વેણીનાં ફૂલ (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૨)

19 October, 2021 04:29 PM IST  |  Mumbai | Samit (Purvesh) Shroff

ગામમાં અમરનાથનો મોભો પણ વર્તાયો. સરપંચ માલવભાઈ ખુદ તેમને મળવા આવ્યા હતા.‘ગામને હજી વધુ સુવિધાજનક બનાવવાનું છે. પ્રાથમિક શાળા તો અમરનાથભાઈ બંધાવી જ રહ્યા છે, વરસાદના પાણીના નિકાલની સમસ્યા પણ ઘણા અંશે હલ થઈ છે.’

ઉદિતકાકાએ કહેતાં જાણે નવા જ ડૅડી આંચલ સમક્ષ ઊઘડ્યા.

‘મારી વેણીમાં બે બે છે ફૂલ...’

 મીઠું ગણગણતી આંચલ સુખને વાગોળી રહી...

હનીમૂન પછી ગામમાં વિતાવેલા ત્રણ દિવસ સંભારણાં બની રહ્યા.

ગામમાં અમરનાથનો મોભો પણ વર્તાયો. સરપંચ માલવભાઈ ખુદ તેમને મળવા આવ્યા હતા.

‘ગામને હજી વધુ સુવિધાજનક બનાવવાનું છે. પ્રાથમિક શાળા તો અમરનાથભાઈ બંધાવી જ રહ્યા છે, વરસાદના પાણીના નિકાલની સમસ્યા પણ ઘણા અંશે હલ થઈ છે.’

ગ્રામજનોની વાતોમાંથી આંચલે જાણ્યું કે નીચાણમાં આવેલા ગામની એકમાત્ર સમસ્યા છે પૂરની! ચોમાસામાં નદી ગાંડીતૂર બને, દરિયામાં ભરતી હોય ત્યારે આખું ગામ બેટમાં ફેરવાઈ જાય!

‘બે-ચાર વર્ષે એક પૂરપ્રલય તો નક્કી જ હોય અને અમે તો એના હેવાયા. દસેક વર્ષ અગાઉ તારા ડૅડીએ આપણા બધાનાં ઘર એટલાં ઊંચાં કરાવી લીધાં કે આપણા ઘરમાં પૂરનું પાણી ન આવે. અરે તેમણે તો ગામના જુવાનિયાઓને પૂરની ઇમર્જન્સીને કઈ રીતે હૅન્ડલ કરવી એ વિશેની ટ્રેઇનિંગ અપાવી, જરૂરી સાધનો પણ વસાવી આપ્યાં છે...’

ઉદિતકાકાએ કહેતાં જાણે નવા જ ડૅડી આંચલ સમક્ષ ઊઘડ્યા.

‘મારા માટે તમે વંદનીય બની ગયા, ડૅડી.’ તેણે કહેલું, આશ્રિતને એનો આનંદ જ હોય.

મુંબઈ પાછું આવી ધીરે-ધીરે નવદંપતી ઘરેડમાં પરોવાયું,

બોરીવલીમા જ  આવેલી ઑફિસ જવા આશ્રિત વહેલો નીકળી જાય, તેની સાથે જ અમરનાથ પણ જૉગિંગ અર્થે નીકળે. કલાકનો રાઉન્ડ લઈ તેઓ પાછા આવે ત્યાં સુધીમાં આંચલ નાહીધોઈ પૂજાપાઠમાંથી પરવારી ગઈ હોય. મેઇડ આવી ગઈ હોય, રાંધનારાં સરલામાસીએ રસોડું સંભાળ્યું હોય, તોય અમરનાથ આવે એટલે તેમને પૂછીને, તેમની પસંદનો બ્રેકફાસ્ટ આંચલ જ બનાવે.

અને અમરનાથને નાસ્તામાં વરાઇટી જોઈએ. ઓછા તેલનું, ઓછું સ્પાઇસી છતાં વૈવિધ્યસભર અને સ્વાદિષ્ટ. પાછા એકલા ખાય નહીં, આંચલે પણ જોડે બેસવું પડે. અરે, મેઇડને-સરલાબહેનને પણ તેઓ નાસ્તાનો આગ્રહ કરે. તેમની ફૅમિલીના ખબરઅંતર પણ પૂછે. બોલવામાં છૂટા એટલે થોડી કટકટ પણ કરી લે. પછી હસે પણ ખરા - ‘વહુને કે તમને સાસુની ખોટ ન લાગવી જોઈએને!’

ખરેખર તો  પ્રસંગોપાત્ત ધીરગંભીર થઈ જતા અમરનાથે વધતી ઉંમરને પોતાના પર હાવી થવા દીધી નહોતી. સમજુ એવા કે રાતના મીઠા ઉજાગરાને કારણે આંચલ બ્રેકફાસ્ટના ટેબલ

પર બગાસું ખાતી હોય તો અમરનાથ તેને વતાવે નહીં, બલકે બૅન્કનું કે એવું કશું કામ

ઊપજાવી આંચલને તેની ઑફિસ સુધી ડ્રૉપ કરી જાય.

મૅરેજ પછી આંચલે બોરીવલીની બ્રાન્ચમાં ટ્રાન્સફર લઈ લીધેલી. ઉર્વશી મૅડમે અતિકુશળ કર્મચારીને ટાઇમિંગ્સ પણ સેટ કરી આપેલા એટલે સવારે અગિયારથી સાંજે છની નોકરી બધી રીતે અનુકૂળ થઈ પડતી.

દીકરાવહુ કામે ગયાં હોય એ દરમ્યાન અમરનાથ ઘરે આરામ કરવાને બદલે શૅરબજારના બ્રોકરમિત્રની ઑફિસે જઈ બેસે, ક્યારેક ટૂર ઑપરેટર ફ્રેન્ડ સાથે ગપાટા મારે. તેમના કૉન્ટૅક્ટ્સ વિશાળ. બધાને લાઇવ કંપનીનો આનંદ મળે એટલે વખત વીતતાં વાર ન લાગે.

ત્રણેય લગભગ એક સમયે જ ઘરે રિટર્ન થાય. થોડી વારમાં મેઇડ અને સરલામાસી પણ આવી

પોતપોતાનું કામ સંભાળી લે. ફ્રેશ થઈ આંચલ તેમની સાથે જોતરાય અને બહાર પિતા-પુત્રની ગોષ્ઠિ ચાલે. બજારની કે ઇન્વેસ્ટમેન્ટની વાતોમાં આંચલને બહુ રસ નહીં. એટલું સમજાય કે ડૅડીના સંપર્કો અને સૂઝને કારણે આશ્રિતને કારકિર્દીની, રોકાણની બેસ્ટ ટિપ મળી રહે છે. આંચલના પગારનું મૅનેજમેન્ટ આશ્રિત સંભાળતો, ઘરની આર્થિક બાબતોમાં આંચલ માથું મારતી નહીં.

આશ્રિત કમાતો થયો ત્યારનો અમરનાથે ધારો પાડેલો, ‘હવે ઘર તારે ચલાવવાનું! દીકરાને આ

રીતે તેમણે ઘડ્યો હતો. પોતે ધરખમપણે સંપન્ન હોવા છતાં પહેલી તારીખે બેધડક પોતાના

પૉકેટમની માગી લે. તેમની ડિમાન્ડ હંમેશાં વધતી હોય ને આ મામલે બાપ-દીકરાની કચકચ જોઈને શરૂઆતમાં તો આંચલ ડઘાતી.

‘તારો વર એક નંબરનો કંજૂસ છે’ અમરનાથ મોં મચકોડતા ને હતપ્રભ થતી આંચલને જોઈ બન્ને હસી

પડતા. આશ્રિત પછીથી ફોડ પાડતો, ‘ડૅડીની શિક્ષા એવી કે જે ઘરનો હિસાબ રાખતું હોય તેને પોતાની સાથે ઘરના બીજા મેમ્બર્સના

ખર્ચ પર કાબૂ રાખતાં પણ આવડવું જોઈએ એટલે મારી સાથે રકઝક કરી મને તંગ કરવાનું તેમને ગમે છે.’

ડિનર-ટાઇમે અલકમલકની વાતો થાય, ગામ ફોન જોડી ક્યારેક આંચલ કાકીઓ અને ભાભીઓ જોડે હાયહેલો કરી લે. સંસારના વહેવારની સૂઝ આપોઆપ કેળવાતી ગયેલી. આંચલ રસોડું આટોપે, મેઇડ સરલામાસી બધું સમેટીને નીકળે એટલે અમરનાથ પણ તેમના મિત્રોને મળવા ક્લબ પર પહોંચે. આશ્રિત-આંચલ લૉન્ગ ડ્રાઇવ માણી પાછા આવે ત્યાં સુધી અમરનાથ આવ્યા ન હોય.

‘આમાં આપણને એકાંત આપવાની સૂઝ તો છે જ, હકીકત એ પણ ખરી કે માની વિદાય પછી ડૅડી તેમની રૂમમાં બહુ ઓછું રહે છે.’

એકદમ લાઇવલી જીવતા આદમીના અંતરનો ખાલીપો આવું જાણો તો જ મહેસૂસ થાય!

‘ઓનેસ્ટલી, માની વિદાયના ૬ મહિના બાદ મેં તેમને ફરી પરણવાનું પણ કહેલું. આ ઉંમરે

રસવૃત્તિ ખતમ ઓછી થઈ ગઈ હોય, ખાસ કરીને ડૅડી જેવી લાઇવ વ્યક્તિ માટે, પણ ડૅડી ઇનકાર ફરમાવતા, ‘વસુધાનો હક ક્યારેય હું કોઈને આપી શકું નહીં!’

સાચે જ ડૅડી મિસાલરૂપ છે. ક્યારેક આશ્રિત સાથે ડૅડી પણ મારા પિયર આવે ત્યારે લાગે નહીં કે વેવાઈ આવ્યા છે!

‘તારું સુખ તારા વદનમાં પડઘાય છે, દીકરી.’ મા ઓવારણાં લેતી, ‘સાસુ વિનાના ઘરમાં તું પિતા-પુત્રની કડીરૂપ બની ગઈ છે એનો આનંદ.’

વીતતા સમયમાં એ સાંકળ વધુ ને વધુ મજબૂત થતી ગઈ. ડ્યુટીને કારણે આશ્રિતે અવારનવાર

બહારગામ જવાનું થાય ત્યારે તો અમરનાથ આંચલનો વિશેષ ખ્યાલ રાખે.

-જુઓને આ વીકમાં પણ આશ્રિત બહાર છે, આજે રવિની રજાના દિવસે ડૅડી સિનિયર સિટિઝનની મીટિંગમાં ગયા છે અને ઘરે એકલી હું હિંડોળે ઝૂલતી એટલું જ ગણગણું છું -

મારી વેણીમાં બે બે છે ફૂલ...

આંચલના ચહેરા પર સુખની સાર્થકતા પ્રસરી ગઈ.

lll

‘લચ્છુરામનાં સમોસાં લાવ્યો છું, કાચાં છે, તું તળી દે એટલે જમવા

બેસી જઈએ...’

સિનિયર સિટિઝનની મીટિંગમાંથી પરવારી બપોરે સાડાબારે ઘરે આવેલા અમરનાથે આંચલને પડીકું થમાવ્યું.

‘એ તો ઠીક ડૅડી, પણ તમે આખા ભીંજાઈ કેમ ગયા?’

‘જ્યાં સમોસાં લેવા ઊતર્યો ત્યાં વરસાદનું જોરદાર ઝાપટું આવી ગયું...’ કહેતાં તે રૂમ તરફ આગળ વધી ગયા – ‘ડોન્ટ વરી,  હું શાવર લઈ લઉં છું.’

બાથરૂમમાં જઈ કફનીના ગજવામાંથી મોબાઇલ કાઢી તેમણે બેસિનના ડેસ્ક પર મૂક્યા. વસ્ત્રો ઉતારી પળભર પોતાના પ્રતિબિંબને મિરરમાં તાકી રહ્યા. માથામાં થોડા ગ્રે હેર છે, બાકી ચુસ્ત બદનમાં ચરબીનો ક્યાંય ભરાવો નહીં. ચોસઠની વય છતાં પિસ્તાલીસથી વધુ કોઈ ધારી ન શકે. આશ્રિતના વેવિશાળ અગાઉ, પૅરિસની મૅરથૉનમાં દોડવા ગયેલા ત્યારે રૂસથી આવેલી મારાથી ્રડધી ઉંમરની નાતાલિયાએ કહેલું, ‘યુ આર વેરી હૉટ, મિસ્ટર અમરનાથ!’

તે તો હોટેલમાં રાત માણવા પણ તૈયાર હતી, પરંતુ વસુધા સિવાય કોઈ પણ સ્ત્રી જોડે ફિઝિકલ

થવામાં પોતાને ક્યારેય ઇચ્છા ન થઈ, વસુધા સાથેનું સ્નેહજીવન એટલું સંતુષ્ટિભર્યું હતું, ખરું પૂછો તો પોતે જાતને એટલી વ્યસ્ત રાખતા કે આડાઅવળા વિચારો પ્રવેશે નહીં.

- અને તેમનો મોબાઇલ ઝબૂક્યો.

વૉટ્સઍપ આવ્યું ત્યારના વર્ષોથી અમરનાથના ક્લોઝ ગણાય એવા સરખી વયના છએક મિત્રોનું વૉટ્સઍપ-ગ્રુપ હતું. એમાં નૉનવેજ જોક્સથી માંડી ઍડલ્ટરી કમેન્ટ પોસ્ટ કરવાનું ચલણ અમરનાથે જ શરૂ કરેલું. વસુધાની વિદાય બાદ ગ્રુપમાં પોતે પહેલા અને એકમાત્ર વિધુર બન્યા પછી એ તો આવુંબધું ગ્રુપમાં ફીડ કરતા નહીં. એમ બાકીના મિત્રોને પોસ્ટ ન મૂકવા પણ કેમ કહેવું એટલે બહુધા અમરનાથ આવી પોસ્ટ ઇગ્નોર કરતા. એમ કોઈક વાર પોસ્ટ જોઈ મન કામુક થઈ જાય તો એને પરાણે વાળવામાં પણ અમરનાથ માનતા નહીં. કુંવારી અવસ્થામાં કામનો ફૂંફાડો ઠારવા જુવાનિયાઓમાં હોય એવી ટેવની અજમાઈશથી વૃત્તિ વકરતી અટકે તો એમાં ખોટું શું?

દીકરાને  પરણાવ્યા પછી આમાં પણ અંતર પડતું ગયું. શ્વશૂર તરીકે પોતાની મર્યાદાનું તેમને ભાન હતું. રૂમની બહાર કફની અને પાયજામો ને શર્ટ-પૅન્ટનો ફુલ પોશાક જ પહેરવાનો. આશ્રિતને બેડરૂમ સુધી જવાનું પણ ટાળતા. દીકરા-વહુના સુખમાં પોતે સુખી હતા, એની સામે બીજું સર્વ કંઈ નેપ્થ્યમાં હતું.

જોકે અત્યારે શાવર લેતાં મોબાઇલમાં મેસેજ-બેલ્સ ઉપરાઉપરી વાગ્યા એટલે શાવર બંધ કરી તેમણે મોબાઇલ જોયો. ઓહો, અમારા ગ્રુપમાં જોષીની પોસ્ટ સામે બાકીનાએ બહુ રંગીન કમેન્ટ્સ કરી છેને! જોઉં તો ખરો, જોષીએ એવું તે શું મોકલ્યું છે?

અને જોષીએ મૂકેલી પોસ્ટ ડાઉનલોડ થઈ સ્ક્રીન પર ઝળકતાં જ અમરનાથ હાંફી ગયા!

lll

‘ડૅડી, શાવર લેવામાં આજે ઘણો સમય લાગ્યો!’ લંચ સર્વ કરતી આંચલે કન્સર્ન જતાવી, ‘બે વાર હું સાદ પાડી ગઈ, તોય હોકારો ન મળ્યો એટલે ઇન્ટરકૉમ કરવો પડ્યો.’

વહુને કેમ કહેવું કે તારા ફોને મારે ‘કામ’નું અંગત કામ પત્યા પહેલાં સમેટી લેવું પડ્યું! આશ્રિત હોત તો વિના કહ્યે સમજી જાત, આમ વહુને ફોન ન કરવા દેત!

‘આશ્રિત પરમ દિવસે આવવાનોને, બેટા?’ તેમણે વિષયાંતર કર્યું.

‘જી, ડૅડી. મંગળની બપોરની તેમની બૅન્ગલોરથી ફ્લાઇટ છે એટલે સાંજે ૬ વાગ્યે મુંબઈ ઊતરશે.’ કહી આંચલે સાદ નાખ્યો, ‘સરલામાસી, ફુલકાં લાવજો.’

lll

જમી-પરવારી, વહુ સરલાબહેન સાથે થોડું ગપાટી અમરનાથ વામકુક્ષિ માટે રૂમમાં આવ્યા, પલંગ પર પડ્યા કે અધૂરી રહેલી કામપૂર્તિ કણસવા માંડી.

પણ હાય રે. અત્યારેય વિક્ષેપ આવ્યો. આ વખતે બિલ્ડિંગના સેક્રેટરીએ ફોન રણકાવ્યો : ‘મહેતાશેઠ, ચોથે માળના બદરીનાથને હાર્ટઅટૅક આવ્યો. ઍમ્બ્યુલન્સ બોલાવી છે, તમે જોડે રહેશો તો વગ વર્તાશે.’

શું સમાજ કે સોસાયટી, પોતાનાથી શક્ય મદદ કરવા અમરનાથ હંમેશાં તત્પર રહેતા, એમ એનો ઢોલ કદી બજાવતા નહીં.

અત્યારે પણ મોં કે મન બગાડ્યા વિના વહુને કહી ફટાફટ નીચે પહોંચ્યા. બદરીનાથને હૉસ્પિટલ પહોંચાડી,  એ સ્ટેબલ થયા પછી નીકળતાં મોડી સાંજ થઈ ગઈ એમાં વરસાદ ધુઆંધાર હતો.

‘તમે આજે બીજી વાર ભીંજાયા, ડૅડી.’ ઘરે પહોંચતાં જ આંચલે કહ્યું, ‘તમે શાવર લઈ લો. હું તમારા માટે ગરમાગરમ કાઢો બનાવી દઉં.’

‘આઇ નીડેડ. મારું માથું પણ આજે ભારે થયું છે.’

lll

કાઢો પીધા પછી થોડી સ્ફૂર્તિ લાગી.

‘ડૅડી, આજે મેંદુવડાનો પ્રોગ્રામ છે.’

આશ્રિત હોય ત્યારે રવિની સાંજે બહાર ફરવા અને જમવાનું થતું એટલે સરલામાસી અને મેઇડને અડધી વેળની રજા રહેતી. આશ્રિત ન હોય તો ડૅડીને ભાવતું બનાવવામાં વહુને આનંદ આવતો.

‘તમારો મૂડ ન હોય તો તમે કહો એ બનાવી દઉં.’

મૂડ! વહુને કેમ સમજાવવું કે આજે મારો મૂડ ક્યાં કેવા ઉછાળા મારે છે!

‘આજે કંઈ ખાવું નથી, વહુ. હું રૂમમાં જઈને સૂઈ જાઉં છું.’

‘ઠીક છે, ડૅડી, પણ રૂમ લૉક ન કરતા, હું આવીને તમને બામ ઘસી દઉં.’

lll

આહ!

અમરનાથને સારું લાગ્યું. કપાળે બામ ઘસતી વહુના આંગળાંમાં જાદુ છે!

‘બહુ રિલૅક્સ ફીલ થાય છે, વહુ’

‘બસ, હવે બોલો નહીં, ઊંઘી

જાઓ, ડૅડી.’

અમરનાથ આંખો મીંચી ગયા. બીજી જ મિનિટે સવારે જોષીએ મોકલેલી તસવીર ચિત્તમાં ઝબકી. રગરગમાં કામ પ્રસરી ગયો. શ્વાસ દહેકવા લાગ્યો.

‘કંઈ થાય છે, ડૅડી?’

આંચલની પૃચ્છાએ તેમની આંખો ખૂલી ગઈ - ચહેરા પર ઝૂકીને પૂછતી આંચલનું વક્ષસ્થળ સાવ નજર સામે હતું. જોષીવાળી તસવીરમાંની યુવતી કરતાં ક્યાંય કસાવભર્યા સ્તનયુગ્મ -

આંચકો મારીને તેમણે આંચલને ખેંચી, પલંગમાં પછાડી આગોશમાં દબાવી.  એ જ ક્ષણે બહાર વીજળીનો ગગનભેદી ગડગડાટ થયો. એના ચમકવામાં સર્વ કંઈ ભસ્મીભૂત કરી દેવાની શક્તિ પણ હતી!

 

વધુ આવતી કાલે

columnists