લવ યુ, હંમેશાં (પ્રકરણ ૩)

05 October, 2022 10:39 AM IST  |  Mumbai | Rashmin Shah

‘એમાં શું જરા..’ તમે એશાના ચાળા પાડ્યા હતા, ‘નૅચરલી, લાઇફ આખી ઢસરડા કર્યા પછી હવે તેઓ શાંતિ ઇચ્છેને’

લવ યુ, હંમેશાં (પ્રકરણ ૩)

અપની મર્ઝી સે કહાં અપને સફર કે હમ હૈં, 
સુખ હવા કા જીધર કા હૈ, ઉધર કે હમ હૈં... 
છેલ્લા ૩૬ કલાકમાં તમારી જિંદગી નિદા ફાઝલીની આ ગઝલ જેવી થઈ ગઈ હતી. રૂખ હવાઓં કા જીધર કા હૈ, ઉધર કે હમ હૈં... જેને તમે હજી જોઈ નથી, કોણ છે, શું કરે છે એની તમને ખબર નથી અને તમે, તમે એના પ્રવાહમાં તણાઈ રહ્યા છો. એવું તે શું હતું એ છોકરીમાં કે તમે આમ, વધુ ને વધુ તેની તરફ ખેંચાઈ રહ્યા છો? 
પહલે હર ચીઝ થી અપની, મગર અબ લગતા હૈ,
અપને હી ઘર મેં કિસી દૂસરે ઘર કે હમ હૈં... 
શું આ પ્રેમ કહેવાય?
સાહિત્યકારો કહે છે એમ પહેલી નજરે પરસ્પર જે સંવેદન જાગે એ પ્રેમ, તો તમારી આ લાગણીને શું નામ આપવું? નજર મળ્યા વિના પરસ્પર સંવેદનો જાગે એ પ્રેમ કહેવાય? 
હા કહેવાય, જરૂરી નથી કે દરેક પ્રણયકથા આંખથી શરૂ થાય. કેટલીક લવ-સ્ટોરીને જન્મ આપવાનો જશ કર્ણના ફાળે પણ જાય. 
તમે ધીમે રહીને આંખો બંધ કરી. બે-ચાર ક્ષણો પછી આંખોના ખૂણે એક આકૃતિ ઊપસવા માંડી. આછીસરખી અને ચહેરા વિનાની. 
‘એશા.’ 
તમે પહેલી વખત રૉન્ગ નંબરનું નામ બોલ્યા. તમારા કાનને સંભળાય એમ જરા મોટેથી. તમારા કાનમાં રોમાંચ સમાઈ ગયો, જે કહેતો હતો, ‘એક કર્ણપ્રિય લવ-સ્ટોરીની શરૂઆત થઈ ચૂકી છે.’
lll
‘તું કહે છે કે એક છોકરી છે, જે તને ફોન કરે છે, તારી સાથે વાતો કરે છે અને તું વાતો કરતાં-કરતાં તેના પ્રેમમાં પડી ગયો છે. સચ અ નૉનસેન્સ.’ અજિતે માંડ હસવાનું રોક્યું, ‘તેં બીજા કોઈને આ વાત કહી હોત તો એ તને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ ગયું હોત.’ 
- આ મરાઠી મરઘા સાથે વાત કરવાનો અર્થ નથી. 
તમે નજર ફરી કમ્પ્યુટર સ્ક્રીન પર માંડી, પણ અજિત વાત પડતી મૂકવાનો નહોતો.
‘જો ભાઈ, આ મુંબઈ છે. કોઈની પાસે કોઈને માટે સમય નથી. એ છોકરી પાસે તારે માટે સમય નથી ને તારી પાસે તેને માટે સમય નથી. બન્નેને સમય પસાર કરવો છે એટલે વાતો કરો છો. ધેટ્સ ઑલ...’ 
‘એવું નથી અજિત...’ 
‘એવું જ છે.’ અજિતે તમારી વાત અધવચ્ચે કાપી નાખી, ‘તેં લોકલ ટ્રેનમાં પત્તાં રમતા લોકોને જોયા છેને. તેઓ એકબીજાનું નામ પણ નથી જાણતા. લૉન્ગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ હોય એટલે ટાઇમપાસ કરવા એકબીજાને ઇશારાથી કાર્ડ્સ રમવાનું પૂછી લે. સામેવાળો હા પાડે તો બાજી કાઢવાની અને સ્ટેશન આવે ત્યારે બાજી સંકેલી લેવાની. ફિનિશ. અહીં સમય પસાર કરવા માટે સંબંધ હોવો જરૂરી નથી, સાથી હોવો જરૂરી છે.’ 
તમે અજિતને જોઈ રહ્યા. 
શું તેની વાત સાચી હતી? એશાને તમારી સાથે સમય પસાર કરવાનો જ સંબંધ હતો? છેલ્લા દસ દિવસથી તમને એશાના ફોન આવતા. બે-ચાર મિનિટના રૉન્ગ નંબર સાથે શરૂ થયેલી આ રિલેશનશિપ હવે કલાકોની વાતો સુધી પહોંચી હતી અને છતાંયે અજિતને લાગતું હતું કે એ લાગણીના સંબંધો નથી. બન્નેને વાતો કરનારું કોઈ જોઈએ છે ને બન્ને એકબીજાને ભટકાઈ ગયાં છો. 
- ખરેખર એવું જ હશે, આજે એશાનો પૂછી જ લઈશ.
તમે નક્કી કરી લીધું પણ તમને ક્યાં ખબર હતી કે એશાનો ફોન આવશે જ. 
એશાને મનમાં આવતું ત્યારે તે ફોન કરતી. હમણાંથી સવારે ૮થી સાંજે ૭ના ફોન બંધ થઈ ગયા હતા. મોટા ભાગે રાતે ૯ વાગ્યે તેનો ફોન આવતો. બે-ત્રણ વાર તેણે વહેલી સવારે ફોન કરી પકડી પાડ્યું હતું કે તમે ફોનની રાહ જુઓ છો. ફોન કરવાના મુદ્દે આ સંબંધ એકપક્ષીય હતો. તમે એક વાર એશા પાસે નંબર માગ્યો, પણ તેણે ના પાડી દીધી. તેની ના સાંભળ્યા પછી તમે બીજી વાર નંબર માગ્યો નહોતો. વધુ પડતી ઘનિષ્ઠતા એકલતાના આવકારે એવા ડરથી. 
એશાએ પણ તમારી લાઇફ વિશે કશું પૂછ્યું નહોતું. હા, તમે બધી વાત કરી દીધી હતી. તમારું નામ કુશાંગ શાહ, તમે જૈન, દાદા-દાદી પાસે મોટો થયો. કવિતા અને સાહિત્યનો શોખ. કરીઅર માટે રહેલા બે ઑપ્શન, એક પાર્ટ-ટાઇમ કવિ બનવાનો અને બીજો, ફુલ-ટાઇમ રાઇટર બનવાનો. બન્ને દુખી થવાના રસ્તા એટલે તમે વચ્ચેનો રસ્તો શોધ્યો અને કૉપીરાઇટર બન્યા. ભાડલાથી રાજકોટ અને પછી મુંબઈ. તમે એશાને કહ્યું હતું કે મુંબઈ આવ્યાને ૪ વર્ષ થયાં અને દાદી મૅરેજ માટે ઉતાવળ કરે છે.
એશા સાંભળી રહી એટલે તમે પૂછ્યું હતું.
‘શું થયું?’ 
‘દાદીમા મૅરેજનું વિચારે છે એ જાણીને જરા...’ 
‘એમાં શું જરા..’ તમે એશાના ચાળા પાડ્યા હતા, ‘નૅચરલી, લાઇફ આખી ઢસરડા કર્યા પછી હવે તેઓ શાંતિ ઇચ્છેને.’ 
‘હા, પણ એને માટે આ ઉંમરે દાદીમાએ મૅરેજ કરવાં જરૂરી...’ 
ચોખવટ કરવાને બદલે તમે ખડખડાટ હસી પડ્યા હતા. તમારી આંખ સામે એ દૃશ્ય આવી ગયું હતું. દાદી લાલ પાનેતર પહેરીને બેઠાં છે, વરરાજા અને જાનૈયા હૉલમાં પ્રવેશે છે અને તમે બધાની આગતા-સ્વાગતા કરો છો.
એશા પણ ખરી છે... 
તમને અત્યારે ઑફિસમાં પણ હસવું આવી ગયું. 
એશા શું કરે છે એની તમને ખબર નથી. તેણે હજી સુધી તેમને કશું કહ્યું પણ નથી અને કહે તો કોઈ અર્થ સરવાનો નથી. તમારે માટે એક જ વાત મહત્ત્વની હતી, એ કાનસેન છે, ગુજરાતી સુગમ સંગીતની તેને સૂઝ છે એ તમારે માટે બસ છે. એશા બૅચલર છે કે અનમૅરિડ એ જાણવાનો તમે પ્રયાસ પણ નથી કર્યો. 
તમને ખબર હતી કે એશા તમારાથી બિલકુલ અલગ છે. તમે સ્વભાવે શાંત, તે ઊછળતી હરણી જેવી. તમે અનુશાસન અને આચારસંહિતામાં માનો, એશાને શિસ્તબદ્ધતા સાથે કોઈ સંબંધ નહીં. 
એશા તરફ વહેવા માંડેલા આ બહાવનું તમને આશ્ચર્ય નહોતું. તમે વિજ્ઞાન ભણ્યા છો અને તમને યાદ છે કે મૅગ્નેટનો સમાન ધ્રુવ ક્યારેય સમાન ધ્રુવ તરફ આકર્ષણ પામે નહીં. નૉર્થ પૉલ સાઉથ પૉલને ચુંબકીય કિરણોથી આકર્ષે. ઑપોઝિટ અટ્રૅક્શન નવી વાત નથી. આ વિજ્ઞાનનો ગુણધર્મ છે અને સનાતન સત્ય છે. 
વિજ્ઞાનનું આ જ સનાતન સત્ય હવે તમારા જીવનમાં અમલી બન્યું હતું અને અજિત કહેતો કે બન્ને સમય પસાર કરવા ખાતર વાતો કરો છો. બસ, એટલું જ.
- ના, સાયન્સ ક્યારેય ખોટું પુરવાર થાય નહીં, ક્યારેય નહીં. 
ટ્રિન... ટ્રિન... 
એક સમય હતો જ્યારે તમાર ઘરનું રિસીવર દિવસમાં એકાદ વાર માંડ ઊંચકાતું. એ પણ બે-ચાર મિનિટ માટે, હવે એ રિસીવર એક-દોઢ કલાક ક્રેડર પર પાછું જતું નથી.
ટિન... ટ્રિન... 
તમે કિચનમાંથી આવીને ફોન ઉઠાવ્યો.
‘નાઇટ શોમાં આવવું છેને?’ 
ફોન અજિતનો હતો અને ફિલ્મનું નામ જાણ્યા વિના જ તમે નૈનેયો ભણી દીધો. 
‘કેમ, બીજો કોઈ પ્રોગ્રામ છે?’ 
‘હા, સોનુ નિગમ ઘરે જમવા આવવાના છે.’ તમે પૂછી લીધું, ‘ગુસ્સો આવ્યો?’ 
‘હા, પણ તું સમજે છે એ વાતનો નહીં.’ અજિતે ગાળ આપીને કહ્યું, ‘તું તારી બહેનપણી માટે આ ભાઈબંધને ના પાડે છે એટલે.’ 
‘.........’
તમે ગાળ ચોપડાવી દીધી એટલે હવે અજિતે પૂછ્યું, 
‘કેમ ગુસ્સો આવે છે?’ 
‘હા, અને તું સમજે છે એ જ વાતનો.’
તમે દાંત ભીંસીને ફોન કટ કરી નાખ્યો.
lll
રસોઈ તૈયાર હતી. પૂરી અને છાલવાળા બટાટાનું શાક. બટાટાની છાલ ઉતાર્યા વિના પણ એનું શાક બને એ રેસિપીની દાદાની દુકાનમાં મજૂરીકામ કરતા ભોલા પાસેથી તમને ખબર પડી હતી. ભોલાના ઘરે છાલવાળા બટાટાનું શાક બને ત્યારે એ વાટકો ભરીને તમારા ઘરે આપી જાય. ભોલો દલિત સમાજનો, પણ દાદા તેને દીકરો જ ગણે અને એ નાતે ભોલો તમારું પણ ધ્યાન એટલું જ રાખે.
થાળી લઈને તમે હૉલમાં આવ્યા. 
જમતાં પહેલાં તમે મ્યુઝિક-સિસ્ટમ ચાલુ કરી. જમતી વખતે એકલું ન લાગવું જોઈએ. લાગવું જોઈએ કે કોઈ આપણી સાથે, આપણી પાસે બેઠું છે. 
- ‘અત્યારે એશા ઘરે આવે તો?’ 
પહેલો કોળિયો અધવચ્ચે જ અટકી ગયો. ઘરમાં નથી ટીવી. ફ્રિજ પણ હજી હમણાં લીધું. ઓએલએક્સ પરથી સેકન્ડમાં મળી ગયું એટલે લીધું, પણ આ સિવાય ઘરમાં કંઈ નહીં. બેડરૂમમાં બેડ પણ નહોતો, જમીન પર પથારી પાથરેલી રહે અને લાકડાની એક અલમારી. કાચ વિનાની, ચોરબજારમાંથી ખરીદેલી. તમે અત્યારે જેના પર બેઠા હતા એ સોફા પણ તમે ચોરબજારમાંથી જ તો ખરીદ્યો હતો. લીધો ત્યારે વિચાર્યું હતું કે પૉલિશિંગ કરાવીશ, પણ પછી ટાળી દીધું. થોડો સમય વાપરીને વેચી નાખીશું. 
- કંઈક આવું જ કહ્યું હતું તમે તમારી જાતને.
- અરે, એશા શું, બીજી કોઈ પણ છોકરીને આ ઘરે આવવાનું મન થાય એવું ઘર તો બનાવ્યું નથી અને પ્રેમમાં પડવા નીકળ્યો છે. ભલા માણસ, આ પરિસ્થિતિમાં કોઈને ‘લવ યુ’ કહેશો તો જિંદગીમાં દેકારો બોલી જશે. 
આંતરમને ટોણો માર્યો અને તમે સાંભળી પણ લીધો. વાત તો સાચી જ હતીને. 
તારી હથેળીને દરિયો માનીને, 
કોઈ ઝંખનાને સોંપે શું કામ
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. 
તુષાર શુક્લએ કદાચ આ જ સંજોગોને ધ્યાનમાં રાખીને ગીત લખ્યું હશે. તમે વૉલ્યુમ વધારવા ઊભા થયા ત્યાં જ અવાજ આવ્યો,
ટ્રિન... ટ્રિન... 
‘હેલો...’ 
‘હાં, બોલો.’ 
એશાએ તમારી નકલ કરી. 
‘ઓહ! તમે?’ 
‘હા! અમે...’ 
એશા આજે વધારે રમતિયાળ થઈને વર્તતી હતી. 
‘રસોઈ તૈયાર થઈ ગઈ?’ 
‘હા, ક્યારની.’ 
‘તો પછી હજી સુધી ટિફિન કેમ નથી આવ્યું?’ તમે જવાબ આપ્યો નહીં એટલે એશાએ કહ્યું, ‘ખરેખર તમે સાવ લલ્લુ છો.’ 
‘કેમ?’ 
‘શું કેમ, કોઈ છોકરી આવું કહે તો તરત જ કહેવાનું હોય, ક્યાં લઈને આવી જાઉં ટિફિન.’ છોકરીના ઘર સુધી પહોંચવાનો નુસખો એશાએ જ દેખાડ્યો, ‘ઍડ્રેસ આસાનીથી મળી જાય.’ 
‘એમ?’ 
‘એક મિનિટ...’ 
માઉથપીસ પર હાથ મૂકીને એશાએ કોઈક સાથે વાત કરી. એ અવાજ સંભળાતો હતો, પણ શબ્દો પારખી શકાતા નહોતા. તમે ધ્યાન આપવાની કોશિશ કરી, પણ વ્યર્થ. કશું જ કહ્યા વિના એશાએ ફોન કટ કરી નાખ્યો.
- ‘ગજબ છે, કહેતી પણ નથી કે આપણે પછી વાત કરીએ.’ 
તમે જમવાનું શરૂ કર્યું.
‘કોની હથેળીમાં કોનું છે સુખ, 
કોને દરિયો મળે ને કોને રેતી; 
વરતારા મોસમના ભૂલી જઈને 
એક ઝંખનાને રાખવાની વ્હેતી...’
ટ્રિન... ટ્રિન...
પાંચેક મિનિટમાં જ ફરી ફોનની રિંગ વાગી.
‘હાં, બોલો.’ 
ક્ષણવાર માટે તમને લાગ્યું હતું કે એશાએ ફોન કર્યો હશે, પણ સામા છેડે એશા નહોતી. 
‘તમે કોણ બોલો છો?’ પૂછનારના અવાજમાં જરા આક્રમકતા હતી. 
‘કેમ, તમારે શું કામ છે?’ 
તમને થયું કે આ નવી ઉપાધિ ક્યાંથી આવી?
‘થોડી વાર પહેલાં એશાએ તમારી સાથે વાત કરી હતી?’ 
‘હા, કેમ?’ 
‘કેમ કે એ ફોન પછી એશાનો ઍક્સિડન્ટ થયો છે.’ 
‘વૉટ?’ તમારા પગ તળેથી ધરતીકંપ પસાર થઈ ગયો, ‘બ્રેઇન ઇન્જરી લાગે છે.’ 
‘ક્યાં છે તે અત્યારે?’ 
‘પરેલ, મહાત્મા ગાંધી હૉસ્પિટલ.’ 
‘ઓકે. હું હમણાં પહોંચું છું.’ 
તમે ઊભા થઈ ગયા, પણ તરત જ પેલી વ્યક્તિની તાકીદ આવી,
‘અહીં આવીને પહેલાં મને મોબાઇલ કરજો.’ સામેથી મોબાઇલ-નંબર લખાવવામાં આવ્યો, ‘આપણી વાત થાય તો જ રૂમમાં યુ સી, તેના ફૅમિલી મેમ્બર્સ...’ 
‘હાં, મને તેણે કહ્યું’તું.’ 
તમને હવે બીજી કોઈ વાતમાં રસ નહોતો. તમારે મહાત્મા ગાંધી હૉસ્પિટલ પહોંચવું હતું, મોડું થઈ જાય એ પહેલાં... 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah