લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૨)

04 October, 2022 11:26 AM IST  |  Mumbai | Rashmin Shah

‘શું હા-ના, હા-ના કરો છો?’ રૉન્ગ નંબરે સહેજ છણકો કર્યો, ‘મારે આવા જવાબો સાંભળવા હોત તો મેં હોટેલના રિસેપ્શન પર ફોન કર્યો હોત’

લવ યુ, હંમેશાં (પ્રકરણ - ૨)

ખટ... ખટ...
દૂધ મૂકીને ગયેલા ભૈયાએ દરવાજે કરેલા નૉકને કારણે તમારી વિચારધારા અટકી. તમે ઘડિયાળ સામે જોયું. નાનો કાંટો છ ઉપર અને મોટો ચાર પર હતો. સૂવું હોય તો હજુ દસ મિનિટનો સમય હતો, પણ ના, ઊંઘ નહોતી આવવાની.
આઠ વાગ્યે રૉન્ગ નંબરનો ફોન આવવાનો હતો ને ૦૮:૧૨ની ફાસ્ટ પકડવા તમે પોણાઆઠે ઘરેથી નીકળી ગયા હતા. બહુ મન થયું હતું કે એ કૉલ રિસીવ કરીને જવું, પણ આ મુંબઈ હતું. આઠ વાગ્યે આવનારો ફોન મોડો પડે, પણ આઠ ને બારની ફાસ્ટ પાંચ સેકન્ડ પણ મોડી નહોતી પડવાની. સ્ટેશનથી તમારું ઘર વીસેક મિનિટના અંતરે હતું. ફોન આવે એ પહેલાં જ ઘરેથી નીકળી ગયાનો અફસોસ થોડી વારમાં તમને થવા માંડ્યો હતો. થતું હતું કે વાત કરીને નીકળ્યો હોત તો ઘણી સ્પષ્ટતા થઈ હોત. તમે જાણવા માગતા હતા કે એ રૉન્ગ નંબર છે કોણ છે? એનું નામ, કામ અને ખાસ તો વારંવાર ફોન કરવાનો હેતુ. 
lll
તમારો આજનો દિવસ કંટાળાજનક રહ્યો. ઑફિસમાં વાગતી ફોનની ઘંટડીમાં પણ તમને રૉન્ગ નંબરનો ભાસ થતો હતો. લંચ સમયે અજિતે તમને મૂડ ન હોવાનું કારણ પણ પૂછ્યું, પણ તમે અજિતના ડબ્બામાં આવેલા ભીંડાના શાકનાં વખાણ કરતાં-કરતાં જવાબ ગળે ઉતારી ગયા. 
અજિત કાટકર, તમારી સાથે, તમારી જ ઑફિસમાં અને તમારા જ ડિપાર્ટમેન્ટમાં હતો. ફરક માત્ર એટલો કે તમે ગુજરાતીના કૉપીરાઇટર હતા અને અજિત મરાઠી ડેસ્ક સંભાળતો. અજિતને ગુજરાતી મીઠાઈઓ માટે જેટલો પ્રેમ એટલી જ નફરત એ ગુજરાતી ગીતોને કરે. તેની હંમેશાં દલીલ રહેતી,
‘તમારાં ગુજરાતી ગીતો એટલે ગરબા. બસ, બીજું કંઈ નહીં.’
શરૂઆતમાં તો તમે તેને પુરુષોત્તમ ઉપાધ્યાયથી માંડીને આશિત દેસાઈ અને શ્યામલ-સૌમિલ માટે બહુ સમજાવ્યો, પણ એ મરાઠી એક જ નામ લઈને ઊભો રહી જતો, લતા મંગેશકર. દલીલ પણ કરે કે તમારે ત્યાં લતા મંગેશકર જન્મે ત્યારે વાત કરજે. 
lll
સાંજે તમે સમયસર ઘરે પહોંચી ગયા, ગઈ કાલે જે સમયે રૉન્ગ નંબર આવ્યો હતો એની દસ મિનિટ પહેલાં, અત્યારે ફરી એ આવે એવી આશા સાથે. 
ઘરે સમયસર પહોંચવા માટે તમે રૂમાલ અને અન્ડરવેઅર લેવાનું ટાળી દીધું હતું. 
ઘરે આવીને તમે સીધા કિચનમાં ગયા. ફોન આવે એ પહેલાં ઘરનાં કામો પૂરાં કરી લેવાની ગણતરીએ, આમ તો કિચનમાં જતાં પહેલાં મ્યુઝિક ચાલુ કરવાની તમારી આદત હતી. ફાસ્ટ વૉલ્યુમ સાથે ગુજરાતી ગીતો વાગે અને કિચનમાં તમે રાતની રસોઈ બનાવતા હો. રાતની રસોઈ એવી બનાવવાની જે બીજા દિવસે ટિફિનમાં ચાલે. આજે તમે ગીતો તો ચાલુ કર્યાં પણ વૉલ્યુમ ફાસ્ટ રાખવાની હિંમત ન કરી. રખે, રૉન્ગ નંબરનો ફોન આવે અને તમને રિંગ ન સંભળાય. 
પોણાઆઠ વાગ્યામાં રસોઈ થઈ ગઈ, પણ ફોન આવ્યો નહીં.
- કાલે તો સાતેક વાગ્યે ફોન આવ્યો હતો, આજે કેમ મોડું થયું? 
તમને તમારા વિચારો પર હસવું આવી ગયું. 
- અરે, રૉન્ગ નંબરની તે કંઈ આવી રાહ થોડી જોવાતી હશે. ભૂલથી આવે એ જ રૉન્ગ નંબર, છોકરીને ટીખળ સૂઝતી હશે એટલે તેણે વધુ એક વાર ફોન કર્યો. 
તમે મન મનાવવા કોશિશ કરી પણ મન માન્યું નહીં.
- તો સવારમાં એ ફરી શું કામ કરે? 
જવાબ પણ તર્કે જ આપી દીધો.
- અરે, કૉલર આઇડીમાં નંબર ખબર પડી જશે તો આવી ધારીને. બસ, વાત પૂરી. 
દિલ અને દિમાગની તર્કબાજી ચાલુ હતી. 
- તો એ આઠ વાગ્યે ફોન કરવાનું શું કામ કહે?
દિલના ખૂણેથી જવાબ આવ્યો.
- તને રમાડવા માટે, લલ્લુ. 
દિમાગ ભલે કહે કે છોકરીએ રમાડવા માટે ફોન કરવાનું કહ્યું, પણ એ વાતમાં માલ નથી અને તમે કંઈ તેની સાથે ઘર-ઘર રમવા માંડો એવા છો પણ નહીં. ચાર વર્ષથી મુંબઈની જાણીતી ઍડ એજન્સીમાં છો. બ્રૅસિયર પણ લાંબી કહેવાય એવાં ટી-શર્ટ પહેરીને ફરતી છોકરીઓ તમને બૉયફ્રેન્ડ બનાવવા આતુર છે, પણ તમે ક્યાં કોઈને ચાન્સ આપો છો. ભાડલાથી મુંબઈ આવવાનો તમારો હેતુ તમને યાદ છે અને એટલે જ અત્યારે તમારા દિમાગે જવાબ આપ્યો હતો.
વિચારોની ગતિ વધી અને તમારા હાથમાંથી તાવીથો નીચે પડ્યો. 
ખણાંગ. 
આ શાનો અવાજ? તમે હૉલમાં દોડી આવ્યા. ફોન ટિપાઈ પર પડ્યો હતો. ચુપ. એકાદ ક્ષણ તમે ફોન સામે જોયું અને રિસીવર ઊંચકી કાને માંડ્યું. ના, ફોન તો ચાલુ જ છે. પ્લેયરમાં તમારી ફેવરિટ ગઝલ વાગતી હતી. 
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધોપરધો માણસ ધબકે, 
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં. 
આ શહેર તમારા મનસૂબા ઊથલાવી દે કહેવાય નહીં 
આ ચહેરા પર બીજો ચહેરો ચીપકાવી દે કહેવાય નહીં. 
મુંબઈ આવ્યા પછી કવિ રમેશ પારેખની આ ગઝલ તમારો જાતઅનુભવ બની ગઈ હતી. મુંબઈગરા બન્યા વિના પણ રમેશ પારેખે મુંબઈને અદ્ભુત રીતે ઝીલ્યું હતું. 
તમને અજિત યાદ આવ્યો. થયું કે ફોન કરીને પૂછું કે તમારી મરાઠી પાસે ર. પા. છે? 
ફોન યાદ આવતાંની સાથે જ તમને રૉન્ગ નંબર યાદ આવી ગયો. 
સાડાનવ વાગી ગયા હતા. હવે ફોન આવવાનો નહોતો. 
lll
ટ્રીન... ટ્રીન...
રાતે સવા વાગ્યે તમારા ફોનની બેલ વાગી અને તમે જાગી ગયા. 
રૉન્ગ નંબર અત્યારે? 
તમે એક રિંગ વાગવા દીધી અને પછી ઝડપભેર ફોન ઊંચકી લીધો.
lll
‘હેલો...’ 
‘હેલો...’ 
સામેથી આવેલો અવાજ તમારા કાનમાં ગુંજી ઊઠ્યો. રૉન્ગ નંબરનો જ ફોન હતો. તમારા કપાળે પરસેવો બાઝી ગયો. હૃદયના ધબકારાની ગતિ તેજ થઈ ગઈ. 
‘સવારે કેમ ફોન નહોતો લીધો, કામમાં હતા?’ 
‘હા...’ 
તમે સાચું કારણ આપી દીધું. સ્કૂલમાં ભણતા ડાહ્યા વિદ્યાર્થીની જેમ.
‘ઓહ, એમ વાત છે. કીધું હોત તો પછી ફોન કર્યો હોત.’ રૉન્ગ નંબરે ટૉપિક ચેન્જ કર્યો, ‘અત્યારે તમે સૂઈ તો નહોતા ગયાને?’ 
‘ના...’
‘શું હા-ના, હા-ના કરો છો?’ રૉન્ગ નંબરે સહેજ છણકો કર્યો, ‘મારે આવા જવાબો સાંભળવા હોત તો મેં હોટેલના રિસેપ્શન પર ફોન કર્યો હોત.’ 
‘હા.’ 
ફરીથી એ ભૂલ તમે કરી. ઍક્ચ્યુઅલી તમને કંઈ સૂઝતું નહોતું.
‘ઓકે... બાય.’ 
રૉન્ગ નંબરે ફોન મૂકવાની તૈયારી કરી કે તમે તરત તેને રોકી.
‘એક વાત પૂછું?’તમે પૂછ્યું,  
‘ના...’ 
અને તમારી બોલતી બંધ થઈ ગઈ. એકાદ ક્ષણ સુધી ફોનના બન્ને છેડા ચૂપ રહ્યા અને પછી સામેના છેડેથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. 
‘સમજાયું, હા-ના સાંભળીને કેવો ગુસ્સો આવે?’ હસવાનું રોકી રૉન્ગ પૂછ્યું, ‘બાય ધી વે, તમારી વાઇફ આ બધું સાંભળતી નથીને?’ 
‘ના... ના...’ તમે ચોખવટ પણ કરી, ‘આઇ ઍમ બૅચલર.’ 
‘બૅચલર કે અનમૅરિડ?’ 
‘મીન્સ...’ 
‘મૅરેજની એજ હોય તો બૅચલર કહેવાય અને એ એજ વટાવી ગયા હોય એને અનમૅરિડ કહેવાય.’ 
‘ત્રીસ પૂરાં થશે.’ એક વર્ષ ઘટાડીને તમે ઉંમર કહી. 
‘હંમ...’ રૉન્ગ નંબરે તારણ આપ્યું, ‘આવતા વર્ષ પછી અનમૅરિડ ગણાશો.’ 
‘એમ?’ 
‘અરે હા, તમે કંઈ પૂછવા માગતા હતા?’ 
રૉન્ગ નંબરે તમને યાદ દેવડાવ્યું કે તમે તક ઝડપી લીધી.
‘સાચો જવાબ આપશો?’ 
‘જરૂરી લાગશે તો...’ 
‘તમારું નામ શું છે?’ 
ફોન કરવાનું કારણ પૂછવાને બદલે તમે નામની પારાયણ ખોલી. 
‘એશા.’ 
‘બૉબી અને સન્ની દેઉલ સાથે કોઈ સંબંધ...’ 
‘જરાય નહીં...’ રૉન્ગ નંબરે તરત જ પૂછી લીધું, ‘નામ જ જાણવું હતું કે બીજું કંઈ?’
‘ફોન કરવાનું કારણ...’ 
‘કેમ, તકલીફ પડે છે મારા ફોનથી?’ 
સામેથી પ્રતિપ્રશ્ન આવ્યો એટલે તમે જવાબ આપ્યો,
‘ના, ના. મજા આવે છે.’ 
‘ન ગમતું હોય તો ના પાડી દો. દાઢમાં બોલવાની જરૂર નથી.’ 
‘અરે એવું નથી...’ 
‘હોય તો પણ મને ફરક નથી પડવાનો...’ સામેથી કહેવાયું, ‘આ ફોન તમને ન ગમે તો તમારો પ્રૉબ્લેમ છે, મારો નહીં.’ 
‘સાવ સાચું કહું તો મને બે વાત બહુ ગમી.’ તમે વાત આગળ વધારી, ‘એક, તમારો અવાજ અને બીજું તમારો...’ 
ફોન અચાનક કટ થઈ ગયો. 
ધત તેરી કી 
તમારાથી નિસાસો નખાઈ ગયો. 
- માંડ જરા વાત થતી હતી ત્યારે જ ફોનને કટ થવાનું મન થયું. ફોન ડેડ તો નહીં થયો હોયને? રિસીવર ઊંચકી તમે ડાયલ ટોન ચેક કર્યો. 
- શું એનો ફોન ડેડ થયો કે પછી કોઈ ઘરમાં આવી ગયું? હા, સવારે એ ભાઈનું કહેતી હતી. મૅ બી, એ આવી ગયો હશે એટલે તેણે ફોન મૂકી દીધો હશે. 
તમે ઊભા થઈ ફ્રિજમાંથી ઠંડું પાણી કાઢી ઊકળતા વિચારો પર રેડ્યું.
- જો ભાઈ આવ્યો હોય તો પણ કહેવું તો જોઈએ. આમ થોડો ફોન કટ કરાય.
તમારી આંખ સામે આખો વાર્તાલાપ પસાર થવા માંડ્યો. નોકરી, હા-ના, ઉંમર, બૅચલર, ફોન કરવાનું કારણ... 
તમારી ઊંઘ ઊડી ગઈ હતી અને હવે ઊંઘ આવીને તમારી આંખ પર વસવાટ કરે એવી કોઈ સંભાવના રૉન્ગ નંબરે રહેવા નહોતી દીધી.
તમે હૉલમાં આવીને બેઠા. 
નાઇટલૅમ્પમાંથી રેલાતા આછા પ્રકાશમાં અસ્તવ્યસ્ત હૉલ દેખાતો હતો. જમ્યા પછી ફોનની રાહ જોતાં તમે હૉલમાં જ બેસી રહ્યા હતા. થાળી કિચનમાં મૂકવા નહોતા ગયા, પગનું એક મોજું શૂઝમાં હતું પણ બીજું ટિપાઈ પર હતું. દાદીને તમારા શૉક્સની વાસથી ત્રાસ છૂટતો ને તમને ક્યારેય એ ગંધ નહોતી આવતી. ઘણી વાર તમે શૉક્સ તમારા નાકે મૂકીને દેખાડતા અને એ જોઈને બાને ઊબકો આવી જતો. 
‘તારી બૈરી કહેશે ત્યારે જ તને વાસ આવશે...’
વાઇફ...
વાઇફ આવશે એ પછી ઘણાં બંધનો આવશે. ઘરે આવીને આમ સૉક્સ ઉડાડી નહીં શકાય. ટુવાલ દોરી પર જ સૂકવવાનો ને જમ્યા પછી પ્લેટ બેઝિનમાં જ મૂકવાની... 
આ કે આવા બીજા કોઈ નિયમો સામે તમને વાંધો નહોતો. એક સિવાય. આવનારીએ તમારા મ્યુઝિકની જગ્યા લેવાની નહીં લેવાની. સહેજ પણ નહીં, ક્યારેય નહીં.
મ્યુઝિકે તમારી લાઇફનાં તમામ સુખ-દુ:ખમાં ભાગીદારી કરી હતી. મેહદી હસનથી માંડીને જગજિત સિંહ, નુસરત ફતેહ અલીથી માંડીને આબિદા પરવીન અને પુરુષોત્તમ ઉપાધ્યાયથી માંડીને પાર્થિવ ગોહિલ સુધીના ગાયકો સાથે તમારે ઘરોબો હતો. તમારા મૂડને પારખતાં તેમને બહુ સરસ આવડી ગયું હતું. આ ગાયકોને કોઈ દૂર હડસેલે એ કેમ ચાલે?
તમે ઊભા થઈ મ્યુઝિક સિસ્ટમ પાસે આવ્યા. ઇચ્છા તો વૉલ્યુમ ફાસ્ટ રાખવાની હતી, પણ પાડોશીનો વિચારે તમે ઇચ્છા દબાવી દીધી. 
અપની મરજી સે કહાં અપને સફર કે હમ હૈં. 
સુખ હવા કા જીધર કા હૈ, ઉધર કે હમ હૈ 
છેલ્લા છત્રીસ કલાકમાં તમારી જિંદગી નિદા ફાઝલીની આ ગઝલ જેવી થઈ ગઈ હતી. રૂખ હવાઓં કા જીધર કા હૈ, ઉધર કે હમ હૈ... જેને તમે હજુ જોઈ નથી, કોણ છે, શું કરે છે એની તમને ખબર નથી અને તમે, તમે એના પ્રવાહમાં તણાઈ રહ્યા છો. એવું તે શું હતું એ છોકરીમાં કે તમે આમ, વધુ ને વધુ એની તરફ ખેંચાઈ રહ્યા છો? 

વધુ આવતી કાલે

columnists Rashmin Shah