્વર્યા રાયની એન્ટ્રી સમયે બૅકગ્રાઉન્ડમાં જે હસ્તી તેરી વિશાલ... સૉન્ગ વાગે છે એ મિશ્ર રાસના જ ગીતનું મૉડર્ન વર્ઝન છે.

મિશ્ર રાસ કોઈ ચોક્કસ સમુદાય સાથે જોડાયેલો ન હોવાથી એની કોરિયોગ્રાફીમાં પણ કોઈ બંધન હતું નહીં એટલે એનો અમલ કરવો બધા માટે સહજ હતું. કૉસ્ચ્યુમ્સની બાબતમાં પણ એવું જ હતું કે છોકરા અને છોકરીનાં કપડાં ટ્રેડિશનલ હોય, પણ એમાં કોઈ ચોક્કસ નિયમો કે બંધનો નહોતાં. છોકરી ચણિયા સાથે બૅકલેસ ચોલી પણ પહેરી શકે અને છોકરો કેડિયું અને ચોયણી પહેરેલો હોય પણ માથા પર તેણે પાઘડી ન પણ પહેરી હોય. મિશ્ર રાસ પૉપ્યુલર થવાનાં કેટલાંક કારણોમાંનું મુખ્ય કારણ એ કે એમાં ભગવાન કે માતાજીની આરાધના કરતાં આનંદને વધારે મહત્ત્વ આપવામાં આવ્યો હતો, કારણ કે આ રાસ બીજું કોઈ નહીં પણ ખુદ ભગવાન કૃષ્ણ જ રમતા હતા અને તેઓ આનંદ માટે રમતા હતા. આજે પણ ગુજરાતનાં કેટલાંક રાસ મંડળો છે જેઓ પરંપરાગત રીતે મિશ્ર રાસ રજૂ કરે છે, પરંતુ હવે એમાં પણ ફિલ્મી ગીતો અને ફિલ્મી કોરિયોગ્રાફી તો દાખલ થઈ જ ગયાં છે એ સ્વીકારવું રહ્યું.

મિશ્ર રાસ જ એ રાસ છે જેણે આજના રાસ-ગરબાને નવું રૂપ આપ્યું છે.

columnists gujarati mid-day