લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૪)

06 October, 2022 12:13 PM IST  |  Mumbai | Rashmin Shah

મુંબઈના સંવેદનહીન ચહેરાઓ વચ્ચે એક વ્યક્તિ તમને એવી મળી જેણે તમારી સંવેદનશીલતાને પારખી હતી. ચહેરો જોયા વિના, માત્ર અવાજના આરોહ-અવરોહ થકી.

લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૪)

‘આ રીત નથી, આપણે ખોટા જઈએ છીએ...’ 
અજિતને ગુસ્સો આવતો હતો. ફિલ્મ જોવાનો પ્રોગ્રામ પરાણે પડતો મુકાવીને તમે અજિતને લઈને પરેલ જવા માટે નીકળી ગયા હતા. અજિતની અકળામણનો તમે કોઈ જવાબ આપ્યો નહીં. તમારો જીવ પરેલની ગાંધી હૉસ્પિટલમાં પહોંચી ગયો હતો.
‘ત્યાં પહોચીને આ નંબર પર ફોન કરવાનો છે.’ તમે અજિતને નંબર બતાવ્યો. 
‘તું નહીં કર યાર આવા અખતરા...’ અજિતની અકળામણ અકબંધ હતી, ‘કાલ સવારે કોઈ લફરું થયું તો આપણે ધંધે લાગી જઈશું.’
તમે કોઈ જવાબ આપ્યો નહીં, પણ મનોમન એટલું નક્કી કર્યું કે હવે અજિતને દરેક વાતમાં ઇન્વૉલ્વ કરવો નહીં. 
તમે ગૂગલ મૅપ પર નજર કરી. હજુ અડધા કલાકનું ડિસ્ટન્સ દેખાતું હતું.
‘હું તો થોડી વાર સૂઈ જઉં છું.’ 
પાંચેક મિનિટની ચુપકીદી પછી અજિતે આંખો મીંચી દીધી અને તમારા ખભા પર માથું પણ ઢાળી દીધું. બીજો કોઈ સમય હોત તો તમે અજિતની આ હરકત પર ચોક્કસ અકળાયા હોત, પણ આજની વાત જુદી હતી. તમારા કાનમાં સતત એ અવાજ લહેરાતો હતો જેણે ફોન કરીને ઍક્સિડન્ટની વાત કરી હતી.
ફોન કોણે કર્યો હશે, એશાની દોસ્ત જ હશે, પણ એનું નામ... નામ? 
નામ પૂછવાનું તમને યાદ નહોતું રહ્યું અને તે બિચારી પણ સ્વાભાવિક રીતે ટેન્શનમાં હતી એટલે પોતાનું નામ કહેવાનું ભૂલી ગઈ. ફોન આવ્યા પછી તમે અડધી મિનિટનો પણ સમય બગાડ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. ઘરેથી નીકળતાં પહેલો તમે અજિતને ફોન કરી દીધો હતો કે તે ફિલ્મમાં ન જાય. અજિતે કારણ પૂછ્યું તો તમે બધી વાત રૂબરૂ કરવાનું કહીને ફોન મૂકી દીધો હતો. ઘરમાંથી નીકળતાં પહેલાં તમે, ઘરમાં પડેલા પચાસ હજાર રૂપિયા પણ સાથે લઈ લીધા હતા અને અકાઉન્ટમાં કેટલા પૈસા પડ્યા છે એ પણ તમે બૅન્કની ઍપમાં ચેક કરી લીધું હતું.
નસીબજોગે તમે નીચે ઊતર્યા ત્યાં જ ટૅક્સી આવી ગઈ અને તમે રવાના થઈ ગયા, એક એવી છોકરીની તબિયત જોવા જેને તમે ક્યારેય જોઈ નહોતી. તે તમને ઓળખશે કે કેમ એ પણ તમને ખબર નહોતી અને છતાંય તમે રવાના થઈ ગયા હતા. 
lll

આ પણ વાંચો : લવ યુ, હંમેશાં (પ્રકરણ ૩)

‘એશાને કેમ છે હવે?’ હૉસ્પિટલે પહોંચીને તમે એશાની ફ્રેન્ડને ફોન કર્યો, ‘હું આવી ગયો છું હૉસ્પિટલે...’ 
‘અહીં અત્યારે બહુ બધા છે.’ 
પેલીએ દબાયેલા અવાજે જવાબ આપ્યો. તેણે એશાની હેલ્થ વિશે હજુ તમને કશું કહ્યું નહોતું એ વાત તમે નોટિસ કરી હતી.
એશાની ફ્રેન્ડે પૂછ્યું.
‘તમે અત્યારે ક્યાં છો?’ 
‘હૉસ્પિટલની કૅન્ટીનમાં જ.’ 
‘હંમ...’ પેલીએ તરત કહ્યું, ‘ત્યાં જ રહો, હું ત્યાં જ આવું છું, તમારી પાસે...’ 
અજિત શાંતિથી બેઠો વડા-સાંભાર આરોગતો હતો. તેણે તમને રસ્તામાં કહી દીધું હતું કે તે ભૂખ્યો થયો છે અને પહેલાં જઈને કૅન્ટીનમાં તે નાસ્તો કરશે.
‘શું થયું, બહેન છે કે પછી...?’ 
તમારી ઢીલી ચાલ જોઈને અજિતે અનુમાન બાંધ્યું અને તમને ગુસ્સો આવી ગયો.
‘જરાક તો શુભ બોલ, સાવ આવી રીતે...’ 
તમે ભલે ગુસ્સો કરી લીધો, પણ તમને ખાતરી હતી કે અજિતને એની કોઈ અસર થવાની નથી. તમારી સામે જોયા વિના જ તેણે તો બિન્દાસ બની ચના-પૂરીનો ઑર્ડર આપી દીધો અને ફરી વડા-સાંભાર પૂરાં કરવામાં લાગી ગયો.
તમે એશાની ફ્રેન્ડની રાહ જોતા બેઠા. રાહ જોવાની હોય ત્યારે સમયની ચાલ ધીમી થઈ જતી હોય છે.
‘અજિત, બહુ વાર થઈ કેમ... ફરીથી ફોન કરું?’ 
‘તારી મરજી, કરવો હોય તો કર ને ન કરવો હોય તો કંઈ નહીં.’ અજિતે કોળિયો ઉતારીને સૂચન પણ કર્યું, ‘નીકળી જવું હોય તો અહીંથી તોય મને વાંધો નથી...’
તમે મૂંઝવણમાં જ બેસી રહ્યા. 
શું કરવું હવે? બીજી બે વખત તમે એશાની ફ્રેન્ડને ફોન કરી લીધો, પણ ફોન રિસીવ થયો નહીં એટલે તમારી મૂંઝવણમાં ઉમેરો થયો અને ત્યાં જ અજિતના મોબાઇલ પર ફોન આવ્યો. અજિતે નંબર જોઈને મોઢું બગાડ્યું,
‘પેલી ચિબાવલી જ લાગે છે...’
‘હેલો...’
ફોન રિસીવ કર્યો કે તરત જ સામેથી ખ્યાતિએ કહ્યું,
‘હું આવું છું. સહેજ વાર લાગશે.’ 
તમે ફરી એક વાર પૂછી લીધું.
‘એશાને કેમ છે? મારે તેને મળવું છે...’ 
‘તમે અત્યારે નથી મળી શકવાના, પણ...’ ખ્યાતિ સહેજ અટકી અને પછી તરત જ તેણે કહ્યું, ‘મારી સાથે ડૉક્ટર છે. તમે તેમને જ પૂછી લેજોને...’
- એશાના ડૉક્ટર આવે છે, નક્કી કંઈક સિરિયસ...
તમારું મસ્તક ભારે થઈ ગયું અને બીજી જ ક્ષણે તમને બાલાજી યાદ આવી ગયા.
- હે બાલાજી, એશાને હેમખેમ રાખજે. 
lll
‘તમે?’ 
પહેલાં અજિતના મોબાઇલ પર એક મિસકૉલ અને એ પછી તરત જ ટેબલ પાસે આવી ગયેલી છોકરીને જોઈને તમે ધારણા બાંધી કે આ જ ખ્યાતિ છે.
‘હા, હું ખ્યાતિ...’
તમે ઊભા થઈ ગયા. 
‘હવે કેમ છે એશાને?’ 
જવાબ આપવાને બદલે ખ્યાતિએ ઓળખાણ કરાવી,
‘આ ડૉ. સંધ્યા છે. મૅડમે જ ઍક્સિડન્ટ જોયો. તેમણે જ એશાને હૉસ્પિટલમાં ઍડમિટ કરી.’ 
તમે ડૉ. સંધ્યા સામે અહોભાવથી જોયું.
‘ડૉક્ટર, હાઉ ઇસ શી?’ હજુ પણ તમને સવાલનો જવાબ મળ્યો નહોતો.
‘તમે ક્યારથી ઓળખો તેને?’ 
ફરીથી જવાબ નહીં. ડૉ. સંધ્યા તમારી સામે જોતી હતી. તેના ચહેરા પર પથરાયેલી ગંભીરતા કહેતી હતી કે એશાનો કેસ સિરિયસ છે. 
ખ્યાતિ ફરીથી ચાલી ગઈ હતી. તમે અનુમાન લગાવ્યું કે તે એશાની ફૅમિલી પાસે ગઈ હશે. 
‘પંદરેક દિવસ થયા હશે.’ 
તમે માંડીને વાત કરી. પહેલી સાંજના રૉન્ગ નંબરથી લઈને દોઢ-બે કલાકની વાત સુધી પહોંચેલા છેલ્લા ફોન સુધીની. તમે કહ્યું પણ ખરું કે તમે ક્યારેય એશાને રૂબરૂ નથી મળ્યા અને સ્પષ્ટતા પણ કરી કે રૂબરૂ ભલે ન મળ્યા હો પણ લાગણીમાં કોઈ ઓટ નથી. 
‘તેનો ફોન આવતો ત્યારે લાગતું કે મુંબઈ જીવવા જેવું છે. તે ગમે ત્યારે ફોન કરતી. મને ક્યારેય સમજાયું નથી કે મેં તેને કેમ અટકાવી નહીં. કદાચ, કદાચ એશા મારી આદત બની ગઈ હતી.’ 
‘જિંદગીની દરેક આદત સારી નથી હોતી, મિ. શાહ.’ ડૉ. સંધ્યાએ ધીમે રહીને કહ્યું, ‘તમારી જેમ જ એશાને પણ તમારી આદત પડી ગઈ હતી. તમારી સાથે વાતો કરવા માટે એ રાતના મોડે સુધી જાગતી. તમારી સાથે વાતો કરવા મળે એ માટે તે છેલ્લા કેટલાય દિવસોથી બે શિફ્ટમાં કામ કરતી.’ 
‘એશા, અહીં...’ 
તમને પહેલી વાર ખબર પડી કે એશા આ જ હૉસ્પિટલમાં જૉબ કરતી. 
‘હા, તે અહીં ઇન્ટર્ન હતી... શી વૉઝ મેડિકલ સ્ટુડન્ટ...’ 
- શી વૉઝ...
તમારા કાનને આ ભૂતકાળ ખટક્યો. તમને યાદ આવ્યું કે ડૉ. સંધ્યાએ હજુ સુધી તમને એશાની તબિયતના કોઈ સમાચાર આપ્યા નથી. 
‘ડૉક્ટર, એશાને હવે કેમ છે?’ 
‘આજે પણ તે તમારી સાથે વાત કરતી હતીને?’ 
ડૉક્ટરે જવાબને બદલે પ્રતિપ્રશ્ન કર્યો.
‘હા, અમારી વાત ચાલતી હતી અને અચાનક ફોન કટ થયો.’ 
‘એશાએ મારી ચેમ્બરમાંથી જ કર્યો હતો, પણ ઇમર્જન્સી આવી એટલે ફોન કટ કરી તે તમને ફોન કરવા બહાર આવી અને રસ્તો ક્રૉસ કરવા જતાં...’
ડૉ. સંધ્યાએ દરવાજા તરફ નજર કરી. 
‘ડૉક્ટર, પ્લીઝ ટેલ મી, એશાને 
કેમ છે?’ 
‘એશાના ઘરમાં ખબર છે કે તમે અને એશા એકબીજાને ઓળખતાં?’ 
ડૉ. સંધ્યાએ ફરી વાર તમારી વાત ઉડાડી દીધી હતી. 
‘મને નથી ખબર?’ હવે તમને ડૉક્ટર પર ગુસ્સો આવવા માંડ્યો હતો. એે હેલ્થ રિપોર્ટ આપવાને બદલે બીજી જ ઇન્કવાયરી કરતાં હતાં.
‘ડૉક્ટર, એશા કયાં છે?’ 
તમે હૉસ્પિટલમાં જવાની તૈયારી કરતાં બહારની તરફ પગ ઉપાડ્યા.
‘મૉર્ગમાં...’ ડૉક્ટરના અવાજમાં ભીનાશ હતી, ‘વીસ મિનિટમાં જ તે...’ 
તમારા શરીરમાંથી વીજળીનો કરન્ટ પસાર થઈ ગયો. 
‘તમને ફોન કરવા તે દોડી. મેં મજાક પણ કરી કે તને તેને હેરાન કરવામાં શું મજા આવે છે.’ ડૉક્ટરની આંખો ભીની થઈ ગઈ હતી, ‘એશાએ જવાબ આપ્યો કે અત્યાર હેરાન કરી લઉં, પછી આખી જિંદગી પ્રેમ કરીશ.’ 
તમારું ધ્યાન હવે કોઈ વાતમાં નહોતું. હજુ ત્રણ કલાક પહેલાં તમે તેની સાથે વાત કરી હતી. તે કહેતી હતી કે મારું ટિફિન હજુ કેમ નથી પહોંચ્યું. 
મુંબઈના સંવેદનહીન ચહેરાઓ વચ્ચે એક વ્યક્તિ તમને એવી મળી જેણે તમારી સંવેદનશીલતાને પારખી હતી. ચહેરો જોયા વિના, માત્ર અવાજના આરોહ-અવરોહ થકી. 
તમારા માટે આ આખી ઘટના અવિસ્મરણીય હતી. તમારા રૂટિન અને બીબાઢાળ જીવનને એક નવી વસંત મળી હતી, જેને ઘરે લાવવાની તમારી ઇચ્છા હતી અને એ ઇચ્છાને વાસ્તવિક રૂપ મળે એ પહેલાં આ ઘટના ઘટી. 
એકાએક અને સાવ અચાનક. 
‘ઍક્સિડન્ટ પછી પણ તે તમને મળવા માગતી હતી.’ ડૉક્ટરે તમારા ખભા પર હાથ મૂકયો, ‘ફોન પણ તેણે જ કરાવ્યો, પણ... તેની પાસે સમય નહોતો.’ 
- ના, મેં જ વધુ સમય લીધો. 
તમારે જવાબ આપવો હતો પણ સ્વરપેટીએ સાથ આપ્યો નહીં. તમારે રડવું હતું, પણ આંસુઓ હડતાળ પર ચાલ્યાં ગયાં હતાં. 
‘હું તેને મળી શકું?’ 
તમે ડૉ. સંધ્યા સામે જોયું. તમને ખબર હતી કે એશાની ફૅમિલીને કારણે તમને કૅન્ટીનમાં રોકી રાખવામાં આવ્યા હતા અને છતાંય, તમે એશાને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એશાનું ડેડ બૉડી તમને જિંદગીભર કનેડશે એ સમજવાની તમારી ક્ષમતા નહોતી અને જો કોઈ સમજાવે તો પણ એ સમજણ અત્યારે દૂર રહેવાની હતી.
‘હા, પણ તમે ત્યાંથી જલદી નીકળી જજો.’ 
ડૉક્ટરે પગ ઉપાડ્યા એટલે તમે પણ ચાલતા થયા, યંત્રવતપણે. કૅન્ટીનથી મૉર્ગ પચાસેક મીટર દૂર હતું. તમે ડૉક્ટરની પાછળ ચાલતાં મૉર્ગ સુધી પહોંચ્યા. મૉર્ગની બહાર કેટલાક લોકો બેઠા હતા. તમારું ધ્યાન એ તરફ ખેંચાયું, એ દરેકની આંખો લાલ હતી. એક ખૂણામાં ખ્યાતિ પણ હતી.
‘એશાના ફૅમિલી મેમ્બર્સ છે...’
ડૉક્ટર સંધ્યાને આવતાં જોઈને એક ભાઈ આગળ આવ્યા. 
‘મૅડમ, કંઈક કરોને...’
‘જુઓ, હું ટ્રાય કરું છું, પણ પોસિબલ નથી લાગતું. બૉડી સવાર પહેલાં નહીં મળે.’ 
- એશા હવે એશા નહીં, બૉડી છે તમને ધાર્યું કે તે એશાના પપ્પા હશે. 
lll
કિચૂડ. 
મૉર્ગનો દરવાજો ખૂલ્યો કે તરત ક્લોરોફોર્મની વાસ તમારા નાકમાં દાખલ થઈ.
તમે પહેલી વાર શબઘરમાં આવતા હતા. એક મોટા હૉલની ચારેય દીવાલમાં ડ્રૉઅર હતાં અને હૉલની વચ્ચે ટમટમતા બલ્બનો આછો પ્રકાશ, જે વાતાવરણને વધુ ભયાનક બનાવતો હતો. દરવાજો ખૂલવાનો અવાજ સાંભળીને એક ડ્રૉઅર પાછળથી મૉર્ગ ઇન્ચાર્જ બહાર આવ્યો. ડૉ. સંધ્યા તેની પાસે ઊભાં રહ્યાં. એ પછી તે બન્ને એક ડ્રૉઅર પાસે આવીને ઊભાં રહ્યાં. 
ખટાક...
ઇન્ચાર્જે ડ્રૉઅરનો દરવાજો ખેંચી લીધો. 
‘એશા...’ ડૉ. સંધ્યાનો હાથ સહેજ ધ્રૂજ્યો એ તમે જોયું.
તમે ડ્રૉઅરથી જરા દૂર હતા. સફેદ ચાદરમાં વીંટાયેલી એશાના વાળ સહેજ બહાર હતા, જે આગળથી કર્લી હતા. ડ્રૉઅરની નજીક જવાનું તમારા પગમાં જોર નહોતું.
ઢસડાતા પગે તમે એશાની નજીક આવ્યા. 
એશાની એક આંખ સહેજ ખુલ્લી હતી. કપાળ પર સફેદ પટ્ટી ચોંટાડી હતી, જેના પર નંબર લખ્યો હતો, ૧૩. કદાચ લાશનો નંબર હતો. એશાના હોઠના ડાબા ખૂણેથી નીકળીને હવે થીજી ગયેલા લોહીના કારણે અનુમાન બાંધી શકાતું હતું કે એશા ગૌરવર્ણની હતી.
તમે ધીમે રહીને એશા પર ઝૂક્યા. તમારા હોઠ એના કાન પાસે પહોંચ્યા. 
‘આઇ લવ યુ, એશા’ 
તમે એશાના કાનમાં કહ્યું. 
કર્ણથી શરૂ થયેલી એક લવસ્ટોરીનો અંત કર્ણ પર આવ્યો હતો.

સમાપ્ત

columnists Rashmin Shah