લવ-સ્ટોરી (પ્રકરણ ૨)

20 September, 2022 12:42 PM IST  |  Mumbai | Rashmin Shah

‘ઉસ દિન કે લિયે મુઝે સૉરી કહના હૈ.’ મોનાના અવાજમાં માયૂષી છવાઈ, ‘ઉસ દિન પઠાણજીને ઇન્ટરવ્યુ દેને સે ઇનકાર કર દિયા થા તો...’

લવ-સ્ટોરી (પ્રકરણ ૨)

‘ખૂન તો મિલેગા, પર ઉસસે પહેલે સ્ટાર્ટર મેં કુછ પીના હૈ તો બતાઓ...’
મોનાના જવાબે મારા સહિત આખી ટીમના મનમાં જન્મેલો ડર સહેજ હળવો કર્યો.
મોનાના જવાબ પછી મેં પહેલી વાર તેની સામે ધ્યાનથી જોયું હતું. મોનાની આંખોમાં ગજબનાક ઉદાસી હતી.
શું એ થાક હતો?
ના, થાક નહીં, ઉદાસી જ હતી. જિંદગી પ્રત્યેની કે પછી પરાણે જીવતા રહેવાની ઉદાસી. પાવરફુલ વ્યક્તિની આંખમાં અગાઉ મેં આવી ગમગીની ક્યારેય નહોતી જોઈ.
જે વ્યક્તિ થકી મુંબઈના એકેએક પૉલિટિશ્યન્સનાં પૅન્ટ ભીનાં થઈ જાય છે એ વ્યક્તિ આમ, આ રીતે ઉદાસી વચ્ચે હોય એ મારે માટે આશ્ચર્યની વાત હતી.
‘સ્પેર મી ફૉર ટૂ મિનિટ્સ...’
મોના અંદર ચાલી ગઈ.
હું કંઈ કહું કે મારા કામે લાગું એ પહેલાં તો એ રૂમની બરાબર બાજુમાં આવેલા ડ્રૉઇંગરૂમમાંથી ચણભણ સંભળાઈ. અવાજ મોનાનો હતો અને સામેનો અવાજ, હા, શરીફ પઠાણનો જ હતો એ અવાજ. બન્ને અવાજ દૂર જતા હતા.
ધડામ...
ડ્રૉઇંગરૂમની પાછળની એ રૂમમાંથી વસ્તુ પડવાનો અવાજ આવ્યો અને એ પછી એકાદ મિનિટ પછી મોના ફરી રૂમમાં આવી.
‘હમેં ક્યા-ક્યા કરના હૈ?’
lll
ત્રણ દિવસ પછી હું ફરી મોનાને મળ્યો.
‘સૉરી’ લખેલું કાર્ડ અને બુકે સાથે.
કાર્ડ અને બુકે મોનાના પીએને આપીને હું નીકળી ગયો.
‘અરે, ઐસી કોઈ બાત નહીં હૈ કિ તુમ્હે સૉરી કહના પડે.’ સાંજે મોનાનો ફોન આવ્યો, ‘સ્ટોરી નહીં આયી તો ના સહી...’
હું જવાબ નહોતો આપી શક્યો, પણ હા, મોનાનો અવાજ કાનમાં રેડાતો હતો.
‘ઉસ દિન કે લિયે મુઝે સૉરી કહના હૈ.’ મોનાના અવાજમાં માયૂષી છવાઈ, ‘ઉસ દિન પઠાણજીને ઇન્ટરવ્યુ દેને સે ઇનકાર કર દિયા થા તો...’
‘અરે નહીં મૅમ...’
હું મૅમ બોલ્યો હતો એ મને હજી પણ યાદ છે. કલેક્ટરને મોના કે મોનાજી ન જ કહેવાય, પણ કોણ જાણે કેમ મને મૅમ કહેવામાં તકલીફ પડી હતી.  
‘ઇટ્સ ઓકે...’
‘વન મોર થિંગ... કાલે તમે કહ્યું કે સ્ટોરી ઑનઍર થયા પછી જ આપણે મળીશું, પણ એવું કરવાની જરૂર નથી...’ ફિયરલેસ થઈને વાત કરતી મોના ઑફિસમાં જ છે એવું મેં ધારી લીધું હતું, ‘એવું કરશો તો બીજા ન્યુઝ મિસ થશે...’ 
‘થૅન્ક્સ...’
‘યુ આર ઑલવેઝ વેલકમ...’
ફોન કટ કર્યો કે તરત જ કૅમેરાપર્સન પ્રમોદ અભ્યંકરે પૂછ્યું,
‘કોણ હતું?’ 
‘બબલી...’ મેં તરત જ જવાબ સુધારી પણ લીધો, ‘મોના ગુર્જર.’
‘કરણ, તારું ધ્યાન હતું...’ ચાલુ બાઇકે પ્રમોદે મારા ચહેરા પર મિરર સેટ કર્યો, ‘ઇન્ટરવ્યુ આપતી વખતે તે તારી સામે જોઈ નહોતી શકતી. તું બધા ઇન્ટરવ્યુ જોઈ લે, આઇ-કૉન્ટૅક્ટ રાખવાને બદલે તેણે તારા સોલ્ડરને કૉન્ટૅક્ટમાં રાખ્યો છે.’
‘હંઅઅઅ...’
એ સમયે તો જાણે રસ ન હોય એમ જવાબ આપી દીધો, પણ ઑફિસ જઈને મેં આ વાતની ખરાઈ કરી લીધી હતી. પ્રમોદની વાત સાચી હતી. મોના ફેસ સામે જોવાનું ટાળતી હતી.
- ‘કેવું છેને, તે ધારતી હતી કે હું તેની સામે જોતો હોઈશ એટલે તેણે અવૉઇડ કર્યું અને તેને સંકોચ ન થાય એટલે હું તેની એક્ઝૅક્ટ પાછળ આવેલા ફ્લાવર-વાઝને આઇ-કૅન્ટૅક્ટ બનાવીને બેસી રહ્યો.
lll
‘સ્ટોરી ઑનઍર નથી થઈ, પણ કૉપી જોઈતી હોય તો પહોંચાડવાની વ્યવસ્થા કરું.’
સ્ટોરી ખરેખર બહુ સરસ બની હતી. મોના અને તેની બન્ને દીકરીઓનાં થોકબંધ વિઝ્‍યુઅલ્સ હતાં. મોના દીકરીને હીંચકા ખવડાવે છે, બાળકોને લઈને મજાક-મસ્તી ચાલે છે, બાળકોને સાઇક્લિંગ શીખવે છે એવાં વિઝ્‍યુઅલ્સ પણ હતાં તો મોનાના અઢળક ક્લોઝ-અપ્સ પણ હતા, તો મોનાની કેટલીક નિયમિત ઍક્ટિવિટી પણ એમાં શૂટ થઈ હતી.
મારી ધારણા કરતાં વધારે ઝડપથી મોનાનો રિપ્લાય આવ્યો. 
‘અફકોર્સ યસ, આજે જ. જો શક્ય હોય તો...’
કરણે પણ તરત જવાબ આપી દીધો.
‘૪ વાગ્યે પેનડ્રાઇવ લઈને હું જ આવીશ.’ 
‘ધેટ્સ મોર લવલી.’
lll
એ સાંજે ચાર વાગ્યે હું મોનાને ફરી મળ્યો. હું તેને પેનડ્રાઇવ આપવા ગયો.
એ દિવસે છૂટાં પડતાં પહેલાં મેં હવે ક્યારે મળવાનું છે એ નક્કી કરી લીધું. 
lll
‘આબિદા પરવીનનાં એ બન્ને આલબમ કાલે પહોંચાડી દઈશ, ૪ વાગ્યે...’
‘કાલે...’ મોનાએ પ્લાનર જોયું, ‘૪ નહીં, બપોરે બે વાગ્યે મળીએ.’ મોનાએ સ્પષ્ટતા પણ કરી, ‘૪ વાગ્યે ક્રૉફર્ડ માર્કેટ માટે મીટિંગ છે.’
જર્નલિસ્ટ તરીકે ક્રૉફર્ડ માર્કેટ સાંભળીને કાન સરવા થવા જોઈએ, પણ થયા નહીં.
મને મોનાની ક્રૉફર્ડ માર્કેટમાં રસ નહોતો. સાવ સાચું કહું તો મને મોનાના કોઈ કામમાં રસ નહોતો, મને મોનામાં રસ હતો. અલબત્ત, એ સમયે મને પણ નહોતી ખબર કે મારું ધ્યાન મોના તરફ વધતું જાય છે.
અમારું મળવાનું વધવા માંડ્યું. મોટા ભાગે અમે જાહેરમાં મળતાં અને હું તેને તમે કહેતો. મારાથી તે પદ અને ઉંમર બન્નેમાં મોટી હતી.
હવે મને સમજાતું હતું કે શરીફ અને મોનાના સંબંધમાં મીઠાશ નહોતી. તેણે મને કોઈ ફરિયાદ નહોતી કરી, પણ મને અણસાર સ્પષ્ટપણે આવી ગયો હતો.
એક સાંજે મેં તેને ઘરે ડિનર માટે કહ્યું. 
‘પૉસિબલ નહીં હૈ...’ મોનાએ કહ્યું, ‘એક કામ કરો, તુમ આઓ ખાને પે.’
‘ક્યારે?’ ગુજરાતી ક્યારેય તક જતી ન કરે, ‘કલ?’
‘નહી, પરસોં.’ મોનાએ વિનાસંકોચ કારણ પણ કહી દીધું, ‘શરીફ તારા નામથી ઉશ્કેરાય છે. પરમ દિવસે તે દિલ્હીમાં છે ત્યારે જ તું આવ.’
એ સાંજે મોનાના ઘરેથી હું બારેક વાગ્યે નીકળ્યો હતો.
૧૦ વાગ્યા સુધી તો હું અને મોનાનાં બાળકો રમતાં હતાં. 
lll
‘સાક્ષી શરીફ કી બેટી હૈ ઔર...’ મારી આંખો ફાટી ગઈ. ‘ક્યોં, ક્યા હુઆ?’
‘સાક્ષી શરીફ કી બેટી હૈ તો ઈશા...’
‘અરે સ્ટુપિડ, બેટી દોનોં શરીફ કી હૈ.’ મોનાએ તકિયો ફેંક્યો, ‘મતલબ યે હૈ કિ સાક્ષી શરીફ કી બાત માનતી હૈ ઔર ઈશા મેરી...’
‘ઓહહહ...’
‘વૉટ, ઓહ...’ મોનાએ ચાળા પાડ્યા, ‘સ્ટુપિડ, નૉન-સેન્સ.’
આ મોનાને જોઈને કોઈ કહી ન શકે કે તે મુંબઈની ઍડિશનલ કલેક્ટર હશે.
એ રાતે મોના પાસે તેના સ્કૂલના દિવોની વાતો સાંભળી. શરીફ સાથે કઈ રીતે દોસ્તી થઈ અને એ દોસ્તી કઈ રીતે પ્રેમમાં ફેરવાઈ એ પણ વાતો થઈ. મોના શરીફની વાતો ટાળતી. શું કામ એ ખબર નથી, પણ તે શરીફનો ઉલ્લેખ ભાગ્યે જ કરતી. બને કે તેને હજીયે અમારી દોસ્તી પર શંકા હોય. બને કે તેને દોસ્તી કરતાં, મારા પ્રોફેશન પર વિશ્વાસ ન હોય. જે હોય એ, હકીકત એ હતી કે મને પણ શરીફની વાતોમાં રસ નહોતો.
સાચું કહું તો, મને શરીફના નામથી પણ બીક લાગતી. 
શરીફની જબરદસ્ત પહોંચ હતી. જો તે ધારે તો પાંચ સેકન્ડમાં મને કોઈ કેસમાં ફસાવીને રામધામ પહોંચાડી દે.
જો શરીફને મારી અને મોનાની દોસ્તીની ખબર પડી તો? જો કોઈ શરીફને અમારી દોસ્તી વિશે ખોટી માહિતી આપીને ઉશ્કેરે તો?
મારા આખા શરીરમાં ઠંડીનું મોજું ફરી રહ્યું છે.
lll
કરણના મનમાં શું હતું એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એ છે કે મોનાના મનમાં શું હતું. મોનાના મનમાં પણ પ્રેમના અંકુર હતા. મોનાના મનની વાત હવે જાણીએ.
lll
મને ખબર હતી કે કરણે મારું નામ બબલી પાડ્યું છે.
મારા પીએની હાજરીમાં એક વાર કરણ બોલી ગયો હતો જે તેમણે મને કહ્યું.
કરણ આવવાથી મારી લાઇફમાં આછી મુશ્કૂરાહટ આવી છે.
પહેલાંની લાઇફ, શરીફ સાથેની જિંદગી અને કરણ આવ્યા પછીની લાઇફમાં એક ચેન્જ હતો. પહેલાં બધું રૂટીન હતું. શરીફ કહેવા ખાતર હાયર-એજ્યુકેશન લઈને આવ્યો હતો, પણ તેના વિચારો અને ઉચ્ચ શિક્ષણ વચ્ચે જમીન-આસમાનનું અંતર હતું.
કરણ સાથે મારે પહેલી વાર ધરતીકંપ માટે વાત થઈ હતી. રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ તેનો ફોન આવ્યો હતો. 
‘મૅમ, ક્યા અભી મુંબઈ મેં ભૂકંપ આયા હૈ?’
એ સમયે હું શરીફ સાથે પનવેલમાં હતી. શરીફ તો દારૂ પીને ઘોંટી ગયો હતો, પણ મને ઊંઘ નહોતી આવતી.
‘અભી મૈં મુંબઈ સે બાહર હૂં...’
હું બોલવાનું પૂરું કરું એ પહેલાં કરણે ફોન કાપી નાખ્યો હતો.
એ પછી મેં પણ ઇન્ફર્મેશન લીધી. નજીવો કહેવાય એવો ભૂકંપનો આંચકો આવ્યો હતો. મને થયું કે જેણે મને માહિતી આપી એ વ્યક્તિ સાથે મારે ઇન્ફર્મેશન શૅર કરવી જોઈએ. મેં રિસીવ કૉલનું લિસ્ટ ચેક કરી કરણને ફોન કરી ઇન્ફર્મેશન આપી અને એ રાતે કરણનો નંબર મોબાઇલમાં સેવ કર્યો.
એ પછી સીધો તેનો ફોન લેડી બ્યુરોક્રેટ્સના સ્પેશ્યલ પ્રોગ્રામ માટે આવ્યો. આ રીતે ઇન્ટરવ્યુ માટે પૂછવાની હિંમત મને હજી સુધી તો મુંબઈના કોઈ જર્નલિસ્ટે નહોતી કરી. કરણ પહેલો હતો જેણે પર્સનલ ઇન્ટરવ્યુ માટે પૂછ્યું હોય. મને ક્ષણભર થયું કે શરીફ સાથે વાત કરું, પણ ખબર નહીં કેમ, મેં સીધી જ કરણને હા પાડી દીધી હતી.
કરણના અવાજમાં અપનાપન હતું.
મને ખબર છે કે આ મારી પ્રેમ કરવાની ઉંમર નથી. ૩૨ વર્ષ થયાં. પ્રેમ કરવાની હવે હિંમત પણ નહોતી. શરીફને કારણે અને કલેક્ટરના સ્ટેટસને કારણે પણ. એમ છતાં કરણ માટે ધીમે-ધીમે લાગણીઓ ઊભરાતી હતી. કરણ ક્યારેક સાવ નિર્દોષ લાગતો તો ક્યારેક એકદમ બદમાશ લાગતો. સાક્ષી અને ઈશા સાથે રમતા કરણને જોઈને મને પહેલી વાર થયું કે શરીફ સાથે મૅરેજ કરીને મેં ભૂલ કરી છે.
મારે એવા જીવનસાથીની જરૂર હતી જે પોતાની વાઇફને ચાહતો હોય. ઘરે આવ્યા પછી ફૅમિલીનો હોય.
lll
‘કરણ, તુમ અપની વાઇફ કા હર કામ કરોંગે?’
‘હા, એક કામ કો છોડ કર...’
‘કૌન સા કામ કે...’ 
કરણે સ્પષ્ટતા સાથે જવાબ આપ્યો એટલે મને એ કામમાં રસ પડ્યો, પણ કરણે ખભા ઉલાળ્યા એટલે મેં પ્રેશર કર્યું.
‘અરે, બતાઓ તો સહી.’ 
‘બચ્ચે કો ફીડિંગ મૈં નહીં દૂંગા.’
જવાબ આપી કરણ નીચું જોઈ ગયો.
એ સમયે મને ખરેખર કરણને પપ્પી કરવાનું મન થયું હતું. પપ્પી, કિસ નહીં અને હું માનું છું કે તમને પપ્પી અને કિસ વચ્ચેના ફરકની ખબર હશે.
શરીફ સાથેના પ્રેમમાં અને કરણ સાથેની લાગણીઓમાં એક ફરક હતો. શરીફ ક્યારેય સામેની વ્યક્તિનો વિચાર નહોતો કરતો, જ્યારે કરણ હંમેશાં માનતો કે સામેની વ્યક્તિનો વિચાર પહેલાં કરવો.
શરીફને હું નાશિકના પોસ્ટિંગમાં મળી હતી. એ સમયે અમે ગેરકાયદે બાંધકામ તોડતાં હતાં. નાશિક હાઇવે પર આવેલી એક દરગાહ રસ્તાની બરાબર વચ્ચે હતી. બહુ સમજાવટ પછી પણ મુસ્લિમો દરગાહ હટાવવા તૈયાર નહોતા એટલે અમે મસ્જિદ તોડવાનો આદેશ આપી દીધો. મારું પહેલું જ પોસ્ટિંગ હતું. 
લોકોનાં ટોળાં ભેગાં થવા માંડ્યાં. કોઈ મસ્જિદ પાસે અમને જવા ન દે. આ દેખાવો માટે અમે માનસિક રીતે તૈયાર હતા, પણ ઘટનાએ નવો રંગ જ લીધો અને કોઈએ સળગતો ટેનિસ બૉલ મારા પર ફેંક્યો. અધિકારીઓમાં ભાગદોડ મચી અને મને આદેશ સંભળાયો,
‘અટૅક...’
એ દિવસે ફાયરિંગમાં સાત મુસ્લિમો મર્યા. એ રાતે પહેલી વાર હું શરીફને મળી. એ પછી તો ઇન્ક્વાયરી બેઠી અને તપાસપંચમાં પણ શરીફે મારો પક્ષ લીધો. થોડું સાચું કહીને, વધારે જૂઠું બોલીને.
તપાસ પંચના રિપોર્ટ પછી શરીફ વિરુદ્ધ રૅલી નીકળી, તોફાનો થયાં. મૌલવીઓએ તેમના ભાષણમાં શરીફને બેવફા કહ્યો, પણ શરીફ પઠાણને આની કોઈ અસર થઈ નહીં. અલબત્ત, સજારૂપે શરીફની ટ્રાન્સફર થઈ, જેનું મને બહુ દુ:ખ થયું, પણ શરીફને કોઈ અસર નહોતી.
‘અબ કોઈ હંગામા મત કરના...’ શરીફે મને કહ્યું હતું, ‘શરીફ શહર મેં નહીં હૈ.’
ઘરથી હજારો કિલોમીટર દૂર પોસ્ટિંગ પર આવી ત્યારે એકલાં રહેવાનો ડર હતો. એ દિવસે, શરીફ ગયા પછી એ જ ડર મનમાં જન્મ્યો હતો.
 
વધુ આવતી કાલે

columnists Rashmin Shah